સાંવરીએ મીતને, તે જેનીના બહેકાવમાં આવી ગયો છે તે વાત પણ સમજાવવાની કોશિશ કરી..
પરંતુ મીતને માથે જેનીનું ભૂત અને પોતાનો કાળ બંને ઘૂમી રહ્યા હતા.. તેને સાંવરીની એકપણ વાત ગળે ઉતરતી નહોતી..
તેણે પણ સાંવરીને જણાવી દીધું કે પોતે જેનીની સાથે જ રહેશે હવે તે કોઈપણ સંજોગોમાં જેનીને છોડવાનો નથી માટે તું અહીંથી લંડનથી ઈન્ડિયા ચાલી જા...
પછી તે બબડતો બબડતો પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો અને રસ્તામાં લથડીયા ખાતાં ખાતાં જતો હતો અને એક ટેક્સીની અડફેટમાં આવી ગયો..
લોહી લુહાણ થઈને જમીન ઉપર ધબાક દઈને ફસડાઈ પડ્યો....
હવે તેને બિલકુલ ભાન જતું રહ્યું હતું.... ટેક્સી ડ્રાઈવર ખૂબ સારો માણસ હતો તે તેને પોતાની ટેક્સીમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયો...
હવે આગળ....
ત્યારબાદ તે ટેક્સી ડ્રાઈવરે જે છેલ્લો નંબર મીતના ફોનમાં ડાયલ કરેલો હતો તે નંબર ઉપર ફોન કર્યો છેલ્લો ફોન મીતે સાંવરીને કર્યો હતો તેથી ટેક્સી ડ્રાઈવરે સાંવરીને ફોન લગાવ્યો...
સાંવરી ઘસઘસાટ ઉંઘમાં હતી પરંતુ કુદરતનું કરવું તેણે ફોન ઉપાડ્યો તો ટેક્સી ડ્રાઈવરે તેને પૂછ્યું કે, " આ મોબાઈલ ધરાવનાર વ્યક્તિ તમારા શું થાય ? "
સાંવરીના હ્રદયના ધબકારા વધી ગયા એક સેકન્ડમાં તેનાં મગજમાં કંઈ કેટલાય વિચારો આવી ગયા... શું થયું હશે મારા મીતને ? તેને કંઈ આડુંઅવળું તો નહીં થયું હોય ને ? તે હેમખેમ તો હશે ને ? મારે તેને એકલાને અહીંયા મૂકીને ઈન્ડિયા જવા જેવું જ નહોતું હે ભગવાન આ બધું શું થઈ ગયું... હું કંઈક સારું કરવા જઉં અને બધું જ બગડી જાય છે મારી સાથે જ પ્રભુ કેમ આવું થાય છે ?
અને આ વિચારોની વણથંભી વણઝાર વચ્ચે પોતે કંઈપણ બોલવા અસમર્થ હતી અને એટલામાં પેલા ટેક્સી ડ્રાઈવરે સાંવરીને ફરીથી પૂછ્યું કે, " મેડમ, આ મોબાઈલ ધરાવનાર વ્યક્તિ તમારા શું થાય ? બીજી વખત તેના તે જ શબ્દો કાન ઉપર અથડાતાં સાંવરી જાણે અચાનક ભાનમાં આવી હોય તેમ વિચારોમાંથી બહાર આવી અને એકદમ તેનાથી બોલાઈ ગયું, " જી, હું હું તેમની પત્ની છું.. શું થયું છે તેમને ? તે હેમખેમ તો છે ને ? અને તમે કોણ છો ? "
ટેક્સી ડ્રાઈવર બોલી રહ્યો હતો અને સાંવરી સાંભળી રહી હતી, " મેડમ, શાંતિ રાખો હું તમને બધું જ શાંતિથી સમજાવું છું "
સાંવરી: હા ભાઈ બોલો તમે પહેલાં મને એટલું કહોને કે મારા મીતને તો કશું નથી થયું ને ? "
ટેક્સી ડ્રાઈવર: મેડમ, તમારા મીતને શું થયું અને કેટલું વાગ્યુ છે તેની મને ખબર નથી તે તમે ડોક્ટર સાહેબને પૂછી લેજો પણ પહેલા સાંભળો મારી વાત, " હું મારી ટેક્સી લઈને અહીંથી પસાર થઈ રહ્યો હતો અને આ ભાઈ એકદમ લથડીયા ખાતો ખાતો આવ્યો અને જોરથી મારી ગાડી સાથે અથડાયો, લોહી લુહાણ થઈને અહીંજ જમીન ઉપર ધબાક દઈને પછડાયો અને બિલકુલ બેભાન થઈ ગયો અત્યારે પણ તે બેભાન અવસ્થામાં જ છે. હું તેને મારી ગાડીમાં નાંખીને અહીં નજીકની હોસ્પિટલમાં લઈ આવ્યો છું અને અહીંયા તેમને એડમીટ કરી દીધા છે. તેમણે છેલ્લો આ નંબર ડાયલ કરેલો હતો એટલે મેં પણ તે જ નંબર ઉપર ફોન કર્યો છે.."
"ઑહ, આઈ સી. તમે બહુ સારું કર્યું ભાઈ હું તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે... મને એ હોસ્પિટલનું એડ્રેસ જણાવશો પ્લીઝ.."
"જી હા"
અને પેલા ટેક્સી ડ્રાઈવરે સાંવરીને હોસ્પિટલનું એડ્રેસ જણાવ્યું....
વધુ આગળના ભાગમાં...
મીતની હાલત વધારે ગંભીર તો નહીં હોય ને?
સાંવરીનો મીત બચી તો જશે ને?
સાંવરી સમયસર હોસ્પિટલ પહોંચી તો જશે ને?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
8/8/24