હું જેવું એક ડગલું પાછળ ખસી ગયો કે, તરત મા પોતાના જમણા હાથનો જ ટેકો લઈને ઝડપભેર પથારી પર બેઠી થઈને મારો હાથ ફરી એમના હાથમાં લઈને બોલ્યા, "દીકરા આપને વચન! તું કેમ બોલતો નથી?"
માની ચિંતા જોઈ હું ખૂબ દુવિધામાં મુકાઈ ગયો હતો. મને તરત જ દાક્તરસાહેબના શબ્દો યાદ આવ્યા કે, "હમણાં એમને ચિંતા થાય એવી કોઈ વાત કરતા નહીં!" આ શબ્દો યાદ આવ્યા અને મારી નજર માને જે બોટલ ચડતી હતી એની નળી પર પડી હતી. મેં એ નળીમાં લોહી નીચે તરફથી ઉપર તરફ ચડતું જોયું, હું માનો હાથ જોઈ ગભરાઈ ગયો! માના હાથ પર એકાએક સોઈની આસપાસ સોજો આવી ગયો હતો આથી દબાણ વધતા બોટલ ચડતી નહોતી. મેં નર્સને સાદ કર્યો અને તેઓ તુરંત ત્યાં આવ્યા હતા. એમણે બોટલને બંધ કરી હતી. નર્સ માને ઠપકો આપતી હતી અને મા મને વારંવાર જુદા જુદા શબ્દો થકી વચન માંગી રહી હતી. હું અસહ્ય પીડા અનુભવી રહ્યો હતો. એક તરફમાંની ગંભીર હાલત અને બીજી તરફ મારો પ્રેમ! મારુ જીવન ઝુમરી! હું મારા સ્વાર્થમાં માને કેમ દુઃખી કરી શકું? અને ઝુમરીના મનમાં પ્રેમ જન્માવી હવે કેમ પીછે હઠ કરી શકું?
નર્સે બીજા હાથમાં બોટલ ચડાવી અને મને ટકોર કરી કે, "માડીનું ધ્યાન રાખો," નર્સના શબ્દો મને જળમૂળથી સજાગ કરી ગયા અને હું વર્તમાન પરિસ્થિતિમાં ફરી હાજર થયો. મેં એમને હા કહી, પરંતુ આ મારી હા, મારી મા એમનું વચન મેં સ્વીકાર્યું એની હા કહી હોય એમ સમજી બેઠી હતી. "મારુ મન જાણતું જ હતું કે, તું મારુ વચન સ્વીકારીશ!" મા રાજી થઈ બોલી ત્યારે મને સમજાયું કે, મા ઊંધું સમજી બેઠી છે. મારું મન ઇચ્છતું હતું કે, હું માને સાચું કહી દઉં, પણ સંજોગો એવા થયા કે મારુ ચૂપ રહેવું જ યોગ્ય હતું આથી, મેં મા સામે એક હળવું હાસ્ય જ કર્યું હતું. મા મારું હાસ્ય જોઈ ખૂબ ખુશ થઈ ગઈ હતી.
માની આંખ હરખમાં વરસવા લાગી, હું તુલસી સાથે પરણીશ એ વાતનો માને હરખ હતો કે, એમણે મને બાપુના પ્રહારથી બચાવી લીધો એ હરખ! માના હરખને હું આજ સુધી સમજી શક્યો નથી.
માનું મન શાંત થઈ ગયું હોય એમ મને એના ચહેરા પરથી લાગી રહ્યું હતું. હું માને ખુશ રાખવા મારા મનના બધા જ ભાવોને મનમાં જ દબાવી ચુપચાપ માની પાસે બેઠો બેઠો માને બીજી વાતો કરાવતો હતો. માને દવાની અસર થઈ હોય એને ઊંઘ આવવા લાગી હતી. આથી માને ઊંઘાડી હું એમની દેખરેખ કરતો એમની બાજુમાં જ બેઠો હતો.
