Nayika Devi - 41 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 41

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 41

૪૧

પાટણમાં પાછાં ફર્યાં!

ઘણી વખત આવું પણ બને છે. જેનો ઘણો ભય રાખીને તૈયારી કરી હોય તે ભય એવી રીતે નિર્મૂળ થઇ જાય છે કે પછી તો તૈયારની મહત્તા પણ ન સમજાય. ગર્જનકનું આવું જ થયું. પાટણની તૈયારી જબરી હતી. ગર્જનક સામે ચડીને આવ્યો હતો. મહારાણીબાએ છેલ્લી પળે જે દ્રઢ નિશ્ચય લીધો કે હવે સંદેશો કેવો ને વાત કેવી? એ ચડીને આવ્યો છે. આપણે લડાઈ કરો. એ દ્રઢ નિશ્ચયે ધાર્યું પરિણામ આવ્યું હતું. એ વખતે જરાક જ રજપૂતો રંગે ચડ્યાં હોત, તો પરિણામ ભયંકર આવત! 

એ વખતે જો સંદેશો ચલાવવામાં વખત કાઢ્યો હોત, તો પરાજય અનિવાર્ય હતો. ડાહી રાજરીત પ્રમાણે એને કહેવા-મળવામાં વખત ગયો હોત તો ગર્જનક ફાવી જાત. એનો શ્વાસ હેઠો બેસવા દીધો જ નહીં. એમાં વિજયના બીજ હતાં.

આ વિજયની કથાએ ગુજરાતને ઘેલું કરી મૂક્યું. પણ પાટણ તો ગાંડું થઇ ગયું!

મહારાણીબા નાયિકાદેવી પાટણમાં આવ્યાં ત્યારે એમને મળેલું બહુમાન, જોનારાઓ કહેતા કે, માલવવિજય કરીને મહારાજ સિદ્ધરાજ પાટણમાં આવ્યા, ત્યારે આવું એમણે જોયું હતું. તે દિવસે પાટણમાં માનવનો સમુદ્ર ખળભળ્યો હતો. આજે ફરી ખળભળ્યો.

લોકોને હૈયે ધરપત આવી ગઈ. પાટણમાં પણ એક બહાદુર મહારાણી છે, રાજકુમારો છે, પાટણ લેશ પણ નીચે ઊતર્યું નથી. આત્મવિશ્વાસની એ હવાએ દરેક પટ્ટણીને ગર્વભર્યો બનાવી દીધો.

કુમારદેવ તો અર્બુદમંડલ, માલવા, ગોધ્રકપંથ, લાટ બધે ફરીને પાટણમાં આવ્યો. એણે પાછા આવતી વખતે વિજ્જલને મુક્ત કર્યો હતો. મુક્ત કરતાં એને કહ્યું, ‘વિજ્જલદેવ! કેટલી વખત વાત ભૂલી જવામાં મજા છે. તમે હવે મહારાજ કુમારપાળનો જમાનો ભૂલી જાઓ. આપણી વચ્ચે થયેલો વ્યવહાર મેં હ્રદયમાં રાખ્યો છે. તમે પણ હ્રદયમાં સંઘરી રાખજો. તમારું નર્મદામંડલેશ્વરનું પદ સંભાળો ને મજા કરો. ગર્જનકને જેણે ભગાડી મૂક્યો છે, તે મહારાજ મૂલરાજદેવ સામે થવામાં હવે તમારે ખોવાનું છું, મેળવવાનું નથી. જાઓ.’

વિજ્જલ વાત સમજી ગયો. તે ગુપચુપ પોતાના મંડલમાં જઈને બેસી ગયો. કુમાર પાટણ તરફ ગયો.

એમ ને એમ દિવસો પસાર થતા રહ્યા.

મહારાણીબાને પણ લાગતું હતું કે પાટણમાં આંતરિક શાંતિ થઇ ગઈ છે. મંડલેશ્વરો શાંત રહેવાના છે. ક્યાંય બખેડો નથી. મૂલરાજદેવની શાંત પ્રકૃતિને આ હવા ગમી ગઈ હતી.

પણ રાજકુમાર મૂલરાજદેવને મળેલો પિતાના પ્રેમનો વારસો એને અંદરથી ખાઈ રહ્યો હતો. અજયપાલ મહારાજને એ ભૂલ્યો ન હતો. બધા ભૂલી ગયા, એ ન ભૂલ્યો.

દિવસે-દિવસે જાણે કે, અજયપાલની વધારે ને વધારે નજીક એ જઈ રહ્યો હતો. પૃથ્વી એને અકારી લાગતી હતી. મહારાજ અજયપાલના સંસ્મરણોમાં એ તલ્લીન થતો હતો.

અને એ ધીમે-ધીમે સૌ દેખે તેમ, જીવનનો મોહ છોડતો જતો હતો. 

મહારાણીબાને આ મર્મવેદના વસમી પડી ગઈ. તેણે પોતાનો બધો વખત મૂલરાજદેવ પાસે પસાર કરવાનો સંકલ્પ કર્યો. મૂલરાજદેવને પડેલો શોક-ઘા ઘણો આકરો હતો. એને મહારાજ અજયપાલ સાંભરી આવતા! એ નાયિકાદેવી પાસે પણ મહારાજની જ વાતો સંભારતો. એ પિતાને ભૂલી શકતો ન હતો. પુત્ર આળસી શકતો ન હતો. રાજા થઇ શકતો ન હતો. એ મંદવાડમાં પડ્યો. મંદવાડ વધ્યો.

એક દિવસની વાત છે.

અરધી રાત થઇ હશે. મૂલરાજદેવ અચાનક જાગી ગયો. પાસેના ખંડમાં બળતી દીપિકાઓનું અજવાળું એના ખંડમાં આવતું હતું. તેણે એક દ્રષ્ટિ કરી. ત્યાં ખૂણામાં કોઈક ઊભું હતું.

‘કોણ છે?’ મૂલરાજદેવે કહ્યું.

‘એ તો હું છું, મૂલરાજ! બેટા! તને કેમ છે?’

‘તમે છો મા! આંહીં આવો. મારે તમને જ એક વાત કહેવાની છે. આજ જાણે મને મહારાજ મળ્યા હતા!’

નાયિકાદેવી ધીમે પગલે એની પાસે આવ્યો. એને મૂલરાજના શબ્દોએ મર્મ ઘા માર્યો હતો. તે આંસુ છુપાવી રહી હતી.

‘શું કહ્યું, બેટા?’

‘મા આજે જાણે બાપુજી મને મળ્યા. ઓ હો હો! શું એમનો ઘોડો હતો! મા! ભીમદેવ ક્યાં ગયો? એને બોલાવો ને, બાપુજીએ એને કહેવાની એક વાત મને કહી છે!’

‘મૂલરાજ! બેટા! કુમારદેવને બોલાવવો છે? તારે દવા લેવી છે?’

‘શું કરવા મા? દવાને શું કરવી છે? હું ક્યાં માંદો છું? આંહીં મને ગમતું નથી. એટલી જ વાત છે. બાપુજીએ આજે હા પાડી છે કે તું તારે આવતો રહે. પણ ભીમને બે વેણ કહેતો આવજે. ભીમદેવ ક્યાં છે, મા? એને બોલાવો ને!’

નાયિકાદેવી પોતાનાં આંસુ ખાળવા વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી.

એટલામાં બહારથી જ અવાજ આવ્યો: ‘મા! તમે હજી જાગો છો? મેં તો એક નિંદ્રા કરી લીધી.’ ભીમદેવ પોતે જ અંદર આવ્યો હતો. ‘મોટા ભાઈ પણ હજી  જાગે છે! ઠીક થયું લ્યો, એમને કહેવાની એક વાત મારી પાસે છે, મા! સ્વપ્નમાં આજ જાણે બાપુજી મળ્યા હતા. ઓહોહો! મા! શું એમનો ઘોડો હતો? આપણે આંહીં પૃથ્વીલોકમાં તો એવો ક્યાંય ન મળે!’

‘બેટા! ભીમદેવ! મૂલરાજ! તમે બંને ગાંડા છો!’ નાયિકાદેવીનો સ્વર રૂંધાઇ ગયો. તે વધુ બોલી શકી નહીં.

‘ભીમદેવને પણ મહારાજ મળ્યા હતા નાં? જુઓ, મા? મેં તમને ન કહ્યું? મહારાજ આજે આંહીં આવ્યા છે! ભીમદેવ! કેવો ઘોડો હતો?’

‘ઓ હો હો! શું ઘોડો હતો મોટા ભાઈ! જાણે ઇન્દ્રનો જ હોય!’

‘ભીમદેવ! તું આંહીં પાસે આવ. મા! તમે પણ આવો. બહાર કોણ છે?’

બહાર અર્ણોરાજ ઊભો હતો.

‘એ તો અર્ણોરાજ છે!’

‘એનો તો બોલાવો  મા! બોલાવો. અર્ણોરાજ!’ અર્ણોરાજ બે હાથ જોડીને અંદર આવ્યો, તેની આંખ ભીની થઇ ગઈ હતી.

‘મા આજે મને મહારાજે જે કહ્યું છે. તે તમને કહી દઉં.’

‘મૂલરાજ! બેટા! તું સૂઈ નહીં જા?’

‘અરે! પણ મા! તમે મહારાજનો સંદેશો સાંભળવાની ના પાડો છો? મહારાજે તમને કહેવાનું મને કહ્યું છે. ભીમદેવ! આ જે અર્ણોરાજ ઊભો છે નાં, એનો એક દીકરો છે, શું નામ છે, અર્ણોરાજ!’

‘લવણપ્રસાદ!’

