૩૨
મધરાતનો સંદેશો
અમાસની મધરાતે સેનાપતિ કુમારદેવ બિલ્હણના સંદેશાની પ્રતીક્ષા કરતો બેઠો હતો.
એને એમ હતું કે સંદેશો આવવો જોઈએ. પછી બિલ્હણ પોતે આવે કે કોઈ સંદેશવાહક આવે.
એનું મન દ્રઢ નિશ્ચયાત્મક હતું. વિંધ્યવર્માનું સ્થાન ગર્જનક આવતાં પહેલાં નાશ થઇ જવું જોઈએ. ગર્જનક આવે ત્યારે એ ઊભું હોય તો વિંધ્યવર્મા એમાંથી પોતાનું કૌભાંડ ઊભું કરે.
પાટણથી સૈન્ય આવવા માંડ્યું હતું. ધારાવર્ષદેવ પોતે આવવાના હતા. આ છાવણી ઉપાડીને આગળ લઇ જવાની હતી. ગર્જનકને આબુની ઘાટીમાં રોકી દેવાનો નિશ્ચય હતો.
ગંગ ડાભી, સારંગદેવ સોઢો, વિશ્વંભર ત્રણે જણા થોડા ચુનંદા સાંઢણી સવારો સાથે આવવાના હતા. એમની મારફત ગર્જનકની પળેપળની માહિતી આવે એવી ચોકીદારી ગોઠવાઈ ગઈ હતી.
અત્યારે જ એક સૈન્ય કુમારદેવ સાથે ઊપડવાનું હતું. અધીરાં રણશીંગા કુમારદેવની આજ્ઞાની રાહ જોતાં ત્યાં થંભ્યાં હતાં.
પળ ઉપર પળ જવા માંડી. મધરાતની સબસલામત ઘોષણા થઇ. કોઈ ફરકતું જણાયું નહિ. કુમારદેવ ઊભો થયો. તેણે એક આંટો માર્યો. અચાનક એક સૈનિક આવ્યો: ‘પ્રભુ!’
‘આવવા દે!’ કુમારદેવે અધીરતાથી કહ્યું, ‘કોણ છે?’
‘બિલ્હણ પોતે!’
બે પળમાં બિલ્હણ પટ્ટકુટ્ટીમાં આવીને ઊભો રહ્યો. કુમારદેવ ત્યાં શાંત બેસી ગયો હતો. તેણે એની સામે જોયું. તેનો સંદેશો તેની આંખમાં જ બેઠો હતો. તે સમજી ગયો. સંદેશો ભયંકર હતો. ‘કવિરાજ! શું છે? શુભ કે અશુભ?’ તેણે ત્વરાથી પૂછ્યું.
‘બંને પ્રભુ!’ બિલ્હણે દ્વિઅર્થી પ્રત્યુત્તર વાળ્યો.
‘તો અમારે કૂચ કરવાની છે, જુઓ સાંભળો. આ રણશિંગું ફૂંકાયું.’
‘પ્રભુ! એ રણશિંગું નથી. ભારતવર્ષના નાશની નોબત છે. તમને ખબર નથી, તમે જ્વાળામુખી ઉપર બેઠા છો.’
‘કવિરાજ! મને અત્યારે કવિતા સાંભળવાનો વખત નથી. બોલો, શી વાત છે ત્યારે? વિંધ્યવર્મા ક્યાં છે? આવવાના છે?’
જવાબમાં બિલ્હણ મોટેથી હસી પડ્યો: ‘અરે! પ્રભુ! તમે માલવરાજ વિંધ્યવર્માની વાત કરો છો, પણ ગર્જનકનાં નગારાં અજમેરને પાદર સંભળાય છે, તેનું શું? બે દિવસમાં તે આંહીં હશે. હજી વખત છે. ગોગસ્થાન અમને સોંપી દો. અમે બે દિવસમાં એને દુર્ભેદ કિલ્લામાં ફેરવી નાખીશું.’
કુમારદેવ ઊભો થઇ ગયો: ‘તમારે આ સિવાય બીજું કાંઈ કહેવાનું છે?’
‘હા!’
‘શું?’
‘પૃથ્વીરાજ ગર્જનકને માર્ગ આપશે!’
‘વિંધ્યવર્માજી સિવાય બીજી વાતની જરૂર નથી. બીજી વાત અમને કહેનારા હંમેશાં આવે છે. બીજું કાંઈ કહેવાનું ન હોય તો તમે જઈ શકો છો!’
કવિ બિલ્હણ જરાક આગળ સર્યો. એક પોટકું એણે ત્યાં રાખ્યું. કુમારદેવ આશ્ચર્યથી એના સામે જોઈ રહ્યો.
‘પ્રભુ! આ તમને આપવા માટે માલવેશ વિંધ્યવર્માજીએ મોકલ્યું છે.’
