શીર્ષક : હમ લે કે રહેંગે આઝાદી
©લેખક : કમલેશ જોષી
૨૦૨૪ની પંદરમી ઓગષ્ટ નજીક હોવાથી મનમાં ૧૯૪૭ની પંદરમી ઓગષ્ટે મળેલી આઝાદીના વિચારો ચાલી રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આઝાદી’નો ખરો અર્થ અથવા આજની તારીખે મને કે તમને સ્પર્શતો અર્થ શોધવા મન ભટકતું હતું. મન માનતું નહોતું કે આઝાદીનો અર્થ ‘અંગ્રેજ મુક્ત ભારત’ એવો અને એટલો જ હોઈ શકે, કેમકે મનની ડીક્ષનરી ‘અંગ્રેજ’ શબ્દના ઉપયોગ વગર ‘આઝાદી’નો શબ્દાર્થ અને ભાવાર્થ ઝંખતું હતું. ઓહ, વધુ પડતી ‘ભારેખમ’ શરૂઆત થઈ ગઈ.
સ્કૂલ કોલેજમાં ભણતા ત્યારે અમારી ટીખળી અને તોફાનીઓની ટોળકી, જે આખું વર્ષ ‘તમામ પ્રકારની આઝાદી’ ભોગવતી એ પંદરમી ઓગષ્ટની ઉજવણી વખતે ધ્વજવંદન વખતે થતાં ભાષણોને સાંભળવા અને સમજવા માંથી તદ્દન ‘બાકાત’ રહેતી અને અમે એને જ ‘સાચી આઝાદી’ સમજતા હતા. અમારી સ્વતંત્રતાના સેનાની અમારી તોફાની ટોળીના સરદારે, આઝાદીની વ્યાખ્યા ‘મન ફાવે એમ જીવવું’, ‘મોજમાં રે'વું’, ‘ટેન્શન લેને કા નહિ દેને કા’ કહી હતી અને અમને એ વ્યાખ્યાઓ વધુ સાચી લાગતી હતી. અમે ક્યારેય ‘હોમ વર્કનું કે એક્ઝામનું ટેન્શન’ લીધું નહોતું, ‘મન ફાવે’ ત્યારે સ્કૂલ કોલેજ બંક કરી હતી અને સાઈકલો કે બાઈકો લઈને એયને ‘મૌજ’ કરવા દૂર દૂર રખડવા નીકળી પડતા. અમને હંમેશા લાગતું કે અમારા ક્લાસના ડબ્બુ, ચશ્મીશ કે ફર્સ્ટ બેંચર્સ ઇડીયટસ ક્યારેય આઝાદીનો ‘અમારી જેવો સાચો અર્થ’ જાણી પણ નહિ શકે કે માણી પણ નહિ શકે. હા, એટલું ખરું કે આખું વર્ષ બેફામ મૌજને પાંચમાં ગેરમાં સોથી વધુ સ્પીડે માણી લીધા પછી પરિણામનો એક જ દિવસ એવો આવતો જે દિવસે અમારી સૌની ગાડીમાં પંક્ચર પડી જતા. આખા ક્લાસ વચ્ચે ‘બે વિષયમાં ફેલ’ કે ‘એ.ટી.કે.ટી.’ વાળું અમારું રીઝલ્ટ ડીકલેર થતું ત્યારે અમારા સરદારે અમારી ભીતરે ભરેલો ‘આઝાદીનો જુસ્સો’ કોણ જાણે ક્યાં ગાયબ થઈ જતો. ઇવન, અમારો સરદાર પણ એ દિવસે ખિન્ન, ઉર્જા હીન અને સુનમુન બની જતો. છેલ્લી બેન્ચેથી ઉભા થઈ પહેલી બેંચ સુધીના દસ કે પંદર ડગલા ચાલતી વખતે સૌની અમારા તરફ મંડાયેલી આંખો જાણે અમને શક્તિહીનમ્, ક્રિયાહીનમ્.. કરી નાખતી હોય અને અમે લથડિયું ખાઈને પડી જવાના હોઈએ એવો ડર ભીતરે વ્યાપી જતો. ક્લાસમેટ્સની ‘બોબડી’ તો ‘ડારો’ દઈને બંધ કરી દેતા પણ શિક્ષકની ‘સત્ય દર્શક’ શિખામણો અને પ્રિન્સીપાલ સાહેબની ‘વઢ’ અને ‘વોર્નિંગ’ ગંભીરતાથી સાંભળવાનું ‘નાટક’ અમને બહુ ‘ભારેખમ’ લાગતું. અને એનાથી અનેક ગણું ‘ભારેખમ’ લાગતું રીઝલ્ટ સાંભળી મમ્મી અને પપ્પા દ્વારા ધારણ કરી લેવામાં આવતું ‘મૌન’.
