Sabse Bada Shetan . Junk Food in Gujarati Health by Suresh Trivedi books and stories PDF | સબ સે બડા શેતાન: જંકફૂડ

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

સબ સે બડા શેતાન: જંકફૂડ

જંકફૂડ એટલે શું?:

તંદુરસ્તી માટે હાનિકારક સર્વે ખોરાકી ચીજો અને વાનગીઓ જંકફૂડ કહેવાય. અંગ્રેજી શબ્દ જંક એટલે કચરો અને જંકફૂડ એટલે જે ખોરાક કચરા સમાન છે અને સીધો કચરાટોપલીમાં ફેંકી દેવા લાયક છે, છતાં પણ આપણે બધા ફેશનના નામે, સ્વાદ માટે કે દેખાદેખીથી હોંશે હોંશે આપણા પેટમાં પધરાવીએ છીએ તેવો ખોરાક. આપણા શરીરની તંદુરસ્તી માટે સૌથી મોટો ખતરો આ જંકફૂડથી છે, એટલે તેને ‘સબ સે બડા શેતાન’ની ઉપમા આપી છે.

 

જંકફૂડમાં પોષણની દૃષ્ટિએ જરૂરી એવાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને હેલ્ધી કાર્બોહાઇડ્રેટ જેવાં શરીરને ઉપયોગી કોઈપણ તત્વો હોતાં નથી. પરંતુ તેમાં વધુ પડતી માત્રામાં કેલરી હોય છે અને ફેટી એસિડ તથા તંદુરસ્તીને હાનિકારક કેમિકલ્સયુક્ત અન્ય તત્વો હોય છે.  

 

આમ તો મોટાભાગના લોકોને પોતાની તંદુરસ્તી જાળવવા માટે કઈ ચીજો ખાવી જોઈએ અને કઈ ચીજો ના ખાવી જોઈએ તેનો ખ્યાલ હોય જ છે. આ લોકો બીજાઓને આ બાબતમાં સલાહ પણ આપતા રહે છે, પરંતુ પોતે તેનો અમલ કરતા નથી. વળી ભગવાને પણ માનવ સ્વભાવ એવો અળવીતરો ઘડ્યો છે કે જેની ના પાડો એ કામ સૌથી પહેલાં કરવાનું મન થાય. એટલા માટે જે માણસ ક્યારેય ગળ્યું ખાતો ના હોય, તેને ડાયાબિટીસનું નિદાન થાય, તો તે દરરોજ ગળ્યું ખાવાની ફરમાઇશ કરતો થઇ જાય છે.

 

કેટલાક લોકો આદતવશ ખોરાકની કુટેવો બદલી શકતા નથી, તો અમુક લોકો દેખાદેખી, ફેશન, આધુનિકતા કે પશ્ચિમની સંસ્કૃતિના આંધળા અનુકરણના પાપે તંદુરસ્તી માટે હાનિકારક ચીજો ખાતા થઇ ગયા છે. અન્ય કેટલાક લોકો, ખાસ કરીને બાળકો, ફૂડ કંપનીઓની માર્કેટિંગ ટેકનિકથી આકર્ષાઈને આવી નુકસાનકારક ચીજો ખાતા થઈ ગયા છે.

 

એક આશ્ચર્યની વાત તો એ છે કે મોટાભાગના લોકો પીઝા, (સાચો શબ્દ પિત્ઝા), પાસ્તા, ન્યૂડલ્સ અને મંચુરિયન જેવા ફાસ્ટ ફૂડ જ જંકફૂડ છે એમ માનતા હોય છે. પણ એ સિવાય રોજબરોજના ખોરાકની અસંખ્ય ચીજો પણ જંકફૂડ છે એ હકીકતની તેમને જાણ જ હોતી નથી. એટલે પહેલાં તો કઈ કઈ ચીજો જંકફૂડ છે એ નમૂના પૂરતી જોઈ લઈએ. પછી જંકફૂડ ઓળખવાની સરળ પદ્ધતિ જોઈશું.  

 

પીઝા, પાસ્તા, ન્યૂડલ્સ અને મંચુરિયન ઉપરાંત તમામ પ્રકારના બજારુ ફૂડ, સ્ટ્રીટ ફૂડ, ઇન્સ્ટન્ટ ફૂડ, પેકેટ ફૂડ, રેડી ટુ ઈટ ફૂડ, બેકરી ફૂડ, બોટલ્ડ પીણાં, ટેટ્રાપેક આઇટમો, એનર્જી ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ, આઈસક્રીમ, બજારુ અથાણાં, વેફર્સ, નમકીન અને અન્ય તમામ તળેલી ચીજો જંકફૂડ છે જ. પણ તે ઉપરાંત સેવ-ગાંઠિયા, ચેવડો-ચવાણું, ગોટા-ભજીયાં, સમોસા-કચોરી અને ફાફડા-જલેબી પણ જંકફૂડ છે. આશ્ચર્યની વાત તો એ છે કે ઘેર બનાવેલ પૂરી, સેવ, પાપડ, શક્કરપારા અને ખાંડની મીઠાઈઓ જેવી કે શીરો, લાડુ, મગજ, મોહનથાળ, દૂધપાક, બાસુંદી વિગેરે પણ જંકફૂડ છે. આમ જંકફૂડનું લિસ્ટ એટલું બધું લાંબુ છે કે તેમાં આપણી રોજબરોજની ઘણી બધી વાનગીઓ આવી જાય છે.

 

જંકફૂડ કઈ રીતે ઓળખવું:

અત્યારની ફાસ્ટ લાઈફમાં જંકફૂડનો વ્યાપ ઘણો વધી ગયો હોવાથી સામાન્ય માણસ માટે કોઈ વાનગી જંકફૂડ છે કે હેલ્ધી ફૂડ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. આથી જંકફૂડને સહેલાઈથી ઓળખવા માટે એક સરળ ટ્રિક બતાવું છું:

 

આરોગ્ય નિષ્ણાતો પાંચ સફેદ ચીજોને ઝેર સમાન ગણીને આ ચીજો રોજીંદા ખોરાકમાં ના લેવી જોઈએ એવી ભલામણ કરે છે. આ ચીજો છે:

૧) ખાંડ/રિફાઈન્ડ સુગર

૨) મીઠું/દરિયાઈ મીઠું/ટેબલ સોલ્ટ

૩) મેંદો/રિફાઈન્ડ ફ્લોર

૪) વનસ્પતિ ઘી અને રિફાઈન્ડ ઓઇલ

૫) સોડા, આજીનો મોટો, વિનેગાર અને પ્રિઝર્વેટિવ્સ જેવાં કેમિકલ્સ

 

જો તમે આ પાંચ ચીજો યાદ રાખી લેશો, તો તમારા માટે જંકફૂડને ઓળખવું તદ્દન આસાન બની જશે. કારણ કે આ પાંચ ચીજોમાંથી કોઈ પણ એક કે એકથી વધુ ચીજોનું વધુ પડતું પ્રમાણ હોય, એવી બધી વાનગીઓ જંકફૂડ કહેવાય છે.

 

હવે જોઈએ કે આ પાંચ ચીજો આપણા સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાનકારક છે.

 

૧) ખાંડ:

ખાંડ આપણા સામાન્ય વપરાશની ખોરાકી ચીજ હોવા છતાં આપણે તેનો બિનજરૂરી રીતે વધારે પડતો ઉપયોગ કરીને તંદુરસ્તીને મોટું નુકસાન કરી રહ્યા છીએ. આખા ભારતમા ગુજરાત ખાંડનો સૌથી વધુ ઉપયોગ કરતું રાજ્ય છે. પરિણામે આપણે ગુજરાતીઓએ રોજીંદા ખોરાકમાં ગળપણના અતિરેકથી અસંખ્ય રોગોને જાતે આમંત્રણ આપીને પગ પર કુહાડી નહિ, પણ કુહાડી પર પગ માર્યો છે!

 

પોષણની દૃષ્ટિએ ખાંડમાં શરીરને ઉપયોગી કોઈપણ તત્વો  હોતાં નથી, ફક્ત વધુ પડતી માત્રામાં કેલરી હોય છે. વળી તેનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ પણ વધારે હોય છે. આથી વધુ ખાંડ ખાવાથી શરીરમાં કેલરીનું પ્રમાણ ઝડપથી વધે છે, જે છેવટે ચરબીમાં રૂપાંતર થઈને જાડાપણામાં પરિણમે છે. આ સાથે કોલેસ્ટેરોલનું પ્રમાણ વધતાં હાઈબીપી અને હૃદયરોગનું જોખમ પણ વધે છે.