‘શું છે’
‘મીઠું છે પ્રભુ! ગોગસ્થાનમાં તમે રાજમહાલયને ઉખેડી નાખ્યો છે ત્યાં એના પાયામાં આને ધરબજો. અનેક વખત મીઠાં ધરબાયાં છે અને અનેક વખત માલવવિભૂતિ ફરીને પ્રગટી છે. મીઠું એ તો અમારે મન, સર્વશુભના ચિહ્નરૂપ શ્રીફળનું ખાતર છે! ગોગસ્થાન ભલે આજ નાશ પામતું. આવતીકાલે ત્યાં કોટિધ્વજોની પતાકાઓ લે’રાતી હશે. વિદ્યાભૂમિની ઘોષણાઓ જાગતી હશે. હવે તમે સિધાવો પ્રભુ! માલવમાં હવે, કોઈ નમે તેવો નૃપતિ આવવાનો નથી, હું જાઉં છું!’
‘આ તમારો છેલ્લો ઉત્તર છે?’
‘છેલ્લો ઉત્તર તો ગર્જનક પાસે છે. અમારો તો આ શરૂઆતનો જવાબ છે.
કુમારદેવે બોલ્યા વિના જ એને વિદાયગીરીની સંજ્ઞા કરી.
એ બે ડગલાં ગયો નહિ હોય, ત્યાં સૈન્યની કૂચ દર્શાવતા દાદામાં ગાજી ઊઠ્યાં.
ગોગસ્થાન ઉપર પાટણનું સૈન્ય ચડતું હતું.
એ ચડાઈ સામે મોંએ કરીને કુમારદેવે વિંધ્યવર્માનું બળ છિન્નભિન્ન કરવા ધાર્યું હતું. એનો વિચાર ગર્જનક આવે તે પહેલાં જ આબુ તરફ પહોંચી જવાનો હતો. મહારાણીબાને એ જ પ્રમાણે સંદેશો ગયો હતો.
કુમારદેવે ત્વરાથી ઝડપી કૂચ ઉપાડી.
આ તરફ ગંગ ડાભી ને સારંગદેવ સોઢો પાટણ તરફ જઈ રહ્યા હતા. ત્યાં પહોંચ્યા તો ત્યાંનો રંગ એમને તદ્દન બદલાઈ ગયેલો જ દીઠો. જે પાટણ એ મૂકીને ગયા હતા તેનાથી જુદું જ પાટણ જોવા મળ્યું. જે પાટણ એ મૂકીને ગયા હતા તેમાં કલહની ઝાંખી વાદળીઓ ડોકિયાં કરી રહી હતી. જરાક જ ઓછી કુનેહનું એકાદ હવાઈવાક્ય કે એકાદ હવાઈકામ એમને ઘટાટોપ બનાવી દે તેવી શક્યતા હતી.
પણ અત્યારે તો આખું પાટણ એક હતું. હવામાં ગર્જનક સિવાય બીજી વાત ન હતી. ‘જય સોમનાથ!’ સિવાય બીજો ઘોષ ન હતો. તલવારના ખડખડાટ સિવાય બીજો ખડખડાટ ન હતો.
પાટણના મેદાનોમાં સેંકડોની સંખ્યામાં ઉત્સુક જવાનોને તીરકામઠાંનાં નિશાન લેતા એમણે જોયા. ઠેકાણે ઠેકાણે હાથીની હારોની હાર દેખાતી હતી. પાટણની પાંચ હજારની ગજસેના ઊપડવા માટે તૈયાર થઈને ઊભી હતી.
ગંગ ડાભીને સારંગદેવ સોઢો આ દ્રશ્ય જોઇને સ્વર્ગનો આનંદ માણી રહ્યા. એમને લાગ્યું કે એમને જીવનનો પરમ લહાવો લઇ લીધો. હવે મૃત્યુ ભલે ગમે ત્યારે આવે.
એમની સાંઢણીઓ પાટણના મુખ્ય દરવાજા તરફ આગળ વધી તો એમને કાને શંખનાદ, રણશિંગા, ભેરી, નોબત, ત્રાંસા જુદા-જુદા અનેક રણવાજિંત્રોના વાજ આવવા માંડ્યા. દરવાજાની છેક સમીપ આવ્યો તો સેંકડોની સંખ્યામાં રજપૂત સવારોની થા ઠઠ જામેલી એમણે જોઈ. એમને લાગ્યું કે કુમારદેવનો સંદેશો એમના પહેલાં પણ અવી ગયેલો હોવો જોઈએ. એ ત્યાં સાંઢણીને થંભાવીને જોવા ઊભા રહ્યા.
