હોસ્ટેલ - પ્રકરણ 1 (ટાઈમ ટેબલ) in Gujarati Biography by SIDDHARTH ROKAD books and stories PDF | હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ)

Featured Books
Categories
Share

હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ)

ટાઈમ ટેબલ 

   અમારું ટાઈમ ટેબલ ખુબ કળક હતું. બેલના સતત બે મિનિટ સુધી થતા ઘોંઘાટમા સવારે પાંચ વાગે માંડ-માંડ ઉઠી શકાતું. શિયાળો હોય કે ઉનાળો ઉઠીને તરત નાહવા જવું બધાને ફરજીયાત હતું. નાહવા માટે પણ ખુબ મહેનત કરવી પળતી. મહેનત એટલે કરવી પળતી કે અજાગ્રત અવસ્થામા બ્રશ પર ટૂથપેસ્ટ લગાવી બાથરૂમ સુધી પહોંચવાનું. એમાં પણ એ ચિંતા રહેતી કે બાથરૂમમા મારાં માટે જગ્યા હશે કે નહી. ઘણા લોકો સવારના પ્રેશરના લીધે એકથી બીજે બાથરૂમ જળપ ભેર દોળતા જોવા મળતા. એમાં પણ દરેક સંડાશ આગળ બે-ત્રણ જણાની લાઈન લાગેલી હોય અને લાઈનમાં ઉભેલા દરેક વ્યક્તિ વારા ફરતી સંડાશના દરવાજાને પાટા-ઢીંકા વળે પીટતા હોય. જેનો અવાજ આખી હોસ્ટેલમા બીજા સુતેલા લોકોને ઉઠવા મજબુર કરતો હોય.

ચાર- પાંચ ફૂટ ઊંચાઈ સુધી ચણેલ દીવાલો વાળા છ-સાત ખુલ્લા બાથરૂમ હતા. તેમાં ઉપરથી સીધી પાણીની ધાર થતી. તેની આગળ ચાર થી પાંચ છોકરાઓ નીચે ગોઠણ સુધીનો ચડો પહેરી, ગળે ટુવાલ વીટી અને મોઢામાં બ્રશ રાખી લાઈન લગાવી ઉભા રહેતા. જો કોઈ પણ બ્રશ વાળું મોઢું ધોવા કે પેશાબ કરવા લાઈન બહાર જાય તો તેનો વારો જતો રહેતો. તેને ફરી લાઈનમા ઉભા રહેવું પળતું. તેમાં પણ દોસ્તાર મિત્રો એક બીજાની જગ્યાઓ રાખતા. ઘણી વખત લાઈનમા કોઈ વચ્ચે આવે તો બાધા-બાધી થતી. જો કોઈ એવો વ્યક્તિ આગળ નાહવામાં ઉભો હોય જે વધું સમય લગાવે તો તેની પાછળ લાઈનમાં કોઈ જોવા મળતું નહી. જેમ કે મારી પાછળ બોવ ઓછા લોકો રહેતા. ઘણી વખત વધારે સમય લગાવનાર વ્યક્તિને બે લોકો પકડી બાથરૂમ બહાર કાઢતા અથવા તો તેનો ટુવાલ નીચે ભીનામાં ફેંકી દેવાની ધમકી આપતા.

સ્નાનમ વિધિ કરીને ખાશ પ્રકારના વસ્ત્રો પહેરી તૈયાર થઇને ભજન ભક્તિ માટે જવાનુ થતું. અમારી હોસ્ટેલ ધાર્મિક અને આધ્યાત્મિક હતી એટલે તે બધું અમારી દૈનિકક્રિયામાં રહેતું. જો જવામા થોડું પણ મોળું થાય અને છ વાગી જાય તો પચાસ થી સાઈઠ ઉઠક-બેઠક ત્યાં કરવી પળતી. ઘણી વખત આ રીતે શારીરિક શ્રમ સાથે દિવસની શરુવાત થતી. ભજન ભક્તિ કરી હરિ હરનો ફેરો ફરી સાત વાગે ફરી રૂમ પર પહોંચતા.

         રૂમે આવી કપડાં બદલી સ્કૂલડ્રેશ પહેરી તૈયાર થવાનું અને સાત થી સાળા સાતના સમયમાં પોતાનો બેડ, કબાટ, રૂમ, આગળની લોબી તથા પાછળની બાલ્કનીની સફાઈ કરવાની. અમારા રૂમમા દસ લોકો ભણવાના અર્થે આવેલા અલગ ધોરણના વસાહત કરતા. હોસ્ટેલના નિયમ મુજબ એવું હતું કે નાના મોટા વિદ્યાર્થી ને એક રૂમમા ભેગા રાખવા જેથી કંઈક એકબીજાને ભણવામાં મદદરૂપ થઇ શકે અને નવું સીખી શકે. તે નિયમના લીધે ઘણાની પથારી ફરી જતી જેમા મોટા ધોરણ વાળા અમુક તત્વો નાના ધોરણ વાળી પ્રજા પર હુકુમત કરતા. તે લોકો રૂમ પ્રમાણે પોતાના ધરના નિયમો ઘડતા. જે નિયમના ઉલ્લંઘનની સજા રૂપે સફાઈનો વારો આપી દેવાતો. કોઈ દિવસ એવો ન જતો કે જેમા ઉલ્લંઘની સજા ન મળી હોય. વાંક હોય કે ન હોય નવા નિયમ બનાવી સજા ફટકારવામાં આવતી. જેના પરિણામ રૂપે અઠવાડિયા અગાઉથી સફાઈ કરવાના વારા નક્કી થઈ જતા. જેમાં હુકુમત કરવાવાળા લોકોનું ક્યાંય નામ ન હોતું. એ ક્યારેય સાફઈ કરતા નહી. આવા ત્રાસને લીધે ઘણા નવા એડમિશન થયેલા વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોળી ભાગી જતા. એ વાતની ખુદ હોસ્ટેલ સંચાલક કે રેકટરને પણ ખબર રહેતી નહી અને હોસ્ટેલ છોળી જતા લોકો એ ત્રાસ વિશે કહી શકતા પણ નહીં.

        ત્યારબાદનો અડધો કલાકનો સમય રહેતો સ્કુલ બેગ ક્લાસમાં મૂકીને નાસ્તો કરવાનો. ત્યાર પછી આઠ વાગ્યાથી સ્કૂલ રહેતી. સ્કૂલનો ટાઈમ રહેતો આઠ વાગ્યા થી સાળા ત્રણ વાગ્યા સુધીનો. સ્કૂલ ટાઈમમાં જમવા માટે બાર વાગ્યાથી એક વાગ્યા સુધી રિસેસ પડતી. આ જમવાના બ્રેકમાં ઘણી બધી વિવિધ પ્રકારની પ્રવૃત્તિ થતી. ઘણા બધા વિદ્યાર્થીઓ ફટાફટ જમીને પોતાના મિત્રો સાથે રમતો રમતા, એકબીજાની મસ્તી કરતા, દોડભાગ કરતાં, ઝઘડા કરતાં, મારામારી કરતા, કોઈ મારા જેવા મિત્ર સાથે શાંતિથી આંબાના ઝાડ નીચે બેસીને ફાંકા ફોજદારી કરતા જોવા મળતા. અમુક લોકોને ત્યારે ખબર પડી હોય કે કોઈ સાહેબે હોમવર્ક આપેલું હતું અથવા તો નોટ બતાવાની હતી. આ વસ્તુ ભાઈ ભૂલી ગયા હોય તો જમ્યા વગર આખેઆખો બ્રેક લખ્યા કરતા. ઘણી વખત એવું થતું કે એ લખેલું સાહેબ ચેક ન કરતા. ત્યારે એ વિદ્યાર્થી સાહેબને શ્લોકો કહેતા જોવા મળતા. 