 

ખાંડયુક્ત પદાર્થોના સેવનથી મુખમાં રહેલાં જીવાણુંઓ લેકટીક એસિડ ઉત્પન્ન કરે છે. જેનાથી દાંતને રક્ષણ આપતાં ઈનેમલના કવચમાં ક્ષતિ થવાથી દાંતનો સડો થાય છે. ખાંડ કફ કરનારી હોવાથી શરદી, ઉધરસ અને તાવ જેવા રોગ નોતરે છે. વધુ પડતી ખાંડના પાચન માટે પેનક્રિયાસને વધુ ઇન્સ્યુલીન ઉત્પન્ન કરવું પડે છે. પરંતુ તેમ ના થઈ શકે તો ડાયાબિટીસની શરૂઆત થાય છે.

 

ખાંડમાં ગ્લૂકોઝ નામની શર્કરા હોય છે, જે સિમ્પલ કાર્બોહાઇડ્રેટ હોવાથી જલ્દીથી લોહીમાં ભળીને શરીરને ત્વરિત ગરમી અને શક્તિ આપે છે. પરંતુ જો તેનો ઉપયોગ તાત્કાલિક કરવામાં ન આવે, તો તેનું ચરબીમાં રૂપાંતર થઈ જાય છે. એટલે ભારે શ્રમ કરનાર વર્ગ સિવાયના લોકો માટે ખાંડ જાડાપણું વધારે છે.    

 

આની સરખામણીમાં દૂધમાં લેકટોઝ, ફળમાં ફ્રૂકટોઝ અને અનાજમાં માલ્ટોઝ નામની શર્કરા હોય છે, જેમનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ ઓછો હોવાથી શરીર માટે ફાયદાકારક છે. એટલે ફેક્ટરીમાં બનતી સત્વ વગરની, કૃત્રિમ, હાનિકારક કેમિકલ્સવાળી અને આરોગ્યને અનેક રીતે હાનિકારક ખાંડને દરરોજના ખોરાકમાંથી સદંતર દૂર કરવી જરૂરી છે.

 

વધુ ખાંડવાળી વાનગીઓ જેવી કે લાડુ, શીરો, પેંડા, બરફી, મગજ, જલેબી, ગુલાબજાંબુ, રસગુલ્લા, કાજુકતરી, હલવો, માલપુઆ, સોનપાપડી, પેઠા, બાસુંદી, દૂધપાક, શ્રીખંડ અને રસમલાઈ જેવી તમામ મીઠાઈઓ, ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ, કેક, પેસ્ટ્રી, ડોનટ, કુકીઝ, ચા, કોફી, શરબત, કોકટેલ, મોકટેલ, ડેઝર્ટ, સોસ, જામ, વિગેરે જંકફૂડ છે. 

 

મંદિરોમાં, ખાસ કરીને ઉત્તર ભારતનાં મંદિરોમાં, ખાંડમાંથી બનેલો પ્રસાદ આપવામાં આવે છે. તેને બદલે મંદિરોમાં લીલું નાળિયેર, ફળ અથવા ડ્રાયફ્રૂટનો પ્રસાદ આપવાની પ્રથા શરૂ કરવી જોઈએ. દક્ષિણ ભારતનાં મંદિરોમાં મોટેભાગે ભાતનો હેલ્ધી પ્રસાદ આપવામાં આવે છે, તેવી પ્રણાલિકા પણ અપનાવી શકાય. 

 

૨) મીઠું:

મીઠું શરીર માટે જરૂરી ચીજ છે, એટલે મીઠું ક્યારેય તદ્દન બંધ ના કરવું. પરંતુ શરીરની સોડિયમની જરૂરિયાત બહુ જ ઓછી માત્રાની હોય છે. તેની સામે મીઠામાં સોડિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. વળી મોટાભાગના લોકો જરૂરિયાત કરતાં અનેકગણું મીઠું દરરોજના ખોરાકમાં લેતા હોય છે. પરિણામે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જવાથી પહેલાં હાઇ બીપી અને કિડનીના રોગો થાય છે અને તેમાંથી બીજા અનેક રોગો પેદા થાય છે.

 

વધુ મીઠાવાળી વાનગીઓ જેવી કે અથાણાં, પાપડ, સૉલ્ટી બિસ્કિટ, ખારી, નમકીન, ફરસાણ, સોસ, ચિપ્સ, વેફર્સ, સોલ્ટેડ બટર, સોલ્ટેડ ચીઝ વિગેરે જંકફૂડ છે. 