બે પળમાં એમણે દરવાજામાંથી રણશિંગું ફૂંકાતું સાંભળ્યું. એની પાછળ તરત શંખના ધ્વનિ ઊપડ્યા. નોબતો ગગડી, દાદામાં વાગ્યાં. સેંકડો સવારોની હરોળ એમણે દરવાજામાંથી બહાર આવતી જોઈ. દરેક હાથમાં ખુલ્લી તલવાર ચમકી રહી હતી. પાછળ ભાલાં લટકતાં હતાં. ઢાલો બાંધેલી દેખાતી હતી. આખી ઘોડેસવારી સેના જાણે કૂચ કરવા માટે નીકળતી હોય તેવો દેખાવ હતો. એની આગળપાછળ સેંકડો સ્ત્રીઓના વૃંદ રણગીતો ગાઈ રહ્યાં હતાં!
સૈન્યને મોખરે ભીમદેવ હતો. એમની રણોત્સાહી મુખમુદ્રા ઉપર આજે આનંદની પરમ અવધિ દેખાતી હતી. જબરજસ્ત ધોળા રંગના ઘોડા ઉપર એ સવાર થયો હતો. સેંકડો નાગરિકો આ દ્રશ્ય જોવા માટે ત્યાં બંને રસ્તાની બાજુ ઉપર ક્યારના ઊભા રહી ગયા હતા!
ગંગ ડાભી અને સારંગદેવ સોઢો પણ આ દ્રશ્ય જોતાં ત્યાં થોભી ગયા. સવારી આગળ વધી ને પાટણના રણમેદાનો તરફ ગઈ.
એટલે બદલાયેલી હવાનો આનંદ માણતા બંને જણા રાજમહાલય તરફ ગયા.
રાજમહાલયમાં, ચૌટામાં, બજારમાં, પોળોમાં, ઠેકાણે ઠેકાણે માણસોના ટોળામાં એક જ વાત સંભળાતી હતી: ગર્જનક આવે છે ને પાટણનું સૈન્ય એને રોકવા અંતે ઊપડે છે. બધાને અત્યારે મહારાજ અજયપાલ સાંભરતા હતા. ત્રણ વર્ષ પહેલાં એ મેદપાટ તરફ જવા ઊપડ્યા, ત્યારે આ પાટણમાં ક્યાંય મેદની માતી ન હતી.
એ વખતે જેમણે અજયપાલ મહારાજને જોયા હતા તે હજી પણ એમની મુખમુદ્રા ભૂલી શક્યા ન હતા.
એ મુખમુદ્રા ઉપર સાક્ષાત ઈન્દ્રદેવની મોહિની રહેતી હતી! અજયપાલ મહારાજની રણોજજવલ કીર્તિની ગાતા તો હજી ગવાઈ રહી હતી. ત્યાં તે વખતનું પાટણ અને ક્યાં આજનું પાટણ!
આંતરિક વિગ્રહને કિનારેથી માંડ-માંડ બચી ગયા હતા, એટલે આજ સૌના અંતરમાં એક જ છાનો પ્રશ્ન આવીને અટકી જતો હતો. આ હજારોની સેનાને દોરનારો કોણ?
કુમારો છે, પણ એમના હોઠ ઉપર હજી દૂધ સુકાણું નથી, ધારાવર્ષદેવજી છે, કેલ્હણજી છે, કુમારદેવ પોતે છે, પણ એમાંથી કોઈ પાટણપતિ નથી.
અને પાટણપતિ વિના સૈન્યને કોઈ દોરે એમાં લોક-ઉત્સાહની ભરતીની ખામી આવે!
ગુજરાતના નાથ વિના પાટણની સેના જુદ્ધે ચડે એ પ્રસંગ આજે પહેલો હતો.
એમ તો મહારાજ મૂલદેવરાજ હતા, પણ એમની પોતાની તબિયત જ નાજુક હતી. વળી સ્વભાવે નમ્ર, શાંત, ઉદાર એવા એ રણોત્સાહ જન્માવવા માટે ન હતા.
યુવરાજ જેવો ભીમદેવ જ એ માટે તો યોગ્ય હતો.
પણ એનો અત્યંત રણોદ્રેકી સ્વભાવ, સેનાપતિપદે, આખી સેનાને ક્યાંય ખાડે નાખે!
સૌના મનમાં રણઉત્સાહ હતો, વિજયની આકાંક્ષા હતી. જીતવાની આશા હતી, ગર્જનકને રોળીટોળી નાખવાની વિક્રમેચ્છા હતી. પણ સૈન્યને કોણ દોરશે? નાનકડો જણાતો એ એક પ્રશ્ન અત્યારે બની ગયો હતો.
ગંગ ડાભી અને સોઢો રાજમહાલયમાં ગયા તો ત્યાં પણ ઠેર-ઠેર જાણે એ જ પ્રશ્ન મુખ્ય બની ગયો હોય તેમ લાગ્યું.
સૈન્યને દોરશે કોણ?