Bhitarman - 10 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 10

Featured Books
Categories
Share

ભીતરમન - 10

બાપુનો ગુસ્સો તો માએ વચન આપી શાંત કરી દીધો હતો પણ મા મનોમન ખુબ ચિંતિત થઈ ગઈ હતી. આ બધું જ મેં ઘરના ફળીયામાં ગાય પાસે હતો ત્યારે જોયું હતું. હું એટલો દુઃખી થઈ ગયો હતો કે, મને એ સમજાતું નહોતું કે, "બાપુને આ સમાચાર કોણે આપ્યા? બાપુ ક્યારેય મંદિર તો જતા નથી તો બાપુને કેમ ખબર પડી?"

બાપુ માનું વધુ અપમાન મારી સામે ન કરે એ માટે હું અંદર જ ગયો નહીં! બાપુ અને મા બંને એ વાતથી અજાણ હતા કે, હું બધું જ સાંભળી અને જોઈ ગયો છું. હું ફળીયામાંથી જ દબે ડગલે બહાર નીકળી ગયો હતો. માને મારે લીધે બાપુની લાત ખાવી પડી એ વાત મને અત્યંત દુઃખ પહોંચાડી ગઈ હતી. હું ત્યારે જ બાપુનો વિરોધ કરી શકતો હતો પણ બાપુ મારો બધો જ ક્રોધ મા પર જ ઉતારત! મનમાં થયું કાશ હું થોડી મિનિટ વહેલો ઘરે પહોંચી ગયો હોત! 

હું ખુદને ખુબ જ લાચાર અનુભવવા લાગ્યો હતો. હું મા માટે કંઈ જ ન કરી શક્યો એનું દર્દ મને ખુબ જ વ્યાકુળ કરી રહ્યું હતું. એક બાજુ ઝુમરી તો બીજી બાજુ મા! હું એકને ન્યાય આપું તો એનું દુઃખદ ફળ બીજાએ ભોગવવું જ પડે! મારે બંને પ્રેમ જોઈતા હતા. એ પણ જીવનભર. હું ખુબ જ વિચારોમાં ગરકાવ થઈ રહ્યો હતો. મારે શું કરવું એ મને સમજાતું નહોતું. ક્યારેય આંખમાંથી આંસુ સર્યા નહોતા, આજે લોહી આંખને ચીરીને સરી રહ્યું હોય એવી વેદના મને થતી હતી. આ મારી સ્થિતિ મને ગુંગળાવી રહી હતી. હું મારા મગજનું સંતુલન જાળવી શકતો નહોતો. માથામાં અસહ્ય પીડા થઈ રહી હતી. માથાની નશો ફૂલીને ફાટી જશે એવું દર્દ આપી રહી હતી. હું હતાશ થઈને પ્રભુને શરણે જ ગયો. મંદિરમાં કોઈ હતું નહીં. મેં પ્રભુના દર્શન કર્યા અને મનોમન એમની પર બધો જ ગુસ્સો ઠાલવતા મનમાં જ બોલ્યો, "હું ક્યારેય ક્યાં તમારી પાસે પ્રેમની ભીખ માંગવા આવ્યો હતો! જો ઝુમરીનો પ્રેમ મારા જીવનમાં જ નહોતો તો કેમ એને મારા જીવનમાં મોકલી? મારા જીવનમાં મારી મા સિવાય હું કોઈનો પ્રેમ સંપૂર્ણ પામ્યો નથી તો માને જ મારા ઘડતરનો ઠપકો કેમ? બાપુ ખુદ પણ મારા સંસ્કારની કેળવણી કરી શકતા હતા ને! બધા જ અપજશ માને માથે જ કેમ? બાપુની પાઘડી ઉછળે એવું મેં કોઈ કામ કર્યું જ નહીં તો પણ બાપુ આટલો ક્રોધ મા પર કેમ ઉતારે છે? બસ ભગવાન બસ.. મેં બહુ બાપુની મર્યાદા રાખી, હવે બાપુને પણ ખબર પાડી દઉં કે, પાઘડી ઉછળે એ કોને કહેવાય!"

બાપુ આમપણ મને પસંદ નહોતા અને આજના બાપુના કૃત્ય પછી એક છત નીચે હું એમની સાથે રહેવા મંજુર નહોતો! હું ગુસ્સામાં એક નિર્ણય લઈને તેજા પાસે પહોંચ્યો હતો. મેં તેજાને કહ્યું કે, "તું મારા ઘરે જા અને માને કહેજે કે, વિવેક હવે પોતાની ઓળખ અને ઝુમરીને પત્ની બનાવીને જ ફરી બાપુ સામે તને લઈ જવા એ ઘરમાં આવશે! હું બાપુ સાથે એક છત નીચે નહીં જ રહી શકું."

"શું થયું કેમ આવું બોલે છે? હજુ થોડીવાર પહેલા તો બધું જ ઠીક હતું. તું કેટલો ખુશ હતો! મને કાંઈ સમજાતું નથી."

