Kanta the Cleaner - 34 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 34

Featured Books
Categories
Share

કાંતા ધ ક્લીનર - 34

34.

"આમેય અગ્રવાલ જરાય સારો ન હતો. એ આટલું બધું કમાયો કઈ રીતે એ જ મને નવાઈ લાગે છે. હું તો આટલા વખતથી  આવી હોટેલમાં ગાર્ડ છું એટલે લોકોને જોતાં જ પામી જાઉં છું." વ્રજલાલ કહી રહ્યા.

"એમની સાથે સરિતા સિવાય બીજું કોઈ આવતું? એમનાં મૃત્યુના એક બે દિવસ પહેલાં?" ચારુ પૂછી રહી.

"એને માટે ક્યાં નવું હતું, રોજ કોઈ ને કોઈ  નવી છોકરી લઈને આવતો. સરિતા ધમ ધમ કરતી ચાલી ગઈ પછીના કલાકોમાં પણ કોઈ આવેલી અને ગયેલી." વ્રજલાલે કહ્યું.

"એ બધું તો ઠીક, એને પતાવી દેવા માગતા હોય એવા છુપા કે પ્રગટ દુશ્મનો હતા કોઈ?" ચારુએ પૂછ્યું..

"હા, હું એટલું કહી શકું, સરિતાએ જ મને કહેલું કે આ માણસ બે બાયડીથી પણ ધરાયો નથી તે રોજ ઊઠીને નવી નવી ફટાકડીઓ લાવ્યા કરે છે. સરિતાએ મને એની બહેન સામેથી બનાવેલી.  પોતાની ઘણી ખાનગી વાતો મને કહેતી. થોડા દિવસ પહેલાં આગલી મિસિસ અગ્રવાલ અને એની દીકરી ઝગડો કરી ગયેલાં, મિલકતમાંથી પરાણે સરિતાનો હકક  જતો કરાવવા. પછી ખૂબ મોટો ઝગડો એ બે જણ વચ્ચે થયેલો." કાંતાએ કહ્યું.

"તો આ વાત તેં બીજા કોઈને જણાવેલી?" ચારુએ પૂછ્યું. કાંતાએ ના પાડી.

"તું મને એ કહે જેના પરથી  તારી પરના હથિયાર અને ડ્રગના કેસો અંગે કોઈ કડી મળે." ચારુએ નોટ ટપકાવતાં કહ્યું.

"લાશ મળી પછીના બીજા જ દિવસે સાંજે સરિતા ઓચિંતી મારા આ ફ્લેટ પર આવેલી અને તેની પાસે એક પિસ્તોલ છે તે બાથરૂમમાં સંતાડી છે તે ગમે તેમ કરી હાથ કરી લેવા ખૂબ આજીજી કરેલી. એની હાલત જોઈ કચવાતા મને પણ મેં એ કામ સ્વીકારેલું. મને હતું કે કાલે સવારે તો ગમે તેમ કરી એને બીજે માળ  ક્યાં રાખેલી તે ગોતી આપી દેવી છે. એક રાતમાં શું ખાટું મોળું થઈ જશે? મેં બીજે જ દિવસે એ હાથ કરી વેક્યુમ ક્લીનરમાં સંતાડી દીધી. ત્યાં બપોર પછી મને નોકરીએ આવવાની મનાઈ થઈ ગઈ. એક કલાકમાં બધું ચિત્ર પલટાઈ ગયું." કહેતી કાંતા માથે હાથ મૂકતી નીચું જોઈ રહી.

"તને બોલાવી એ અગાઉ રાત્રે તેં  કે કોઈએ ધડાકો સાંભળેલો?" ચારુએ પૂછ્યું.

"ના. મેં લાશ જોઈ ત્યારે તેની પર ગોળી વાગ્યાનું કોઈ નિશાન પણ નહોતું. ખુદ પોલીસે જ કહ્યું કે  અગ્રવાલને ઘેનની દવા આપી ગૂંગળાવીને મારી નખાયા છે. માત્ર તેઓ આરોપ મુકે છે એમ મેં એ નથી કર્યું." કાંતાએ કહ્યું.

