A - Purnata - 41 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 41

Featured Books
Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 41

સૌ જમવા બેઠાં હતાં ને બળવંતભાઈનો ફોન વાગ્યો. ફોન ઉપાડતાં જ સામેથી જે કહેવાયું એ સાંભળી તેમના હાથમાંથી ફોન પડી ગયો. આ જોઈ વિકી બોલ્યો, "પપ્પા, શું થયું? કોનો ફોન હતો?" 
          બળવંતભાઈ દિગ્મૂઢ થઈ ગયા હતા. વિકી તેમને શું પૂછી રહ્યો છે એ પણ જાણે તેમને સંભળાતું ન હતું. વિકીએ જોરથી બળવંતભાઈને ખભા પકડી હલાવ્યા અને ફરી જોરથી પૂછ્યું, "પપ્પા? શું થયું? કઈક તો બોલો."
         "હે? હા...વિકી...રામસીંગનો ફોન હતો, ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે." બળવંતભાઈ આટલું તો માંડ બોલી શક્યા અને સીધા ઉભા થઈ ભાગ્યા. વિકી પણ તેમની પાછળ જ ભાગ્યો. અશ્વિનભાઈએ વિકીને બૂમ પાડી. "વિકી, ઉભો રહે, મારી ગાડી લઈને જઈએ તો ઝડપથી પહોંચી જઈએ." આમ કહી અશ્વિનભાઈ પણ બધું જ મૂકીને દોડ્યા.
        મિશા બોલી, "પપ્પા, અમે પણ આવીએ છીએ." અવંતિકાબહેન, વીણાબહેન અને મિશા પણ તરત જ દોડ્યા. અશ્વિનભાઈની બે ગાડી હતી જેમાં એકમાં અશ્વિનભાઈ, અવનીબહેન, વીણાબહેન અને બળવંત ભાઈ ગોઠવાયા અને બીજી ગાડીમાં મિશા અને વિકી. પૂરપાટ ઝડપે ગાડી ભાગી. 
        વિકી ફૂલ સ્પીડમાં ગાડી ભગાવી રહ્યો હતો. મિશા તેને આશ્વાસન આપતાં બોલી,"વિકી, ચિંતા ન કર. બધું સરખું થઈ જશે."
        "મિશા, બનાવેલો કાપડનો જથ્થો જો સળગી ગયો તો અમે શું કરશું? એ નુકશાન કેમ ભરપાઈ થશે? તારા પપ્પાને પણ હું શું મોઢું બતાવીશ?" 
        એટલામાં જ ફેક્ટરી આવી ગઈ. વિકી ગાડી સાઇડ પર પાર્ક કરી ફટાફટ દોડ્યો. જોયું તો આખી ફેક્ટરી આગની ઝપટમાં આવી ગઈ હતી. આજુબાજુના લોકો પાણીથી આગ બુઝાવવાની કોશિષ કરી રહ્યા હતા. વિકી તો આગને જોઈને જ સ્તબ્ધ થઈ ગયો. બળવંતભાઈએ તો સીધી રાડ પાડી, "મારી ફેક્ટરી..."
        રામસીંગ, જે ત્યાંનો ચોકીદાર હતો તે દોડતો બળવંતભાઈ પાસે આવ્યો. "શેઠ, હું અહી પહોચ્યો એ પહેલા જ આગ લાગી ગઈ હતી. આજુ બાજુના લોકોનું કહેવું છે કે અંદર શોટ સર્કિટ થઈ અને આગ લાગી. બધો જ માલ પણ સળગી ગયો છે. ફાયર બ્રિગેડને મે ફોન કર્યો છે પણ એ પહોંચશે ત્યાં સુધીમાં કઈ બચે એવી સંભાવના લાગતી નથી."
