Aatmja - 17 - Last Part in Gujarati Women Focused by Mausam books and stories PDF | આત્મજા - ભાગ 17 (છેલ્લો ભાગ)

The Author
Featured Books
Categories
Share

આત્મજા - ભાગ 17 (છેલ્લો ભાગ)

આત્મજા ભાગ 16

" ભુવાજીની કઈ વાત કહી તમને..?" નંદિનીએ પૂછ્યું.

" એ જ કે તેઓના ઘરમાં દીકરી આવશે અને તેના કુળનો વિનાશ નોતરશે. અને એ સત્ય થયું. હું ભણેલો ગણેલો મને આ વાત માનવામાં આવતી નહોતી. આથી મેં છૂપી રીતે ભુવાજીની સાચી હકીકત શું છે તે જાણવા લાગી ગયો. મેં તેઓ વિશે ઘણું શોધ્યું છે અને તેઓની સચ્ચાઈ શું છે તેના પ્રુફ પણ એકત્ર કર્યા છે. પણ આજ ભુવાજીનો કોઈ માણસ મને જોઈ ગયો મોબાઈલમાં તેઓનો ચોરીછુપે વીડિયો શૂટ કરતાં. આથી જીવ બચાવી ત્યાંથી ભાગ્યો છું."

"તમે ભુવાજી વિશે શું જાણી શક્યા છો..?" નંદિનીએ પોતાની પાસે બેસવાનો ઈશારો કરી પાણીની બોટલ ધરી. તે યુવાને બાંકળા પર બેસી થોડું પાણી પીધું અને બોટલ પાછી આપતા નંદિનીને કહ્યું.

" જાણવામાં તો ઘણું જાણી લીધું છે. રાજવી પરિવારએ આ ભુવાજી પર આંધળો વિશ્વાસ મૂકી જાતે જ ઘરનો વિનાશ નૉતર્યો છે."

" તમારો કહેવાનો મતલબ શું છે ?"

" એ જ કે તેઓએ કહેલ કોઈ પણ વાતમાં સત્ય નથી. આ એક રાજવી પરિવારને બરબાદ કરવાની સમજી વિચારી ને ઘડેલી યોજના હતી. જેમાં તેઓ રાજવી પરિવારના ભુવાજી પરના અંધવિશ્વાસના બળે સફળ થયાં."

" સત્ય શું છે મને વિગતે જણાવશો..?"

" ભુવાજીએ સૌથી પહેલાં રાજવી પરિવારને વિશ્વાસમાં લીધો. ત્યાર બાદ જ્યારે હરખસિંગનો દીકરો અને વહું કંચનબા સાથે ભુવાજી પાસે ગયા તો બાહ્ય દેખાવ અને નાડીના ધબકારાથી ભુવાજીએ દીકરી હોવાનો અંદાજ લગાવ્યો. આથી તેઓનાં મનમાં દીકરીના નામે રાજવી પરિવારની બધી જ મિલકત પચાવી પાડવાનો વિચાર આવ્યો. આથી ભુવાજીએ તે જ દિવસથી કંચનબા અને પ્રદીપના મગજમાં દીકરી દ્વારા વિનાશ થશે જ તેવો વહેમ ફિટ કરી દીધો. ભુવાજીના કેટલાક માણસો રાત દિન રાજવી પરિવાર પર દેખરેખ રાખતાં. વહુના હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન રાજપરિવારમાં સાપનું ઘરમાં ઘૂસીને હરખસિંગને કરડવું, પ્રદીપથી ધંધા અને ઘરના અગત્યનાં કાગળોની ફાઇલ ખોવાઈ જવી, હરખસિંગ અને પ્રદીપનો ગંભીર અકસ્માત થવો, આ બધું ભુવાજીની યોજનાનો જ એક ભાગ હતો."

" ઓહ..માય ગોડ..! જેની પર રાજવી પરિવારે આંખ બંધ કરી વિશ્વાસ મુક્યો તેણે જ દગો દીધો..!" બાંકળા પરથી ઊભી થઈ નંદિની બોલી.

" સિસ્ટર..! હવે હું નીકળું છું. મને ભુવાજીના માણસોથી બચાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર." કહી તે યુવાન જવા નીકળતો હતો ત્યાં જ નંદિનીએ કહ્યું.

