33.
તેઓ કારમાં બેઠાં. કાંતાને કસ્ટડીની હવા ખાધા પછી કાર એસી ની હવા ખૂબ સારી લાગી. કાંતાએ તેઓને પૂછ્યું, "હવે નોકરી પર જઈ શકાશે?"
એ બેય હસી પડ્યાં. વ્રજલાલ કહે "જે હોટલે તને ખુની ગણી જેલમાં ધકેલી એનું કામ કરવાની ઉતાવળ છે?"
ચારુ ડ્રાઇવ કરતાં બોલી "જામીન મળતાં સાથે રાધાક્રિષ્નન સાથે વાત થઈ ગઇ. જરૂર લેશે પણ હમણાં તું દૂર સારી."
"અને મને બહુ ચિંતા થાય છે. જામીનના પૈસા ઘણા થયા હશે. એ હું કેવી રીતે ભરીશ?"
"કાંતા, એ પૈસા તો જ ભરવાના હોય જો તું ભાગી જા કે ફરી એ કોઈ ગુનો કરતી પકડા. એટલે એ બોન્ડ છે. મને પણ વખત જતાં પાછું મળી જશે. હમણાં એની ચિંતા ન કરતી." ચારુએ કહ્યું.
તેમની કાર કાંતાનાં ચાલી જેવાં ખખડધજ મકાન પાસે આવી ઊભી.
"સોરી, વ્રજકાકા, તમને તકલીફ પડશે. અહીં લિફ્ટ નથી." કહેતી કાંતા પાંચ દાદરા ચડવા લાગી.
"એમ તો હું પૂરો ફીટ છું. આવી મોટી હોટેલના ગાર્ડ રહેવું હોય તો ફીટ રહેવું પડે."
ચારુએ પર્સ ખોલી કાંતાને એના ઘરની ચાવી અને મોબાઈલ આપી દીધાં. કાંતાએ ઘર ખોલ્યું. પોતે ડિસ્ટર્બ હતી ત્યારે ઘર સાફસુફમાં જીવ પરોવેલો એટલે ઘર ઠીકઠાક ચોક્ખું હતું.
"તને ખબર છે, કાંતા? એમ તો આ જજ કોઈને જલ્દી જામીન નથી આપતા. તારાં સ્પષ્ટ સ્ટેટમેન્ટ અને ખુલ્લા મનથી આપેલી કેફિયતથી તેઓ જાણી ગયા કે તું આ ગુનામાં ફસાઈ ગઈ છો અને નિર્દોષ હોઈ શકે. મેં કોર્ટના ઓફિસ સ્ટાફને અવારનવાર રાજી રાખી સંબંધો રાખ્યાં છે એટલે તેમના દ્વારા ખબર પડી."
કાંતા પાણી લેવા ગઈ ત્યાં વ્રજલાલે જોયું કે તે હજી લથડાય છે, પૂરી સ્વસ્થ નથી. તેઓ પોતે જ ઊભા થયા અને કહે કે હું ચા બનાવી લઉં છું. તું એકવાર નહાઈને ફ્રેશ થઈ જા.
કાંતાએ અચકાતાં ચા ખાંડના ડબ્બા વડીલ મહેમાનને બતાવ્યા. દૂધ એક જણની ચા જેટલું જ હતું તેમાં જેમતેમ ત્રણ કપ બનાવવા મૂકી. કાંતા નહાવા ગઈ અને એ દરમ્યાન ચારુએ પોતાની લેધર બેગ ખોલી એક પીળી ડાયરી કાઢી. કાંતા આટલા બધા કલાકે નહાઈ એટલે ફ્રેશ થઈને બહાર આવી. હવે તેણે વ્યવસ્થિત સફેદ કુર્તી અને બ્લેક લેગિન્સ પહેર્યાં હતાં અને વાળ પર ટુવાલ વીંટ્યો હતો. તે સામી બેઠી અને ઘરમાં રહેલી એક માત્ર ટ્રે માં ચા ભરવા લાગી.
"તો કાંતા, હવે સાવ સાચું, કશું પણ છુપાવ્યા વગર મને, તારી વકીલને કહી દે, આ બધા આરોપો તારી પર જ કેમ ને બીજા કોઈ હોટેલ એમપ્લોયી પર નહીં? એટલે અગ્રવાલ ફેમિલી વિશે તું જે જાણતી હો, તારે એમની સાથે જે વ્યવહારો થયા હોય એ મને કહી દે."
