Nayika Devi - 35 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 35

Featured Books
Categories
Share

નાયિકાદેવી - ભાગ 35

૩૫

ભુવનૈકમલ્લ!

કેટલાક કહે છે કે વિધિને માનવજીવન સાથે ક્રૂર રમત રમવામાં મજા પડે છે. કેટલાક કહે છે કે વિધિ જેવું કંઇ છે જ નહિ. જુગજુગજૂનો ઘરડો ડોસો ઈતિહાસ, બંને વાતની સાક્ષી આપે છે! કોઈક વખત, તરણાંથી પણ તુચ્છ હોય તેમ એણે માનવને આડોઅવળો ફેંદાતો જોયો છે. એ ગમે તેટલા પાસા નાખે, પણ એનો એક પાસો પાર ન પડે. તો કોઈક વખત, માનવને સર્વકાલ ને સર્વપરિસ્થિતિનો સ્વામી હોય તેમ, વાતવાતમાં સફળતાને ફરી જતો એવો પણ એણે દીઠો છે.

એમાંથી જે ફલિત થતું હોય તે, પણ જ્યારે આગલી રાતે નાયિકાદેવીના મનમાં વિચાર આવી ગયો કે પાટણ નિરાધાર ન પડી જાય, ને ચારે તરફમાં સામંત મંડલેશ્વરો કુમારોને દબાવી ન બેસે, માટે કાંઈક યોજના કરવી જોઈએ, ત્યારે તેણે ધારાવર્ષદેવ, અર્ણોરાજ, એવા-એવા સમર્થ પુરુષોને રાજભક્તમંડલમાં મેળવી લેવાની એક યોજના ઘડી કાઢી. પણ ત્યારે વિધિની વિચિત્રતા જોવા જેવી હતી. એ જ વખતે એને પૃથ્વીરાજ પણ સાંભર્યો હતો. પણ  ભવિષ્યમાં એ જ પૃથ્વીરાજ ને ભીમદેવ બહુ રોળીટોળી નાખવાના હતા. તે વખતે મહારાણીબાને લાગ્યું હતું કે એ એકલો અજમેરની દિશા જાળવી લે એવો હતો. વળી એ તો સગો હતો... બહાદુર હતો. સેનાપતિ કુમારદેવે કહ્યું તે બરાબર કહ્યું હતું. જો ભીમ ને પૃથ્વીરાજ ભેગા થાય તો આખા ભારતવર્ષને દોરી શકે! ભારતવર્ષમાં ફરીને એકચક્રીશાસનનો ધ્વજ ફરફરે.

એટલે મહારાણીબાએ પૃથ્વીરાજને પણ આમંત્રણ આપીને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. પૃથ્વીરાજના બાપને તો મહારાજ જયસિંહદેવે પોતે જ આંગળીએ વળગાડીને પાટણની બજારમાં ફેરવ્યો હતો અને એ એ ભૂલી નહોતો ગયો.

એ રીતે, એ પાટણનો જ હતો. ભીમ ને પૃથ્વીરાજ દૂર-દૂરના મામા-ફઇના ભાઈઓ હતા. નાયિકાદેવીને મનમાં સંકલ્પ આવ્યો: બંનેને આ રણક્ષેત્રમાં એક બનાવી દેવા.

ભીમદેવ ઊપડી ગયો: મહારાણીબા નાયિકાદેવી પોતાના આગલી રાતના વિચારને મૂર્તસ્વરૂપ આપવાનું વિચારી રહી હતી. પ્રભાત થતું આવતું હતું. પંખી હજુ ઊઠ્યાં ન હતાં. વન જાગ્યું ન હતું. તે વખતે ઉતાવળો-ઉતાવળો કુમારદેવ આવ્યો: ‘બા! એક નવી નવાઈની વાત બની છે!’

‘શું? શું વાત છે?’

‘મહારાજ સોમેશ્વરે પૃથ્વીરાજને આંહીં મોકલેલ છે!’

‘હેં!’ મહારાણીબાના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. પોતે જે વિશે વિચાર કરી રહી હતી, તે આમ સામે આવે એમાં એણે દૈવી સંકેત જણાયો. સોમેશ્વરના દિલમાં પાટણ માટે હજી એક માનભરેલો ખૂણો રહ્યો હતો. એની આ વાત ઉપરથી મહારાણીબાને ખાતરી થઇ ગઈ. મહારાણીબાને એ જ વખતે વિચાર આવ્યો. અત્યારે જો ભીમ આહીં હોય તો બંનેની એકગાંઠ થઇ જાત!

