તેજાએ મારી હા મા હા ભરી આથી હું ખુબ ખુશ થઈ ગયો હતો. મારા મનને રાહત થઈ, કે મારો ભેરુ મારા ભાઈ સમાન જ છે. હું તેજાને ઘર તરફ રવાના કરી જામનગર તરફ આગળ વધ્યો હતો. મન ખુબ મક્કમ હતું, આથી પરિસ્થિતિને ઝીલીને મારા મક્સદમાં પાર ઉતરીશ એ નક્કી જ હતું.
હું જામનગર પહોંચીને સીધો જ મુક્તાર પાસે ગયો હતો. મુક્તાર મારા જ ગામનો હતો, બાપદાદાનું કામ મજૂરોને સોંપી જામનગર દલાલીના કામમાં જોડાયો હતો. જયારે પણ ગામમાં આવતો મને અચૂક મળતો હતો. મારા કરતા ઉંમરમાં ૧૦ વર્ષ મોટો હતો પણ પાક્કો ભાઈબંધ હતો.એ છેલ્લા આઠેક વર્ષથી જામનગર સ્થાયી થઈ ગયો હતો.
હું મુક્તારને એની જયાં બેઠક હતી ત્યાં જ મળ્યો હતો. એ મને જોઈને ખુબ અવાચક થઈ ગયો હતો. એણે મારી સામે ઉપરથી નીચે તરફ નજર કરી હતી. હું બે દિવસના મેલા કપડામાં, મારા પગ ખાસડાં વગરના ખુબ જ ગંદા હતા. હું બે દિવસનો ભૂખ્યો અને એમાં આજે સવારથી પાણી પીધા વગરનો હતો, એ મારા નિસ્તેજ ચહેરા પરથી ચોખ્ખુ દેખાઈ રહ્યું હતું.
"અરે વિવેક! આવ આવ. કેમ આવી હાલત? શું થયું તને?" મને આવકાર આપતા, અફસોસ અને દર્દભર્યા સૂરે મને મુકતારે પૂછ્યું હતું.
"જે છું એ હું તારી સામે જ છું. હાલત જરૂર કફોડી છે પણ જુસ્સો પહેલાથી પણ વધારે છે. તારી પાસે કામ માટે આવ્યો છું. મારી મહેનતને રૂપિયા તારા બોલ ભાગીદારી તારા જ કામની તું મારી સાથે કરવા ઈચ્છીશ? રૂપિયા નથી મારી પાસે પણ તું મારી ઈમાનદારી અને વફાદારી તો જાણે જ છે ને!" મેં મુકતારના ધંધામાં જોડાવાનું અને ભાગીદાર થવાનું એક જ વાતમાં જણાવી દીધું હતું.
"અરે વાહ! તને અલ્લાહે ખુબ સાચા સમયે જ મોકલ્યો છે. મોટો ભાઈ બે મહિનાથી બોમ્બે છે અને નાનો ભાઈ હજુ મારા ધંધામાં ઘણો નાનો પડે છે. હું આમ પણ કોઈ ખાસ માણસની તલાશમાં હતો કે, જે મારે મન ભરોસાને લાયક હોય. પણ તું જાણે છે ને આ દલાલીના ધંધામાં રૂપિયા પેટ ભરીને મળે પણ આબરૂ અને જીવનો જોખમ પળે પળે હોય!" ચોખવટ કરતા મુક્તાર બોલ્યો હતો.
"જીવવામાં મને કોઈ રસ રહ્યો જ નથી! રહી વાત આબરૂની તો એ બાપુના રોટલા ખાઈને ક્યાં સારી રહે? વર્ષમાં બાપુની હારોહારની મિલકત માના પગમાં મુકવી છે, એ પ્રણ લઈને ઘરેથી નીકળ્યો છું. તું સાથ આપે તો અત્યારથી જ કામ સોંપી દે!"
"તારો જુસ્સો તારી લાચારીનો મોહતાજ નથી. સ્વમાનથી જીવ! આ બેઈમાનીના ધંધા ખુબ ઈમાનદારીથી થાય, અને તારા જેવો વફાદાર મારો સાથીદાર બીજો કોણ હોઈ શકે? મુકતારે મારી સાથે મારી મહેનત અને એના રૂપિયાની ભારોભારની ભાગીદારી સ્વીકારી લીધી હતી.
મુકતારે એનો હાથ મારી સામે ધરી હાથ મિલાવી ભાગીદારીને આવકારી હતી. એના જમણા હાથમાં રહેલ બધી આંગળીઓમાં પહેરેલ સોનાની વીંટી અને જવલ્લેજ કોઈના હાથમાં સોનાના પટ્ટા વાળી જોવા મળે એવી ઘડિયાળ જોઈ હું મુક્તારની પ્રગતિને જાણી ચુક્યો હતો.
મુકતારે મારી સામે ૧૦,૦૦૦ રૂપિયાનું બંડલ મૂક્યું અને કહ્યું, આ તને આજના કામની આગોતરી આવક, મારી એક મગફળીની ગાડીમાં સાથે મુકેલ ગાંજો અને ચરસ અહીંથી તારે મુંબઈની સરહદ સુધી પહોંચાડવાની અને ત્યાંથી જે કાપડની ગાડી આવે એ અરસપરસ બદલાવી તારે મુંબઈ સરહદથી જ પાછું આવી જવાનું થશે. મારો એક માણસ આજે તારી સાથે આવશે એ જે કહે એમ તું કરજે. આપણો ધંધો રાત્રે જ વધુ હશે, કેમકે રાત્રે રસ્તા ખાલી હોય લાંબી મુસાફરીમાં વાંધો ન આવે. તું કાલ સાંજે અહીં જામનગર પાછો આવી જઈશ. ટ્રક ચાલક પણ આપનો જૂનો જ માણસ છે એટલે એ તું ચિંતા ન કરીશ. મને મુક્તારે જરૂરી સૂચનાઓ આપી મને આજે જ કામ સોંપી દીધું હતું.