મારા પપ્પા અને હવે હું સમજી શકું છું તેં આમાંનું કશું ન જ કર્યું હોય પણ તો પછી એ કોણે કર્યું એ જાણવું પડશે. તારો આ આખી રમતમાં બધે એક પ્યાદાં તરીકે ઉપયોગ થયો છે. સાચા ગુનેગાર કયા ગુના માટે કોણ છે, એની સામે પુરાવા ફિક્સ કરવા પડશે."
તરત કાંતાને પિસ્તોલ યાદ આવી. એના વિશે માત્ર તેને, સરિતાને અને રાઘવને જ ખબર હતી.
તેણે પોતાને બોલાવી ત્યારે રૂમનું વર્ણન, નજીકમાં પડેલ ડ્રીંક, ગુમ થયેલું એક ઓશીકું , નીચે પડેલ રોબ, વેરાયેલી પીલ્સ - એ બધાનું વર્ણન કર્યું.
"પીલ્સ, તું એને અડી હતી? એ કેવી હતી?" ચારુ નોટ કરતાં પૂછી રહી
"એ સરિતા ક્યારેક લેતાં હતાં. મારી સામે લેતાં. એ પછી એમના કહેવા મુજબ તેઓ ખૂબ રિલેક્સ થઈ જતાં. આમ તો તેઓ બીમાર દેખાતાં ન હતાં તો પણ એ ગોળીઓ કેમ લેતાં, ભગવાન જાણે."
"એ ગોળીઓ કેવી દેખાતી હતી?"
"એ બધી ગોળીઓ લેબલ વગરની શીશીમાં પડી રહેતી. શીશી તેઓ હોય ત્યારે બાથરૂમમાં શેમ્પૂ વગેરે પાછળ રહેતી. ગોળીઓ આછા ભૂરા રંગની હતી." કાંતાએ વર્ણવ્યું.
"તો એ દવાઓ કોઈ શેરીના કેમિસ્ટ કે કોઈ ગેરકાયદે સોર્સ પાસેથી ખાનગીમાં મગાવાતી હતી. પપ્પા, તમને ક્યારેય સરિતાની વર્તણુક આવતી જતી હોય ત્યારે વિચિત્ર લાગતી?"
"એ દિવસે મેં એને એકદમ ઝડપથી, ગુસ્સામાં જતી જોયેલી. એણે ગોગલ્સ પહેરેલાં પણ પાછળ આંખો રડતી હોય એવું લાગેલું.
એ પહેલાં એક વીક અગાઉ અગ્રવાલની પહેલી પત્નિ અને દીકરી આવી પહોંચેલાં. એમની સાથે સરિતાને ખૂબ ઝગડો થયેલો. રૂમમાં ઝગડ્યાં હશે છતાં બહાર નીકળી રિસેપ્શન પાસે જ તેઓ ફરી ગાળાગાળી પર ચડી આવેલાં."
"આમેય, રોજ ઊઠી સીન કરવા એ સરિતા માટે કાયમનું હતું. એનું કહેવું હતું કે એની જિંદગી આ માણસને પરણીને ધૂળધાણી થઈ ગયેલી. " કાંતાએ સુર પુરાવ્યો.
"એણે ક્યારેય અગ્રવાલને તે મરી જાય તો સારું એવું કહ્યું હતું,?"
"ના. મારાથી સરિતાના શરીરના ઘા જોઈ એમ કહેવાઈ ગયેલું કે આના કરતાં આ માણસથી છૂટી જવું સારું. પણ એનો અર્થ એમને મારી નાખવા એમ મેં સૂચવેલું નહીં. ખાલી મને ફસાવી દીધી." કાંતા કહી રહી.
"દુનિયામાં એવું જ છે, ગુનો કરનારા પોતે બીજો શિકાર શોધી એને માથે ટોપલો ઓઢાડી છુ થવાની તક ગોતતા હોય છે. ચાલ, તો તારા કહેવાતા ગુનાઓ વિશે વાત કરીએ." ચારુએ એમ કહેતાં ચા નો કપ પૂરો કરીને નીચે મૂક્યો.
ક્રમશ: