Nayika Devi - 37 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 37

Featured Books
Categories
Share

નાયિકાદેવી - ભાગ 37

૩૭

પાટણની મોહિની

ગર્જનકે પોતાના પ્રયાણની દિશા નક્કી કરી લીધી, પછી તો એ ઉતાવળે દોડ્યો. એનો વિચાર અચાનક છાપો મારવાનો હતો. એને થયું કે જો પહેલી છાપ પાડી જશે ને ગૂર્જરભૂમિમાં પ્રવેશ કરશે, તો પછી બાકીનું કામ ત્યાંના આંતરિક દુશ્મનો જ ઉપાડી લેશે. બંને કુમાર નાના છે. મંડલેશ્વરો વિભક્ત છે. મહારાણી એ તો છેવટે બાઈ માણસ છે. વિજય એનો જ છે. એની મહત્વાકાંક્ષા તો ભીમદેવને જ પકડી લેવાની હતી. સહસ્ત્રકલા સાથે એણે કાશીરાણીને થોડી ધીરજ રાખવા કહેવરાવ્યું હતું. ને એકાદ, સૈનિકોની જાણકાર નર્તિકા હોય તો આંહીં ઉપયોગી થાય એ પણ કહેવરાવ્યું હતું. સહસ્ત્રકલાએ એ વસ્તુ ઉપર મદાર રાખીને જ પોતે પાછી આવશે એમ કહ્યું હતું.

અને એની વાત પણ સાચી હતી. એનું અંતર હવે પાટણ જવાને તલસી રહ્યું હતું. જો ગર્જનકને કામે પેલી ઈર્ષાવાન કાશી-કનોજની સુહવદેવી રૂઠીરાણી, એને જવા દે, તો એ પાટણ પહોંચી જવા માગતી હતી. એને કાશી-કનોજના વૈભવમાં ભયંકર પતનના ઓળા દેખાઈ ગયા હતા. પોતાનું પાટણ એવા કોઈ ઓળાનો ભોગ ન થાય એ માટે પોતે કાંઈક કરી શકે તો એ કરવાનું એને સ્વપ્ન જાગ્યું હતું. અચાનક પણ જાગ્યા પછી તો એણે જ, એના તમામ દિલનો કબજો લઇ લીધો હતો. એને ચૌલાની વાત સાંભરી આવી. એ પાટણની નર્તિકા હતી. પોતે પણ નર્તિકા હતી.

ભીમદેવ, વિશ્વંભર, સોઢો, ડાભી, પાછા જવા ઊપડ્યા. એમણે પહેલાં સોલંકી છાવણીમાં સુરત્રાણના રસ્તાના સમાચાર મોકલી દીધા. થોડા સાંઢણીસવારોને પાછળ રાખ્યા. સુરત્રાણના મુકામના સમાચાર મોકલતા રહેવાની ગોઠવણ એમની સાથે કરી. પછી એ બધા મુખ્ય સોલંકી સેનને મળવા ઉતાવળે ઊપડ્યા. તેમણે અગાઉ સંદેશાઓ મોકલ્યા હતા. રસ્તામાં એની અસર થયેલી જોઈ સમાચારના આધારે થતી વ્યવસ્થા એમને જણાઈ.

છાવણીમાં પહોંચ્યા ત્યારે એમને જોયું કે છાવણી તળેઉપર થઇ રહી હતી. લડાઈ આવી રહ્યાના ભણકારા વાગી ગયા હતા. ગર્જનકને ક્યાં રોકવો એ મંત્રણાનો મોટો પ્રશ્ન ચાલી રહ્યો હતો. ભીમદેવ ને વિશ્વંભર આવ્યા, એટલે મહારાણીબાએ તરત એમને બોલાવ્યા, વ્યવસ્થિત યુદ્ધસભા જ થઇ ગઈ. સૌ ત્યાં મળ્યા. કુમારદેવે વાત રજૂ કરી: આબુપંથે ગર્જનક આવવાનો હતો.

