મારા માટે બાપુની હાજરી હવે અસહ્ય બની ગઈ હતી. મારાથી એક જ છત નીચે રહેવું હવે અશક્ય હતું. હું એમને જોઈને ખૂબ નાસીપાસ થઈ જતો હતો. મારામાં એમનું જ લોહી વહે છે, એ મનમાં વિચાર એટલી હદે દુઃખ પહોંચાડતો જે મને પળ પળ હું ખુનીનો દીકરો છું એ દર્દ કલેજે શૂળ ભોકાતું હોય એટલી પીડા આપતું હતું.
મા મારી પાસે આવી અને બોલી, "દીકરા બે દિવસથી તારા પેટમાં ચા સિવાય કોઈ અન્ન નથી ગયું. તું રાત્રે.." આટલું બોલી મા ચૂપ થઈ ગઈ હતી.
માની અધૂરી વાત હું પુરેપુરી સમજી ગયો હતો. મા મને સોગંધ આપી વિવશ કરે એ પહેલા જ મેં એમને કહ્યું, "મને હવે પછી કોઈ સલાહ આપી તો હું આ ઘર છોડી જતો રહીશ. અને મને જતા રોક્યો તો તને મારા સોગંધ છે." આટલું હું મારુ મન મક્કમ કરી એકીશ્વાસે બોલી ગયો હતો.
મા મારી વાત સાંભળી ખૂબ ગભરાઈ ગઈ એમના હાથમાં પકડેલ પાણીનો ગ્લાસ એમનાથી છૂટી ગયો અને મને એમની બથમાં લઈને બોલી, "ના હું તને કોઈ સલાહ નહીં આપું પણ તે મને આપ્યું વચન તારે પાળવું પડશે." મા નાના બાળક સમાન રડવા લાગી હતી.
હું માને હા કહીને સીધો જ ઘરની બહાર નીકળી ગયો હતો. બપોર થઈ ચુકી હતી આથી બજારમાં સોપો પડી ગયો હતો. મારા પગ સિમ તરફ આપોઆપ વળવા લાગ્યા હતા. હું સિમ પાસે એક મસ્ત વડલો હતો, એ ઝાડના ટેકે હું બેસી ગયો હતો. મન અતિશય વ્યાકુળ હતું. મારુ ધ્યાન મારા પગની મોજડી પર ગયું અને બાપુના કડવા કટાક્ષ ભરેલા શબ્દો ફરી મારા કાનમાં ગુંજવા લાગ્યા હતા. હું બાપુને કાંઈ ન કરી શકું પણ એ ગુસ્સો બધો જ મોજડી પર ઉતરી ગયો હતો. મોજડીનો ઘા કરી દૂર ફેંકી દીધી હતી. અને જોરથી રીતસર ત્રાડ પાડતા જ બોલ્યો, "ઝુમરી..." એકદમ દર્દથી ભરાયેલું મન એકાંતમાં છલકવા લાગ્યું હતું. હું ઘૂંટણિયા પગ પર બેસી, બંને હાથને માથા પર મૂકી આકાશ તરફ નજર રાખી ઝુમરીના નામનો સાદ જોર જોરથી બોલતા ખુબ જ રડ્યો હતો. મારા જ રુદનના પડઘા ખુબ જ ભયભીત અવાજ સાથે પાછા સંભળાઈ રહ્યા હતા. હું જ મને સાંભળું અને હું જ મને સાંત્વના આપું એવો ખુદને લાચાર અનુભવી રહ્યો હતો. બે કલાકથી પણ વધુ સમય સુધી હું ઝુમરીને માટે સાદ કરતો રહ્યો, કદાચ મારી ઝુમરી મને મળી જાય! પણ કુદરતે એને લઈ લીધી અને મારા ભાગ્યમાં વેદનાને ભરી દીધી હતી. હું એટલું બધું રડ્યો કે, આંખના આંસુ પણ હવે સુકાઈ ગયા હતા.