‘હા, લવણપ્રસાદ, ભીમદેવ! બાપુએ કહેવરાવ્યું છે, એ બંનેને તું માણસ ન ગણતો, એ બંને દેવ છે. પાટણને ત્યાં સુધી ઊની આંચ નહિ આવે, જ્યાં સુધી એ બે હશે...’

નાયિકાદેવી ભયભીત આંખે મૂલરાજદેવની વાણી સાંભળી રહી. એને એમાંથી ભાવિ અમંગળના પડઘા ઊઠતા લાગ્યા, તે મૂલરાજ પાસે ગઈ. તેને કપાળે હાથ મૂક્યો. કપાળ ધાગધાગાં હતું. ‘અર્ણોરાજ! કુમારદેવને બોલાવો તો.’ તેણે ઉતાવળે કહ્યું.

મૂલરાજદેવને નાયિકાદેવી સામે જોઈ રહ્યો હતો. એની આંખમાં છાનાં આંસુ બેઠાં હતાં. પણ મોં ઉપર તો મધુર હાસ્ય છવાઈ ગયું હતું.

‘મા! ભીમદેવને કહેવાનું છે. કોઈને રંજાડે નહિ, કોઈને દુઃખ આપે નહિ, કોઈને ભૂખે મરવા દે નહિ. દુષ્કાળ પડે તો કચ્છપંથકના જગડુશેઠને સંભારે, પણ માણસ એક ન મરે! ભીમદેવ! કોઈને દુઃખ દેતો નહિ. મારી પ્રજા મેં તને સોંપી છે હોં! મા! આ તમે શું કરો છો? રડો છો? કેમ? જે માણસ આંહીં ન ગમે, તે બીજે જાય, એમાં તમે કાં મફતનું ખોટું લગાડો , મા...?’

નાયિકાદેવી કાંઈ બોલી શકી નહિ. એની આંખમાંથી ખર ખર આંસુ વહી રહ્યાં હતાં.

એટલામાં કુમારદેવે પ્રવેશ કર્યો. તે ધીમે પગલે મહારાજ પાસે આવ્યો. તેણે કપાળ ઉપર હાથ મૂક્યો. તેનો ચહેરો લેવાઈ ગયો.

‘કુમારદેવ!’ મહારાણી તેની પાસે સર્યા. ધીમેથી કહ્યું, ‘મહારાણીબા! ભગવાન સોમનાથ સૌથી મોટા છે. અર્ણોરાજ! તમે ઘરે જાઓ. હું તમને કહું તે ઔષધી લાવવાની છે!’

ઘડીભર વાતાવરણ ગંભીર થઇ ગયું. ભીમદેવ મૂલરાજદેવ પાસે આવ્યો: ‘મોટા ભાઈ!’

પણ મૂલરાજદેવ ઘેનમાં હતો. તેણે જરાક આંખ ઉઘાડી. સામેની ભીંતે રજની અભિષેક શમશેર લટકતી હતી. મહારાજ મૂલરાજ સોલંકીના જમાનાથી એની પરંપરા ચાલી આવતી હતી. તેણે એની સામે પ્રેમભરેલી નજરે જોયું પછી એ તલવાર સામે આંગળી ચીંધી. ભીમદેવને એ બતાવી, ‘ભીમદેવ!’ એટલું જ એ બોલી શક્યો. અને એમાં કહેવું હતું કે હવે તું આ ધારણ કરજે!

નાયિકાદેવીની આંખમાંથી આંસુનો અવિરત પ્રવાહ ખળખળ વહેવા લાગ્યો. એણે ત્રણ વર્ષમાં પરાક્રમી પતિ ને મહાદયાળુ પુત્ર બેનાં મૃત્યુ જોયાં હતાં!

મૂલરાજ દેવે એક નજર નાયિકાદેવી સામે કરી. પછી એ આંખ મીંચી ગયો, તે મીંચી ગયો. એ આંખ ફરીને ઊઘડી નહીં.

મહારાજ મૂલરાજદેવે તે રાતે વહેલી પ્રભાતે દેહ છોડી દીધો. 

પાટણમાં કોઈને ખબર ન હતી કે રાજમહાલયમાં કેવી કરુણ વિપત્તિ આવી પડી છે.

સવારે શોકઘેરા વાતાવરણમાં આમતેમ ફરતા રાજમહાલયના દ્વારપાલોને જોયા અને નાગરિકો ચોંકી ઊઠ્યા: એક પ્રકારની ભયંકર અમંગલની આગાહીનો પડછાયો લોકમાનસમાં ઊભો થઇ રહ્યો હતો.

ઠેરઠેર એક જ પ્રશ્ન પૂછી રહ્યો હતો: ‘હવે શું થશે?  મહારાણીબા કોને ગાદી આપશે? ભીમદેવને? ભીમદેવ તો અપ્તરંગી છે. એનો શો ભરોસો?’

પણ ત્યારે બીજો કોણ હતો? કોઈ જ નહીં!