શક્તિ (ધ પાવર)
-રાકેશ ઠક્કર
જેની ચાહના હોય એ પ્રત્યેક વસ્તુ તમને મળી રહે એવું તમારા સ્વપ્નનું જીવન, તમારાથી બે કદમ જ છેટે છે, જેની તમને જાણ નથી, કારણ પ્રત્યેક વસ્તુની શક્તિ તમારી અંદર છે.
આ પુસ્તકમાં હું તમને અજાયબ જિંદગીનો રાહ બતાવવા માગું છું. તમને તમારા વિશે, તમારા જીવન વિશે તેમ જ બ્રહ્માંડ વિશે કંઈક નવું જાણવા મળશે. તમે માનો છો એના કરતાં જીવન ઘણું સરળ છે. જેમ જેમ તમને જીવનનું રહસ્ય જાણવા મળશે તથા તમારી ભીતરની શક્તિનો અહેસાસ થશે તેમ તેમ તમારી જિંદગીનો જાદુ પૂર્ણપણે અનુભવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જીવન કેવું અદ્ભુત છે. હવે તમારી જિંદગીનો જાદુ શરૂ થાય છે.
(પ્રસ્તાવના માંથી)
જો તમે આ અગાઉના પુસ્તક 'ચમત્કાર' નો રીવ્યુ વાંચ્યો હશે તો લેખિકા રૉન્ડા બર્નનું નામ કે લેખન આપના માટે અજાણ્યું નહીં હોય. તેમના જ બીજા એક પુસ્તક શક્તિ (ધ પાવર) નો રીવ્યુ કરી રહ્યો છું.
લેખિકા શક્તિ વિશે ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવે છે કે,"કુદરતની મહાન શક્તિઓ જેવી કે ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય શક્તિઓ નરી આંખે દેખાતી નથી, પણ એ અસ્તિત્વ ધરાવે છે. તેવી જ રીતે પ્રેમની શક્તિ દેખાતી નથી, પણ તેની તાકાત કુદરતની કોઈ પણ તાકાત કરતાં વધારે છે. તેના પુરાવાઓ બધે જ મળી આવે છે. પ્રેમ વિના જિંદગી શક્ય નથી."
આ પુસ્તકનો હેતુ શું છે અને વાચકને શું મળશે તેની વાત કરતા લેખિકા કહે છે કે,"આ પુસ્તકમાં હું તમને અજાયબ જિંદગીનો રાહ બતાવવા માગું છું. તમને તમારા વિશે, તમારા જીવન વિશે તેમ જ બ્રહ્માંડ વિશે કંઈક નવું જાણવા મળશે. તમે માનો છો એના કરતાં જીવન ઘણું સરળ છે. જેમ જેમ તમને જીવનનું રહસ્ય જાણવા મળશે તથા તમારી ભીતરની શક્તિનો અહેસાસ થશે તેમ તેમ તમારી જિંદગીનો જાદુ પૂર્ણપણે અનુભવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જીવન કેવું અદ્ભુત છે."
એમાં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ (૧૮૪૭-૧૯૨૨) ટેલિફોનના શોધકનો વિચાર ટાંકવામાં આવ્યો છે કે, "આ શક્તિ કઈ છે તે હું કહી શકું એમ નથી, હું એટલું જાણું છું કે એ છે ખરી."
જીવનના અસ્તિત્વ અને કારણ વિશે વાત કરતી વખતે લેખિકા કહે છે કે, "જેમની જિંદગીમાં સારી વસ્તુઓ જ બનતી રહે છે એવા ઘણાખરા માણસોને ખ્યાલ પણ નથી હોતો કે તેમનું જીવન એવું શા માટે છે? પણ એ લોકો એવું કંઈક તો કરતા જ હોય છે, જેને લીધે તેમને બધું આવી મળે છે. તેઓ તેમનામાં રહેલી શક્તિનો ઉપયોગ કરે છે, જે બધી સારી વસ્તુઓ માટે જવાબદાર છે. એક પણ અપવાદ સિવાય પ્રત્યેક વ્યક્તિ જેનું જીવન મહાન છે તેણે પ્રેમથી એ મેળવ્યું છે. હકારાત્મક તથા સુંદર વસ્તુ મેળવનારી શક્તિ એ પ્રેમ છે."
પ્રેમની શક્તિ નું ઉદાહરણ આપતા રોબર્ટ બ્રાઉનીંગ (૧૮૧૨-૧૮૮૯) નું વાક્ય ટાંક્યું છે કે,"તમે પ્રેમની બાદબાકી કરી દો તો આ દુનિયા કબ્રસ્તાન બની જાય."
પ્રેમની શક્તિનું મહત્વ સમજાવતા કહે છે કે,"એક પણ અપવાદ સિવાય પ્રત્યેક ક્ષણે તમારી જિંદગીમાં તમે કંઈક સારું અનુભવો છો ત્યારે ચોક્ક્સ માનજો કે, તમે પ્રેમ ર્ક્યો છે અને પ્રેમની સકારાત્મક શક્તિને ઉતેજી છે. અને પ્રત્યેક ક્ષણે જ્યારે તમે કંઈ સારું અનુભવ્યું નથી ત્યારે પ્રેમનો અભાવ વર્તાયો છે અને પરિણામ નકારાત્મક આવ્યું છે. તમારી જિંદગીમાં પ્રેમને લીઘે સારી બાબતો મળી છે અને પ્રેમના અભાવથી નકારાત્મક વસ્તુઓ, દર્દ અને યાતના મળ્યાં છે. કરુણા એ વાતની છે કે જ્ઞાનનો અભાવ તથા પ્રેમની શક્તિ સમજવાની અક્ષમતા એ આ પૃથ્વી ઉપરના માણસોના જીવનમાં તથા માનવતાના ઇતિહાસમાં સ્પષ્ટ રીતે દેખાય છે."
તેમણે મહાત્મા ગાંધીનું આ વાક્ય પણ આપ્યું છે,"માનવજાત સભાનપણે પ્રેમના નિયમનો અમલ કરશે કે નહીં, તેની મને ખબર નથી. પણ એનાથી મારે ચિંતિત થવાની જરૂર નથી. આપણે માનીએ કે ન માનીએ, પણ ગુરુત્વાકર્ષણનો નિયમ જે રીતે કામ કરે છે તે જ રીતે પ્રેમનો નિયમ પણ કામ કરશે."
આ પુસ્તક જુદા જુદા પ્રકરણોમાં વહેંચાયેલું છે. જેમ કે, આ શક્તિ કઈ છે? લાગણીઓની શક્તિ, લાગણીઓની ફ્રિક્વન્સી, શક્તિ અને સર્જન, લાગણી એ સર્જન છે, જીવન તમને અનુસરે છે, શક્તિની ચાવીઓ, શક્તિ અને પૈસો, શક્તિ અને સંબંધો, શક્તિ અને આરોગ્ય, શક્તિ અને તમે, શક્તિ અને જીવન. એ પરથી જ ખ્યાલ આવશે કે કેટલું વૈવિધ્ય છે.
આ પુસ્તકની વાતો આપને ગમી હશે. અને શક્તિ વિશે હું વાત કરું તો આપનું આ લેખ માટેનું રેટિંગ અને પ્રતિભાવ મને લેખક તરીકે વધારે શક્તિ આપશે કે નક્કી છે!