'હૈયે હેતની ભરતી'
જો સાંભળ..
શું?
હું કહું એ..
ઓકે..બોલ..
હૈયે છે પણ હોંઠ પર નથી..
વાહ વાહ વાહ વાહ...
શું વાહ વાહ! પુરું સાંભળતો નથી ને શરૂ થઈ જાય છે..
અરે પ્રશંસા કરવી પડે... તું કંઈક મનની વાત કહેવા માંગે છે એટલે વાહ વાહ કહેવી પડે.. નહિંતર ટિફિનમાં લોચો..
એટલે શું કહેવા માંગે છે? હું ખરાબ ભોજન બનાવુ છું? કાલે બે રોટલી ને થોડું શાક પાછું લાવ્યો હતો.. તને બહારનું ખાવાનું વધારે ભાવે છે..ને તારી ઓફિસની પેલી ચિબાવલી ટિફિન લાવતી નથી એટલે એની સાથે તું ગયો હોઈશ.. કંપની આપવા માટે..
અરે પણ તારા હૈયાની વાતમાં આ બધું ક્યાંથી આવ્યું? કાલે તેં કારેલાનું શાક બનાવ્યું હતું એટલે ખવાતું નહોતું.ને મારી ઓફિસની એ બહેન ટિફિન લાવતી નથી એ કોણે કહ્યું?
જોયું જોયું.. હવે સાચું બોલ્યા.. મને ખબર છે એ ચાપલૂસી કરનારી ટિફિન લાવતી નથી ને કંપની માટે તમને સાથે..
હવે રહેવા દે.. રહેવા દે.. આવી શંકા કર નહીં.. તને પેલા ડોઢ ડાહ્યાએ કહ્યું હશે.
હા..એ જ તારો મિત્ર..ચીટકુ.. ઘરમાં આવે ત્યારે કલાક સુધી માથું ચડાવે ને બધો નાસ્તો ઓહિયા કરી જાય છે..ને પાછલા અઠવાડિયે આપણે મેરેજમાં ગયા હતા ત્યારે તમે કાજુ કરેલાનું શાક બે વખત લીધું હતું.. એનું શું? હું સારું શાક બનાવતી નથી? આવું કરો છો એટલે જ.. એટલે જ...
હું સમજી ગયો તું શું કહેવા માંગે છે.તું પિયર જવા માંગે છે એમ જ ને.?. હું પણ સાથે આવીશ. બહુ દિવસ થયા તારા પિયર ગયે..
હવે રહેવા દો.. હું અહીં જ રહેવાની છું. તમે મારી સાથે આવવાનું કેન્સલ કરશો ને પછી અહીં રોજ બહારનું જમવા માટે જલસા..દર વખતે તમે જ રૂપિયા કાઢો છો?
લે આ વાત તને કોણ કરે છે? પેલો ચિટકુ તો ચાડી ખાય છે.. એ જ પેલી છોકરી પાછળ છે ને અઠવાડિયે ચાર વખત એ જાય છે દર વખતે એ રૂપિયા કાઢે છે. હું મહિને એક વખત ગયો એમાં.. તું શંકા કરે છે! એ મને ભાઈ માને છે..એને મારી સાથે કંઇક વાત કરવી હતી એટલે મને સાથે લઈ ગઈ હતી. મારો મિત્ર ઈર્ષાળુ છે.
એટલે એ છોકરીએ તમને ખાનગી વાત કરી એમ ને! તો પછી પ્રેમની વાત હશે..
હા.. એણે એના એના હૈયાની વાત કરી.
મને શંકા હતી જ.. તમારું અને એનું ચક્કર ચાલે છે એટલે જ હું મારા હૈયાની વાત કરી શકતી નહોતી. મારા હૈયે હેતની ભરતી આવે છે પછી.. તમારી વાત સાંભળીને ઓટ આવે છે.
મારી વાત કે પેલા ચિટકુની વાત.. એને પણ ખબર છે એ છોકરી બીજા યુવાનને પ્રેમ કરે છે એની નાતનો છે. એ માટે જ મારી સલાહ લેવા માટે જ મને સાથે લઈ ગઈ હતી.
ને તમે સલાહ આપી.મને ક્યારેય સલાહ આપી છે?
લે આટલી સલાહ તને આપું છું છતાં શંકાનો કીડો...
હવે રહેવા દો.. પછી શું થયું એ કહો એટલે મારા હૈયાની વાત કરું.
હવે કહીને શું કરું.. તું સાચું માનવાની નથી.હવે મારા હૈયાની વાત કરું..
એટલે.. એટલે.. તમે ખરેખર સાચું કહેશો! તમે એ છોકરી સાથે..
પાછી શંકા..તારે ખાતરી કરવી હોય તો એને ફોન કરું. તું એની સાથે વાત કરી લે...
એટલે..જ.. કાલે તમે અડધો કલાક એની સાથે વાત કરતા હતા?
હા.. એને અને એના પ્રેમીને સમજાવતો હતો..કે માબાપ પાસે વાત કરો તો કંઈક રસ્તો નીકળશે. હતાશ થવાની જરૂર નથી.
હવે તમે ખોટું બોલો છો.
એટલામાં મોબાઈલની રીંગ વાગી..
તરત જ મોબાઈલ પત્નીએ લઈ લીધો...
હેલ્લો...
સામેથી લેડિઝ વોઈસ હતો..
હેલ્લો ભાભી.. થેંક્યૂ કહેજો ભાઈને.. એમની સલાહ કામ આવી છે. અમારા માબાપ માની ગયા છે. ને લગ્ન વખતે મારા ભાઈ તરીકે એમણે ફરજ બજાવવાની છે.ને ભાભી મને પરચેઝ કરવા માટે મદદ કરશો ને!
હા.. ચોક્કસ.. નણંદ બા.. અંતે બધું સારું થયું એ જ સારું. મારા એ હંમેશા સાચી સલાહ આપે છે.એ દિલના ભોળા છે ને લાગણીશીલ છે.એમને પણ કોઈ બહેન નથી.તારા મેરેજમાં અમે બનતી મદદ કરીશું.
ઓકે.. થેંક્યૂ.. વધુ ભાઈને રૂબરૂ કહીશ. ભાઈ ઉપર શંકા ના કરતા..
ઓકે..
ફોન કટ થઈ ગયો..
જોયું હું સાચું જ કહેતો હતો..
મને હતું જ કે તમે ખોટું બોલો નહીં પણ પેલાની વાતમાં આવી હતી. હવે મારા હૈયાની વાત કરું.
હવે બોલ પણ સાચું કહેજે.
હૈયે છે પણ હોંઠ પર નથી..
વાહ વાહ વાહ વાહ...
ફરી પાછું.હજુ બોલવા દો..
સારું બોલ..
હૈયે છે પણ હોંઠ પર નથી
હૈયે હેતની ભરતી છે...
જોજે હવે ઓટ ના આવે...
હવે તો ભરતી જ આવશે..આજે કાજુ કરેલાનું જ શાક છે.....પાછું લાવવાનું નથી..
- કૌશિક દવે