ધારાવર્ષદેવ આ ભૂમિનો પૂરેપૂરો જાણકાર હતો. સૌનું ધ્યાન એના ઉપર હતું એણે કહ્યું: ‘મહારાણીબા! ગર્જનકને (શાહબુદ્દીન ઘોરી અથવા ગોરી) ગૂર્જરભૂમિ જોવા પણ દેવી નહિ. એક વખત એ ગૂર્જરભૂમિમાં પ્રવેશ કરશે તો પછીની સ્થિતિનો ખ્યાલ કરવો મુશ્કેલ થઇ પડશે. ગર્જનકને આબુની તળેટીથી પણ આગળ વર્ણાસા નદીને સામે કાંઠે જ આપણે રોકી દેવો, ત્યાં વિખ્યાત રણમેદાન પણ છે!’

આ નિશ્ચય થયા પછી ધારાવર્ષદેવ, કુમારદેવ, ભીમદેવ, રાય કરણજી – સૌ રણભૂમિની શોધમાં નીકળ્યા. ગિરિવર છોડીને અર્બુદ પર્વતને એક બાજુ રાખીને આગળ વધ્યા. થોડે દૂર વર્ણાસાનો વિશાળ પટ દેખાતો હતો. આ નદીને ઓળંગે તો અર્બુદપર્વતની તળેટી પાસેથી ખેડબ્રહ્મા, ખેરાલુ, સિદ્ધપુર, પાટણ એ રસ્તો મળી જાય. સૌને લાગ્યું કે ગર્જનકને આંહીં જ રોકવો જોઈએ. સેનની પાછળના ભાગમાં આછી પાતળી ડુંગરમાળા આવી જતી હતી. આગળ વર્ણાસા નદી પડી હતી. પીઠ પાછળ અર્બુદનું રક્ષણ હતું. બંને બાજુએ ગાઢ જંગલ હતાં.

ધારાવર્ષદેવે કહ્યું, ‘આ ગાડારઘટ્ટ આપણને વિજય અપાવશે. આંહીં આપણે સૈન્યનો પડાવ નાખો.’ બીજે જ દિવસથી ગાડરાઘટ્ટ પાસે માણસ, હાથી, ઘોડાં, ઊંટ, ગાડાં ઠલવાવા મંડ્યા. છાવણી સ્થપાવા માંડી. સેનાની પાછળ એક નાનકડી ટેકરી ઉપર મહારાણીબા નાયિકાદેવીનો મુકામ થયો. ત્યાંથી આખા રણક્ષેત્ર પર દ્રષ્ટિ પડતી હતી. દૂર-દૂર વર્ણાસાનાં ચમકતાં પાણી દેખાતાં હતાં. ગર્જનક, ભાગતાં-ભાગતાં પણ ગુજરાતને સ્પર્શી ન શકે તેવું આ સ્થાન હતું. ગુજરાતમાં પ્રવેશ કરવાનો એક જ માર્ગ.

દંતાળી ઘાટ એ નામનો હતો. એ ઘાટ ઉપર બંને બાજુ સૈન્ય ગોઠવાયું. મોખરે પાંચસો ચુનંદા અસવારો હતા. ગાડારઘટ્ટ પરથી એ ગામ તરફ જવા માટે ગર્જનક ધસે ને ગુજરાત-પ્રવેશનો પ્રયત્ન કરે, તો એનું સૈન્ય નાળામાં જ રહી જાય એવી ગોઠવણ ત્યાં કરી રાખી. મેદપાટ અને મરુભૂમિ વચ્ચે જેવી પ્રખ્યાત નાળો હતી. સોમેશ્વરની, ઝાલાવાડની, હાથીવેડાની, ભાણપુરાની, એવી જ આ વિખ્યાત નાળ, અર્બુદ ખેડબ્રહ્મા માર્ગ તરફની હતી. આ એક જોજન લાંબી નાળમાં સેંકડો ને હજારોના હિસાબે માણસ સમાઈ જાય ને પત્તો ન ખાય તેમ હતું. ધારાવર્ષદેવે આ બધી દ્રષ્ટિ રાખીને ત્યાં વ્યૂહરચના કરી. પાંચસો-પાંચસો ઘોડેસવારોના જૂથ ગોઠવાયાં. આ જૂથ એક પછી એક ધસતાં જાય, એટલે લડાઈનું ઘમાસાણ ઠંડુ પડે જ નહિ. મહારાણીબા નાયિકાદેવી પોતે ટેકરી ઉપર મુકામ રાખીને રહેવાનાં હતાં.

