chalte chalte yu hi koi mil Gaya - 4 in Gujarati Classic Stories by raval uma shbad syahi books and stories PDF | ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 4

Featured Books
Categories
Share

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 4

ભાગ -૪ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા

નમસ્તે મિત્રો, 🙏
(આપણે આગળ જોયું કે દેવિકાને ભેંસ વગાડે છે ,એને લઈને માધવભાઈ  દવાખાને જાય છે.આ બાજુ દેવિકાની માં રતનની હાલત પણ ખરાબ થઈ જાય છે.હવે આગળ...............)

💢💢💢💢💢💢💢💢💢💢💢💢
(પોતાનાં નાનાં ભાઈને સંબોધતા)
" હેંડ...શિવરામ જલ્દી તું સ્કૂટર ચાલું કરી લે.હું દેવુંને લઈને પાછળ બેસું સુ.ઝટ કર.... બઉ લોઈ નીકળી જ્યું સે "માધવ ભાઈ બોલ્યાં.
" હા..હા..મોટા ભાઈ હેડો.. " (કહીને શિવરામ સ્કૂટર ચાલું કરે છે)

થોડાં આગળ જતાં....

" શિવરામ જલ્દી જલ્દી ચલાયને ભઈ , આમ જો તો આ લોઈ બંધ થવાનું નામ જ નહીં લેતું  , તું ઝટ કર ભઈ . "(દેવિકા દર્દમાં કણસી રહી છે)

" હા હા મોટા ભઈ .. અબીહાલમાં જ પોંચી
જશું ."

સરસપુર ગામમાં દવાખાનાની સુવિધા નથી એટલે ગામ થી અર્ધા કલાકનાં અંતરે આવેલ બાજુનાં  ગામ  દિવાનપુરામાં નાની-મોટી બીમારીનાં ઈલાજ માટે  જવું પડતું. ત્યાંનાં સ્થાનિક ડોક્ટર પાસે તાત્કાલિક ધોરણે સારવાર મળી જતી.

આ  બાજુ રતન બેશુધ્ધ હાલતમાં પણ દેવિકાનું નામ રટે જાય છે.એની પાસે એનાં બાળકો,મોટી દીકરી સ્નેહા, બે દીકરાં હાર્દિક અને હર્ષ પણ માં ની હાલત જોઈ ડરી ગયાં છે ને રડી રહ્યાં છે.
રતનનાં સાસુ પાર્વતી બા અને નાંની વહું સવિતા પરિસ્થિતિને સાચવવાની કોશિશ કરી રહ્યાં છે.

ગામ લોક હજી પણ માધવ ભાઈનાં ઘર આગળ ઊભું છે.અને કેટલીક સ્ત્રીઓ સાંત્વના આપવાંની કોશિશ કરી રહી છે.
ગામ લોકોનાં આટલાં સ્નેહ ભાવનું એક કારણ એ હતું કે .......
માધવ ભાઈ ભલે ગામનાં સરપંચ નહોતાં પણ પાંચ માણસમાં પૂછાતાં એટલી એમની શાખ હતી, આજુબાજુ નાં ૨૫ ગામમાં એમની નામનાં હતી.એમનો સ્વભાવ એટલો સારો કે અરધી રાતે
મદદ કરતાં પાછાં નાં પડે.માધવ ભાઈનાં પિતા રામદેવ ભાઈને ધીકતો ધંધો.કરિયાણાથી માંડી કાલાં  -  કપાસનો વહેપાર..સાથે ઉતરાયણ ,દીવાળી ને ઉનાળા માં ઠંડા પીણાનો સીઝન અનુસાર સારો એવો ધંધો ચાલતો.બે કારીગર રાખવાં છતાંય પહોંચી નાં વળાય એવો ધંધો. સવારથી રાત સુધી ખડે પગે રહેવું પડે.પણ માણસાઈ પણ એટલી જ.કોઈએ અવસર લીધો હોય તો અરધી રાતે સીધું સામાન આપી દે ને એ પણ ઉધારી પર. પણ પ્રસંગ સાચવી લે. રૂપિયા બે રૂપિયાનું ગ્રાહક પણ કદી પાછું નાં મોકલે.કહે "ગ્રાહક તો ભગવાન કહેવાય".કોઈ નાં અવસર પ્રસંગમાં સારો એવો વહેવાર કરે,હાજરી પુરે. આખા ગામમાં ગણ્યાં ગાંઠ્યા ઘરોમાં ટીવી અને સ્કૂટર,પણ કોઈને કદી કોઈ કામ પ્રસંગે લઈ જવું હોય તો નાં ન પાડે,અને ટીવી જોવા તો ઘર ભરાઈ જાય.આમ એમનાં મળતાવડા અને મદદરૂપ થવા નાં સ્વભાવને લીધે બધાંનાં દિલમાં એમનાં ઘર પરિવાર માટે સાચી લાગણી રહેતી.

માધવ ભાઈનાં અંદર આ સ્વભાવ એમનાં પિતાજી રામદેવભાઈનાં લીધે આવ્યો હતો. રમદેવભાઈ એકદમ માયાળું સ્વભાવ નાં હતાં.

"ચકલાંને ચણ,કીડીઓને કીડિયારું પુરે,
તરસ્યાં માટે પરબ ખોલે,સાધુ સંતોની સેવા કરે
લઈ તંબુરો ભજન ગાય,ભૂખ્યું જન પાછું કદી નાં જાય"

આવાં પરોપકારનાં તમામ ગુણો માધવ ભાઈનાં અંદર હૂબહૂ આવેલાં. આમ તો માધવ ભાઈએ કૉલેજ સુધીનો અભ્યાસ કરેલો.એનસીસી કેમ્પ પણ જોઈન્ટ કરેલો.અને એમને તો એ સમયે ૧૦ ધોરણ પછી શિક્ષકની નોકરી પણ મળતી  હતી. પણ પિતાનો કારોબાર સાંભળવો જરૂરી હતો. વળી એ સમયે સરકારી નોકરીનાં નજીવાં પગારમાં ઘર પરિવાર ચલાવવો અઘરું હતું.આથી નાનાંભાઈને ભણાવવાનું નક્કી કર્યું. નાનાં ભાઈને બારમાં ધોરણમાં સાયન્સ લેવડાવી પોતે પિતાજીનાં રસ્તે ચાલવા લાગ્યાં. જો કે અંતે તો શિવરામ પણ ભણવામાં કંઈ સારું પ્રદર્શન નાં કરી શકતાં પિતાજીનાં ધંધામાં જોડાઈ ગયેલાં.પિતાજીનાં  સદ્દગુણોનો વારસો માધવભાઈએ ખૂબ સારી રીતે જાળવી રાખ્યો હતો અને એટલે જ ગામ લોક થી માંડી આજુબાજુનાં ગામડાં અને સગા સબંધીમાં એમની જ બોલબાલા રહેતી.
અને એટલે જ  એમનાં આ મુશ્કેલ સમયમાં સહું એમની સાથે ખડેપગે ઊભા હતાં.

રતન ઉપર થોડાં પાંણીનાં છાંટા નાંખી એમની દેરાંણી સવિતા એમને ભાંનમા લાવવા કોશિશ કરે છે.રતન થોડી ભાનમાં આવે છે પણ હજી એ દેવિકાનું નામ જ લઈ રહી છે.

આ બાજુ......
માધવ ભાઈ અને શિવરામ ભાઈ દેવિકાને લઈને દવાખાને પહોંચે છે.
(માધવ ભાઈ દેવિકાને ગોદમાં લઈને ભાગતાં)
"  ડોક્ટર સાહેબ આ મારી દેવિકાને ભેંસે વગાડ્યું સે , જલ્દી જોવોને સાહેબ બઉ લોઈ નીકળી જ્યું સે ."
(ડોક્ટર દેવિકા ને ચેક કરતાં) " ખૂબ લોહી વહી ગયું છે માધવ."
"સાહેબ ગમે તે કરો મારી દેવુંને સાજી કરી દયો બસ."માધવે ચિંતાતૂર અવાજે કહ્યું

ડોક્ટર દેવિકાને ચેક કરી ધનુરનું  ઇંજેકશન આપે છે,અને માંથા પર પાટો બાંધી આપે છે.

(પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે જ લીધેલું.)

"જો માધવ તું મારો બાળપણનો મિત્ર છે એટલે તને સલાહ આપું છું કે તું દેવિકાને લઈને અમદાવાદનાં મોટા દવાખાને લઈ જા. મારી પાસે એની સારવાર કરવા માટેની દવાઓ કે સાધનો નથી.દેવિકાને ઘણી ઊંડી ચોટ લાગી છે.ને લોહી પણ ચડાવવું પડશે.એટલે મારું માનને જેમ બને એમ જલ્દી તું અમદાવાદ પહોંચી જા.
હું તને એક ભલામણની ચિઠ્ઠી લખીને આપું છું તારું કામ જલદી થઈ જશે.
હાલ તો મેં એને તાત્કાલિક સારવાર આપી છે અને થોડીવાર એને ઘેન રહેશે એટલે વાંધો નહીં આવે. તું બસ જલદી પહોંચ ભાઈ ."ડોકટરે સલાહ આપતાં કહ્યું.


"ઠીક સે સાહેબ."કહી ફટાફટ ઘરે આવવા નીકળે છે.

માધવ અને શિવરામ દેવિકાને  લઈને ઘરે આવવા નીકળે છે.દેવિકાનાં માંથામાંથી વહેતાં લોહીને લીધે માધવ ભાઈનું આખું શર્ટ લોહીથી પલળી ગયું છે. એ બસ વારે ઘડીએ દેવિકા સામે જોઈ ને ભગવાનને પ્રાર્થના કરે છે કે દેવિકા જલ્દી સાજી થઈ જાય.

"માધવ ભાઈ તમે ચિંતા નાં કરશો. આપણી દેવું ઝટ સાજી થઈ જશે. આપડે જલ્દી ઘેર જઈને કોઈ સાધનની સગવડ કરવી પડશે."શિવરામે આશ્વાસન ભર્યાં શબ્દો સાથે કહ્યું.

" હા શિવરામ......... તું ઝટ ઘેર      લઈ લે."

માધવભાઈ દેવિકાને લઈને ગામમાં આવતાં જ ગ્રામજનોમાંથી કોઈ એક આવીને દેવિકાને તેડી લે છે,અને બહાર જ રાખેલાં ખાટલા પર સુવડાવી દે છે.રતન પણ જાણે જીવમાં જીવ આવ્યો હોય એ એમ દોડતી આવે છે.

એકસાથે લગભગ બધાં સવાલો પૂછવા લાગે છે એટલે માધવ જરાં ગુસ્સે થતાં....

"લ્યા ભઈસાબ કઉં સુ ઘડીક શાંતિ રાખો ને.ને લગીર હવા આવા દયો ."થોડાં ગુસ્સા સાથે કહ્યું.

(બધાં થોડાં આઘાપાછા થઈ જગા કરે છે. પણ કોઈને માધવના શબ્દોનું ખોટું નથી લાગતું કારણ એ સમજે છે કે એક બાપ તરીકે હાલ બસ એ ચિંતામાં છે બાકી કોઈનું અપમાન કરવું એવો એનો સ્વભાવ નથી)

" પણ દાક્તરે હું કીધું ઈમ તો કયો ?" રતને પૂછ્યું.

"ડોકટરે કીધું સે કે દેવુંને મોટાં દવાખાને લઈ જાવી પડશે.. ઑપરેશન કરવું પડશે. લોઈ જતું રહ્યું સે બઉં તે ..." માધવ ભાઈ એ કહ્યું.

રમતી હતી હાલ જો ને આંગણે બનીને ચકલી
અણધારી આ આફત તુજ મસ્તક આવી ક્યાંથી????? ઓ...... મારી દેવ જેવી દીકરી

(માધવ ભાઈ સાધનની સગવડ કરવાં જાય છે.રતન એના બાળકો અને ઘરનાં સભ્યો અને ત્યાં ઉભેલા લોકોની આંખો ભીની થઈ જાય છે)

:::::::::::::::::ભાગ --- ૪ પૂર્ણ ::::::::::::::::

શબ્દ સમજ=  પાસળ -પાછળ, નીકરી -નીકળી,
જ્યું સે-ગયું છે, સુ -છું, બઉ -બહું, લોઈ -લોહી, હેંડો- ચાલો, પોંચી -પહોંચી
########################

~ માધવ ભાઈ દેવિકાને સમયસર લઈ અમદાવાદ પહોંચી શકશે?
~દેવિકાનાં ઉપર આવી પડેલી આફત ટળી જશે?

આગળ શું થશે એ જાણવા વાંચતા રહો આગળ નો ભાગ - ૫ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા

સ્વસ્થ રહો.... સલામત રહો....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                      
                                       લેખિકા
                      યોગી ઉમા 'શબ્દ સ્યાહી' ✍️