 

૩) મેંદો:

મેંદો એટલે ઘઉંના લોટનો સૌથી ઝીણો ભાગ, જે વધુ પડતી ચીકાશ ધરાવે છે. મેંદાની વાનગીઓ દેખાવમાં એકદમ સફેદ અને સ્વાદમાં ક્રિસ્પી બનતી હોવાથી મેંદો અનેક વાનગીઓમાં છૂટથી વપરાય છે. ખાસ કરીને બેકરીની બધી જ આઇટમ્સ મેંદામાંથી જ બને છે.

 

ખાંડની જેમ મેંદામાં પણ પોષકતત્વો હોતાં નથી, કેલરી વધારે હોય છે અને ગ્લાયસેમિક ઈન્ડેક્ષ વધારે હોય છે. આથી મેંદો જાડાપણું વધારે છે અને ડાયાબિટીસ કરે છે. મેંદો ચીકણો હોવાથી કબજિયાત કરે છે, જે અનેક રોગોનું મૂળ છે. એટલા માટે મેંદાની વાનગીઓ દરરોજના ખોરાકમાંથી સદંતર દૂર કરવી જોઈએ.

 

મેંદાવાળી વાનગીઓ જેવી કે સમોસા, કચોરી, જલેબી, માલપુઆ, ખાજાં, ફરસી પૂરી, નાન, પરોઠા, કુલચા, રૂમાલી રોટી, ભટૂરે, પાણીપૂરી, બ્રેડ, બિસ્કિટ, દાબેલી, ખારી, કેક, પેસ્ટ્રી, પીઝા, પાસ્તા, ન્યૂડલ્સ, ફ્રેન્કી, મોમોઝ, સ્પ્રિંગ રોલ વિગેરે જંકફૂડ છે. 

 

૪) વનસ્પતિ ઘી અને રિફાઈન્ડ તેલ:

વનસ્પતિ ઘી અને અને રિફાઈન્ડ તેલમાં ટ્રાન્સફેટ હોય છે, જે હ્રદય માટે હાનિકારક છે, જાડાપણું વધારે છે અને ડાયાબિટીસ કરે છે. વળી તેમની બનાવટમાં અનેક કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જે આરોગ્યને અત્યંત નુકસાન કરે છે. આથી વનસ્પતિ ઘી અને રિફાઈન્ડ તેલનો ઉપયોગ ખોરાકમાં ના કરવો જોઈએ.

 

આરોગ્યશાસ્ત્રીઓ ભલામણ કરતા હોય છે કે કાચો ખોરાક શક્ય હોય એટલો વધારે લેવો જોઈએ, કારણ કે ખોરાકને રાંધવાથી તેનાં પોષકમૂલ્યો ઓછાં થઇ જાય છે. આપણે ખોરાકમાં સૂકો મેવો, સલાડ અને ફળો જેવી સુપાચ્ય ચીજો કાચી ખાઈએ છીએ, જયારે અનાજ, કઠોળ તથા શાકભાજી જેવી પચવામાં અઘરી ચીજોને પાણી કે તેલના માધ્યમ દ્વારા રાંધીને ખાઈએ છીએ.

 

ખોરાકને જયારે પાણીના માધ્યમ દ્વારા રાંધવામાં આવે ત્યારે તે વધુમાં વધુ પાણીના ઉત્કલનબિંદુ જેટલો એટલે ૧૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ થાય છે. તેનાથી ખોરાકનાં કેટલાંક પોષકમૂલ્યો નાશ પામે છે, તો પણ શરીરને ઉપયોગી એવાં બાકીનાં પોષકમૂલ્યો સચવાઈ જાય છે.

 

પરંતુ ખોરાકને જયારે તેલ અથવા ઘીના માધ્યમ દ્વારા રાંધવામાં આવે, ત્યારે ખોરાક ઘી-તેલના ઉત્કલનબિંદુ જેટલો એટલે કે આશરે ૩૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ થાય છે. ગરમ પાણી કરતાં ગરમ તેલથી વધારે દાઝી જવાય, તેનું કારણ પણ તેલનું ઊંચું ઉત્કલનબિંદુ જ છે. આટલી બધી ગરમીથી ખોરાકનાં બધાં જ પોષકમૂલ્યો નાશ પામે છે. વળી તેલ ગરમ થવાથી ટ્રાન્સફેટ પેદા થાય છે, જે તંદુરસ્તી માટે હાનિકારક છે. આમ તળેલો ખોરાક શરીર માટે કશો ઉપયોગી નથી. વળી તે પચવામાં ભારે હોવાથી પાચનક્રિયામાં ગરબડો પેદા કરે છે અને અંતે કાચો આમ બનીને પેટની ચરબીમાં વધારો કરે છે.