સંધ્યા ટાણું થઈ ચૂક્યું હતું. બધા પ્રાણીઓ એમના ગોવાળિયાઓ સાથે એમના રહેણાંકે પરત ફરી રહ્યા હતા. હું એક પણ પાણીના બુંદ પીધા વગર ઘરેથી સવારનો નીકળ્યો સાંજ સુધી એમ જ એકલો બેઠો હતો, છતાં નહોતી પાણીની તરસ કે નહોતું કાંઈ જ ખાવાનું મન! મન દુઃખી હતું આથી બધેય અણગમો જ વર્તાતો હતો.
પંખીઓના કલરવનો અવાજ કર્કશ લાગે છે,
પવનની લહેરખી દેહની આગને વધુ ભડકાવે છે,
સ્વજનોની હાજરી અડચણ રૂપ લાગે છે,
તારા વિના શ્વાસનો પણ ખુબ ભાર લાગે છે,
જિંદગી અધરપટમાં ગરકાવ થતી લાગે છે,
જીવતી લાશને ક્યાં કોઈ આગ ચાંપે છે?
તેજો મને શોધતો શોધતો મારી પાસે આવ્યો હતો. મને ઢંઢોળીને એણે મને બોલાવ્યો ત્યારે હુ ઝુમરીના વિચારોમાંથી બહાર આવ્યો હતો. હું ફરી તેજાને જોઈને લાગણીવશ થઈ ને એને ભેટી રડી પડ્યો હતો. એક તેજા સિવાય આજે મારી પડખે કોઈ નહોતું! તેજો પણ ખુબ જ રડી રહ્યો હતો. એનાથી પણ ઝુમરી સાથે થયેલ અન્યાય સહન નહોતો થતો. બંને એકબીજાના ખંભા પર માથું ટેકવી ખુબ રોયા હતા. આજે ઝુમરીને ગુજરી ગયા એને ત્રણ દિવસ થઈ ચુક્યા હતા, આજની સાંજે મેં મુક્ત મને મારા મનની વેદનાને જે મનમાં ખુંપી રાખી હતી એ વહેતી મૂકી હતી.
હું તેજાને બોલ્યો, "મારો પ્રેમ ઝુમરીને ભરખી ગયો! મેં મારી લાગણીને અંકુશમાં રાખી હોત તો આજે ઝુમરી હયાત હોત.. મારો પ્રેમ જીવીત હોત! એ નિર્દોષ મારી આંખ સામે તરફડતી હતી અને હું મારા જીવને બચાવી ન શક્યો. હું આ અફસોસ સાથે નથી જીવી શકતો. મારા પ્રેમને ન્યાય પણ નથી અપાવી શકતો. મારા જ બાપુએ મારા પ્રેમનું ખૂન કર્યું, હું એમનો ચહેરો પણ જોવા ઈચ્છતો નથી અને એની સાથે જ એક જ છત નીચે મારે રહેવું પડે છે. હું બધું જ જાણું છું છતાં વિવશતા તો જો હું મારા પ્રેમને માટે કઈ જ નથી કરી શકતો! મારા બાપુએ આ કર્યું એ ઓછું હતું તે વળી, મને મારી ઔકાત પેલા વેજાની સામે દેખાડી મારુ વધુ અપમાન કર્યુ છે. હું થાકી ગયો તેજા હું થાકી ગયો!"
"બસ કર વિવેક! બસ કર. તું આમ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે?તારે હજુ ઘણું જીવવાનું છે. મા માટે તારે જીવવું જ પડશે ને!! તું આમ થાકી જઈશ તો આ પહાડ જેવી જિંદગી કેમ પસાર કરી શકીશ?"
"ઝુમરી વગર એક પળ વિતાવવી મુશ્કેલ લાગે છે, આ પહાડ જેવી જિંદગી કેમ નીકળશે?" ફરી મારી આંખમાંથી ચોધાર આંસુ સરવા લાગ્યા હતા.