આખી રાત હું સતત જાગતો જ રહ્યો હતો. બાપુએ પણ આરામ કર્યો નહોતો. ઘડી ઘડી એ પણ રૂમમાં આવી નજર કરી પાછા બહાર બેસી જતા હતા. દાક્તર સાહેબ આવીને મમ્મીને તપાસીને શું કહેશે એ વિચારમાં જ મારુ મન ચિંતિત હતું. માને રજા આપે તો જ હું ઝુમરીને મળવા જઈ શકું આથી માને ક્યારે રજા મળે એ વાત પર બધું નિર્ભર હતું.
રાત્રીના અંધકારને દૂર હડસેલતાં નવો સૂર્યોદય થઈ ગયો હતો, પણ મારા જીવનમાં અંધકાર એનો પગરવ જમાવી રહ્યો હોય એવું મને મારી નજર સમક્ષ અંધારું દેખાય રહ્યું હતું.
દવાખાનામાં એક મોટી લોલક ઘડિયાળ હતી. જેમાં સાતના ટકોરા પડ્યા ત્યારે મા એ ટકોરાના અવાજથી જાગી ગઈ હતી. મા જેવી જાગી અને તરત જ બોલી, "દીકરા ઘરે ગાય અને ભેંશને દુજાણા કરવાનો અને ઘાસચારો આપવાનો સમય થઈ ગયો છે. દીકરા એ મૂંગું પ્રાણી બિચારું ભૂખ્યું તરસતું હશે! હવે હું ઠીક છું તું ઘરે જા ને.. અને અહીં તારા બાપુ તો છે જ ને!" માની ચિંતા જોઈને મને થયું કે, એ પ્રાણી માટે માને આટલી લાગણી છે તો મારે માટે મા કેટલી લાગણી ધરાવતી હશે! હું માને અમી નજરે જોઈ જ રહ્યો હતો. મારા માટેનો માનો અનહદ પ્રેમ મને વિવશ કરી રહ્યો હતો. મા એની અર્ધજાગ્રત અવસ્થામાં પણ મારી ભીતરની પીડા જાણી ગઈ હોય એમ મને ઝુમરીને મળવા માટેનો એમણે જ મને રસ્તો સુજવ્યો હોય એવું હું અનુભવી રહ્યો હતો. મનમાં તો થયું કે, માની માફી માંગી કહી દઉં કે હું તારા વિશ્વાસને ટકાવી શકું એટલો સક્ષમ હવે નથી! પણ.. મારું અત્યારે બોલવું ઉચિત નહતું, આથી હું ચુપચાપ માને જોઈ જ રહ્યો હતો. માએ ફરી કહ્યું "તું જા ને..દીકરા!"
હું માને અને બાપુને જલ્દી પાછો આવું એવું કહીને ઘર તરફ રવાના થયો હતો. હું ખુબ ઝડપભેર ઘરે ગયો, જેવી ડેલી ખોલી કે ગાય મને ભાંભરતી આવકાર આપવા લાગી હતી. ગાયની આંખ માને શોધતી હોય એમ ડેલી તરફ જોઈ રહી હતી. ભેંશની આંખમાંથી પણ આંસુ સરી રહ્યા હતા. મેં એમને પાણી અને ઘાસચારો આપ્યો અને એ મૂંગું પ્રાણી મારી વાચા સમજતું જ હોય એમ મેં એને માની ચિંતા ન કરવા કહ્યું, હું મારા મનની બધી વ્યથા એને કહેતો બધું જ માએ કહ્યું કામ પતાવી રહ્યો હતો. પાડોશીઓ પણ માના ખબર પૂછવા આવી રહ્યા હતા. તેજાને સમાચાર મળ્યા કે હું ઘરે આવ્યો છું. આથી એ તરત ઘરે આવ્યો અને મને પૂછવા લાગ્યો,"માના શું સમાચાર? કેમ છે એમને?"
