ભાગ-૩ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા
નમસ્તે વાચક મિત્રો 🙏
આગળ આપણે જોયું કે રતન અને એની બાળકી કુદરતની સામે જંગ લડીને આ ધરતી પર પોતનું અસ્તિત્વ ટકાવવામાં સફળ નીવડે છે.હવે આગળ.....
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
"હું તારી જ બનાવેલી માટીની પૂતળી છું પ્રભુ
ક્યાં સુધી લઈશ મારી પરીક્ષા તું પ્રભુ?
લઈને જ જંપીશ હું શ્વાસ આ ધરતી પર
મારાં સુકર્મો થકી તું પણ એક'દી સ્તબ્ધ થઈશ પ્રભુ "
આમ જાણે કુદરતને પડકાર કરતી રતનની દીકરી આ ધરતી પર આવે છે.
રતન એની દીકરીને હાથમાં લઈ મન ભરીને એનાં ઉપર માતૃત્વનો વરસાદ કરી દે છે.એ જોઈને જીવી પણ નજર નાં લાગે માટે ઓવારણાં લે છે.
જીવી : (બહાર જતાં) "માધોભઈ ખૂબ ખૂબ વધામણી તમોને,તમારાં ઘરે સાક્ષાત્ લક્ષ્મીજી આયાં સે."
માધવ ભાઈ : "જીવી બુન તમારો પાડ માનો એટલો ઓછો સે બુન ,આ કપરાં સમયમાં તમે ને રઘું ભઈએ મારો બહું સાથ આપ્યો સે. તમે નાં હોત તો રામ જાણે મારી રતન અને મારા બાળકનું શું થાત?"
જીવી : "અરે માધો ભઈ એમાં વળી પાડ શો માનવાનો હોય.આ તો મને ઉપરવાળાની દેન સે તે કોકને કામ આવું સુ, નકર જોવોને, મારેય ભગવોનનાં ઘરેથી શેર માટીની ખોટ તો સી જ ને?"
માધવ ભાઈ : "જીવી બુન, તમે જરીકે દખી નાં થાહો હોં, આ મારી દીકરીને તમે જ જીવત દાન આલ્યું સે તે એને તમારી દીકરી જ હમજો."
જીવી : "હા હો માધો ભઈ, તમારી વાત તો હોળ આના હાચી સે,તમારી આ દીકરી તો દેવરુપ જેવી સે હો! મારી જ નઈ ગામ આખાની લાડકી થઈને રેશે જો જો ને તમે આ વાત તો મું કોરાં કાગળે લખી આલું લાવો."
માધવ ભાઈ : "જીવી બુન, તમે ઝટ જાઓને મારી દીકરીને લેતાં આવજો મારે એને જોવી સે."
જીવી :" હા .. અબીહાલ જ લાવું સુ."
(જીવી અંદર જાય છે.રતન પાસેથી એની દીકરીને લઈને બહાર આવે છે.)
જીવી બાળકી માધવ ભાઈનાં હાથ માં આપતાં ....
"લ્યો માધો ભઈ આ તમારી દીકરી જોવો સે ને રૂપ રૂપનાં અંબાર જેવી!!"
માધવ ભાઈ દીકરીને હાથ માં લેતાં.. જ... એકીટશે એનું મુખ નિહાળે છે..
ગોળ ચાંદ જેવું મુખડું..મોટી મોટી કાળી આંખો.. જાણે હમણાં ઘેરાયેલા કાળા વાદળ એની આંખોમાં સમાઈ ગયા. લાંબીને ધારદાર એની ભ્રમર... સૂર્ય સમ તેજસ્વી એનું કપાળ..ને દૂધ જેવી સફેદ એની કાયા જાણે વાદળોની પેલે પારથી આવેલી એક સુંદર પરી.જાણે ત્રાટક કરતી હોય એમ એને જોનારની નજર જ બાંધી દે.
જીવી: "માધો ભઈ ચાં ખોવાઈ જ્યાં?"