     સ્કૂલ પુરી થયા પછીનો સમય સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો નાસ્તો કરવાનો રહેતો. આ સમયમાં રોજ નવીન પ્રકારનો નાસ્તો મળતો. 

       નાસ્તો કર્યા પછી ચાર થી પાંચનો સમય વાંચન માટેનો રહેતો. જે સમયમાં બધા વિદ્યાર્થીઓએ પોતપોતાના હોમવર્કના ચોપડા લઈને અમારી હોસ્ટેલના વચ્ચેના માળની લોબીમાં ત્રણની લાઈન કરીને નીચે બેસી જવાનું. તે સમયમાં ધ્યાન રાખવા માટે બે થી ત્રણ વ્યવસ્થાપક રહેતા. ભાણુંઆતા વચ્ચે ખુરશી નાખીને બેસતા. ભાણુંભાઈ એ એવો જેલર હતો કે એકલા હાથે આખી હોસ્ટેલને કાબુમાં રાખી લેતો. આ ભાણુંભાઈ અમારી હોસ્ટેલનો મુખ્ય વ્યવસ્થાપક હતો. આમ તો અમે એને આદરથી ભાણુંઆતા બોલાવતા. હોસ્ટેલમા એવી અફવાવો ઉડતી રહેતી કે ભાણુંભાઈ પેલા આર્મીમા હતા અને પછી તે છોળીને આવી ગયા આપણા માટે. તે શરીરે છ ફૂટ ઊંચા, કદાવર, શરીર જાડું, પેટ આગળની તરફ ઝુલી ગયેલ, શર્ટ ઉપરના બે બટન ખુલ્લા અને નીચેથી ફાંદને લીધે શર્ટ ઉંચો રહેતો. તેના હાથ એવા ભારી હતા કે જેણે તેનો માર ખાધો હોય તે વર્ષો સુધી યાદ રાખે. જો કોઈને ભૂલથી લાગી ગયો હોય તેનો હાથ તે પણ યાદ રાખે. જયારે કંઈક વાંચવાનું થાય ત્યારે જ તેના ચશ્માં ચળતા એ અળધા નાક પર પડ્યા રહેતા. સ્વભાવે તે ખુબ સારા અને સરળ હતા. જો કાઈ આડા-અવળું થાય તો તેના જેટલું ભૂંડું કોઈ ન હતું. તેના મોઢા ઉપરના હાવ-ભાવથી બધા છોકરા ઓળખી લેતા કે તે કેવા મૂડમાં છે. જયારે તે સારા મૂડમાં ત્યારે જ છોકરાઓ નવા પ્રસ્તાવની માંગ કરતાં એટલે તે સમયે તેની સહમતી મળી જતી. 

        પાંચ વાગે બધા વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવતા. ત્યાર બાદનો પાંચ થી છ વાગ્યાનો સમય બધા માટે સુવર્ણ હતો. આ સમયમાં લોકોને જે કંઈ પણ કરવું હોય એ કરી શકતા. આ સમયને પ્લેઇંગ બેલ કહેવાતો. તેમાં જેને જે કોઈ ગેમ પસંદ હોય તે રમતા. ઘણા લોકો ફૂટબોલ, ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખો-ખો, શૂટ દડી, કિંગ, નારગોલ, પકડમ પટ્ટી, ઠેકામણી આવી રમતો મેદાન પર રમતા. તે સિવાય રૂમ અંદર ચેશ, ફાઇટર ચેશ, નવો વ્યાપાર, લુડો, નવ કુકરી, ઓઢામણી, ઠેકામણી, ઘોડી, ટીકામણી, ફૂલ રેકેટ, પેડ દડી, સંતાકૂકડી, વગેરે રમતો રમાતી. અમુક એવી રમતો હતી કે જેના નામ ન હતા. તે સિવાય અન્ય પ્રવૃત્તિમા નાસ્તો કરવો, ડોલમાં ભેળ બનાવી, ક્યારેય ન બની હોય તેવી વસ્તુઓ બનાવીને ખાવી, કપડા ધોવા આવી ઈતર પ્રવૃત્તિઓ આ સમયમાં થતી.