ચોતરફ સૈન્ય ગોઠવાતું ગયું. ગર્જનક ધસતો આવી રહ્યો છે એ સમાચાર હંમેશાના હંમેશ ઓઢી મારફત આવી રહ્યા હતા. વિશ્વંભરે જે સાંઢણીસવારો રાખ્યા હતા, તે એક પછી એક, મુકામનો હેવાલ લાવતા હતા.

ગર્જનક પણ સચેત હતો. એને ખબર પડી ગઈ હતી કે સોલંકી સેન ત્યાં વર્ણાસાનો ઉતારઘાટ રોકીને જ પડ્યું છે. એણે ચાલ બદલી. ધીમે પણ મક્કમ રીતે એ આગળ વધતો રહ્યો. સોલંકી સેનની રચનાનો એને ખ્યાલ મેળવી લેવાનો હતો. એણે જોયું કે સોલંકી સેનને છિન્નભિન્ન કરવાનો હવે એક જ મારગ છે, એના મિજનિક. એની સાથે અચૂક નિશાનેબાજો હતા. ધાર્યું નિશાન પાડી શકે એવા એ શક્તિશાળી હતા. એક એક હજાર દિનાર એક-એક નિશાનના ઠરાવીને પણ એણે મુલતાનથી અચૂક નિશાનેબાજો આણ્યા હતા. એની તૈયારી જબરી હતી. એનું અશ્વદળ સમર્થ હતું. 

સોલંકી સેનનો સામનો કરવાનો હોય તેમ એ આગળ વધતો ગયો. પણ એ જ વખતે જંગલના માર્ગના છૂપા જાણકારોનો ભેદ એણે મેળવ્યો હતો અને એ માર્ગે મિજનિકો આગળ મોકલી દીધી હતી. સોલંકીના હાથીસેનને છિન્નભિન્ન કરતાં જે અવ્યવસ્થા જન્મે એમાં એ પોતે ફાવી જવાનો, એવી એની ધારણા હતી. એણે સોલંકી સેનની બંને પાંખને મિજનિકના આગગોળા વડે પીંખી નખાય, તેવી રચના કરવા ધારી હતી. 

ગર્જનકનું સેન આગળ વધતું વધતું પાંચ મુકામ છેટે આવીને અટક્યું. હવે પછી સાવધાનીથી પગલું ભરવાનું હતું. રૂઠીરાણીનો કોઈ ને કોઈ માણસ ત્યાં આવી મળવાનો હતો. એ આ તરફનો વધુ જાણ હોવાનો. એટલે એના તરફથી મળતા સમાચારને આધારે ગર્જનકસેના આગળ વધે એમ નક્કી થયું હતું. 

ચારેક મુકામ રહ્યા ત્યાં એક સાંજે સહસ્ત્રકલા પોતે જ આવી પહોંચી. એની પાસે રૂઠીરાણીનો સંદેશો હતો. રૂઠીરાણી વિશે ગર્જનકોને ખાતરી હતી. એ પોતાના પુત્રના હિતની ખાતર ગમે તે કરે તેમ હતી. તેણે રાજને, દેશને, આબરુને અને રાજ્યને બધાને ગૌણ ગણ્યાં હતાં. દેશપ્રેમી અમાત્ય વિદ્યાધર જાણે કે ખુદ ભાગ્ય સામે ઝઝૂમી રહ્યો હતો. એને માર્ગે અંધારું હતું. ગર્જનકોને રાણી પોતે જ આમંત્રી રહી હતી. કુટુંબ-કલેશથી ઘર તૂટી પડવાની તૈયારી હતી. રાજા મોહમુગ્ધ હતો.

સહસ્ત્રકલા અદ્ભુત નર્તિકા પણ હતી. કાશી નગરીમાં એણે એ જ કામ શીખવામાં ધ્યાન રાખ્યું હતું. ગર્જનકના વજીરને એ વાત ધ્યાનમાં આવી હતી. એણે સહાસ્ત્રકલાનો ઉપયોગ કરવાની આ સરસ તક જોઈ. 