માધવ ભાઈ: (તંદ્રામાંથી જાગતા હોય એમ)
"જીવી બુન સાક્ષાત્ લક્ષ્મી આઈ સે હો જાણે દેવીનો અવતાર."
(ખીસ્સામાંથી ૧૦૦₹ કાઢીને દીકરી પરથી નજર વાળી જીવીને આપે છે. એ સમયે સો રૂપિયાનું મૂલ્ય પણ ઘણું થતું.)
જીવી દીકરીને લઈને અંદર જાય છે. રતન પાસે દીકરીને સુવડાવે છે.પાર્વતી બેનને રતનનું ધ્યાન રાખવાનું કહી ઘરે જવા નીકળે છે.
માધવ ભાઈ બહાર બેઠેલાં રઘુનો આભાર વ્યક્ત કરે છે.જીવી અને રઘુ પોતાનાં ઘરે જવા નીકળે છે.
આગળ........
🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
સતત પાંચ દિવસનાં વરસાદે અંતે વીરામ લીધો.અને વાદળો સાથે સંતા કૂકડી રમતાં સૂર્ય દેવની આખરે જીત થઈ.અને સાત અશ્વની સવારી લઈ સૂરજદાદા ધરતીને મળવા આવી પહોંચ્યાં.
કાળા ડીબાંગ વાદળો વેરાઈ ગયાં. તોફાને ચડેલો પવન થાકી- હારીને શાંત થઈ ગયો.અને આખરે ધરતી પર રહેલ દરેક જીવે થોડો રાહતનો શ્વાસ લીધો.ઘરોમાં ભરાયેલાં પાંણી ધીરે ધીરે ઓસરવાં લાગ્યાં.
સવાર પડતાં જ ગામ આખામાં માધવ ભાઈનાં ઘરે દીકરી જન્મનાં સમાચાર ફેલાઈ ગયાં. સહું કોઈ એનાં જન્મને શુભ માનવા લાગ્યાં. ઘરે ઘરે બસ એક જ વાત થવાં લાગી કે માધવ ભાઈની દીકરીનાં આવતાં જ ગામ પર આવેલી આફત ટળી ગઈ.
ધીરે ધીરે જનજીવન સામાન્ય સ્થિતિમાં આવવાં લાગ્યું.
માધવ ભાઈ નું ઘર
માધવ ભાઈનાં ઘરે હર્ષોલ્લાસનું વાતાવરણ છે. એક નાનકડી પરીનાં શુભ પગલાંથી જાણે બધાંને નવું જીવન મળ્યું છે.બધાં એને ખૂબ ખૂબ લાડ લડાવે છે.એની મોટી બહેન સ્નેહા અને બે ભાઈ હર્ષ અને હાર્દિક વચ્ચે તો જાણે કે રીતસરની લડાઈ થઈ જાય કે કોણ એને પહેલાં રમાડશે. દાદી પાર્વતી બા, કાકા શિવરામ- કાકી સવિતાં સહુંની લાડકી બની ગઈ છે.અને માતા પિતાનો તો જાણે એનાં માં જ જીવ વસી ગયો છે.
એનાં જન્મનાં છઠ્ઠા દિવસે એનું નામ પાડવામાં આવે છે
"ઉતરી આવી કોઈ પરી આસમાની મહેલથી
લઈને આવી હસી સહુંનાં મુખ પર એ જાદુથી
નક્કી ઘાટ ઘડનારાએ ઘડ્યો ઘાટ ફુરસદથી
તેથી જ જોને રૂપ ને ગુણ લઈ આવી છે એ દેવલોકથી"
માટે એ ઓળખાશે "દેવિકા "નાં નામથી.
આમ વિધિપૂર્વક મહારાજને બોલાવી એનું નામકરણ કરવામાં આવે છે.અને એને" દેવિકા" નામ આપવામાં આવે છે. આખા ગામમાં એનાં જન્મની વધામણીની મીઠાઈ વહેંચવા માં આવે છે.
