The Magic in Gujarati Book Reviews by Rakesh Thakkar books and stories PDF | ચમત્કાર (ધ મેજિક)

Featured Books
  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

  • एग्जाम ड्यूटी - 2

    कॉलेज का वह कमरा छात्रों से भरा हुआ था। हर कोई अपनी परीक्षा...

  • प्रेम और युद्ध - 3

    अध्याय 3: आर्या की यात्रा जारी हैआर्या की यात्रा जारी थी, और...

Categories
Share

ચમત્કાર (ધ મેજિક)

ચમત્કાર (ધ મેજિક)

-રાકેશ ઠક્કર

        ‘તમે જો ચમત્કારમાં માનતા ન હો, તો તમારા જીવનમાં એવી કોઈ ઘટના બનશે જ નહીં.’ એ વાક્ય સાથે શરૂ થતું અને કૃતજ્ઞ બનવાના પાઠ ભણાવતું અને એના ફાયદા બતાવતું પુસ્તક ‘ચમત્કાર’ (ધ મેજિક) એક વખત જરૂર વાંચવા જેવું છે. એ નામ પ્રમાણે જીવનમાં ખરેખર ચમત્કાર કરી શકે એવું છે. લેખિકા એવો વિશ્વાસ અપાવે છે કે,‘આ પુસ્તક દ્વારા હું તમને ખાતરી આપવા ઈચ્છું છું, કે નાનપણમાં તમે જે જાદુમાં, ચમત્કારમાં વિશ્વાસ રાખતા હતા, તે લાગણી તદ્દન સાચી હતી. ઉંમર વધતાં તમે જો એ વિશ્વાસ ગુમાવી બેઠા હો, તો પ્લીઝ, પ્લીઝ એ ચમત્કાર પર વિશ્વાસ રાખજો.’ એવી ભૂલ ના કરવી કે આ પુસ્તક જાદૂગર કે કોઈ બાવાના ચમત્કારનું નથી. એ જીવનના ચમત્કારનું છે.

         આમ પણ પુસ્તકો આપણી પાસે માત્ર સમય માગે છે. એના બદલામાં અઢળક આપે છે. ઓસ્ટ્રેલિયન લેખિકા રૉન્ડા બર્નના આ પુસ્તકનો સોનલ મોદીએ ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે. રૉન્ડાએ 2006 માં ‘ધ સીક્રેટ’ નામની ડોક્યુમેન્ટ્રી બનાવીને આખી દુનિયામાં તહેલકો મચાવી દીધો હતો. એમણે લાખો લોકોની જિંદગી બદલી હતી. એ પછી ‘ધ સીક્રેટ’ પુસ્તક રૂપે પ્રસિધ્ધ થઈ અને એનો 50 ભાષાઓમાં અનુવાદ થયો હતો. એ પરથી ખ્યાલ આવશે કે એમના વિચારમાં કેટલી શક્તિ છે.

        ‘ધ સીક્રેટ સીરીઝ’ ના ‘ચમત્કાર’ પુસ્તકને અર્પણ કરતી વખતે લેખિકાએ લખ્યું છે કે,‘મારા અસંખ્ય વાચકો તેમજ વિશ્વની સર્વે વ્યક્તિઓને... આશા રાખું કે આ ચમત્કાર તમારી ભીતરના બંધ દ્વાર ખોલીને તમારા જીવનને આનંદસભર બનાવે.’ ભોપાલના મંજુલ પબ્લિશિંગ હાઉસ દ્વારા એને અંગ્રેજીમાં પ્રગટ કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતી એડિશન નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ દ્વારા પ્રગટ કરવામાં આવી છે.

        આ પુસ્તક અનેક પ્રકરણોમાં વહેંચાયેલું છે. પ્રથમ પ્રકરણનું શિર્ષક છે,‘શું તમે ચમત્કારમાં માનો છો?’ એમાં કહે છે કે.‘ચમત્કાર અદ્રશ્ય ક્ષેત્રમાં આકાર લે છે અને તે સૌથી રોમાંચક બાબત છે.’ એ પછી એ કૃતજ્ઞતા પર આવે છે અને કહે છે કે,‘જે કૃતજ્ઞ બને છે, તેને પ્રભુ વધુ આપે છે તથા તે વધુ સમૃધ્ધ બને છે. જેની પાસે કૃતજ્ઞતાનો ગુણ નથી તેની પાસેથી રહ્યુંસહ્યુંય છીનવાતાં વાર નથી લાગતી.’ લેખિકાએ અનેક ઉદાહરણો અને વિશ્વના વિશેષ વ્યક્તિઓને ટાંકીને જીવનમાં કૃતજ્ઞતા પર બહુ ભાર મૂક્યો છે અને કહે છે કે,‘તમે કૃતજ્ઞતાની લાગણી બતાવશો, તો જીવનમાં ચમત્કારો તો થવાના જ છે. તમને ઘણું મળશે તથા તમારી સમૃધ્ધિ પણ વધશે જ.’   

