શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન દર્શન વિષે ટૂંકમાં
જય શ્રીકૃષ્ણ. જન્માષ્ટમી એટલે અપના સહુના વ્હાલા બાલ ગોપાલ શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી. જે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચાલો શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન દર્શન વિષે ટૂંકમાં વાંચીએ. એમને યાદ કરી એમની સાથે તાર જોડીએ.
ભગવાન શ્રીકૃષ્ણ હજારો વર્ષો પહેલા થઈ ગયા, છતાં આજે પણ લોકો ખૂબ ભક્તિથી તેમને યાદ કરે છે, તેમની ભજના કરે છે. આખી દુનિયામાં શ્રીકૃષ્ણ ભગવાને આપેલા ગીતાજ્ઞાનને જીવનમાં અપનાવવાના પ્રયત્નો થાય છે. પણ શું આપણે શ્રીકૃષ્ણ ભગવાનને, તેમના હૃદયને ખરી રીતે ઓળખીએ છીએ?
અરે, કૃષ્ણ ભગવાન ખુદ ભગવદ ગીતામાં અર્જુનને કહે છે કે “હે અર્જુન! તું મારા ખરા સ્વરૂપને ઓળખી શક્યો નથી!” તો પછી કૃષ્ણ ભગવાનનું સાચું સ્વરૂપ કયું? શું કૃષ્ણ ભગવાન એટલે પારણામાં ઝૂલતા લાલજી કે રાધા અને ગોપીઓ સાથે રાસલીલા કરતા નટખટ નંદલાલ? વાંસળીવાળા ગોપાલ કે કુરુક્ષેત્રમાં અર્જુનના સારથિ? આજે આપણે શ્રીકૃષ્ણના જીવનમાં ઝાંખી કરીએ અને તેમને ઓળખીએ.
શ્રીકૃષ્ણએ નાનપણમાં કાલિયાનાગનું દમન કર્યું હતું. પણ ખરેખર ફણીધર નાગ એ ક્રોધનું પ્રતિક છે. શ્રીકૃષ્ણએ પોતાના ક્રોધને સંપૂર્ણપણે વશ કર્યો હતો. એટલે જ જેમણે કર્મને કૃશ કર્યા તે કૃષ્ણ કહેવાયા. થોડા મોટા થઈને શ્રીકૃષ્ણએ ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો એવી દંતકથા પ્રચલિત છે. પણ ખરેખર શ્રીકૃષ્ણની એક આંગળી ચીંધવાથી તે સમયમાં ગાયોની હિંસા અટકાવવા અને તેમની સંખ્યા વધે તે માટે ગોરક્ષા અને ગોવર્ધન, એટલે ગાયોની રક્ષા અને વર્ધનના ઉત્કૃષ્ટ કાર્યો શરૂ થયા હતા. અને એ મિશનમાં તેમની સાથે જોડાયેલા ગોપાલકો એટલે કે ગાયોના પાલકોને ગોપ અને ગોપી નામ અપાયું. દંતકથાઓ રહી ગઈ અને તેમની પાછળના રહસ્યો લુપ્ત થઈ ગયા.
યુવાનવયે શ્રીકૃષ્ણ અને રાધાના પ્રેમની વાતો પ્રચલિત થઈ છે. રાધા નામ પાછળ “રાધ” ધાતુ છે, જેના પરથી આરાધના શબ્દ ઊતરી આવ્યો છે. જે સ્ત્રી કે પુરુષ શ્રીકૃષ્ણની આરાધના કરે તે રાધા. જ્યાં ‘રાધા’ હોય ત્યાં ‘કૃષ્ણ’ હોય જ! આગળ વધીને શ્રીકૃષ્ણના હજારથીય વધુ રાણીઓ સાથે લગ્ન થયા. પણ બહુ ઓછા લોકો એ જાણે છે કે શ્રીકૃષ્ણ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. જેમ કોઈ માણસ બહાર ચોરી કરતો હોય પણ એના ભાવમાં હોય કે “મારે ચોરી કરવી જ નથી.” તો એ નૈષ્ઠિક અચૌર્ય (ચોરી ન કરવી તે) કહેવાય. તેમ ક્રિયામાં અબ્રહ્મચર્ય હોય પણ નિષ્ઠામાં તેઓ સંપૂર્ણ બ્રહ્મચારી હતા. એટલે જ તો જયારે ગોપીઓને યમુના નદી પાર કરવાની હતી, પણ નદીના પાણી બહુ હતા, ત્યારે ગોપીઓએ નદીને કહ્યું કે “જો શ્રીકૃષ્ણ આજીવન બ્રહ્મચારી હોય તો માર્ગ કરી આપો.” અને યમુનાજીએ માર્ગ કરી આપ્યો!
શ્રીકૃષ્ણ પોતે વાસુદેવ હતા. વાસુદેવ એટલે બધી ચીજના ભોક્તા, પણ મોક્ષના અધિકારી હોય! દુનિયાના શ્રેષ્ઠ અને શક્તિશાળી ત્રેસઠ પુરુષોમાંથી એક. તેમના પિતરાઈ ભાઈ તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન હતા. નેમિનાથ પ્રભુ પાસેથી શ્રીકૃષ્ણને દિવ્યચક્ષુ એટલે કે સમ્યક્ દર્શન પ્રાપ્ત થયું હતું. ત્યાર પછી તેમણે અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન પોતાના જ સગાઓને મારવા બદલ વિષાદમાં ડૂબી ગયા હતા, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને તેમને ક્ષત્રિયધર્મ સમજાવ્યો હતો. તેમણે અર્જુનને કહ્યું હતું કે તું ક્ષત્રિય છે અને યુદ્ધમાં લડવું એ તારા પ્રારબ્ધમાં લખાયેલું છે. માટે તું ખોટો મોહ ના કરીશ. મોહ વગર યુદ્ધનું કાર્ય કર.
ભગવાન હોવા છતાં શ્રીકૃષ્ણને પણ તેમના કર્મોથી કોઈ છોડાવી નહોતું શક્યું. છેલ્લે પગમાં તીર વાગવાથી તેમનું મૃત્યુ થયું. પણ તેમનું જીવન અસંખ્ય લોકોને પ્રેરણા આપે છે. આજે પણ લોકો તેમની ભાવથી આરાધના કરે છે.