પણ વિધિ જે રમત રમે છે, તેમાં ક્રૂરતા, આવી એકાદ નાનકડી બાબતમાં જ એ મૂકી રાખે છે. એક પળ મોડું થાય, ને માણસ જીવન હારી બેસે, એક પળ વહેલું થાય, ને માણસ જીવન જીતી જાય! વિધિના હાથમાં જે પાસા છે, તેમાં એક-એક પળમાં, એક-એક સામ્રાજ્ય ઊડી જવાની કરામત કરી છે. ભીમદેવ ને પૃથ્વીરાજ આંહીં નાયિકાદેવીના સાંનિધ્યમાં ભેગા થઇ શક્યા નહિ. અને પછી કોઈ દિવસ ભેગા થાય જ નહિ. ભીમદેવ પાછો ફર્યો ત્યારે પૃથ્વીરાજ ચાલ્યો ગયો હતો, પછી એ ભેગા થયા, ત્યારે લડવા માટે જ ભેગા થયા. વિધિની એક પળ!

નાયિકાદેવીએ કુમારદેવ સામે જોયું: ‘એકલા છે?’

‘ના સાથે ચંદ બારોટ છે. કંઈબાસ મંત્રીરાજ છે. પેલો વિખ્યાત ભુવનૈકમલ્લ છે. મહારાજ સોમેશ્વરના દિલમાં રહેલા પાટણપ્રેમે એમને આંહીં મોકલ્યા જણાય છે.’

‘હું પણ એમ જ માનું છું. જો ભીમ હોત!’ એટલામાં મહારાણીબાએ ચાર અચ્છા ઘોડેસવારોને પોતાની તરફ આવતા જોયા. મહારાણીબાને પણ લાગ્યું કે આ એક દ્રશ્ય હતું – કદાચ દેશમાં બસો પાંચસો વર્ષે માંડ દેખા દેતું હશે. સૌથી આગળ પૃથ્વીરાજ હતો. પણ શું એની ઘોડેસવારી હતી! ઠેર-ઠેરથી સૈનિકો પણ એની આ છટાભરી ઘોડેસવારી માટે જ જાણે દોડતા આવતા હતા! મહારાણીબા પણ એ જોઈ રહ્યાં.

એની પાછળ બીજા ત્રણ ઘોડેસવારો આવી રહ્યા હતા. મહારાણીબા એમને આવતા જોઇને પોતે સામે ચાલ્યા. કુમારદેવ પણ પૃથ્વીરાજને આવતો એકનજરે જોઈ રહ્યો હતો. ખરેખર એની ઘોડેસવારી તો એની જ હતી. એ ઘોડેસવાર હતો. બીજા બધા એના પ્રમાણમાં ઘોડા ઉપર બેસવાવાળા હતા.

ચારે ઘોડેસવારો વધુ પાસે આવ્યા. પૃથ્વીરાજની પાછળ એક આધેડ વયનો પુરુષ હતો. તેણે સાદી પાઘ પહેરી હતી. એની પાસે ખાસ હથિયાર ન હતાં, પણ તેની આંખમાં ગગનના તારની જાણે કે રણભૂમિ રમી રહી હતી! કોમળ અને કઠોર એવા જીવનના બે મહાન ભાવોને એણે પોતાની આંખમાં છુપાવી દીધા હતા. એ વિખ્યાત કવિ ચંદ બારોટ હતો. એની પાસે બહુ હથિયાર ન હતાં. એમાં પણ કાંઈક અર્થ હતો, એની દ્રષ્ટિમાં, જાણે હથિયારો ઊભાં કરવાની તાકાત હતી!

એની લગોલગ મહામંત્રી કંઈબાસ હતો. તે પણ આધેડ વયનો હતો. એનો ચહેરો સ્થિર, શાંત, આગ્રહી છતાં વિવેકી લાગતો હતો. ચંદ બારોટમાં જે હથિયારો ઊભાં કરવાની શક્તિ હતી, તો આનામાં જાણે તમામ હથિયારો મ્યાન કરવાની તાકાત હતી.

પણ એ બંનેની પછવાડે જે ઊભો હતો, તે સૌનું ધ્યાન ખેંચી રહ્યો.