        કૃતજ્ઞતાથી કેવી રીતે ચમત્કાર થાય છે એને સમજાવતા બહુ મોટી વાત કહે છે કે,‘કૃતજ્ઞતા સૃષ્ટિના એક એવા નિયમ પ્રમાણે કામ કરે છે કે જે તમારા સમગ્ર જીવનનું સંચાલન કરે છે.’ પછી આગળ કહે છે કે,‘તમે જેવું વિચારો છો તથા અનુભવો છો અદ્દલ એ પ્રકારની વસ્તુ અને વ્યક્તિને તમારા પ્રતિ આકર્ષો છો. ચાલો, આપણે સરળ ભાષામાં આ નિયમને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમે મનોમન વિચારો છો- “મને આ નોકરીથી સંતોષ નથી”, “મને આદર્શ જીવનસાથી નથી મળ્યો”… - તમે જો આવું બધું નકારાત્મક વિચારતા હશો, તો નક્કી તમારા જીવનમાં એવું જ બનશે.’ પછી હકારાત્મક બનવાના ઉદાહરણો આપીને સમજાવે છે કે, સામે પક્ષે, તમે કૃતજ્ઞતા દાખવીને જે મળ્યું છે તે બદલ આભાર વ્યક્ત કરી જુઓ! જેમ કે, “મને મારી નોકરી ખરેખર ગમે છે!”, “લ્યો, આજે તો ઇન્કમટેક્સનું રિફંડ આવી ગયું” તમે આવી કૃતજ્ઞતા વ્યક્ત કરશો તો આકર્ષણના નિયમ મુજબ તમારા જીવનમાં પણ ચમત્કારિક ઘટનાઓ બનતી જ રહેશે. જેમ ચુંબક લોઢાને ખેંચે તેમ ન્તમારી કૃતજ્ઞતા પણ ચુંબકીય તત્વ ધરાવે છે. તમે જેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરશો તેટલા વધુ સમૃધ્ધ થશો. આ જ સૃષ્ટિનો નિયમ છે.’

        લેખિકાએ ચમત્કારની ફોર્મૂલા આપી છે:

1. જાણીજોઈને પેલો ચમત્કારિક શબ્દસમૂહ ‘થેન્ક યુ’ વારંવાર યાદ કરો અને વાપરો.

2. ‘થેન્ક યુ’- ‘આભાર’ આ શબ્દો વારંવાર વાપરવાથી તમે ખુદ આભારની લાગણી અનુભવશો.

3. ‘થેન્ક યુ’ દ્વારા તમે જેટલી વધુ માત્રામાં કૃતજ્ઞતા વ્યક્ત કરશો તથા અનુભવશો તેટલી જ માત્રામાં તમારી સમૃધ્ધિ વધશે.   

        આ પુસ્તકમાં 28 દિવસનો જાદુઇ અભ્યાસક્રમ છે. જે પૂર્ણ કર્યા બાદ કેટલાક સૂચનો છે. જો સમજી વિચારીને એ સૂચનોને અમલમાં મૂકવામાં આવે તો જીવનમાં ખાસ ક્ષેત્રોમાં ચમત્કારનો જરૂર અનુભવ થશે.

        લેખિકા કહે છે કે આ પુસ્તક તમારાં સપનાંને સાકર કરવા માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. તમારા મનમાં એ સ્પષ્ટતા હોવી જરૂરી છે કે એ સપનું કયું છે? તમારી ખરેખર ઈચ્છા શી છે?

         ‘ચમત્કાર’ (ધ મેજિક) પુસ્તક માટે લેખિકા રૉન્ડા બર્ન દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે કે,‘આ પુસ્તકને નવલકથા કે વાર્તાની ચોપડીની જેમ વાંચવાનું જો તમે વિચાર્યું હોય, તો મહેરબાની કરીને ન વાંચશો.’

        છેલ્લે હું એમની જ વાતોને અમલમાં મૂકી આ પુસ્તક આપવા માટે દિલથી એમનો આભાર વ્યક્ત કરીશ.