Nayika Devi - 33 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 33

Featured Books
Categories
Share

નાયિકાદેવી - ભાગ 33

૩૩

સેનાનીપદે

મધરાતનો ઘંટાઘોષ થયો. પણ રાજમહાલયમાં હજી યુદ્ધમંત્રણાની સભા ચાલી રહી હતી. ગંગ ડાભી અને સારંગ સોઢાએ મહારાણીબાને મળીને સમાચાર આપ્યા. પછી મહારાણીબાએ તાબડતોબ આ મંત્રણાસભા બોલાવી હતી. તાત્કાલિક નિર્ણય લેવાનો હતો. ઘણાખરા સામંત સરદારો આ વખતે યુદ્ધ અંગે પાટણમાં હાજર હતા. આ સભામાં આવ્યા હતા.

ગર્જનક આવી રહ્યો છે, એ હવે નક્કી થયું હતું. બનતાં સુધી એ આબુ તરફથી જ આવશે, એ પણ ચોક્કસ જેવું જણાતું હતું. પણ મોટામાં મોટો સવાલ આ હતો. પાટણનું મુખ્ય સેન હવે ઊપડવાનું છે, તેને દોરનાર કોણ? એ પદ કોને સોંપવું? ગર્જનક જેવા ગર્જનકની સામે જે સેન ઊપડે, તે ગુજરાત સોંસરવું ઉત્સાહનું મોજું રેલાવતું જાય, પણ એ સેનના સેનાની પદે કોણ આવે? કોનું નામ અત્યારે ઉત્સાહ-ભરતી આપે? આબુના ડુંગરી મેદાનમાં જુદ્ધ થવાનું. આબુરાજ ધારાવર્ષદેવ આંહીં હતા. પણ એ મુખ્ય સેનાપતિપદે આવે તો લોક-ઉત્સાહ એવો ને એવો ટકી રહે ખરો? ને જો એ ન આવે તો કોણ આવે? મહાસેનાપતિપદે કોને મૂકવો?

ધારાવર્ષદેવ વિના બીજો કોણ? બહાર લોકની મેદની પણ આ સવાલ ઉપર જ વિભક્ત હતી. 

રાજમહાલયમાંથી કોઈ બહાર આવતો તો તરત એને સવાલ જ એ પૂછાતો: ‘સૈન્યને દોરનારું કોણ છે? મહારાજ? ભીમદેવ? જો જો હાં, મહારાજ નાના છે, મામલા ગર્જનકના છે! મહાસેનાપતિ કોણ થાય છે એ બોલો ને!’

જો બોલનાર કહે કે મને ખબર નથી તો અને મેણાંટોણાંનો સરપાવ મળતો: ‘ત્યારે તમે લડાઈ કરી રહ્યા: ડાંગેર ખાંડો ડાંગેર!’

એક પળમાં જ એ માણસ, મહાનમાંથી મામૂલી બની જતો!

એટલે સૌ પ્રશ્ન ટાળતાં, કાં આશ્વાસન આપતાં કાં અનિશ્ચિત સ્થિતિ બતાવતાં પણ જેમ-જેમ રાત વધતી ગઈ, એમ-એમ લોકોની અધીરાઈ પણ વધતી ગઈ. એ અધીરીની હવામાંથી જ મહારાણીએ એક વાત કળી લીધી, અને તેથી જ આ નિર્ણયને હજી એ આગળ ઠેલી રહ્યાં હતાં.

બહાર લોકો જયઘોષણા બોલાવી રહ્યા હતા. ઉત્સાહનો પાર ન હતો. આજે પાટણમાં કોઈ પથારીમાં જ પડ્યું ન હતું. લોકમાં સેનાપતિપદ ચર્ચાનો વિષય બની ગયું હતું. 

લોકના પોતાના રુચિભેદ પણ કામ કરી રહ્યા હતા.

એક પક્ષને રાજકુમાર ભીમદેવની સૈન્ય દોરવાની રણોત્સાહી શક્તિમાં નિ:સીમ વિશ્વાસ હતો. મહાસેનાપતિપદે તો આવે ટાણે એ જ હોય એમ એ માનતો હતો. તો બીજા... એવા જ સબળ પક્ષને ભીમદેવમાં એટલો જ અવિશ્વાસ હતો!

એટલે ફરીને જ્યારે એકતાની જરૂર હતી, ત્યારે દ્વિધાવૃત્તીમાં લોક જઈ પડે, તેવું કારણ ઊભું થતું હતું.

પાટણની હવામાં જાણે કે હજી, તત્કાલ જ વહેંચાઇ જવાનું ભૂત રમી રહ્યું હતું.

અને એ ભૂતને કેવા કેવા ખોરાક મળી રહેતા? કોઈ ગોળો ગબડાવતા કે પહેલો ગર્જનક આવ્યો, ત્યારે સેના દોરનાર ભીમદેવ ‘નામ’ હતું. આ વખતે પણ એ નામ આવ્યું તો થઇ રહ્યું! દૈવજ્ઞો કે છે કે દેશ રોળાઈ જશે!’

કોઈ પૂછે કે કયો દૈવજ્ઞ? તેઓ એનો જવાબ મળવાને બદલે સામેથી તીખો સવાલ આવતો: ‘જાણ્યા વિના અમે બોલતા હશું, એમ? દેશ રોળાઈ જશે રોળાઈ, જો ભીમદેવ નામ મહાસેનાપતિનું રહ્યું તો! બાકી લડવામાં ભલે ગમે તે રણપુરુષ જાય! બીજા વળી એમ ગોળા ગબડાવતા કે ધારાવર્ષદેવ-આબુરાજ, પોતાને ત્યાં ગર્જનકને રોકવાના છે માટે મહાસેનાપતિપદે તો એ જ હોય. 

અને એ સાંભળતાં તો સેંકડો આંખોમાંથી નર્યો અગ્નિ પ્રગટતો: ‘ચંદ્રાવતીનો માંડલિક પાટણના સેનને દોરશે, એમ? અરે! તો-તો પછી થઇ રહ્યું! પાંચ વરસનું છોકરું પણ એ સરદારી નીચે ન હાલે – ને આ મોટા-મોટા સેનાપતિઓ ચાલશે? કુમારદેવ એ સહેશે? ભીમદેવ મહારાજ સહેશે? મહારાજ મૂલદેવ માનશે? અર્ણોરાજજી બોલ્યા વગર રહેશે? અને રાય કરણ (કેલ્હણ)? એ તો તરત નડૂલ ભેગા થઇ જાશે!’

જેમ-જેમ વખત જતો ગયો તેમ-તેમ બહાર લોકોમાં પૃચ્છા, ઉકળાટ ને અધીરાઈ વધતાં ગયાં.

રાજમહાલયમાં હજી પણ યુદ્ધમંત્રણા ચાલી રહી હતી. મહારાણીબા ત્યાં શાંત બેઠા હતાં. એમની એક તરફ મૂલરાજદેવ હતો, બીજી બાજુ ભીમદેવ હતો. ધારાવર્ષદેવ, પ્રહલાદનદેવ, રાય કરણ, ગંગ ડાભી, સોઢો, બીજા પણ અનેક સરદારો ત્યાં હતા. વિશ્વંભર હતો. કચ્છનો ભીમસિંહ પઢિયાર હતો. લાટનો સિંહ ચૌહાણ હતો. ચાંપલદે આવી હતી. 

છેવટે વિશ્વંભરે ધીમેથી વાત મૂકી: ‘આપણી પાસે ચોક્કસ બાતમી આવી ગઈ છે. ગર્જનક આવી રહ્યો છે. એ પોતાના સૈન્યને મુલતાનથી આગળ પશ્ચિમ દિશામાં મોકલી રહ્યો છે. એનો ઈરાદો મોટો વળાંક લઈને પણ આબુ ઉપર જ આવવાનો લાગે છે. એને કાશીનરેશને ત્યાંથી કાંઈક લાલચ મળી છે. ગંગ ડાભીએ એ જ વાત કહી છે. અજમેરથી પણ એવી જ વાત મળી આવી છે. એટલે આ હવામાં ગોટાળાનો એ લાભ લેશે, આપણને પશ્ચિમ દિશા દેખાડશે, અને પછી ત્વરિત ગતિથી કાં તો રણ વીંધીને આંહીં આવશે, કે અજમેરને એક તરફ રાખી આબુ ઉપર જાશે. આબુ ઉપર જવાનું એને વધારે ફાવે તેમ છે. એને મોટામાં મોટો ભય મેદાની લડાઈનો છે. એ ડુંગરી લડાઈનો સ્વામી છે. ડુંગરી લડાઈમાં આપણું ગજદળ અરધુંપરધું નકામું થાય – એને એ જોઈએ છે. એને આપણા ગજદળનો ભય છે. ગજદળના નામથી ધ્રૂજે છે!’

પણ આબુનું નામ આવતાં જ ધારાવર્ષદેવ તરફ અનેકની દ્રષ્ટિ ગઈ. રાય કરણને એ રુચ્યું હોય તેમ લાગ્યું નહિ. આબુરાજને જો આ લડાઈમાં સેનાપતિપદ મળી જાય તો એનો દરજ્જો વધી જાય. રાય કરણદેવને એ ગમ્યું ન હતું. પણ કાંઈ ન હોય તેમ તે વિશ્વંભરને સાંભળી રહ્યો હતો.

મહારાણીબા નાયિકાદેવીએ એક ત્વરિત દ્રષ્ટિ આખી સભા ઉપર ફેરવી લીધી. એમને સૌનું પાણી માપી લીધું. મહાસેનાપતિ કોણ થાય એ પ્રશ્ન ઉપર આ બધો આધાર હતો.

વિશ્વંભર આગળ બોલી રહ્યો હતો: ‘આબુના દ્વારનું રક્ષણ  ઘણા જ સમર્થ પુરુષના હાથમાં છે. તે આંહીં બેઠા છે. પણ એ તરફ આપણે આપણું તમામ બળ કેન્દ્રિત કરવું પડશે. ગર્જનક મોટું લશ્કર લઈને આવે છે! આ યુદ્ધ આવી રહ્યું છે. ગંગ ડાભી અને સોઢાજી ત્યાં સુધી જઈને તપાસ કરીને આવ્યા છે. એટલે તમે સૌ એ વિશે આજે છેલ્લો વિચાર કરી લો. કાલે વહેલી પ્રભાતે તો આપણા સૈન્યનું પ્રયાણ થવું જોઈએ. દૈવજ્ઞ સોઢલજીએ એ શુભ મુહૂર્ત કહેલ છે. આપણે સૌ પ્રભાતની તૈયારી કરીએ. પણ તે પહેલાં દરેક સરદારને સેનાપતિ પોતાના હાથ નીચેના તમામ માણસોને હાજર થવાની આજ્ઞા અત્યારે ને અત્યારે આપી દે!’ 

‘પણ આ સૈન્યને દોરવાનું છે કોણ? એ તો તમે કહ્યું નહીં? સામે ગર્જનક છે. પાંચ પાંચ હજારની પાટણની ગજસેનાને ગર્જનક સામે દોરવી એ કોઈ નાનીસૂની વાત નથી. દોરતાં નહિ આવડે તો એ સેના આપણો જ ઘાણ નાખશે!’ સિંહ ચૌહાણ ઊભો થઇ ગયો હતો. એ લાટ તરફનો હતો. 

‘ગજસેનાને દોરવી સહેલી નથી.’ બીજો અવાજ આવ્યો. કચ્છમંડલના ભીમસિંહ પઢિયારનો એ અવાજ હતો. 

‘અમને દોરનાર કોણ છે એ વાત પહેલાં નક્કી કરો ને વિશ્વંભરજી! આ કાંઈ જેવુંતેવું જુદ્ધ નથી.’

‘લોકોમાં પણ એ વાતની જ અધીરતા છે.’ બીજા પણ કેટલાક અવાજ સંભળાયા. 

‘અમારે કોને માટે મરવું છે એ તો અમને કહો, ભાઈ!’

‘તમારે મરવાનું છે પાટણ માટે.’

‘એ તો સૌ જાણે છે, પણ કોની પડખે?’

વિશ્વંભર પાસે એનો પ્રત્યુત્તર ન હતો. એણે મહારાણીબા સામે જોયું. મહારાણીબા નાયિકાદેવીએ એક જ પળમાં નિશ્ચય કરી લીધો. તમામની દ્રષ્ટિ ધારાવર્ષદેવ તરફ વળી એ એણે જોયું. ધારાવર્ષદેવ ગજયુદ્ધનો સ્વામી પણ હતો.

એના જેવો રણયોદ્ધો એ જમાનામાં બીજો કોઈ ન હતો, પણ એમનું નામ અત્યારે લેતાં જ કેટલો કોલાહલ વ્યાપી જશે, એ મહારાણીબાથી અજાણ્યું ન હતું. પહેલાં તો એ રાયકરણને રુચે નહિ, પટ્ટણીઓને નહિ ગમે, ભીમદેવ નાનકડો છે પણ એ ઊંચોનીચો થઇ જશે, એટલે મોમાં આવેલો શબ્દ મહારાણીબા પાછો ગળી ગયાં.

‘બા! પાટણના મુખ્ય સૈન્યને કોણ દોરવાનું છે? એનો મહાસેનાપતિ તરીકેનો અભિષેક પણ કરવો પડશે નાં?’

‘વિશ્વંભર! દોરનાર પ્રભાતે દેખાશે, અત્યારે તો તમામ જોદ્ધાઓને પ્રભાતના પ્રયાણચોઘડિયાની જાણ કરી દો! એક પળ પણ મોડું ન થાય.’

પણ એટલામાં ધારાવર્ષ ઊભો થઇ ગયો હતો. ‘મહારાણીબા! મારી એક વિજ્ઞપ્તિ છે.’ તેણે બે હાથ જોડ્યા.

‘શું?’

‘અમને બે ભાઈઓને જો છૂટા રાખવામાં આવે અને ઘોડેસવારી દળની ફરતી ટુકડીમાં આવે તો આપનો વિજય ચોક્કસ થાય!’

નાયિકાદેવી એક પળભર એની સામે જોઈ રહી. ધારાવર્ષદેવ જેવો રાજભક્ત આમાં કોઈ ન હતો. એણે ઘર્ષણ ટાળવા માટે જ આ કહ્યું હતું. 

‘એ વ્યૂહરચના તો ત્યાં સ્થાન ઉપર થાશે, ધારાવર્ષદેવજી!’ મહારાણીબાએ જવાબ વાળ્યો,

‘ભલે એ ત્યાં સ્થાન ઉપર થાય, પણ બીજી કોઈ જવાબદારી અમારા ઉપર નાખવામાં ન આવે, એટલે આ કહી રાખું છું. આખા સેનને દોરવાવાળા તો આંહીં આ બેઠા, રાય કરણજી જેવા!’

‘કોણ, હું?’ રાય કરણજીને હવે બોલવું જ પડે તેવું હતું. ‘અરે! પરમાર! તેણે વિનય કર્યો. ‘પાટણને સેનને દોરે કાં ભીમદેવ મહારાજ ને કાં મહારાજ મૂલદેવરાજ પોતે! એ સેનને બીજો સેનાની ન હોય.’

‘એ તો છે જ બાપ! પણ આ કામ જેવાંતેવાં નથી. અને ગર્જનકના દગાનો પાર નહિ હોય.’ કચ્છના ભીમસિંહ પઢિયારે કહ્યું. એને ઘર્ષણમાં રસ લાગ્યો.

‘મહાસેનાપતિ ઉપર તો લોકોની નજર મંડાણી છે. વિચારીને પગલું લેજો.’

મહારાણીબાના ચહેરા ઉપર એક પ્રકારની ખિન્નતા આવી ગઈ. પઢિયાર કચ્છને કાંઠે હતો. ગર્જનકનો રસ્તો રોકવા ને પાટણનો સીમાડો સાચવવા એ આહીં રહેવાનો હતો. એવી જ રીતે લાટનો સિંહ ચૌહાણ પણ આંહીં રહેવાનો હતો. 

પણ આમાંથી કોણ કેટલો રાજભક્ત છે એ  હવે મહાશંકાનો વિષય થઇ પડ્યો હતો. બંને રાજકુમારોનો માર્ગ એમને હજી કાંટાથી ભરેલો લાગતો હતો. પણ તેણે અત્યારે તો તત્કાલ નિશ્ચય લઇ લીધો.

તે પોતે ઊભી થઇ ગઈ. ‘પ્રભાતે જે નિર્ણય, ભગવાન સોમનાથ સુઝાડશે તે પ્રમાણે થશે. ચાલો, રાત ઘણી ગઈ છે. પ્રભાતનું રણશિંગું હમણાં ફૂંકાશે. બે ઘડી સૌ આંખ મીચી લ્યો! સવારે વહેલું ઊઠવું પડશે.’

હડુડુ કરતા સૌ બેઠા થઇ ગયા. સવારે પાટણના સેનને કોણ દોરશે એ પ્રશ્ન હજી એમ ને એમ ઊભો રહ્યો. અત્યારે તો સૌ નિંદ્રાને ખોળે જવા માટે ઊઠ્યા.

વહેલી પરોઢ આવી. હજી જ્યાં પંખી પણ ઊઠતાં ન હતા, ત્યાં પાટણના કોટકિલ્લા ઉપરથી આખા નગરને જગાડતું રણશિંગું ફૂંકાયું!

અને આખી નગરી હાલકડોલક થઇ ગઈ. પાટણનું મુખ્ય સેન ગર્જનકની સામે જવાની સંજ્ઞા હતી. રણશિંગા સાથે જ ઢોલ, ત્રાંસા, શરણાઈ, ભેરી ગાજી ઊઠ્યાં. ઘોડાની હાવળો સંભળાવા લાગી. રણમેદાનમાં જાણે મોટાં ડુંગરા ઊભા હોય એવા હાથીઓની કતાર ખડી થવા લાગી. મંગળ રણગીતો શરુ થયાં. ચારે તરફથી માણસોની મેદની રસ્તા ઉપર આવવા અધીરી થઇ ગઈ. થોડી વારમાં તો સવારીને ઊપડતી જોવા માટે મુખ્ય રસ્તા ઉપર હૈયેહૈયું દબાવા માંડ્યું.

રસ્તાની બંને બાજુએ, રાજમહાલયના મુખ્ય દ્વારથી તે છેક ચાંપાનેરી દરવાજા સુધી, માણસોની ઠઠ જામી ગઈ. જેમ-જેમ ખબર પડતી ગઈ તેમ-તેમ  ચોક, ચૌટા, છજા, ઝરૂખા, માળિયાં, ગોખ, આગાશી, સ્તંભ, શિખર જ્યાં આવે ત્યાં માણસો દેખાવા માંડ્યા. સવારી નીરખવા માટે રસ્તા ઉપર ઉત્સાહભરી મીટ માંડીને સેંકડો લોકો ઊભા રહ્યા. માર્ગ ઉપર અત્યારે પણ પાણી છંટાઈ ગયા હતાં. કુંકુમ, ફૂલ ને અક્ષતની વૃષ્ટિ થઇ રહી હતી. સુગંધી જલના છંટકાવથી હવા ભરાઈ ગઈ હતી. ઠેરઠેર ઉત્સાહજનક દ્રશ્યો દેખાતાં હતાં. 

મહાસેનાપતિપદે રહીને, પાટણના મુખ્ય સેનને કોણ દોરી જવાનું છે એ કલ્પના ઉપર જાણે લોકહૈયામાંથી એક અલૌકિક કવિતા ઊભી થઇ રહી હતી. બારોટો, ભાટો, ચારણો, કવિઓ સોલંકીવંશની બિરદાવલીની ઈતિહાસગાથા એવી તો વીરવાણીમાં અત્યારે બોલી રહ્યા હતા કે એ સાંભળતાં રૂંવેરુવું ખડું થઇ જાય! દામોદર મહેતાની ને રાજા ભીમદેવની સવારીની યશગાથા ઊપડી હતી. સિંધના હમ્મુકના હણી નાખનારી એ લડાઈના વીરબોલથી, હવામાં જાણે વીજળી ચમકતી હતી!

જયસિંહ સિદ્ધરાજ મહારાજનો, માલવવિજય આવ્યો ને લોકઉત્સાહની કોઈ સીમા જ ન રહી. ઠેકાણે-ઠેકાણેથી જયઘોષણા ઊપડી. ગર્જનકને હણી નાખવાનો સિંહનાદ ઊભો થયો. હવા જ જાણે બદલાઈ ગઈ. 

હવામાં હથિયાર ખખડતાં હતાં. વાણીમાં વીજળી દેખાતી હતી. આંખમાં અગ્નિ પ્રગટતો હતો. હૈયામાં જાણે કે વજ્જર આવીને બેઠું હતું. અત્યારે કોઈને ભય ન હતો. ક્યાંય કુસંપ ન હતો. જીવવાનો કોઈને લોભ ન હતો. તમામને રણક્ષેત્રમાં જવું હતું. કોઈને પાટણમાં રહેવું ન હતું. અમને લડાઈમાં લઇ ચાલો! ના બુલંદ અવાજથી આકાશ નીચે આવતું હતું.

એવામાં રાજમહાલયમાંથી સોલંકીઓનો જુગજુગ જૂનો મહારાજ સિદ્ધરાજના વખતનો શંખ ફરીને ફૂંકાયો. રણભેરી ગાજી, રણશિંગા વાગ્યા. અને હાવળ દેતા સો મહાન અશ્વો નીકળ્યા. દરેક અસવારના હાથમાં તલવાર ચમકી રહી હતી. એ રાજરક્ષક જોદ્ધાની નિશાની હતી. લડાઈમાં આ જોદ્ધાઓએ કેસરિયાં કર્યા હતાં. એ લડાઈમાં ખપી જાય, પણ પાછા ન ફરે. રાજકુમારોની પાસે સંકટ સમયે ખપી જવા માટે તૈયાર એવા આ વજ્રાંગી યોદ્ધાઓ જોતાં, લોકોમાં એક છેડેથી બીજા છેડા સુધી ઉત્સાહનું પૂર ચાલી ગયું!

‘જય સોમનાથ!’ નો ગગનભેદી નાદ ઊપડ્યો. સૌ નરવીરોની મોખરે ગંગ ડાભી અને સારંગદેવ સોઢો આવી રહ્યા હતા. તેમના ડુંગર જેવા મહાન દેહને જોતાં માણસોનાં મોંમાં આંગળાં રહી ગયા. એમણે પણ લટકતી લાંબી તલવારો ધારી હતી. લોઢાના તલ વીંધી નાખે એવા તીક્ષ્ણ બાણો ખભે પડ્યાં હતાં. પાછળ ઢાલો લટકતી હતી. એની પાછળ તરત બીજું ઘોડેસવારી દળ દેખાયું અને તેની પછવાડે રાજકુમાર ભીમદેવ આવી રહ્યો હતો. એનો ઉત્તુંગ, ધોળો, તેજસ્વી અશ્વ અત્યારે ઇન્દ્રના ઘોડા જેવાઓ ઝળાઝળાં સોનેરી રૂપેરી ઠાઠે શોભી રહ્યો હતો. રાજકુમારની પાછળ સેંકડો અસવારો દેખાયા: પાટણનું હયદળ આવી રહ્યું હતું. એક જ જાતના અસંખ્ય ઘોડાથી એની શોભા અનુપમ બની ગઈ હતી. રાજકુમારને જોતાં જ ‘મહારાજ મૂલરાજદેવનો જય! ભીમદેવકુમારનો જય!’ એવા ઘોષ લોકોએ કરી મૂક્યા.

એ હયદળની પાછળ હાથીની સેના આવી રહી હતી. રાય કરણ, ધારાવર્ષદેવ, પ્રહલાદનદેવ દેખાયા, એમના ગજરાજો આવી રહ્યા હતા. જેમ-જેમ એક પછી એક ગજરાજ દેખાતો ગયો તેમ-તેમ આ લોકોએ મુક્ત કાંઠે ઘોષણા ઉપાડી. 

હાથીદળની તરત પાછળ સોનેરી-રૂપેરી હોદ્દો લઈને આવતો એક મહાન ઉત્તુંગ ગજરાજ દેખાયો. નાનકડો ડુંગર જેમ અનેક ઝરણાંથી શોભે તેમ એ અનેક આભૂષણો-શણગારથી શોભી રહ્યો હતો. તેના ઉપર સોનેરી છત્ર નીચે મહારાણી નાયિકાદેવી પોતે બેઠી હતી. તેની એક પડખે મૂલરાજકુમાર હતો. 

મહારાણીબાને સૈન્ય સાથે જોતાં જ, લોકના આનંદની કોઈ અવધિ રહી નહીં.

અને એમાં પણ જ્યારે મહારાણીબાનો હાથી ત્યાં આવીને રસ્તામાં ઊભો રહ્યો અને સેંકડો નગરજનોને એણે સૂંઢ ઊંચી કરીને અભિવાદન કર્યા ત્યારે તો ઘડીભર લાગ્યું કે હવે લોકમેદની કાબૂમાં નહિ રહે!

પણ એ જ વખતે મહારાણીબા નાયિકાદેવી એના હોદ્દામાં ઊભાં થઇ ગયાં હતાં. લોકમેદની પ્રત્યે હાથ જોડીને એ નમી રહ્યાં હતાં.

લોકની દ્રષ્ટિ એમના પર પડી, જાણે સાક્ષાત મહિષાસુરને હણવા નીકળેલી દુર્ગા હોય એવો એનો રણવેષ જોયો, અને એ જોતાં તો હર્ષનાદો, તાળીઓના ગડગડાટો, શંખનાદો, વીરકાવ્યો, રણઘોષણાઓ, એનો એક મોટો તુમુલ અવાજ ચારે તરફથી ઊઠ્યો. જાણે હવે આ સામાન્ય નગરને બદલે મેદનીનું આકાશ ખડું થયું હતું. મહારાણીબા ત્યાં લોકમેદની ઉપર દ્રષ્ટિ કરતાં ઊભાં હતાં. એમનાં હાથમાં લાંબી તલવાર શોભી રહી હતી. એમણે ધારેલો વીર સૈનિકનો વેશ અત્યારે અદભૂત જણાતો હતો. એમાં એની સુંદરતા ઓર ખીલી રહી હતી. ખભા ઉપર ત્યાં ધનુષબાણ લટકતું હતું. કમરમાં કટારીઓ અને ખંજરો દેખાતાં હતાં. ડોકમાં મહામૂલ્યવાન મૌતિકમાળા પડી હતી. માથા ઉપર શિરસ્ત્રાણ હતું. દ્રષ્ટિમાં વીજળી હતી. ચહેરા પર રણનેત્રીનો પ્રભાવ હતો.

મહારાણીબા પોતે જ સેનાનીપદે પાટણનું આખું સેન દોરી રહ્યાં છે એ જાણ થતાં લોકોના હર્ષે તમામ મર્યાદાઓ વટાવી દીધી. કોઈ કૂદવા મંડ્યા, કોઈ  નાચવા મંડ્યા, કોઈ હવામાં પાઘડી ઉછાળવા મંડ્યા. કોઈ ત્યાં રસ્તામાં લોટી પડવાનો યત્ન કરવા મંડ્યા. ‘જય મહારાણી! જય નાયિકાદેવી! જય રણનેત્રી! જય સોમનાથ!’ એક ઘોષ ઊપડે ને અટકે તે પહેલાં બીજો ઘોષ ઊપડવા મંડ્યા. મહારાણીબાએ ફરીને સૌને અભિવાદન કર્યું, ‘પટ્ટણીઓ!’ મહારાણીબાનો અવાજ આવ્યો અને જેમ ઊછળતા સમુદ્ર ઉપર તેલધારા પડે તેમ ચારે તરફ અવાજ શાંત થવા મંડ્યા.

‘પટ્ટણીઓ! હું ગર્જનક સામે પાટણના વીર સેનને દોરી જાઉં છું. આંહીં સરહદ સાચવવા ભીમસિંહ પઢિયાર છે. સિંહ ચૌહાણ છે. તમે સૌ છો. પણ પળે-પળે જાગતા રહેજો. ગર્જનક આપણને સૂતા પકડે નહિ. ભગવાન સોમનાથનો વિજય હો!’

વિજય હો! મહારાણીબા નાયિકાદેવીનો! પાટણની રણનેત્રીનો! મહારાજ મૂલરાજદેવનો!’

હજારો લોકકંઠમાંથી પ્રત્યુત્તર આવ્યો.

તરત ડંકા પડ્યા. નિશાન વગડ્યાં. દાદામાં ગાજ્યાં. આખું સેન એક માણસ હોય તેમ આગળ વધ્યું.

એના પદાઘાતના અવાજથી પ્રભાતનું અજવાળું જાણે કોઈ દિવાસ્વપ્ન જોતું હોય તેમ ઘડીભર થંભી ગયું.