નાયિકાદેવીએ કુમારદેવના કાનમાં કહ્યું, ‘કુમાર! એ કોણ?’

‘મહારાણીબા! એ જ ભુવનૈકમલ્લ! વીરવરુથિની એવી, જે પૃથ્વીરાજ મહારાજના એકસો આઠ નરપુંગવોની માલા છે. તેનો એ મેરુ છે. એ જુદ્ધમાં તલવાર સિવાય બીજું હથિયાર રાખતો નથી. એક વખતે એણે ઊછળીને મેઘગગડતી વીજળીને પણ તલવારથી કાપી નાખી હતી! એ પોતે એક નાના સરખા રણક્ષેત્ર જેવો છે.

નાયિકાદેવી ભુવનૈકમલ્લ સામે જોઈ રહી. ભીમદેવે જે એકસો રણઘેલા ભેગા કર્યા હતા એવો જ રણઘેલછાનો સમુદ્ર એની આંખમાં ઊછળી રહ્યો હતો.

નાયિકાદેવી કુમારદેવ સામે જોઈ રહી. કુમારદેવ પણ એનો વિચાર કળી ગયો લાગ્યો. આ રણઘેલછા બંનેનો નાશ કરશે... એવી ભયંકર ચિંતા મહારાણીબાના ચહેરા ઉપર હતી. તે પળમાં સ્વસ્થ થઈને પૃથ્વીરાજ સામે ચાલી ઘોડા ઉપરથી ઉતરતાં જ, તેને બથમાં લઇ લીધો: ‘અરે પ્રથિમ! તેં તો કહેવરાવ્યું પણ નહિ!’

‘શું કરું મોટાં ભાભી! તમને એક વેણ કહેવાઈ ગયું એટલે પિતાજીએ કહ્યું, હવે તું પોતે જા.’

નાયિકાદેવી હસી પડી. ‘શું વેણ કહેવાઈ ગયું છે? કુમારદેવ! આ બારોટજીને સૌના ઘોડા સંભાળવાનું કહો!’

એટલામાં તો ચારે તરફથી અનેક માણસો દોડતાં આવી રહ્યાં હતાં. નાયિકાદેવીએ કુટુંબમેળા જેવું રૂપ આપી દઈને પૃથ્વીરાજને જાણે પ્રેમથી પોતાની છાયામાં લઇ લીધો હતો: ‘શું છે પ્રથિમ! શું વેણ કહેવાઈ ગયું છે? કોને મને ઊધડી લીધી હતી?’

‘તમને કહ્યું હશે નાં – ગંગ ડાભીએ? એ અમારે ત્યાં આવ્યો હતો!’

મહારાણીબા હસી પડ્યાં: ‘અરે! ગાંડા ભાઈ! એ વેણની વાત છે? તું ને ભીમદેવ મારે મન એકસરખા. તમારાં વેણ એમ ગણીને હું ગાંઠે બાંધુ કે? જુવાન માણસો તો આખાં વેણ બોલે પણ આવ, આવ, એ બહાને તું આવ્યો’તો ખરો. શું કરે છે ફુઆજી? તારી સાથે આ બારોટજી છે એમને તો આખી દુનિયા ઓળખે છે. આ મંત્રીશ્વર છે એમને પણ ઓળખું છું. પણ આ ત્રીજું કોણ છે?’

‘ન ઓળખ્યા? એ બુંદેલખંડના છે. એમનું નામ ભુવનૈકમલ્લ!’

‘એમ? તેં પણ વીરરત્નો ઠીક વીણી-વીણીને ભેગાં કરવા માંડ્યા છે! કેટલા, એકસો આઠ છે?’

‘હજી તો સો છે, મોટાં ભાભી! પણ ભીમદેવ મહારાજ ક્યાં ગયા? કેમ દેખાતા નથી? આ ભુવનૈકમલ્લનું એક અપૂર્વ પરાક્રમ જોઇને મોંમાં આંગળી નાખી જાત!’

નાયિકાદેવીએ પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો: તેની સામે વ્હાલથી જોઈ રહી, ‘પ્રથિમ! તું ને ભીમ બે ભેગા થાશો, તો આખું ભારતવર્ષ જોઈએ રહેશે. તારું દિલ્હી અને ભીમદેવનું પાટણ, એ બેના ઉપર તો ભારતવર્ષની કમાન છે. ભાઈ! ભીમ ગયો છે જરાક કામે.’

‘ક્યાં?’

‘ગંગ ડાભીને તારે ત્યાં એ જ કામે મોકલ્યો હતો નાં?’

‘ગર્જનકવાળી વાત?’

‘હા પ્રથિમ! એ આવે છે. એમ સંભળાય છે.’

‘અરે! એવા તો ગર્જનક આવીને ચાલ્યા જશે. મોટાં ભાભી! એમાં તે શું છે? છો ને આવતો. આ એકલો ભુવનૈકમલ્લ આખા સૈન્યને પૂરો પડે તેવો છે.’

નાયિકાદેવી પૃથ્વીરાજના ઉસાહી થનગનાટભર્યા ચહેરા તરફ જોઈ રહી. એના પોતાનામાં પણ એક આખા સૈન્યની સામે એકલે હાથે થવાની શક્તિ દેખાતી હતી. પણ આવનારા કોણ છે એનો આ રણપુરુષોને ખ્યાલ લાગતો ન હતો. નાયિકાદેવી ભુવનૈકમલ્લને નીરખી રહી. એટલામાં ધારાવર્ષદેવ, પ્રહલાદનદેવ, બીજા સરદાર સામંતો પણ આવતા જણાયા.

‘પ્રથિમરાજ આવેલ છે પરમાર! આપણી ખબર કાઢવા.’

;કાંઈ લાવ્યાં છે ગર્જનકના સમાચાર!’ ધારાવર્ષે કહ્યું.

‘અરે! પણ તમે સૌ ગર્જનક ગર્જનક કરો છો! અમારી સામે જોવાની તો એની તાકાત પણ નથી!’

‘પ્રથિમરાજ! હજી તું નાનો છે ભઈલા! પણ આ  બધા ઊગતા ભોરંગ છે. એને આજથી જ દાબવા ઘટે. ભીમદેવ ને ગંગ ડાભી બધા ગયા છે એના માર્ગનો પત્તો મેળવવા.’

‘પણ જુઓને મોટાં ભાભી! એ તમારી તરફ આવશે, તોપણ અમારી બાજુએથી નહિ આવે.’

‘એ તો બરાબર છે. તે કેમ જાણ્યું?’

‘અમને એ ઓળખે છે.’

નાયિકાદેવીએ કુમારદેવ સામે જોયું, ‘આ આત્મવિશ્વાસ તારશે કે ડુબાડશે! –’ એવો મહાપ્રશ્ન રાણીના મનમાં આવી ગયો હતો: ‘તું ને ભીમ – બેય જણા પ્રથિમ! ભારે નીડર. પણ આ આવનારા તો બહુ જુક્તિવાળા છે. જો ને, કાશીનરેશનું બોદું વાગે છે નાં?

‘એ તો ઘર ફૂટે એમ થાય. પણ અમારે ત્યાં તો આ વજ્જરની દીવાલ છે. આ એકસો આઠ છૂટે એટલે થઇ રહ્યું!’

‘બાપ! એ તો ભગવાન મહાકાલના ગણ છે. એમનાં પરાક્રમ જોઇને રાણીબા, ઘડીભર તો ઇન્દ્રરાજા પણ વિચારમાં પડી જાય.’ ચંદ બારોટ બોલ્યો.

‘એમ? તો-તો કાલ કાંઈક બતાવો!’ નાયિકાદેવીએ કહ્યું.

‘અરે, કાલ શું કરવા? આજ સાંજે જ, કાં મલ્લરાજ?’

ભુવનૈકમલ્લે ડોકું ધુણાવ્યું.

‘તમને મહારાજનો સંદેશો પહોંચાડવા જ હું તો આવ્યો છું, મોટાં ભાભી!’ પૃથ્વીરાજે કહ્યું.

‘ગર્જનક  વિશે છે કે કાંઈ બીજી વાત છે?’

‘તમને એકાંતમાં કહીશ. પણ તમારે ત્યાંથી અમને પણ કાંઈક પરચો મળવો જોઈએ. તો વિશ્વાસ બેસે કે નાં આંહીં પણ પડ્યાં છે.’

‘ભાઈ! મોટામાં મોટો પરચો આ તું ને ભીમદેવ બે ભેગા થાવ એ. હમણાં ભેગા થયાં હોત તો એવો આનંદ આવત! અમારે ત્યાં બીજું કોણ?’

