College campus - 114 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 114

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 114

ડૉ. નિકેતના એક એક શબ્દ પરી ધ્યાનથી સાંભળી રહી હતી અને પોતાને કઈરીતે કયો કેસ હેન્ડલ કરવો તે મનમાં વિચારી રહી હતી.
તેને આમ મૂંઝવણમાં જોઈને ફરીથી ડૉ. નિકેતે તેને કહ્યું કે, "મિસ પરી તમે મૂંઝવણમાં ન મૂકાઈ જશો. હર પળ હું તમારી સાથે જ છું."
"જી આઈ ક્નોવ સર.."
પરીએ ટૂંકમાં જ જવાબ આપ્યો.
એક પછી એક પેશન્ટનો કેસ સમજાવતાં સમજાવતાં પરીની માધુરી મોમનો રૂમ આવ્યો.
ડૉ. નિકેતે પરીને આગળ થવા કહ્યું.. પરીએ પોતાની માધુરી મોમના રૂમનો દરવાજો ખોલ્યો...
હવે આગળ...
ડૉ. નિકેતે પરીને તેની માધુરી મોમનો કેસ સમજાવતાં કહ્યું કે, "આ છે મીસીસ માધુરી જેમનો કેસ તમને પહેલેથી જ ખબર છે ને? મારે સમજાવવાની જરૂર તો નથી ને?"
"ના, સર સમજાવવાની જરૂર તો નથી પરંતુ મોમને સારું કઈરીતે થશે તે તમારે મને સમજાવવાનું છે." પરી પોતાની મોમની સામે ભાવવિભોર થઈને જોઈ રહી હતી.
"હા, મિસ પરી તમારી મોમને ચોક્કસ સારું થઈ જશે. કારણ કે હવે તમે તેમની બિલકુલ નજીક છો, તેમનાં દિલની.. ધડકનની.. બિલકુલ પાસે છો.. તમારે તેમના માટે એવું વિચારવાનું જ નથી કે તે બેભાન અવસ્થામાં છે.. તમારે બહુ પોઝિટિવ વિચારવાનું છે કે તમારી મોમ બિલકુલ સભાન અવસ્થામાં છે અને તે તમને ખૂબ પ્રેમ આપી રહી છે.. તમારા હરેક પ્રશ્નનો તે જવાબ આપી રહી છે.. દરેક માં પોતાના બાળકને જેમ શાંતિથી સાંભળે..તેના પ્રશ્નનો ઉત્તર આપે.. તેને સાબાશી આપે.. તેના સારા કામ માટે પોતાની જાતને ગર્વ આપે..તે બધાજ એક્સપ્રેસન્સ તમારી મોમ આપી રહી છે અને તમે પણ તેમની સાથે વાત કરતાં કરતાં ખૂબ ખુશ થાવ છો.. તમે તેની દીકરી છો તે વાતનો તમને ગર્વ છે..એક નાનકડું બાળક નિર્દોષ રીતે પોતાની મોમને કેવું ચોંટી પડે છે તેમ તમારે પણ તમારી મોમને ચોંટી પડવાનું છે તે તમારી રાહ જોઈ રહી છે.. તેને પણ તમારી સાથે ખૂબ વાતો કરવી છે તો તેમને ભાનમાં લાવવા માટે તમારે તેમને પૂરતો સપોર્ટ કરવાનો છે." ડૉ. નિકેત પરીને ખૂબ શાંતિથી અને પ્રેમથી આ બધી વાતો સમજાવી રહ્યા હતા.
પરીની આંખોમાંથી ઉષ્માભર્યા અશ્રુ વહ્યે જતા હતા જેની ડૉ. નિકેતને ખબર જ નહોતી.
ડૉ. નિકેતે પરીની સામે જોયું અને ચોંકી ઉઠ્યા અને બોલી ઉઠ્યા કે, "મિસ પરી..આ શું કરી રહ્યા છો? તમે આમ રડ્યા કરશો તો નહીં ચાલે.. તમારે ખૂબ હિંમત રાખવાની છે.. તમારે તમારી મોમને પાછી લાવવાની છે.." પરીએ હકારમાં માથું ધુણાવ્યું.