        આ સાંભળીને તો બળવંતભાઈ ધબ કરતાં નીચે બેસી ગયા. અશ્વિનભાઈ પણ વિમાસણમાં હતા કે તેમને શું આશ્વાસન આપવું. વિકી પણ આમથી તેમ દોડી રહ્યો હતો અને આગ બુઝાવવાની કોશિષ કરી રહ્યો હતો. થોડી વાર થઈને ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવા લાગી. મહામહેનતે આગ કાબુમાં આવી. લોકોનું ટોળું ધીમે ધીમે વિખરાઈ ગયું. વિકી સળગી ગયેલા દરવાજા પાસે ગયો અને સહેજ ધક્કો મારતા દરવાજો પડી ગયો. હજુ પણ ધુમાડા નીકળી રહ્યા હતાં. ફેક્ટરીમાં કશું જ બચ્યું ન હતું. 
        મિશા વિકીની પાછળ જ હતી. વિકી સ્વગત જ બોલ્યો,"બધું જ બળી ગયું, કઈ જ નથી બચ્યું. સાથે અમારા સપના પણ બળી ગયાં." મિશાએ આશ્વાસન આપવા જ વિકિનો હાથ પકડ્યો અને વિકી મિશાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મિશા માટે આ અનપેક્ષિત હતું. છતાંય તેણે વિકીની પીઠ પર હાથ ફેરવ્યો અને તેને સાંત્વના આપી.
       આ બાજુ બળવંતભાઈ બધું જ ખાખ થઈ ગયેલું જોઈ રડી પણ ન શક્યા અને તેઓ બેભાન થઈ ગયા. આ જોઈ વીણાબહેને બૂમ પાડી, "વિકી...."
       તેમની બૂમ સાંભળી વિકી ફટાફટ દોડ્યો. અશ્વિનભાઈએ સલાહ આપી, "તારા પપ્પાને ફટાફટ હોસ્પિટલ લઈ જઈએ. તું એમને ગાડીમાં બેસાડ." 
        બે લોકોની મદદથી વિકીએ બળવંત ભાઈને ગાડીમાં પાછળ સુવડાવ્યા અને પોતે અશ્વિનભાઈ પાસે આગળ બેઠો અને અશ્વિનભાઈએ ગાડી હોસ્પિટલ તરફ મારી મૂકી. મિશા બીજી ગાડીમાં અવંતિકાબહેન અને વીણાબહેનને લઈને હોસ્પિટલ ગઈ.
       હોસ્પિટલ પહોંચીને ડૉક્ટર બળવંતભાઈને ચેક કરી રહ્યા હતા અને વિકી બહાર ઉચાટમાં જ આંટા મારી રહ્યો હતો. થોડીવારે ડૉક્ટર બહાર આવ્યા એટલે બધા તરત જ તેમની પાસે ગયાં.
       "ડૉક્ટર, મારા પપ્પા..."
        "ડોન્ટ વરી, બસ આઘાતના લીધે જ તેઓ બેભાન થઈ ગયા છે. થોડીક વારમાં જ તે ભાનમાં આવી જશે પછી તેમને ઘરે લઈ જજો. ધ્યાન રાખજો કે વધુ પડતો મન પર તણાવ ના આવે. બાકી આ પરિસ્થિતિમાં એટેક આવતાં વાર નહિ લાગે."
       ડૉક્ટર તો એમની વાત કહીને જતાં રહ્યા પણ વિકી અને વીણાબહેનને ચિંતામાં મૂકતા ગયાં. ફેક્ટરીની જે હાલત છે એ જોતાં તો બળવંતભાઈને કેમ તણાવમુક્ત રાખવા એ જ પ્રશ્ન હતો. બધું થઈ રહેશે એમ વિચારી અત્યારે તો વિકીએ પોતાના પપ્પા પર ધ્યાન પરોવ્યું. સવાર સુધી હોસ્પિટલમાં જ રહેવું એવું વિકી સાથે નક્કી કરી અશ્વિનભાઈ પણ પોતાના પરિવાર સાથે ઘરે ગયાં. મા દીકરો હવે એકલા પડ્યાં.
        "બેટા, કેમ બધું મેનેજ થશે? ઓર્ડરનું કાપડ તો બળી જ ગયું પણ સાથે આપણે રોકેલા રૂપિયા પણ ડૂબી ગયા. તારા પપ્પાએ વ્યાજે પૈસા લઈને પણ આ ઓર્ડર પૂરો કરવાનું નક્કી કર્યું હતું. એ વ્યાજના પૈસા ક્યાંથી ચૂકવશું? અરે, અશ્વિનભાઈને પણ શું જવાબ આપશું? નુકશાન તો એમનું પણ થયું જ છે ને?" વીણા બહેન આંખોમાં આંસુ સાથે બોલ્યાં.