‘મળશે મહારાજ! પરચો મળશે...’ ધારાવર્ષદેવ અચાનક જ વચ્ચે બોલી ઊઠ્યો. ‘તમે ખુશ થાશો મહારાજ! ભીમદેવ મહારાજ પાસે પણ કોઈક કોઈક બેઠા છે.’

પૃથ્વીરાજ ધારાવર્ષ સામે જોઈ રહ્યો. એની આકર્ષક વીરશ્રી એને અસર કરી ગઈ.

એટલામાં પરિચારકો પૃથ્વીરાજની સેવા માએ આવી ગયા હતા. એટલે સૌ અત્યારે પટ્ટકુટ્ટીમાં ગયા. તે જ દિવસે સાંજે એક મોટું મેદાન તૈયાર થઇ ગયું. લશ્કરી છાવણીમાંથી સેંકડો માણસ ટોળે મળ્યા. મહારાણીબા એક ઉત્તુંગ આસન ઉપર બેઠાં, રણોત્સાહને ઉત્તેજન આપનાર વાજિંત્રો વાગી રહ્યાં હતાં.

ભુવનૈકમલ્લ શું કરવાનો છે એ કોઈ જાણતું ન હતું. સોમેશ્વરે તો ગર્જનકની ચાલ વિશે કાંઈક ગુપ્ત વાતો જણાવવા માટે પૃથ્વીરાજને આંહીં મોકલ્યો હતો. એ બહાને પૃથ્વીરાજ, આ સૌને મળે, ને પાટણની મૈત્રી જળવાઈ રહે, એમ પણ એ પોતે ઈચ્છી રહ્યા હતા. પણ પૃથ્વીરાજના અંતરમાં તો પળે-પળે રણક્ષેત્રની જુદ્ધની, તલવારની. તુરંગની. લોહીપરાક્રમની, રણમારી જવાની – એવી-એવી અદ્ભુત કલ્પનાઓ આવતી હતી. એનો જુદ્ધ વિશેનો ખ્યાલ જ જુદો હતો. કોઈ પણ ચાલબાજીને તો એ રાંડીરાંડનાં પગલાં માનતો, ચાલબાજી ઉપર એનું ધ્યાન જ  ન હતું. એને તો સામે મોંએ રણક્ષેત્રની વાતો આકર્ષી રહી હતી. એની આકર્ષક મુદ્રાએ પણ ભારે કુતૂહલ જગાડ્યું હતું. સૌ એકનજર થઇ ગયા. એટલે એણે આંહીં પણ પોતાના લોહીના અવાજનો પડઘો પાડ્યો. જોકે રણોત્સાહની આ વાત અત્યારે સમયોચિત જણાતી હતી. 

સૌ દેખે તેમ એક ભારી આવી. તેમાં પચાસેક વાંસની લાકડીઓ હતી. વચ્ચે એક મોટું લાકડું દેખાતું હતું. ખેરનું લાકડું હોય તેમ જણાતું હતું. 

એ ભારી મેદાનમાં વચ્ચે મૂકીને પરિચારકો ચાલ્યા ગયા.

ભારીની શી વાત હશે એમ બધાને કુતૂહલ જાગ્યું, પણ ત્યાં તો તરત જ પૃથ્વીરાજ પોતે આગળ આવ્યો. તેની આકર્ષક મુદ્રાને એકીનજરે સૌ જોઈ જ રહ્યાં. જાણે ઇન્દ્ર પોતે આંહીં આવ્યો હોય એટલું બધું ગૌરવ એની મુખમુદ્રામાં હતું. એ ચહેરાની વીરમધુરતા જોનારને સાંભર્યા જ કરે. એવું જ કોઈ અલૌકિક રૂપ એની આંખ પણ બતાવી રહી હતી.

પૃથ્વીરાજે મહારાણીબાને નમન કર્યું, તે બોલ્યો: ‘પૃથ્વીમાંથી હજી ક્ષત્રિયબીજ લુપ્ત થયું નથી, એ બતાવવા માટે આ પ્રયોગ  યોજ્યો છે. અમારા એક વીર પુરુષ આવે છે. ભુવનૈકમલ્લ એમનું નામ. આ ભારીમાં પચાસ વાંસ છે. ખેરના એક લાડકાને એ ઢાંકી રહ્યા છે. તલવારના એક ઝાટકે જો એ ખેરના લાકડાને કોઈ બે ભાગ કરી શકે તો એમને આવી જવાનું આહ્વાન છે. ભારી છોડવાની નથી.’

વાત પૂરી થતાં જ ચારે તરફ સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. કોઈ કોઈ સળવળતા લાગ્યા. પણ નામોશી વહોરવા કરતાં મૂંગા રહેવું ઠીક છે એ વિવેકે એમને રોકી રાખ્યા. ક્યાંયથી કોઈ આ આહ્વાન ઉપાડવા તૈયાર થતું ન હતું. હવા જરાક ભારેખમ બનતી હતી. પાટણની આબરૂનો સવાલ હોય એમ પણ લાગતું હતું.

એટલામાં એક છોકરો આગળ આવ્યો. 

મહારાણીબા કુમારદેવ સામે જોઈ રહ્યા: ‘કુમારદેવ! આ તો સિંધુનો ભત્રીજો નહિ?’

‘હા બા! એ જ છે શંખ, પણ એતો અમસ્તો. નાનું બચ્ચું છે ને કામ ભારે અઘરું છે. કોઈ કરી ન શકે.’

મહારાણીબા એ તેને પાસે તેડાવ્યો: ‘શંખ! તને આ કામ કરવાનું  મન છે?’

‘થાય તેવું છે બા!’ શંખ બોલ્યો.

સૌ હસી પડ્યા. શંખ ઊભો થઈને ભારી પાસે જઈ આવ્યો. પછી જગ્યા ઉપર આવીને બેસી ગયો: ‘અલ્યા કેમ?’

‘હજી મારે થોડી વાર છે.’ શંખ હિંમતથી બોલ્યો. બીજું કોઈ આવતું હોય તેમ લાગ્યું નહિ. થોડી વાર પછી ભુવનૈકમલ્લ ત્યાં મેદાનમાં આવ્યો, તેની પ્રચંડ ઉત્તુંગ જબરજસ્ત કાયામાં આજ્ઞા ગોળા જેવી બે આંખો સૌને આકર્ષી રહી હતી. તેના હાથમાં લાંબી ખુલ્લી કૃપાણ જોઇને કૈંકને ધુર્જરી છોટે તેવું હતું. એને જોતાં લાગે કે આકાશમાંથી છૂટો પડેલો કોઈ મહામેઘ આંહીં આવ્યો છે. અને એમાં વીજળી જેવી આંખો ચમકી રહી છે. લાંબી કૃપાણ હાથમાં રાખીને તે થોડી વાર ત્યાં ઊભો રહ્યો. પછી એણે એક ડગલું પાછળ ભર્યું. એના હાથમાં યમદૂત સમી તલવાર એક પળ આકાશમાં તોળાઈ રહી. બીજી ક્ષણે જેમ વીજળી ત્રાટકે તેમ એ એ ભારી ઉપર પડી અને વાસની  ભારી, ખેરના અંદરના લાકડા સીખે, બે ભાગમાં વહેંચાઇ ગઈ. હડુડુ માણસો ઊભાં થઇ રહ્યાં હતાં. બધાં આશ્ચર્યચકિત બની ગયાં હતાં. કાંઈ જ ન હોય તેમ ભુવનૈકમલ્લ તલવારને કપાળે લગાવીને મહારાણીબાને અભિવાદન કરતો ત્યાંથી પોતાની જગ્યા ઉપર જઈને બેસી ગયો.

પ્રશંસાનું એક મોજું ફરી વળ્યું. પછી મોટેથી ધન્યવાદની વાણી નીકળી પછી ‘જય સોમનાથ’ના ગગનભેદી અવાજે આખી મેદનીએ ભુવનૈકમલ્લને બહુમાન આપ્યું.

પ્રસંગ ન હતો છતાં જાણે અજમેરની સરસાઈ પાટણ ઉપર દેખાતી હતી તેમ, કેટલાંકનાં મોં પડી પણ ગયાં હતાં. કુમારદેવ પોતે આગળ આવ્યો: ‘હવે મહારાજ પૃથ્વીરાજને આંહીંની કોઈ વાત પણ અપને બતાવીશું એથી બધાને આનંદ થશે.’ તેણે કહ્યું.