હજી તેનાં આંસુ જાણે થીજીને અટકી ગયા હતા...
પરંતુ ડૉ. નિકેત પરીની વેદના સમજતા હતા તેમણે પરીના બંને ખભા ઉપર પ્રેમથી પોતાના હાથ મૂક્યા અને તેને બાજુમાં રહેલા સોફા ઉપર પ્રેમથી બેસાડી અને કૉર્નરમાં મૂકેલા ટેબલ ઉપર રાખેલો જગ અને ગ્લાસ પોતાના હાથમાં લીધાં અને તેમાં થોડું પાણી ભર્યું અને પરીની બાજુમાં બેસીને તેના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો અને બોલ્યા કે, "પરી, હું તારી લાગણી સમજી શકું છું. તારી મોમને ભાનમાં લાવવા માટે આપણે બધા જ પ્રયત્નો કરી છૂટીશું પણ તારે તેમાં મને સાથ આપવાનો છે. તું તેમની દીકરી છે તારી નસોમાં એમનું લોહી દોડે છે તું જે કરી શકે તે હું ન કરી શકું અને માટે જ તારી મોમના કેસ માટે મેં તને અહીં મારી હોસ્પિટલમાં બોલાવી છે. આજે તારે મને પ્રોમિસ આપવાની છે કે હવે પછી તું આમ રડશે નહીં અને ખૂબ હિંમત રાખીને મીસીસ માધુરીનો કેસ હેન્ડલ કરશે.."
પરીએ પોતાના હાથમાં રહેલા ગ્લાસમાંથી પાણીના બે ત્રણ ઘૂંટડા ગળાની નીચે ઉતાર્યા અને મક્કમતા પૂર્વક ડૉ. નિકેતની સામે જોયું.
ડૉ. નિકેતે પોતાનો જમણો હાથ પરીની સામે ધર્યો અને પરી હવે પછી આ રીતે નહીં રડે તેમજ હિંમત રાખીને પોતાની મોમને ભાનમાં લાવવાની કોશિશ કરશે તે માટે પ્રોમિસ માંગી રહ્યા.
પરીએ પણ ખૂબજ ખાતરી આપતી હોય તેમ પોતાનો નાજુક નમણો હાથ ડૉ. નિકેતના અનુભવી હાથમાં મૂક્યો.
ડૉ. નિકેતે પોતાના પોકેટમાંથી પોતાનો હેન્કી પરીને આપ્યો અને તેને સ્વસ્થ થવા સમજાવ્યું.
પરીએ વોશ બેઝિન પાસે જઈને પોતાનું મોં ધોયું અને ડૉ. નિકેતના હેન્કી વડે તે લૂછીને સ્વસ્થ થઈ ગઈ.
બંને મીસીસ માધુરીના રૂમની બહાર નીકળ્યા અને ડૉ. નિકેતની કેબિન તરફ આગળ વધ્યા.
ડૉ. નિકેતે મિસ રીચાને પોતાની કેબિનમાં બોલાવી અને ડૉ. પરીને જે કેસ હેન્ડલ કરવાના હતા તેની ફાઈલો તેને આપવા કહ્યું.
ડૉ. નિકેતે પરીને મૂડમાં લાવવાના ઈરાદાથી તેને પૂછ્યું કે, "મિસ પરી, તમારા જેવી બીજી પણ બે ત્રણ છોકરીઓ હોય તો લઈ આવો ને.. આપણે તેને ઈન્ટર્ન તરીકે રાખી લઈશું.."
"ખરેખર?" પરીએ સ્વાભાવિકપણે જ પૂછી લીધું.
"ના ના, હું તો મજાક કરું છું..તમે એક જ બસ છો..." અને ડૉ. નિકેત હસી પડ્યા સાથે સાથે પરી પણ હસી પડી...
વધુ આગળના ભાગમાં....
ડૉ. નિકેતનો લાગણીસભર સ્વભાવ તેમને મનગમતી પરીની નજીક લઈ પહોંચશે કે પછી પરી પોતાની પસંદગી સમીર ઉપર જ ઉતારશે??
ડૉ. નિકેત અને પરીની મહેનત રંગ લાવશે માધુરી ભાનમાં આવી જશે??
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
18/8/24