^_^^_^^_^^_^^_^^_^^_^^_^^_^^_^
ગામમાં અને ઘરમાં સહુંની લાડકી દેવિકા ધીરે ધીરે ૩ વરસની થઈ ગઈ છે.એનાં નાનાં નાનાં પગમાં પહેરેલી પાયલ જ્યારે એ દોડે ત્યારે એક મધુર સંગીત રેલાવે છે, કાલી ઘેલી ભાષામાં બોલે એટલે જાણે ફૂલડાં ઝરે છે, અને હસે એટલે જાણે મોતી વેરાય ,અને જોનારને જાણે ઘડીભર મંત્ર મુગ્ધ કરી દે.
સાંજનો સમય છે.આકાશમાં લાલાશ આવી છે.સૂર્ય અને સંધ્યાનું ક્ષિતિજે મિલન થવામાં છે.
ઉનાળાનાં દિવસો હોવાથી વાતાવરણમાં રહેલો ઉકળાટો દિવસ આથમતા થોડો ઓછો થયો છે.
ઢોર ઢાંખરને એમનાં માલીકોએ ઘડીભર તળાવનાં પાણી પીવા ખીલેથી છોડ્યા છે.
દેવિકા ઘરનાં ઓટલાં આગળ રમી રહી છે.
અને એટલાંમાં એક ભેંસ દોડતી દોડતી આવીને કોઈ કંઈ સમજે વિચારે એ પહેલાં તો દેવિકાને હડફેટે લેતાં ને એનો પગ પીલતાં આગળ નીકળી ગઈ.
દેવિકાનાં માંથામાં અને પગમાંથી લોહીની ધાર ફૂટી , અને ખેંચ આવવાં લાગી.ઘડીભરમાં તો માધવભાઈનાં ઘર આગળ ટોળું જમાં થઈ ગયું.
કોઈ એ બૂમ પાડી.........
"માધો ભઈ..... ઓ ...માધો ભઈ......"
માધવ ભાઈ દોડતાં દોડતાં આવે છે ને જુવે છે તો.....
દેવિકા લોહીલુહાણ થઈ પડી છે.
એટલામાં તળાવમાં વાંસણ ધોવા ગયેલી રતન પણ આવી પહોંચે છે.ઘર આગળ જમાં થયેલું ટોળું જોઈને વાસણ નીચે ફેંકી દોડે છે ને દેવિકાને જોઈ બેહોશ થઈ જાય છે.
માધવ ભાઈ: "હે ભગવાન ! મારી દેવુંને શું થયું? આટલું લોઈ ? ઈમ ચેવી રીતનાં વાગ્યું પણ..???"
ટોળાંમાંથી કોઈ :" આ પેલાં નાની બુનની ભેંહ દોડતી આઈને આ દેવુંને વગાડતીકને નાસી જઈ".
માધવ ભાઈ જલ્દી દેવુંને ખોળામાં લઈ લે છે.અને માંથા માંથી વહેતાં લોહીને રોકવા માંથા પર રૂમાલ વીંટી દે છે.
અને તાત્કાલિક સ્કૂટર લઈને બાજુનાં ગામમાં આવેલા દવાખાને લઈને દોડે છે.
>.<>.<>.<>.<>.<>.<>.<>.<>.<>.<>.<>.<
🙏 ભાગ-૩. પૂર્ણ🙏
શબ્દ સમજ = સે- છે, ઓસો -ઓછો, પાડ- ઉપકાર, નકર -નહીતર, સી જ- છે જ, હોળ આનાં -સોળ આનાં (૧૦૦ ટકા), રેસે -રહેશે, ચેવી રીતે- કેવી- રિતે, કોક- કોઈક, હું થ્યું ? - શું થયું?.
************###************
*માધવ ભાઈ સમયસર દેવિકાને લઈને દવાખાને પહોંચશે?
*દેવિકાની માં રતનની માનસિક સ્થિતિ કેવી હશે?
*આગળ દેવિકાનું બાળપણ કેવું વીતશે?
જાણવા માટે વાંચતા રહો.........
ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં..નો ભાગ ૪ .
સહું સ્વસ્થ રહો, સલામત રહો
લેખિકા
યોગી ઉમા 'શબ્દ સ્યાહી'✍️