સૌ આતુરતાથી સાંભળી રહ્યા. એટલામાં મહારાણીબાની નજીકથી કોઈ ઊભું થયું કોણ આવે છે. કોણ આવે છે એ જોવા માટે સૌની દ્રષ્ટિ ત્યાં આકર્ષાઈ.

ધારાવર્ષદેવ પોતે ત્યાં ઊભો હતો. એટલામાં મેદાનની થોડે-થોડે અંતરે ત્રણ પાડા દેખાયા. ધારાવર્ષદેવ એ તરફ જોઈ રહ્યો હતો. સૌ આશ્ચર્યમાં જોઈ જ રહ્યા. કોઈને કલ્પના પણ ન આવી કે આ શું થઇ રહ્યું છે.

ધારાવર્ષદેવ ત્યાં ગયો. એના ખભા ઉપર એનું  મોટું ધનુષ પડ્યું હતું. એની સામે ત્રણ મહાકાય પાડાઓ એકબીજાથી થોડે થોડે અંતરે ઊભા રહી ગયા હતા. નિશાન લેવા ધારાવર્ષ કેટલાક કદમ પાછળ જતો જણાયો. પછી તેણે ત્યાં વીરાસન વાળ્યું. નિશાન લીધું. ધનુષ ઉપર તીર ચઢાવ્યું. એની ભીમ જેવી મહાકાય મૂર્તિ જોઇને અનેકોનાં દિલ પ્રશંસાથી નમી પડ્યાં. હવે સૌને સમજ પડી કે એ શું કરવા માગે છે. ત્રણ પાડાને વીંધી નાખવાની એની વાત જણાઈ. અચરજમાં બધા જોઈ જ રહ્યા. પૃથ્વીરાજ પણ ધારાવર્ષદેવના આ પરાક્રમને જોવા ઉતાવળે થઇ ગયો. ભુવનૈકમલ્લ પણ ઊભો થઇ ગયો. કેટલાકને થઇ ગયું! અરે! આ વાત બતાવીને ધારાવર્ષદેવજી શું કહેવા માંગે છે? ત્રણ પાડાને એક તીર મારવું એમાં તો શી મોટી વાત છે?

ત્યાં ધારાવર્ષદેવજીનો મેઘગંભીર અવાજ સંભળાયો. ‘મહારાણીબા! મહારાજ પ્રથિમરાજ! આજે દેશ ઉપર ગર્જનકોના ભણકારા વાગી રહ્યા છે. મ અહરાજે જે બતાવ્યું તેથી આપણને સૌને પાનો ચડ્યો છે. આપણે પણ મહારાજનું આતિથ્ય કરવાનું મન થઇ આવે તે સ્વાભાવિક છે. આ ત્રણ પાડાને એકીસાથે એક તીરે, સોંસરવા વીંધી નાખવાવાળો, જે કોઈ આમાં હોય તે આગળ આવે, કોઈ નહિ આવે, ઓ મહારાણીબાની આજ્ઞા થયે હું એ કરી બતાવીશ!’

‘હેં! ત્રણ પાડા? એક તીરે? અને એક જ વખતે? સોંસરવા વીંધી નાખવા? બને જ નહિ, અશક્ય!’

હવામાં અશક્ય વાતનો પડઘો પડ્યો, અને એટલામાં જ પ્રમાણમાં ધારાવર્ષદેવની અદ્ભુત શક્તિની પ્રશંસા ઊપડી.

‘આ તો હદ થાય છે. કોઈ આ ન કરી શકે!’

પાટણમાં જૂના વખતમાં લોહના સાત તવા એકીસાથે વીંધી નાખનાર બૃહદ ભીમની વાત ઘણાએ સાંભળી હતી. એ નામ અત્યારે કેટલાંયના કંઠમાં આવી ગયું. 

પણે એ વાત ઉપર તો સો વરસના વહાણાં વાઈ ગયાં હતાં ને એટલા વખતમાં તો માણસો બદલાઈ ગયાં હતાં.

હવે તો એ દંતકથા બની ગઈ હતી. એ દંતકથા નથી, એમ બોલનાર ધારાવર્ષદેવ સામે સૌ જોઈ જ રહ્યા. એના હાથમાં જમાનાજૂનું મોટું ધનુષ્ય શોભી રહ્યું હતું. એની પ્રચંડ મૂર્તિ વર્ષો પહેલાંના કોઈ ભવ્ય યોદ્ધાની યાદ આપતી હતી.