સહાસ્ત્રકલાને તો એજ જોઈતું હતું. એણે રૂઠીરાણીને કાશીમાં સર્વાધિકાર ભોગવતી જોઈ હતી. આ હેરફેરમાં રાજકુમાર ભીમદેવને પોતે વશ કરી શકે તો પોતે પણ પાટણની મહારાણી થઇ શકે એ વાત સહસ્ત્રકલાને સ્પર્શવા માંડી હતી. ગર્જનકને કાઢી મૂકવામાં જો પાટણને સફળતા મળે, તો પોતાની નામના રહી જાય. અને પોતાનો પગ પાટણમાં સ્થિર પણ થઇ જાય. 

પણ એનું કામ ખરેખર વિકટ હતું. એણે ચોરને કહેવાનું હતું કે તું ચોરી કરવા જાજે, ઘરધણીને કહેવાનું  હતું કે તું જાગતો રહેજે. એમાં જરાક ભૂલ કરે, તો પોતાને ગળે તલવાર હતી, એ પણ એ જાણતી હતી. એણે ભારે સિફતથી કામ લીધું.

ગર્જનક માટે ચારેક મુકામ બાકી હતા ત્યાં એ સોલંકી છાવણીમાં જવા ઊપડી. એની સાથે જાણે કે એણે એનો રસાલો રાખ્યો હતો. રૂઠીરાણીના તરસે કાશીનગરી છોડીને પોતાના મૂળ વતન પાટણ જવા માટે એ નીકળી હોય એવો દેખાવ કર્યો હતો. ગર્જનક પાસેથી એવો એક અશ્વ મેળવ્યો હતો, એ નૃત્યાશ્વ હતો. એ નૃત્યાશ્વ અદ્ભુત હતો. ઘોડા તરફ રજપૂતોનીગાંડી પ્રીતિ સૌ જાણતાં હતા.

એટલે આ અશ્વ પ્રત્યે રાજકુમાર ભીમદેવને આકર્ષણ થાય ને આ જુદ્ધમાં એ આ અશ્વ ઉપર વિશ્વાસ રાખે, એટલું કામ સહસ્ત્રકલાએ કરવાનું હતું.

સહસ્ત્રકલાએ જાણે ઉત્સાહથી એ બીડું ઝડપ્યું. પાટણને અને ભીમદેવને બંનેને મેળવવાની એમાં એણે એક તક જોઈ. ઘણો વખત થયા રૂઠીરાણીના સંદેશા એ લે-આવ કરતી અને રૂઠીરાણી વિશે ગર્જનકોને હવે લેશ પણ શંકા રહી ન હતી. કાશીનરેશની આ રાણી સુહવદેવી ખરેખર રૂઠી હતી, એટલે ગર્જનકોએ એને રૂઠીરાણીનું ટૂંકું નામ આપી દીધું હતું.  કુટુંબકલેશ કાશી-કનોજના દિવસો ગણતા હતા એટલે હજી જ્યાં કુટુંબકલેશ કે સામંત-સોદાગરોનો કલેશ ઓછામાં ઓછો હતો એ ગુજરાત પર સહેલાઈથી એક ઘા આવી જાય, તો એની છાપ ભારતભરમાં પડી જાય! ગર્જનકની આ ગણના હતી. 

ગર્જનકોએ એટલા માટે આ સહસ્ત્રકલાનો ઉપયોગ કરવાની આ તક પકડી. લાગ્યું તો બાણ કર્યું. 

સહસ્ત્રકલાને વેષ ભજવવાનો હતો. પાટણ-પ્રેમને લીધે કાશીમાંથી ભાગવાનો એનો આ વેષ હતો. એ વધારે ફતેહમંદ થવાનો સંભવ હતો. સહસ્ત્રકલાને ગર્જનકોએ છાવણીમાંથી રવાના કરી, પોતે શું કર્યું છે એ સંકેત-સમાચાર સહસ્ત્રકલાએ મોકલવાના હતા. સહસ્ત્રકલાને તો પાટણની મોહિની લાગી હતી. પણ પોતાના ઉપર દેખરેખ તો કોઈકની હશે એ સહસ્ત્રકલા સારી પેઠે જાણતી હતી. એણે સોલંકી છાવણીમાં સ્થાન જમાવ્યું. રાજકુમાર ભીમદેવને પોતાનું નૃત્ય જોવાનું આમંત્રણ આપ્યું.