"સરસ. તેં મહત્વની વાત કરી. પિસ્તોલ એને મારવા  માટે વપરાઈ ન હતી.ખાલી તેં છુપાવેલી."

"અને મેં રિસેસ પહેલાં તને ભાગતી જતી જોયેલી એ દિવસે. પછીના અર્ધા કલાકમાં જ ઘણું બની ગયું." વ્રજલાલે નિરીક્ષણ ઉમેર્યું.

કાંતા નીચું જોઈ ગઈ.  લગભગ રડમસ અવાજે કહે "શું કહું? મને તે દિવસે સાંજે સરિતાએ જ કહેલું કે ઝગડામાં અગ્રવાલે તેની લગ્નની વીંટીનો ઘા કરી દીધેલો. બીજે દિવસે સ્યુટ સાફ કરતાં તે મારા હાથમાં આવી. મારી પાસે  ચાર મહિનાનું ભાડું ભરવાના પૈસા પણ ન હતા  એટલે એ … જવેલર્સ પાસે ગીરવે રાખી દીધી. હું જલ્દીથી પાછી આવી એટલામાં તો પોલીસને ખબર પણ પડી ગઈ અને મારી ધરપકડ પણ થઈ ગઈ."

"એ વખતે તો તારી પર હથિયાર રાખવાનો જ આરોપ હતો. હવે ખૂનનો પણ છે. આ બધી એકદમ અંગત વાતો તારા સિવાય કોઈ તો જાણતું હશે જ. તેં કોને વિશ્વાસમાં લઈ કહેલું?" ચારુ તેને પૂછી રહી.

"કહે છે  મોના મારો પીછો કરતી હતી. પણ મેં હોટેલમાં શેફ રાઘવને આ વાત કરેલી. હોટેલમાં વ્રજકાકા સિવાય ફક્ત એ જ મારી નજીક છે. એણે જ કહ્યું કે હું એને કશું પણ છુપાવ્યા વગર કહી દઉં તો એ મારી સાથે ઊભો રહેશે."

કાંતા કહે ત્યાં વ્રજલાલ બોલી ઉઠ્યા, "મને  થયું જ કે હજી સુધી એનું નામ તારી જીભે કેમ ન આવ્યું."

"એ મારા પ્રેમમાં હોય એમ લાગ્યું એટલે. એને  મેં બધી જ વાત પેટ છુટ્ટી કહી દીધી."   કાંતાએ કહ્યું.

"એટલે તેં પેટ ચોળીને શૂળ ઊભું કર્યું." ચારુ કહી રહી. "તને ખબર છે,  રાઘવે જ મોના પાસે ચાડી ખાઈને તને પકડાવી જેથી શંકાની સોઈ તેની તરફથી ખસી તારી તરફ આવી જાય.  તારી ટ્રોલી પર મળેલા કોકેઇનના અવશેષો સાથે એને સંબંધ હોઈ શકે છે. 

એ તને રોજ કોઈ વસ્તુ લાવવા લઈ જવા આપતો?"

કાંતાએ હવે જીવણ, રાઘવ, રોજ રાત્રે નવી રૂમમાં રોકાવું એ વિશેની બધી વાત કરી દીધી.

"મને થતું જ કે રોજ તેમના  ગયા પછી રૂમ સાફ કરું છું તો પણ આટલી ધૂળ કેમ હોય છે?

મેં રાઘવની આંખ નીચે અસામાન્ય ભૂરાં ચાઠાં અને જીવણનાં બાવડાં પર દાઝ્યાનું નિશાન પણ જોયેલું."

"તો કદાચ વખા નો માર્યો, કદાચ જાણી જોઈને જીવણ  ડ્રગ ની હેરાફેરીએ ચડ્યો હશે. એણે રાઘવને, રાઘવે તને હાથો બનાવી. જીવણે કદાચ ખુદ રાઘવ કોઈનો, બને કે પોતે અગ્રવાલનો હાથો હોય. જીવણ અને રાઘવ તેનો, એ બધા  પોતાનાં કાળાં કામનો ટોપલો તારી પર ઢોળી દઈ લાગે જોઈ છટકી ગયા. ઠીક, મારું કામ હવે શરૂ થશે." ચારુ નોટ પૂરી કરતાં બોલી.

ક્રમશ: