Woman 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | સ્ત્રી 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ત્રી 2

સ્ત્રી 2
- રાકેશ ઠક્કર

         શ્રધ્ધા કપૂરની ‘સ્ત્રી’ પછી એનો બીજો ભાગ ‘સ્ત્રી 2’ જોવા માટે દર્શકોએ છ વર્ષનો ઇંતજાર કર્યો હતો એ લેખે લાગે એમ છે. હોલિવૂડની જેમ જ મુંજયા, રૂહી, ભેડિયા વગેરે સાથે હોરર યુનિવર્સ રચવામાં ‘સ્ત્રી 2’ સફળ રહી છે. એટલું જ નહીં આ યુનિવર્સની આગામી ફિલ્મ વિશે એમાં સાંભળવા પણ મળે છે. જે કામ હોલિવૂડમાં ‘એવેન્જર્સ’ કરે છે એ બોલિવૂડમાં ‘મેડોક ફિલ્મ્સ’ની ‘સ્ત્રી’એ કર્યું છે.

      ‘સ્ત્રી’ ને બોલિવૂડમાં હોરર-કોમેડી ઝોનરને પ્રચલિત કરવાનું માન પણ મળ્યું હતું. મોટા સ્ટાર્સની ફ્રેન્ચાઇઝી કરતાં ‘સ્ત્રી’ વધારે કમાલ કરી રહી છે. નિર્માતાઓની બુધ્ધિને સલામ કરવાનું મન થશે. તેઓ પોતાની યુનિવર્સની ફિલ્મોમાં મોટા સ્ટાર્સ પર ખર્ચ કરવાને બદલે સ્પેશ્યલ ઇફેક્ટ્સથી પાત્ર બનાવે છે. સરકટાના હોરર દ્રશ્ય એવા છે કે ડર ઊભો કરે છે. ‘સ્ત્રી 2’ ને શ્રેષ્ઠ યુનિવર્સ ફિલ્મ ગણી શકાય એમ છે.

         ગઈ વખતે જ્યાંથી અટકી હતી ત્યાંથી જ વાર્તા શરૂ થાય છે. તેમ છતાં બંને ફિલ્મો વચ્ચે શ્રધ્ધા સિવાય કોઈ જોડાણ શોધી શકાતું નથી. ‘સ્ત્રી’ ની વાર્તાને આગળ વધારવાને બદલે એક નવી વાર્તા શરૂ કરી દીધી છે. ફિલ્મમાં આ વખતે સ્ત્રીનો નહીં સરકટાનો આતંક જોવા મળે છે. પહેલા ભાગમાં ‘સ્ત્રી’ પુરૂષોને ઉઠાવીને લઈ જતી હતી. બીજા ભાગમાં ‘સરકટા’ સ્ત્રીઓને ઉઠાવી જતો હોય છે. એ જોવાનું બહુ રસપ્રદ બની રહે છે કે આ ‘સરકટા’ કોણ છે અને એ ચંદેરી કેમ આવ્યો છે. સ્ત્રી સાથે એનો શું સંબંધ છે? જેવા ઘણા રહસ્ય જાણવા ફિલ્મ જોવી જ પડશે. ફિલ્મનો વિષય એવો છે કે દર્શકોની બધી અપેક્ષા પૂરી થાય છે.

      નિર્દેશક અમર કૌશિકે એવી મજેદાર મનોરંજક ફિલ્મ બનાવી છે કે એમાં નરી આંખે ના દેખાય એવી ખામીઓ છે. VFX ની નબળાઈ પણ દેખાશે નહીં. એના જોરદાર ગીત-સંગીત, સિચ્યુએશનલ કોમેડી, સસ્પેન્સ, વનલાઇનર, હોરર વગેરેમાં કોઈપણ ભૂલ ધ્યાને આવે એવી નથી. પહેલી વખત કોઈ ફિલ્મમાં દર્શકો દિલ ખોલીને કુદરતી રીતે હસે છે. ગઈ વખત કરતાં હોરર અને કોમેડીનો ડબલ ડોઝ આપવામાં આવ્યો છે. હોરર- કોમેડી જ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ રહ્યો છે. જેથી કોઈ જગ્યાએ દર્શક કંટાળો અનુભવતો નથી.