        "મમ્મી, બધું થઈ જશે. તમે ચિંતા ન કરો. હું અશ્વિન અંકલ સાથે વાત કરીશ. એ આપણી મદદ જરૂર કરશે. અત્યારે પપ્પાની હેલ્થથી વધુ મહત્વનું કઈ જ નથી."
        "આ બધું અચાનક થયું કેમ એ જ ખબર નથી પડતી. માંડ કરીને લાગ્યું હતું કે હવે ધીમે ધીમે આપણી ફેક્ટરી મોટી થશે, વધુ ધંધો કરશું પણ ઉલટું આ તો..."એમ કહેતા વીણાબેનના ગળે ડૂમો બાઝી ગયો. વિકીએ તેમને પોતાના આલિંગનમાં લઈ લીધા.
        બીજે દિવસે બળવંતભાઈને લઈને વિકી ઘરે ગયો. એમને હજુ પણ થોડોક આરામ કરાવવો જરૂરી હતો. બળવંતભાઈ ઘરે જઈને બોલ્યા, "વિકી, અશ્વિનભાઈ પાસે હાથ જોડીને માફી માંગી લેજે. આપણે ખરેખર ક્યાંક થોડીક બેદરકારી રાખી છે. આટલો બધો માલ હતો ને આપણે ફેક્ટરી એકલા રામસીંગના ભરોસે મૂકીને ઘરે આવી ગયા એ આપણી પણ ભૂલ જ છે. ખબર નહિ બધાના વ્યાજના પૈસા કેમ ચુકવશું. મે બધાને એક અઠવાડિયાનો વાયદો કરેલો હતો. મને એમ કે માલ મોકલતાં જ અઠવાડિયામાં તો પૈસા મળી જશે તો બધાને ચૂકવી દેશું. આવી તો થોડી કઈ ખબર હતી કે...." આમ કહી બળવંતભાઈ એ એક મોટો નિઃસાસો નાખ્યો.
         "પપ્પા, હું જાવ છું અંકલ પાસે. એ જરૂર મદદ કરશે. તમે ચિંતા ન કરો અને આરામ કરો." આમ કહી વિકી ફ્રેશ થવા ગયો અને ત્યારબાદ તરત જ અશ્વિનભાઈને મળવા ઓફિસ પહોચી ગયો. જોબ પર પણ જવું તો જરૂરી હતું જ. તે પોતાનું થોડું ઘણું કામ પતાવી અશ્વિનભાઈની કેબિનમાં ગયો. 
       તેને જોઈ અશ્વિનભાઈ બોલ્યા, "આવ વિકી, હું હમણાં તને જ બોલાવવાનો હતો. કેવું છે તારા પપ્પાને?"
      "સારું છે અત્યારે તો. હજુ થોડોક આરામ કરવાનું કહ્યું છે ડોક્ટરે."
        "ઠીક છે બેટા, ધ્યાન રાખજે એમનું."
        "પપ્પાએ તમારી માફી માંગી છે. ઓર્ડરનું બધું જ કાપડ કાલની આગમાં બળી ગયું છે તો..."
        "હા, એ નુકશાન તો તને ને મને બંનેને ભારે પડ્યું છે. વિદેશ વાળી પાર્ટી સાથે હમણાં જ વાત થઈ. ઘટના જાણીને તેમને પણ દુઃખ થયું પણ ધંધો તો ધંધો કહેવાય. ધંધામાં કોઈ સંબંધ ન સાચવે. આ ઘટનાને લીધે મારા એમની સાથેના વર્ષો જૂના ધંધાકીય સંબંધો બગડી ગયા. જે થયું તે બીજું શું હવે."
       "સર, મારે તમારી મદદ જોઈએ છે થોડીક." વિકી સંકોચ સાથે ધીમેથી બોલ્યો.
                                      ( ક્રમશઃ)
શું વિકી પૈસાની મદદ માગશે અશ્વિનભાઈ પાસે?
અશ્વિનભાઈ મદદ કરશે?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.