" તમે મારી મદદ કરી કરશો..?"

" મદદ..! હા, તમે આજ મારી મદદ કરી છે તો હું પણ જરૂરથી કોશિશ કરીશ આપને મદદ કરવામાં.!" હસીને તે યુવાને કહ્યું.

" હું હરખસિંગની વહુ અને તેમના દીકરા પ્રદીપની પત્ની છું." નંદિનીની વાત સાંભળીને તે યુવાનની આંખો પહોળીની પહોળી જ રહી ગઈ.

" તમે રાજવી પરિવારના સભ્ય છો..? ખરેખર..! તમે સાચું બોલો છો..? તમને જોઈ લાગતું નથી કે તમે રાજવી પરિવારથી આવો છો." યુવાને પૂછ્યું.

" હા,હું એકદમ સાચું બોલું છું.ભુવાજી પરનાં અંધવિશ્વાસને કારણે મારા સાસુમાંએ મને ઘરની બહાર કાઢી મૂકી છે. તમે ભુવાજીની સાચી હકીકત દર્શાવતાં ડોક્યુનેન્ટ મારા પરિવાર સામે રજૂ કરશો..?" નંદિનીએ પૂછ્યું.

" હા, હા, જરૂરથી તમને મદદ કરીશ. " તે યુવાનએ કહ્યું.

નંદિની અને તે યુવાન રાજમહેલ ગયા. બે મહિનામાં તો રાજવી પરિવારની હાલત સાવ કફોડી થઈ ગયેલી. આવી હાલત જોઈ નંદિનીની આંખો ભરાઈ ગઈ. કંચનબેન નંદિનીને જોઈને જરાયે ખુશ ન હતા. તે યુવાને ઘરના બધા સભ્યો ને એકઠા કર્યા અને એક પછી એક એમ ભુવાજી વિરુદ્ધ બધા સબૂતો બતાવ્યાં. કંચનબેન અને પ્રદીપની આંખો પરથી અંધવિશ્વાસની પટ્ટી દૂર થઈ. સૌએ ખુશીથી નંદિનીને આવકારી. પ્રદીપ અને હરખસિંગ બંનેએ ભુવાજી વિરૂદ્ધ પોલીસસ્ટેશનમાં જઈને એફ આઈ આર નોંધાવી આવ્યા.

સૌએ રાહતનો શ્વાસ લીધો એવામાં જ નંદિનીને ડિલિવરીનું દુઃખ ઉપડ્યું. પ્રદીપ અને કંચનબેન તરત તેને હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરની ઘણી મથામણ બાદ બીજા દિવસે સવારે દીકરીનો જન્મ થયો. એ જ સમયે વકીલનો પ્રદિપના મોબાઈલ પર ફોન આવ્યો કે ભુવાજીએ દગાથી છીનવેલ બધી મિલકત પાછી મળી ગઈ અને તેઓને દસ વર્ષની જેલની સજા થઈ છે.

આ સમાચાર કંચનબેને સાંભળ્યાં તો તેઓ તરત જ દીકરીને હાથમાં લઈ વ્હાલ કરતાં બોલ્યા, " દીકરી..! તું તો લક્ષ્મીનો અવતાર છે. તું વિનાશ નહિ પણ તું તો કુળનો ઉદ્ધાર કરવા આવી છે. તારા શુભ આગમનથી જ રાજવી પરિવારનો વિનાશ થતો અટક્યો છે. તારી માં સાચું જ કહેતી હતી કે દીકરી તો બે કુળને તારે છે. ધન્ય છે તારી માં ને..!" કંચનબેને દીકરીને નંદિનીના હાથમાં મુકતા કહ્યું. નંદિની તો કંચનબેનના બદલાયેલા વર્તનને જોઈને નવાઈ પામતી હતી. ત્યાં જ નંદિની પાસે પ્રદીપ આવીને બોલ્યો, " દીકરીનું નામ શું રાખશું નંદિની..?"

નંદિનીએ દીકરીને હાથમાં લીધી અને તેના માથે મમતાભર્યું ચુંબન કરી બોલી, " આત્મજા.."

🤗 મૌસમ 😊