કોઈ ત્યાં આવ્યું નહિ. મહારાણીબા સામે ધારાવર્ષદેવે જોયું, ‘બા!’

મહારાણીબાએ અનુમતિ આપતો હાથ જરા ઊંચો કર્યો ન કર્યો, ત્યાં તો હવા જાણે ચિરાઈ જતી હોય તેમ, એક સણેણાટી બોલી ગઈ. વીજળી જાય તેમ તીર છૂટ્યું હતું અને ત્રણેય પાડાને સોંસરવું વીંધતું આરપાર નીકળીને સામેના એક મોટા થડમાં ચોંટી ગયું હતું. લોહીની ધારાથી પૃથ્વી રંગાઈ ગઈ હતી.

‘અરે ધન્ય છે! પરમાર! ધન્ય છે!’ પૃથ્વીરાજના મોંમાંથી શબ્દ નીકળી ગયો.

પરમાર કાંઈ ન હોય તેમ, આવીને મહારાણીબાના સાંનિધ્યમાં બેસી ગયો.

પણ. પૃથ્વીરાજ આ પરાક્રમ જોઇને છક્ક થઇ ગયો હતો. પાટણનો કીર્તિધ્વજ હજી પણ હવામાં લહેરાવાનો જ છે. એની આ રીતે જાણે કે ખાતરી મળી જતી હતી. પ્રશંસાના મોજાં વહી રહ્યાં. પાટણ પણ કંઈક છે – હવામાં એવો આનંદ લેતા સૌ, જયઘોષ પોકારી રહ્યા. બધેથી એના પડઘા ઊપડ્યા. વાતો કરતા સૌ વીખરાયા ત્યારે પણ જયઘોષ આવી રહ્યો હતો. 

પણ મહારાણી નાયિકાદેવી ઊંડા વિચારમાં પડી ગઈ. આ વાતમાં ભવિષ્યની વિઘાતક નીતિનાં બીજ એને સ્પષ્ટ દેખાઈ ગયાં. એમણે પૃથ્વીરાજને પાસે બોલાવ્યો: ‘પૃથ્વીરાજ! તું રોકાય તો ભીમદેવ આવે ત્યારે તમે બેય ભાઈ હળોમળો! તમે મળો બેટા! બેયને મજા!’

‘પણ મોટાં ભાભી! હું ક્યાંથી રોકાઉં? બાપુ હવે વૃદ્ધ થયાં છે, ગર્જનક માથે ગાજે છે, મારે ત્યાં પણ સંભાળવાનું છે, એટલે હું જઈશ. મહારાજે કહેલી તમને ખાસ વાત જાતે કહેવા માટે જ મારે તો આવવું પડ્યું હતું.’

મહારાણીબા ને કુમારદેવ પટ્ટકુટ્ટીમાં ગયાં. ‘શી વાત છે, પૃથ્વીરાજ?’ નાયિકાદેવીએ પૂછ્યું.

‘ભાભી! ગર્જનક એક નવું જ અગન હથિયાર આ વખતે લાવે છે. એની સામે ગજસેના નકામી નીવડે તેમ છે. આ ગજસેનાને લડાઈ વખતે નવા વ્યૂહમાં લાવવી પણ મુશ્કેલ છે. બાપુએ કહેવરાવ્યું છે કે. ગર્જનક સામે લડવામાં હવે ગજસેના ઉપર નહિ, અશ્વદળ ઉપર વધારે આધાર રાખજો. ગર્જનકને રોકતા નહિ, એને ધસવા દેજો અને પછી એના દાંત થાય એવો સામનો કરજો. એટલે અમારે રસ્તે જો એ પાછો ભાગશે, તો છેક મુલતાન સુધી અમે પહોંચાડી આવીશું. પણ એક બીજી અગત્યની વાત: ગર્જનક વખતે વાટાઘાટમાં વાત કાઢવા મથશે. એ દરમિયાન આહીંનની વાત જાણવા મથશે ને મદદ પણ મેળવશે. એટલે વાટાઘાટમાં બિલકુલ રોકાતા નહિ. જો એની સાથે વાટાઘાટમાં રોકાયા તો થઇ રહ્યું! આ ખાસ ધ્યાન રાખવાની વાત છે.’