      કલાકારોની પંચલાઇન જોરદાર છે અને એમાં ડાયલોગ ડિલિવરી ચાર ચાંદ લગાવી દે છે. ફિલ્મ અઢી કલાકની છે અને એટલી મનોરંજક છે કે ઇન્ટરવલ ક્યારે આવી જાય છે એની ખબર પડતી નથી. નિર્દેશકે મહિલાઓની સ્વતંત્રતા મુદ્દે મનોરંજક રીતે વાત કરી છે. બીજા ભાગમાં કોમેડી ઓછી અને એક્શન વધારે છે.

       એ વાતની પણ ખબર પડે છે કે પહેલા ભાગમાં અસલમાં શ્રધ્ધા કપૂર કોણ હતી. શ્રધ્ધાને ભલે આ વખતે ઓછી તક મળી છે પણ એ હોરર યુનિવર્સને આગળ વધારવાનું પોતાનું પાત્ર સારી રીતે ભજવી જાય છે. શ્રધ્ધાએ આંખોથી પણ અભિનય કર્યો છે. રાક્ષસ સાથે સામનો કરવાના એના દ્રશ્યો દમદાર છે. એમ થશે કે એને વધુ સ્ક્રીન ટાઈમ આપવાની જરૂર હતી.

        રાજકુમાર રાવનો જવાબ નથી. તે શ્રધ્ધાના પાત્રને લીધે થોડો દબાઈ જાય છે. પણ કોમેડી દ્રશ્યોને એણે એટલા સહજ બનાવ્યા છે કે એક અભિનેતા તરીકે પૂરા માર્ક્સ લઈ જાય છે. એના સિવાય ‘વિક્કી’ ની ભૂમિકામાં કોઇની કલ્પના સુધ્ધાં થઈ શકે એમ નથી. પાત્રને પકડવામાં રાજની તોલે આજનો કોઈ અભિનેતા આવી શકે નહીં. રાજની એના મિત્રો સાથેની કેમેસ્ટ્રીમાં કોમેડી લાજવાબ છે.

         ‘જના’ તરીકે અભિષેક બેનર્જી પોતાના અંદાજથી સૌથી વધુ હસાવે છે. અપારશક્તિ ખુરાના ‘બિટ્ટુ’ ની ભૂમિકામાં જમાવટ કરે છે. ‘રુદ્ર ભૈયા’ ના પાત્રમાં પંકજ ત્રિપાઠી જે પણ બોલે એમાં હસવું આવી જ જાય છે. ફિલ્મમાં આમ તો અગાઉના જ મોટાભાગના કલાકારો છે. છતાં ભૂમિકામાં ફિટ હોવાથી એમ લાગતું નથી કે એમની ‘સ્ત્રી’ ને આટલા વર્ષો થઈ ગયા છે. એમાં તમન્ના ભાટીયા જેવા બે-ચાર નવા ઉમેરાયા છે. તમન્નાએ ‘આજ કી રાત’ ગીતથી જલસો કરાવી દીધો છે. એ ગીતનું વાર્તામાં પણ મહત્વ છે.

       આઈ નહીં, ખૂબસૂરત વગેરે બધા જ ગીતો સારા છે. ફિલ્મ પૂરી થયા પછી ઊભા થવાની ઉતાવળ કરવા જેવી નથી. છેલ્લે એક નહીં બે ગીત છે. શ્રધ્ધાનું ગીત રાજકુમાર રાવ સાથે અને વરુણ ધવન સાથે પણ છે. એ જોયા પછી જ એનું કારણ સમજાશે. અક્ષયકુમાર સરપ્રાઈઝ આપે છે.

       ફિલ્મમાં મહેમાન કલાકારોનો યોગ્ય ઉપયોગ કરીને ‘યુનિવર્સ’ શબ્દને નિર્દેશકે પૂરો ન્યાય આપ્યો છે. એ વાતનો ખ્યાલ આવશે કે કોઈ ફિલ્મ માત્ર હીરો-હીરોઇનની જ હોતી નથી. એમાં દરેક પાત્રનું પોતાનું મહત્વ હોય છે. ફિલ્મ પૂરી થયા પછી એવી લાગણી જરૂર થશે કે ખરેખર પૈસા વસૂલ હતી. અને એવું પણ લાગશે કે નામ ‘સ્ત્રી’ હતું પણ વાર્તા ‘પુરુષ’ ની હતી!