       છ વાગ્યાનો બેલ પડે ત્યારે ગ્રાઉન્ડમાંથી પાછું હોસ્ટેલ પર આવવું ગમતું નહી. ત્યારે મેદાન પરનું માઈક શરૂ કરીને રાડો પાડીને હોસ્ટેલમાં બોલાવતા.

         છ વાગ્યાથી સવા છ વાગ્યા સુધીમાં હાથ મોઢું ધોઈને તૈયાર થઈ કથા વાર્તા માટે પહોંચવાનું રહેતું. સવા છ વાગ્યા થી સવા આઠ વાગ્યા સુધીનો સમય કથા વાર્તા માટેનો રહેતો. આ સમય અમુક લોકો માટે સારો અને ઘણા માટે કંટાળાજનક હતો. આ સમયથી દૂર ભાગવા માટે સૌ કોઈ છટકબારી શોધતા. અમુક બીમાર થતાં, ઘણા બીમાર હોવાનું બહાનું આપતા, ખોટી દવાઓ બાજુમાં રાખીને સુતા, બાથરૂમમાં પડ્યા રહેતા, અંધારામાં હોસ્ટેલ બહાર રખડતા, અમુક જગ્યાઓ પર સંતાઈને રહેતા. આ બધી રીતમાં થોડીક મુશ્કેલીઓ રહેતી. આથીય વિશે કાયદેસર છટકબારી નો રસ્તો સેવાનો હતો. એવું ન હતું બધા છટકબારી માટે સેવામાં જતા. અમુક લોકોના લીધે સેવાનું નામ ખરાબ થતું.

     સવા આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધીનો સમય જમવા માટેનો રહેતો. જમી લીધા પછી બધા પોતપોતાના રૂમમાં જતા રહેતા.

       રાત્રે નવ વાગ્યા થી દસ વાગ્યા સુધીનો સમય પોતાના રૂમમાં વાંચન કરવા માટેનો રહેતો. આ સમય ખૂબ સારો રહેતો કારણ કે કોઈ વ્યવસ્થાપક ધ્યાન રાખવા વાળું ન હતું. હોસ્ટેલના માળ દીઠ એક વ્યવસ્થાપક ધ્યાન રાખતા. તે જ્યારે રૂમ આગળથી નીકળે ત્યારે રૂમમાં પરમ શાંતિ હોય. જેવા રૂમના દરવાજા અને બારીથી આગળ નીકળે એટલે ફરી ધબધબાટી શરૂ થઈ જતી. ઘણી વખત તે પોતાની ગાડી પાછી પણ મારતા અને કોઈકને ઝડપી લેતા. જો કોઈ હાથે લાગતું તો તેને સજા રૂપે મોળે સુધી હોસ્ટેલ ઓફિસ આગળ બેસાડીને વંચાવામાં આવતું.

      દસ વાગ્યા પછી બધાને ફરજિયાત પણે સૂઈ જવાનું રહેતું. ત્યારબાદ વ્યવસ્થાપક આંટો મારવા આવતા. જો કોઈ આડાઅવડી પ્રવૃત્તિ કરતો ઝડપાઈ તો તેને હોસ્ટેલ ઓફિસ આગળ વાંચવા માટે બેસાડી દેતા. તેમ છતાં છુપાઈને જેને ભૂખ લાગે તે રાતે નાસ્તો કરતા, વાતોના વડા કરતા, રમતો રમતા, ભેળ બનાવતા, આંટા મારતા, નાહવા જતા, ઝઘડો કરતા અને અંતે મોડે સુધી જાગી, થાકીને સૂઈ જતા…