છાવણીમાં મહાભારતની કથાઓ ઠેર-ઠેર ચાલતી તેમાં આનંદ વિનોદ, ને રમૂજો પણ આવતી. નૃત્યાંગનાઓ નાચતી, ખેલો થતાં, નટો આવતા, નાટકો જામતાં.

રણભૂમિના લડવૈયાઓને પ્રોત્સાહન મળે તેમ જ આનંદ મળે એવી હરેક પ્રકારની વ્યવસ્થા છાવણીઓની આસપાસ રહેતી. સહસ્ત્રકલા આવી અને એણે પોતાનું નૃત્ય કરી  બતાવ્યું. રાજકુમાર ભીમદેવ એમાં આવ્યો હતો એને ગર્જનકે આપેલા ઘોડાનું આકર્ષણ થયું છે, એ વાત સહસ્ત્રકલાએ સિદ્ધ કરી બતાવી. એ પ્રમાણે ગર્જનકની છાવણીમાં સંદેશો ગયો. પછી સહસ્ત્રકલાનો રસાલો વીખરાઈ ગયો. પોતાનું કામ પતાવીને જાણે એ પાછી ગઈ. પણ સહસ્ત્રકલાએ આ બધી વાતનો ઘડોલાડવો રાજકુમારને છાની રીતે બતાવી દીધો હતો અને કહ્યું હતું કે હમણાં આ અશ્વનો ઉપયોગ તમે વધારે કરતા રહેજો, તો ગર્જનક ભ્રમમાં રહેશે એને લાગશે કે આ અશ્વ ઉપર તમને વધારે વિશ્વાસ બેસી ગયો છે. પણ જોજો, ભૂલેચૂકે લડાઈમાં એ અશ્વ વાપરતા નહિ. ગર્જનકનો ભ્રમ ભાંગશે ત્યારે એની છાતી બેસી જશે. 

રાજકુમાર ભીમદેવ હમણાં-હમણાં નૃત્યાશ્વની મોહિનીમાં પડ્યો હોય એમ દેખાડવા માંડ્યું. એ ઉપરથી ગર્જનકોને લાગતું રહ્યું કે સહસ્ત્રકલાએ ધાર્યું કામ પાર ઉતાર્યું છે એટલે એનો ઉપયોગ વધાર્યો.

સહસ્ત્રકલા મધરાતે છાવણી તરફ આવી રહી હતી એને હવે જે વાત કરવાની હતી તે ખુદ મહારાણીબાને પોતાને જ કરવાની હતી. મહારાણીબા નાયિકાદેવી રણક્ષેત્રમાં હતાં.

જેમ પાટણે એના હ્રદયમાં અચાનક સ્થાન મેળવ્યું હતું. તેમ હજારોનું સેન દોરનાર મહારાણી માટે પણ એને માન જાગ્યું હતું. 

એ કામ ગર્જનકનું કરતી હતી પણ  એના હ્રદયમાં હવે પાટણ-પાટણ થઇ રહ્યું હતું. એની મહત્વાકાંક્ષા પણ જાગી હતી. એણે વર્ષોના વર્ષો કાશી નગરીમાં પેલી સુહવદેવીને પડખે ગાળ્યાં હતાં એટલે ગુજરાતનાં વૃક્ષોમાં પણ માનવતા દેખાતી હતી. એને ગુજરાતની હવે મોહિની જ લાગી હતી. 

હવે કાશી-કનોજ પાછું ફરવાનું હતું. ગર્જનકના જ કામે એ પાટણ તરફ જવા માગતી હતી. પણ તે પહેલાં એ મહારાણીબાને મળી લેવા માંગતી હતી. એને અહોભાવ પ્રગટ્યો હતો, મહારાણી પ્રત્યે, પાટણની મહારાણી પોતે અત્યારે રણક્ષેત્રમા આવી હતી, એ વાત જેવીતેવી ન હતી. એણે એકલે હાથે આવા તરુણ બિનઅનુભવી કુમારોને સાથે લઈને સેંકડોનું સૈન્ય યુદ્ધ કરવા બહાર આણ્યું હતું. તેને જોયા વિના પોતે પાટણમાં પ્રવેશે એ તો આત્મા વિનાનો દેહ જોવા જેવું થાય. પાટણ ત્યાં હતું. પણ એનો આત્મા આંહીં હતો. એટલે પોતાની જાતને પ્રગટ કર્યા વિના જવું એ સહસ્ત્રકલાને ગમ્યું નહી. વળી મહારાણીબાને આપવા જેવી મૂલ્યવાન માહિતી પણ એની પાસે હતી. 

એ અરધી રાતે સૈનિકોની શિબિરમાં આવી. એને અત્યારે કોઈ પ્રવેશ કરવા દેશે નહિ એ એને ખબર હતી. મહારાણીબાની છાવણી પાસે ચારેતરફ પહેરેગીરો ફરતા હતા. પણ એમાંનો કોઈ ને કોઈ પોતાનું નૃત્ય જોઈ ગયો હશે તો પોતાનો રસ્તો સરળ થશે, એ શ્રદ્ધાએ સહસ્ત્રકલા થોડી વાર ત્યાં ઊભી રહી. 

એટલામાં કોઈ નહિ ને ગંગ ડાભી જ નીકળ્યો. એ તો સહસ્ત્રકલાનો જાણીતો હતો. સહસ્ત્રકલાએ એના નામથી જ ધીમે હાંક મારી: ‘ડાભી! એ ગંગ ડાભી!’

ડાભી ફરતો હતો એ અટકી ગયો. અત્યારે કોઈ એને નામ દઈને બોલાવે એ જ એને નવી નવાઈની વાત લાગી. એને લાગ્યું કે એના મનમાં ખોટો ભણકારો જાગ્યો હોવો જોઈએ. તે ચાલવાની તૈયારીમાં હતો, ત્યાં બીજો અવાજ આવ્યો, ‘ડાભી! આ બાજુ આવો, આ બાજુ, હું  બોલાવું છું, આ વડ પાસે આવો!’

ડાભી આશ્ચર્ય પામી ગયો. પોતાને ખરેખર કોઈ બોલાવી રહ્યું હતું. કોણ હશે? તેને નવાઈ લાગી. તે તલવાર ખેંચીને જ વડ તરફ ગયો.

વડ તરફ આવતાં જ તેણે અવાજ ઓળખી કાઢ્યો. ‘આ તો સહસ્ત્રકલા છે.’ સહસ્ત્રકલા વિનોદવાણી બોલતી સંભળાઈ, ‘ડાભી તલવાર ખેંચો માં. અમે તો બહુ બીકણ કહેવાઈએ! અમારું કામ તો ઘોડા નચાવવાનું.’

‘ઓત્ તારીની! આ તો પેલી...’ ડાભીને ખ્યાલ આવતાં વાત પામી ગયો. કુમાર ભીમદેવ નવા અદ્ભુત ઘોડા ઉપર હમણાં-હમણાં બહુ ફરી રહ્યો હતો. એના વિશે એને આશ્ચર્ય થતું હતું. તે વાતનો ભેદ એને હવે મળી ગયો: ‘એ કામ આનાં!’ 

‘અરે! તમે છો?’ તેણે પૂછ્યું.

સહસ્ત્રકલાનો જવાબ આવ્યો, ‘હા, અમે છીએ. પણ અમે તમારે ત્યાં આવી ગયા. એક રમૂજી ઘોડો તમારા મહારાજને ભેટ આપી ગયાં અને તમારા મનમાં તો એનો કાંઈ હિસાબ જ લાગતો નથી. કોઈ દિવસ મળ્યા પણ નહિ પેલી રણકાંઠાની વાત રણ કાંઠે જ રાખી’

‘અરે! હોય કાંઈ! તમે આવતાં રહો છો એ ધ્યાનમાં છે, પણ કીધું હમણાં બોલવું નહીં. ઘોડાની બધી વાત મને મળી ગઈ છે. ગર્જનક આ ખેલ ઘણે ઠેકાણે ભજવે છે, ને એમાં ફાવે પણ છે. પણ આંહીં એના દાંત ખાટા થઇ જશે. લડાઈની આગલી રાતે, એ ઘોડાને હું પોતે જ ગૂડી નાંખવાનો છું!’

અરે! અરે! શું કરવા? ગૂડી શું કરવા નાખશો?’

‘કોને ખબર છે? જુઓ, આંહીં જેમ તમે આવ્યાં, તેમ કોઈ બીજું પણ ગર્જનકે નાકવઢું  પાળ્યું નહિ હોય તેની શી ખાતરી? અચાનક મારું બેટું, ઉતાવળમાં કાંઈ હાથતાળી દઈ જાય ને જુદ્ધ વખતે એ ઘોડો જ મહારાજ માટે જાય તો? પછી રા-રીડિયામાં કોણ જાણે શુંનું શું થઇ જાય, એના કરતાં ગૂડી નાખવામાં ફાયદો.’

‘ત્યારે હું પણ તમારા મનથી નાકવઢી, એમ?’

‘ના, ના, તમે તો નાકરખાં! તમે તો નામ કાઢ્યું ને નાક પણ રાખ્યું. નોક રાખી. નામ રાખ્યું, ને વળી પાટણનું નાક રાખ્યું.’

‘તો પછી એનો બદલો આપો.’

બોલો! શો બદલો આપવાનો છે?’

‘ડાભી, મહારાણીને મળવું છે.’

‘ક્યારે??

‘આ ઘડીએ.’

‘શું કરવા?’

‘ગંગ ડાભી! બધું તમારે જાણવું છે? એમ સમજોને હું પાટણની છું. પાટણના હિતની કોઈ વાત હશે અને છેવટે તમારાથી કાંઈ અજાણ્યું રહેશે? તમે તો રાજકુમારના વજ્જર કિલ્લા છો.

ડાભીને સહસ્ત્રકલાનો વિશ્વાસ હતો. ભીમદેવની જાતવફાદારીની જ એના જીવનધ્યેયને ઘડનારી વસ્તુ હતી. ભીમદેવ સહસ્ત્રકલાની વચ્ચે વહેતી જરાક મીઠી હવા-લહેરખીને એ પામી ગયો હતો. વિશ્વંભરની પેઠે એને એમાં કોઈ ભાવિની ચિંતા દેખાતી નહિ. એ તો યોદ્ધો હતો. 

તેણે ચારેતરફ દ્રષ્ટિ કરી. અત્યારે તો કોઈ દેખાતું ન હતું. પણ ટેકરી ઉપર ચડવા માંડે તો એમને વગર પડકારે કોઈ જવા દે એ શક્ય ન હતું.

છતાં ડાભીએ હિંમત કરી. એને લાગ્યું કે આની પાસે કોઈ ખરેખરી વાત હોવી જોઈએ.

તેણે કહ્યું, ‘એક ઉપાય છે. તમે હિંમત કરીને ઉપર જાઓ. ને કોઈ ને કોઈ છોડવા-ઝાંખરાનો આધાર લેતાં જાઓ. હું તમારી પાછળ ચોકી ભરતો આવું. કોઈને પડકારવાનો વખત ન આવે. એટલું જોજો, જો પડકારશે તો વાત સેનાપતિ કુમારદેવ પાસે પહોંચ્યા પછી જ તમે છૂટા થાઓ – પછી કોઈનું કામ નહિ આવે!’

‘એમ છે?’

‘હા, આંહીં તો વાત એમ છે. પણ તમતમારે પછવાડેને રસ્તે ઊપડો. એ રસ્તે ઝાડ-ઝાંખરાં પાર વિનાનાં છે, ને એ રસ્તે ચોકી મારી છે. મહારાણીબાની પટ્ટકુટ્ટીમાં તો પ્રવેશ મળશે જ. ત્યાં સોઢો બેઠો છે. પટ્ટકુટ્ટી સુધી તમે પહોંચો, ત્યાં હું તમારી વાંસોવાંસ આ આવ્યો!’

સહસ્ત્રકલાએ ડાભીની સૂચના ઉપાડી લીધી. એકાએક છોડવાનો આધાર લેતી  હતી, છેક સુધી એ ઉપર પહોંચી ગઈ. પણ ત્યાં જરાક ખડખડાટ થતાં જ અવાજ આવ્યો: ‘કોણ? કોણ છે? પણ એટલામાં ડાભી આવી પહોંચ્યો હતો. ‘એ તો હું છું સોઢાજી! જરાક આમ આવો તો!’