“તો શું આપણે આખું વર્ષ જે ‘આઝાદી’ માણી, આઝાદીનો જે અર્થ અને વ્યાખ્યા આપણા દિલોદિમાગને સૌથી સાચા લાગ્યા એ ખોટા હતા?” આ ‘ભારેખમ’ પ્રશ્ન અમે તોફાનીઓ દિવસો સુધી ચર્ચતા. અમારા ફેવરીટ લાઈફ કોચ સરે મસ્ત વાત કરી: ‘જે દિવસે તમે કૉમ્પ્રોમાઈઝ કરો છો, કોઈ અસત્ય આગળ ઝુકી જાઓ છો એ દિવસથી તમે શક્તિહીનમ્, ક્રિયાહીનમ્ થવા લાગો છો.’ અમને સમજાયું નહિ એટલે અમે એમની સામે તાકી રહ્યા. અમને ઝુકાવવાની ત્રેવડ તો કોઈના બાપુજીમાં પણ નહોતી. સરે કહ્યું, “તમને ઝુકાવવા માટે દર વખતે ‘શારીરિક’ ત્રેવડ જ વાપરવામાં આવે એવું કેમ માનો છો? કેટલીક ત્રેવડ ‘માનસિક’ પણ હોય છે. તમારી ભીતરના ‘સત્ય’ સામે જયારે ખોટા વિચારો અને કુતર્કો જંગે ચઢે છે ને ત્યારે શરૂઆતમાં જીવ પર આવીને ઝઝૂમ્યા પછી તમારું ભીતરી ‘સત્ય’, તમારો ‘આત્મા’ એક સમયે દમ તોડી દે છે. તમે શું માનો છો રીઢો લાંચીયો ઓફીસર પોતાની નોકરીના પ્રથમ દિવસે ‘ઈમાનદારી અને પ્રામાણિકતા’થી છલકતો નહિ હોય? આડો અવળો માલ પધરાવવામાં ગીલીન્ડર બની ગયેલા લુચ્ચા વેપારીએ, પોતાની પહેલી, નાનકડી દુકાન શરુ કરી એના ઉદ્ઘાટનના દિવસે ‘ગ્રાહક એ જ ભગવાન’ની ભાવના નહિ સેવી હોય? કાવા દાવામાં છેક ગળા સુધી ડૂબી ગયેલો રાજકારણી પોતાના જીવનની પહેલી ચુંટણીના પહેલા દિવસનું પહેલું ભાષણ આપતી વખતે શું ‘ક્રાંતિ’, ‘દેશસેવા’ કે ‘સમાજ સેવા’ની ભાવના ધરબીને નહિ આવ્યો હોય? દર્દીને લાખોનું બીલ ફટકારતો ડૉક્ટર બારમાની પરીક્ષા વખતે કુળદેવીની છબી સામે ઉભો રહ્યો હશે ત્યારે એણે ‘દર્દીની સેવા’નો પવિત્ર ભાવ કાયમ રાખવાનું વચન પોતાના કુળદેવીને નહિ આપ્યું હોય?” આટલું કહી એક ઊંડો શ્વાસ લઈ સરે અમારી આંખોમાં તાકતા કહ્યું ‘તમે સૌએ પણ જે દિવસે નિશાળમાં એડમીશન લીધું, એ દિવસે ભણી-ગણીને હોંશિયાર થવાનું, ડોક્ટર-એન્જીનીયર થવાનું રૂપાળું અને પરમ સત્ય ભીતરે નહોતું સેવ્યું?” ઓહ, સાહેબે તો અમને છેક ઊંડે સુધી હલાવી નાખ્યા. અમે સૌએ એકબીજા પર નજર ફેંકી. ત્યાં સાહેબનું અંતિમ સાર રૂપ વાક્ય સંભળાયું. ‘દરેકના જીવનમાં એક રાત્રિ, એક સમય, એક પંદરમી ઓગષ્ટ આવે જ છે જે દિવસે ભીતરે આત્મા સાથે જોડાયેલું ‘સત્ય’ અને મન, દુનિયાદારી, પદ, પ્રતિષ્ઠા અને પૈસા સાથે જોડાયેલું કુતર્કોનું ‘અસત્ય’ જંગે ચઢે છે... જો સત્ય જીતે તો આઝાદી.. અને અસત્ય જીતે તો ગુલામી..., ખિન્નતા, શક્તિહીનતા.. ક્રિયાહીનતા...”
મિત્રો, ફરી પંદરમી ઓગષ્ટ આવીને ઉભી છે. શું કરશો? તમે તમારી ખુદની, તમારા ‘સત્ય’ની સાથે રહેશો કે ‘દુનિયાદારી’, ‘પ્રેક્ટીકાલીટી’ની રૂપાળી ‘અંગ્રેજ’ ચાલ તમને ‘હરાવી’ દેશે? ગાંધીજીના ‘સત્ય’ની જીત એ મારી અને તમારી ભીતરના ‘સત્ય’માં રહેલા ‘કુતર્કો’ને, ‘ભીતરી અંગ્રેજો’ને હરાવવાની ‘તાકાત’ તરફ તો આંગળી નથી ચીંધી રહી ને? તમને નથી લાગતું કે પેલું આપણું સનાતન સૂત્ર ‘સત્યમેવ જયતે’ કુતર્કોની ‘હાર’ અને ‘તમારી’ જીતની ગેરંટી આપી રહ્યું છે. કેમ કે આખરે તો દુનિયાદારી પણ સ્વીકારે જ છે કે ‘રામ’ નામ જ સત્ય છે. મિત્રો, આજના દિવસે ભીતરે આખરી જંગ લડી રહેલા સત્યના, રામના, કૃષ્ણ કનૈયાના સિદ્ધાંતોનો હાથ પકડી, સામે પક્ષે ઉભેલા ભય અને લાલચ ભરેલા કુતર્કો અને કુવિચારોના સૈન્ય સામે ધનુષ્ય ટંકાર કરી "હમ લેકે રહેંગે આઝાદી" નો શંખનાદ કરીએ તો કેવું? હેપ્પી ઈન્નર ઈન્ડીપેન્ડન્સ ડે ઈન એડવાન્સ.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલની લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)