 

તળવામાં આવી હોય તેવી બધી જ વાનગીઓ જંકફૂડ છે. મોટાભાગની બજારુ મીઠાઈઓમાં વનસ્પતિ ઘી વપરાય છે અને મોટાભાગનાં બજારુ ફરસાણમાં રિફાઈન્ડ તેલ વપરાય છે. આવાં ઘી અને તેલમાં તળેલી બધી જ મીઠાઈઓ અને ફરસાણ જંકફૂડ છે. તેમાંય પામોલિન જેવા રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરીને બનાવેલ વાનગીઓ તો સાવ છેલ્લી કક્ષાની જંક વાનગીઓ ગણાય છે.

 

૫) સોડા:

સોડા, લીંબુનાં ફૂલ, વિનેગાર, પ્રિઝર્વેટિવ્સ, આજીનો મોટો, સુગર ફ્રી જેવાં અનેક કેમિકલ્સ હોટલ અને બજારુ વાનગીઓમાં છૂટથી વપરાય છે. ખાસ કરીને રેડી ટુ ઈટ ફૂડ, પેકેટ ફૂડ અને બોટલ્ડ ફૂડ તો પ્રિઝર્વેટિવ્સ વગર બનાવી શકાય જ નહિ. આ બધાં કેમિકલ્સથી હાઇ બીપી અને કિડનીના રોગો ઉપરાંત અનેક રોગ થાય છે.

 

કેમિકલ્સવાળી વાનગીઓ જેવી કે ફાફડા, ગાંઠિયા, ભજીયા, બિસ્કિટ, દાબેલી, ખારી, કેક, પેસ્ટ્રી, પીઝા, પાસ્તા, ન્યૂડલ્સ, મંચુરિયન, સોસ, જામ, શરબત, અથાણાં, એનર્જી ડ્રિંક્સ, રેડી ટુ ઈટ, પેકેટ ફૂડ, બોટલ્ડ ફૂડ, ચાઇનીઝ ફૂડ, ઇટાલિયન ફૂડ, મેક્સીકન ફૂડ વિગેરે જંકફૂડ છે. જો તમે તૈયાર લોટ લાવો છો તો તેમાં પણ પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે, કારણ કે પ્રિઝર્વેટિવ્સ વગર લોટને સ્ટોર કરી શકાય જ નહિ.   

 

અહીં જણાવેલી જંકફૂડની ચીજો ફક્ત નમૂના પૂરતી બતાવેલ છે અને તે સંપૂર્ણ લિસ્ટ નથી. એટલે આ લિસ્ટ સિવાય પણ અનેક ચીજો જંકફૂડ હોઇ શકે છે. તો જે પણ વાનગી તમારી સમક્ષ આવે ત્યારે ઉપર દર્શાવેલ પાંચ સફેદ ઝેરવાળી ફોર્મ્યુલા લગાડી તમે જાતે જ નક્કી કરો કે તે વાનગી જંકફૂડ છે કે નહિ.

 

જંકફૂડનો વ્યાપ વધવાનાં કારણ:

આજના સમયમાં જંકફૂડનો વ્યાપ આટલો બધો કેમ વધી ગયો છે તેનાં કારણો હવે જોઈએ.

 

૧)     જંકફૂડ મસાલેદાર હોવાથી સ્વાદિષ્ટ, ખૂશબુદાર અને ચટાકેદાર હોય છે. એટલે કહેવાય છે કે જંકફૂડ સ્વાદ માટે બેસ્ટ, પણ હેલ્થ માટે વર્સ્ટ.     

૨)      રંગીન પેકેજિંગમાં મળતાં હોવાથી દેખાવમાં આકર્ષક હોય છે.

૩)      પેકેટ કે બોટલમાં મળતાં હોવાથી લાવવા-લઈ જવામાં સરળ હોય છે.

૪)      આક્રમક માર્કેટિંગને લીધે જંકફૂડ દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે.