મેં મુક્તારના કામને સ્વીકારીને એને ગળે મળી હું સહેજ ગળગળો થઈ બોલ્યો, "તારો આ સાથ હું જીવનભર નહીં ભૂલું!"
"તું એમ ન સમજ કે, હું તારા પર ઉપકાર કરું છું. મારે પણ જરૂર તો હતી જ! મારે આ એક જ કામ થોડી છે? તું આ કામ સાચવી લે, એટલે મારે પણ થોડો કામનો ભાર હળવો થાય ને! તને અત્યારે આ ધંધામા જ ભાગીદાર બનાવું છું. જેમ જેમ તારી ફાવટ વધશે એમ એમ આગળ લેતો જઈશ! એક વાત ખાસ કહું ખોટ આ ધંધામાં નથી ચાલતી હો! કામ થવું જ જોઈએ એ કાયમ યાદ રાખજે." થોડી સ્પષ્ટતાથી મુકતારે મને કહ્યું હતું.
મેં હા કહી અને હું પુરી તકેદારી દાખવીશ એ વાત પર વિશ્વાસ રાખવા કહ્યું હતું. રાતનાં દસ વાગી ચુક્યા હતા. એણે પેલા મને જમવાનું કહ્યું અને પછી કામ માટે જવાની સૂચના આપી. મેં એની લાગણીને માન આપી ફક્ત ચા પીવાની મારી ઈચ્છા જણાવી હતી. હું ચા પીને મારા કામ માટે નીકળ્યો ત્યારે ઝુમરીને મનોમન યાદ કરી હતી. મારી મા પહેલા આજે ઝુમરી મનમાં આવી ગઈ હતી.
તેજો મારાથી વિખૂટો પડીને સીધો જ મારા ઘરે ગયો હતો. મારા ફોઈ, મામી અને માને પ્રણામ કરી મારા સમાચાર એમને આપ્યા હતા. અને સાથોસાથ ભલામણ પણ કરી કે, એ મારી ચિંતા ન કરે, એ કામ માટે જામનગર ગયો છે, તો કાલ સવારે આવશે. તેજો માને સમાચાર આપી ને ત્યાંથી નીકળી ગયો હતો.
મા એના સ્વભાવ પ્રમાણે થોડી ચિંતિત તો હતી જ પણ ફોઈ અને મામી હતા એમણે માને સાચવી લીધી હતી.
"જવાન છોરો કંઈક કામ માટે બહાર ગયો હોય તો ચિંતા નહીં પણ ખુશ થા. કાલ સવારે પરણાવીશ તો ઘરની જવાબદારી તો એણે લેવી પડશે કે નહીં? તું માં છે તો એની હિંમત બન, એને ઉત્સાહિત કર, આમ ઊંધા વિચાર કરીને ખોટી તારી તબિયતની ચિંતા એના માથા પર ન નાખ." મામીએ માને સમજાવવાના સૂરે સાંત્વના આપી હતી.
મા મામીની વાત સમજી ગઈ હતી, છતાં માનુ ભીતરમન એમને હું કંઈક અલગ જ કામમાં છું, એની અણસાર આપી રહ્યું હોવાથી એ આખી રાત શાંતિથી ઊંઘી શક્યા નહીં.
મા સવાર પડી એટલે દરવાજે જ મીટ માંડી બેઠી હતી. કામ તો એટલું કઈ માએ કરવાનું નહોતું આથી આરામ કરતા એ મારી જ ચિંતા કરતા હતા. માએ દવા લેવાની હોય આથી ફોઈ નિયમિત ખોરાક અને દવા તો એમને પીવડાવી જ દેતા હતા, પણ મન એમનું બેચેન હોય એના માટે તો માએ જ વિચારોથી દૂર રહેવું પડે ને! જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ મા વધુ ચિંતા કરવા લાગી હતી. સાંજ પડવા આવી આથી મા પૂજા કરવા બેઠી, મા મારે માટે પ્રાર્થના કરીને તરત જ બહાર ડેલી સુધી ઘસી આવી હતી. મારે ડેલીને ખોલવા જવું અને માએ ડેલી ઉઘાડવી, બંને એકબીજાને જોઈને ખુશ થઈ ગયા હતા. માએ મને ત્યાં જ રોક્યો અને ઝટ ઉંબરાની ચપટી ધૂળને મારા પરથી સાત વાર ઉતારી અને બોલી, "જે પણ ખરાબ નજર હોય એ મારા દિકરાથી દૂર થાય! એમની આંખનું કાજલનું એક ટપકું મારા કાન પાછળ કરી, મારા ઓવારણાં લીધા હતા.
માએ પ્રેમથી આવકાર તો આપ્યો પણ મીઠો ઠપકો દેતા બોલી, "તને મારી કઈ ચિંતા છે કે નહીં?"
"તારી ચિંતા થતી હતી આથી તો તેજાને મોકલ્યો હતો ને! તું જો તો ખરા મા હું તારે માટે શું લાવ્યો છું!" એક થેલી એમની સામે ધરતા હું બોલ્યો હતો.
મા માટે વિવેક શું લાવ્યો હશે?
વિવેકના પસંદ કરેલ રસ્તામાં કેવા વળાંક આવશે?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