"સારું છે, મા ભાનમાં આવી કે તરત એમણે વચન માગ્યું કે, હું બાપુનું વેણ પાળું! સંજોગો એવા થયા કે, માને હું મારા મનની કોઈ જ વાત ન જણાવી શક્યો!" આવું
કહી હું તેજાને દુઃખી મને ભેટી પડ્યો હતો.
"તું હિંમત ન હાર! માને નથી કહી શક્યો, ઝુમરીને તો કહી આવ! મેં ઝૂમરીને મંદિર તરફ જતા જોઈ! જા ઝડપભેર. તું અહીંની ચિંતા ન કર.. હું સાચવી લઈશ. હું તારી સાથે છું. તું ચિંતા ન કર." મારી પીઠ પ્રેમથી થાબડતા એ બોલ્યો હતો.
મેં તેજાની વાત માની તરત જ મંદિર તરફ દોટ મૂકી હતી. ભગવાન સાથ આપી રહ્યા હતા કે અમારું મિલન ભાગ્યમાં હોય, કઈ વાત નિમિત બની એ હું નથી જાણતો પણ રોજ મંદિરમાં ખૂબ ભક્તો હોય એની જગ્યાએ મંદિરમાં પૂજારી અને ઝુમરી સિવાય કોઈ જ નહોતું. પૂજારી પણ આંખ બંધ કરી મંત્રોચ્ચાર કરી રહ્યા હતા.
મેં જેવો મંદિરના પટાંગણમાં પગ મુક્યો કે, ઝુમરી તરત મારી સામે ફરી એ એની લાગણીને અંકુશમાં રાખ્યા વગર આંખમાં આંસુ સારતી મારી પાસે દોડતી આવી અને મને ભેટી પડી! આખી રાત જે કાળજે અગન સળગતી હતી એ ઝુમરીના સાનિધ્યમાં ઠરી ગઈ હતી. મેં પણ એને એકદમ નજીક મારી બથમાં સમાવી લીધી હતી. અમારા બંનેના હૃદય એક ગતિમાં ધબકી રહ્યા હતા. બંનેને એકબીજાની હૂંફ જોઈતી હતી એ અરસપરસ અર્પી રહ્યા હતા. આજે એ ખૂબ ગભરાયેલી લાગતી હતી. થોડી ક્ષણ એ ભાન જ ભૂલી ગઈ કે, એ જાહેર જગ્યાએ મને ભેટી પડી હતી. એની આંખના આંસુ મારા ખમીસને ભીના કરી રહ્યા હતા. હું એના માથા પર હાથ ફેરવતો એને સાંત્વના આપી રહ્યો હતો. મારે એને ઘણું કહેવું હતું પણ આજે મન એટલું બધું વ્યાકુળ હતું કે, શબ્દો જ નહોતા જેના થકી ઝુમરીને હું શાતા આપી શકું!
અમે બંને ફરી આજે કુદરતની સામે અમારા બંનેના એક થવાના મનોમન સ્વપ્ન બંધ આંખે જોઈ રહ્યા હતા. અમે બંને એ વાતથી તદ્દન અજાણ હતા કે, પટાંગણથી સહેજ દૂર બાપુનો ખબરી વેજો અમારા પર નજર રાખી રહ્યો હતો.
ઝુમરીનું મન થોડું શાંત થતા એણે મને રડમસ અવાજે ચિંતિત સ્વરે પૂછ્યું, "તારા બાપુને કોને કહ્યું એ ખબર પડી? રાત્રે ચબૂતરે ઘરના બધા પુરુષો લટાર મારવા ગયા ત્યારે હું છત પર ઉભી હતી, મોકો જોઈને તેજાએ મને થોડી વાત કહી હતી. મામી પણ છત આવી રહ્યા હોય અમારી વાત અધૂરી રહી અને તેજો એના ઘરે જતો રહ્યો હતો. આખી રાત તને ક્યારે મળું અને શું થયું એ જાણવા હું ખુબ ચિંતિત હતી."
શું વેજો ફરી બંનેના પ્રેમમાં અડચણ ઉભી કરશે?
વિવેક આ પરિસ્થિતિમાંથી કેમ બહાર આવશે?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