૫)      જંકફૂડ હેલ્ધી ફૂડ કરતાં કિંમતમાં સસ્તાં હોય છે.

૬)      ઓનલાઈન મળતાં હોવાથી અને હોમ ડિલિવરી થતી હોવાથી સહેલાઈથી ઘેર બેઠાં પણ મળી જાય છે.

૭)      અત્યારની ફાસ્ટ લાઈફમાં દરેકને સમયની તંગી હોય છે. એટલે ઘેર રસોઈ બનાવવાને બદલે લોકો ઓર્ડર કરીને જંકફૂડ મંગાવી લે છે. ખાસ કરીને વર્કિંગ વુમન હોય તેવાં કુટુંબોમાં આવું વધારે બને છે.

૮)      જંકફૂડ બનાવતી કંપનીઓ લાખો રૂપિયાના ખર્ચે ટીવીમાં એડ આપીને તથા ઘણીવાર તો તંદુરસ્તી માટે ફાયદાકારક છે એવી ભ્રામક જાહેરાતો કરીને લોકોને, ખાસ કરીને બાળકોને, પોતાની પ્રોડક્ટ્સ પ્રત્યે આકર્ષે છે. લોકો પોતાના બાળકને રડતું બંધ રાખવા ફક્ત પાંચ રૂપિયામાં મળતું બિસ્કિટ કે વેફર્સનું પેકેટ અપાવી દઈને તેને ખુશ તો કરી દે છે, પરંતુ બાળકને જંકફૂડની ટેવ પાડીને તેના આરોગ્યને કેટલું મોટું નુકસાન પહોંચાડે છે તેનો તેમને ખ્યાલ જ નથી હોતો.

 

જંકફૂડથી થતું નુકસાન:

જંકફૂડમાં પોષક તત્વોનું પ્રમાણ શૂન્ય હોય છે પરંતુ કેલરીનું પ્રમાણ ઊંચું હોય છે. આથી જંકફૂડ શરીરને પોષણ તો બિલકુલ આપતું નથી, પરંતુ શરીરમાં ચરબી વધારી જાડાપણું વધારે છે. આને લીધે શરૂઆતમાં ડાયાબિટીસ અને બીપી જેવા રોગો અને લાંબે ગાળે હ્રદય, કિડની, પાચનતંત્ર વિગેરેના રોગો થાય છે. યુવાપેઢી અને બાળકો જંકફૂડ વધારે ખાતા હોવાથી હાલ તેમનામાં ડાયાબિટીસ અને બીપી જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. તાજેતરમાં યુવાનોને હાર્ટ એટેક આવ્યાના ઘણા કિસ્સા બન્યા છે, જેનું એક કારણ વધુ પડતું જંકફૂડ ખાવાની ટેવ છે. એટલા માટે યુવાપેઢીને જંકફૂડથી થતી ખરાબ અસરો વિષે માહિતગાર કરવાની અને તેમને હેલ્ધી ફૂડ તરફ વાળવાની ખાસ જરૂર છે.

 

જંકફૂડ કઈ રીતે ઘટાડવું:

ઉપર જણાવેલ જંકફૂડનું લિસ્ટ ઘણું લાંબુ છે અને તેમાં આપણે રોજ ખાતા હોઈએ એવી ઘણી વાનગીઓ પણ છે. એટલે જંકફૂડ ખાવાનું એકદમ બંધ કરવું તો મોટાભાગના લોકો માટે મુશ્કેલ હશે. વળી દરરોજ જંકફૂડ ખાવાની આદત પડી ગઈ હોય તો પછી તેને છોડવી અઘરી છે. એટલા માટે આ આદત ધીમે ધીમે છોડવા માટે નીચે મુજબના ફાઇવ પોઈન્ટ પ્રોગ્રામને અનુસરો:

૧)      ઘણા લોકોના ખોરાકમાં જંકફૂડનું પ્રમાણ એટલું બધું હોય છે કે તેમના માટે જંકફૂડ ખાવાનું સાવ બંધ કરવું તો નામૂમકીન છે. તો આવા લોકો થોડી છૂટ સાથે એવો નિયમ લે કે અઠવાડિયામાં ફક્ત એક કે બે દિવસ જ જંકફૂડ ખાઈશ. આ દિવસ પણ પહેલેથી જ નક્કી કરી રાખવા અને પછી ચુસ્તપણે તેને વળગી રહેવું.