"રડ નહીં વીરા! હવે જીવનનું લક્ષ્ય બનાવ. આગળ જીવન કેમ જીવવું એ વિચાર! રડશે તો એ દુઃખ દૂર નથી થવાનું, પણ જીવનની એ ક્ષણ અવશ્ય તું વેડફી નાખીશ!"
"મને જીવવામાં જ કોઈ રસ રહ્યો નથી. મા માટે જીવીશ, પણ બાપુને જે ઘમંડ છે એમના રૂપિયાનો, એમની આબૂરુંનો એ તો હું ભાંગીને જ રહીશ. એમનાથી એના જ દીકરાનું સુખ ન જોવાયું! એ છીછરી આબરૂ શું કામની? આવા માવતર હોય? હું એમનો ખોટો પાવર અવશ્ય ભાંગીને જ રહીશ." મેં બાપુ પરનો ગુસ્સો તેજા સામે કબૂલી લીધો હતો.
મેં મારી આંખમાંથી વહેતા આંસુ મારા હાથથી લૂછતાં આકાશ સામે નજર કરતા હું બોલ્યો, "ઝુમરી બહુ જ જલ્દી હું તને ન્યાય અપાવીશ. સીધી રીતે નહીં પણ આડકતરી રીતે તો બાપુને સજા અપાવીશ. બાપુની આબરૂની પુરી પથારી ફેરવી નાખીશ." ઝુમરીના મૃત્યુની વેદના ઓકતો હું બોલ્યો હતો.
"તું કેમ આવું બોલે છે? વિવેક તું કોઈ ખોટું કામ કરતો નહીં હો! તું બાપુને સજા અપાવડાવવા તારા કર્મને બગાડતો નહીં. તું બધું કુદરત પર છોડી દે! એ સજા આપશે."
"કુદરત શું સજા આપશે? એ પથ્થર થઈ પૂજા જ કરાવડાવશે, ઝુમરીનું શું કર્યું એમણે? કુદરત આપવી હોય એ સજા મને આપે, મને મંજુર છે પણ હવે એ નક્કી છે કે, બાપુની ઈજ્જતની આજથી પડતી શરૂ. કાલ સવારે મારા પગમાં મારા જ રૂપિયાથી ખરીદેલા ખાસડાં હશે! તેજા તું ઘરે જા અને માને સમાચાર આપજે કે, હું જામનગર કામથી ગયો છું. સવારે ઘરે આવીશ."
"પણ.. તું જામનગર કેમ જાય છે? શું કામથી જાય છે? હું તને આમ એકલો ન મૂકી શકું, તું ખોટી ઉતાવળ ન કર, ગુસ્સામાં લીધેલા નિર્ણય ખોટા જ ઠરે! અત્યારે ઘરે ચાલ અને કાલ સવારે આપણે બંને જાશું!"
"ના, તેજા! મેં માની લાગણીને અવગણી મારુ મન માંડ મક્કમ કર્યું છે, હવે હું પીછે હઠ નહીં જ કરું. તું ચિંતા ન કર, મારામાં પણ મારી માનું લોહી પણ વહે છે, ક્યારેય સાવ બાપુએ આદરી એવી હલકાઈ હું નહીં કરું! માને ભણક ન આવે કે હું શું કરું છું એ વાત માટે તારો સાથ મને જોશે, આપીશ ને?"
"મને વિશ્વાસ છે, તું માને ક્યારેય અફસોસ થાય એવું પગલું નહીં જ ભરે! તું જા! ઝુમરીને ન્યાય અપાવવામાં હું તારી સાથે જ છું."
વિવેક જામનગર જઈને શું કરવા ઈચ્છે છે?
કોઈ જ વાત ઉચ્ચાર્યા વગર ઝુમરીને વિવેક કેમ ન્યાય અપાવશે?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