૨)      બજારુ જંકફૂડ કરતાં ઘરનું બનાવેલું જંકફૂડ ઓછું નુકસાનકારક છે. એટલે બજારુ વાનગીઓને બદલે ઘેર બનાવેલી વાનગીઓ ખાઓ. જેમ કે બજારુ ભજીયા કે અન્ય તળેલી વાનગીઓને બદલે ઘેર બનાવેલી તળેલી વાનગીઓ ખાઓ. ધ્યાન રહે કે આનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટાડવાનું છે. બીજું ધ્યાન એ રાખવાનું કે તળવા માટે તેલનો ઉપયોગ એક જ વાર કરવો.

બજારુ પેકેટ ફૂડની આદત હોય તો પેકેટ ખોલીને નાના બાઉલમાં ચીજ કાઢીને ખાઓ. ડાયરેક્ટ પેકેટમાંથી ખાવું નહિ, કારણ કે તેનાથી વધુ પડતું ખવાઇ જાય છે. ઘરમાં પેકેટનો સ્ટોક રાખવો નહિ, કારણ કે પેકેટ જોઈને ખાવાનું મન થાય છે.    

૩)      મીઠાઈઓ ખાવાનું બંધ ના કરી શકો, તો ગોળ, ખજૂર, અંજીર, મધ અને ખડી સાકર જેવી ગળી ચીજોવાળી મીઠાઈઓ ખાઓ. તે જ રીતે મીઠાને બદલે સિંધવ મીઠું વાપરો, મેંદાને બદલે ઘઉંનો લોટ વાપરો અને ઘરનું ખાવાનું ખાશો તો પ્રિઝર્વેટિવ્સવાળો ખોરાક ખાવાની જરૂર જ નહિ પડે.       

૪)      જંકફૂડમાં કાર્બોહાઇડ્રેટ અને ફેટનું ખતરનાક કોમ્બિનેશન હોય છે. આને લીધે જંકફૂડ ખાધા પછી શરીરમાં ડોપામાઇન નામનું હોર્મોન રીલીઝ થાય છે, જે શરીરને તાત્કાલિક આનંદ આપે છે. આથી વારંવાર જંકફૂડની ક્રેવિંગ/ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે. આ ક્રેવિંગનું મારણ છે લેપ્ટીન નામનું હોર્મોન, જે પ્રોટીનવાળી વસ્તુ ખાવાથી રીલીઝ થાય છે. એટલે પ્રોટીનવાળો હેલ્ધી ખોરાક વધુ લેવાનું શરૂ કરો. તેનાથી જંકફૂડ ખાવાનું મન ઓછું થશે.

૫)      કોઈ કારણસર જંકફૂડ વધારે ખવાઇ જાય, તો તે પછીના ટંકનું જમવાનું મોકૂફ રાખો અથવા ફક્ત ફળ જ ખાઓ. આનાથી તમારા શરીરમાં કેલરીનું પ્રમાણ વધશે નહિ અને જંકફૂડની હાનિકારક અસરો ઓછી થશે.    

 

જો તમે દૃઢ નિશ્ચય અને થોડી ધીરજ સાથે આ ફાઇવ પોઈન્ટ પ્રોગ્રામને અમલમાં મૂકશો, તો ધીમે ધીમે જંકફૂડ ઓછો કરીને હેલ્ધી ફૂડ ખાતા થઈ જઈને તંદુરસ્ત બની જશો અને તંદુરસ્ત રહેશો. ઓલ ધ બેસ્ટ!  


 

 

                                                                                                 પંચામૃત:

એક ચમચી ખાંડમાં આશરે ૨૦ કૅલરી હોય છે અને એક ચમચી ઘીમાં આશરે ૪૫ કૅલરી હોય છે. આટલી કેલરી બર્ન કરવા તમારે પંદર મિનિટ ઝડપથી ચાલવું પડશે!

 

આ માહિતી પરથી તમારા રોજના ખોરાકમાં ઘી/તેલ અને ખાંડનું પ્રમાણ કેટલું છે તે ગણીને તમારે કેટલી કસરત કે શ્રમનું કાર્ય કરવું પડશે તે શોધી કાઢો. જો તમે આટલી કસરત ના કરી શકો, તો તમારે ઘી/તેલ અને ખાંડનું પ્રમાણ ઘટાડવું જ પડશે.