મેં તેજાને જે બીના બની એ સવિસ્તાર કહી. તેજાને પણ એજ અચરજ થયું કે, આ સમાચાર બાપુ સુધી કેમ પહોંચ્યા? તેજાએ મને સમજાવતા કહ્યું, "તું આમ ઘરે ન જા એ તારો નિર્ણય ખોટો જ છે. તારા ખાલી આ સમાચાર મળ્યા તો બાપુએ માને આટલી તકલીફ આપી તો વિચાર કર તું ઘરે જ ન જાય તો બાપુ માને કેટલું દુઃખ પહોંચાડશે! મારુ માન અને ગુસ્સાને ગળી જા! તું ઘરે જા! તું ઝુમરીના બાપુને સમજાવે એ પહેલા મા પાસે બધી જ વાત કર. માને જાણ કર્યા વગર હવે તારે આગળ વધવું ન જ જોઈએ! અને હા, આ મિત્ર તરીકેની તને ટકોર છે, અન્યથા તું જે કહે એ મને સ્વીકાર્ય જ હશે. તું કહીશ તો હું માને જઈને તે કીધા એ સામાચાર  પણ આપી આવીશ! જીવનમાં તને કોઈ વાતનો અફસોસ ન થવો જોઈએ."  

તેજાએ ખુબ જ સરસ સમજણ પૂર્વક વાત વિવેકને કરી હતી. વિવેક ખુબ જ ચિંતિત હોય ગુસ્સામાં એણે ખોટો નિર્ણય લીધો અને તેજાએ વિવેકની ખોટા રસ્તા પર સરકી જતી ગાડી રોકી વિવેક સાથેની એની મિત્રતાને એણે નિભાવી હતી. 

હું એટલી હદે હતાશ થઈ ગયો કે જયાં ઉભો હતો ત્યાં જ ઘૂટણીયા પગે બેસી માથે હાથ રાખી જાતને મનમાં જ કોસવા લાગ્યો હતો. તેજાની વાત મને ગળે ઉતરતી જ હતી પણ મા મને એમણે આપેલ વચનને પાળવાની ફરજીયાત હા પડાવશે તો? બસ એજ પ્રશ્ન મને મુસીબતમાં મૂકી રહ્યો હતો. અંતે ખુબ વિચારણા બાદ મેં ઘરે જવાનું જ નક્કી કર્યું હતું.

હું ખુબ જ દુઃખી હૈયે તેજાથી વિખૂટો પડી ઘર તરફ વળ્યો હતો. આજે ડગલાં ખુબ ભારી થઈ રહ્યા હતા. ઘરે જવાનો ઉત્સાહ જ નહોતો! મન મારીને ઘરે જઈ રહ્યો હતો. હું ડેલીમાં અંદર પ્રવેશ્યો. ગાય રોજની માફક આવકાર આપવા ભાંભરવા લાગી હતી. હું ગાય પાસે જઈને એના ગળે હાથ ફેરવતો હતો. આજે ગાયને પણ મારી પીડા સ્પર્શી ગઈ હોય એમ એ મને એની જીભથી મારા હાથને  ચાટવા લાગી હતી. ગાયની આંખમાંથી આંસુ સરતા મેં જોયા અને મારા ગુસ્સામાં લીધેલ નિર્ણય પર પસ્તાવો થવા લાગ્યો હતો. મને થયું જો એક મૂંગું પ્રાણી આપણો સાથ ઇચ્છતું હોય તો મારી મા... મનમાં જ એક જ ક્ષણમાં પારાવાર અફસોસ મને મારા વિચારનો થઈ રહ્યો હતો. મેં આવું વિચારી જ કેમ લીધું એ વાત મને હવે અસહ્ય અફસોસ કરાવી રહી હતી. તેજા માટે ખુબ જ માન થઈ રહ્યું હતું. તેજાએ મારી આંખ ઉઘાડી ન હોત તો આજે માની પણ ચિંતા કર્યા વગર હું બાપુની સામે ટક્કર જીલી લેત! મા ખરેખર સાવ નિર્દોષ છે. એને બિચારીને પુરી વાત પણ ખબર નથી છતાં એ મારી જ તરફેણમાં રહી અને હું માની લાગણી ભૂલીને મારા જીવનમાં આગળ વધવાનું વિચારવા લાગ્યો! આજે બાપુના અમુક શબ્દ મને સાચા લાગ્યા હતા. હું ખરેખર પાણો જ.. 

મા મારી રાહે જાગતી જ હતી, તરત જ એ ફળીયામાં આવી હતી. માની સ્થિતિ ખુબ જ દયનીય લાગતી હતી. મેં ખાટલો ઢાળ્યો અને માને એના પર બેસવા કહ્યું, બંનેની સ્થિતિ એવી હતી કે, કાંઈ જ વાત અમે કરી શકીએ એમ નહોતા! હું માના ખોળામાં માથું રાખી, માની છાયામાં ખુદને સાચવવાનો પ્રયાસ કરવા લાગ્યો. મા મારા માથા પર પ્રેમથી હાથ ફેરવતી હતી. અમારે બંનેને ઘણું બધું કહેવું હતું, જણાવવું પણ હતું પરંતુ બંને ફક્ત એકબીજાની સાથે હોવાની મૂક સહમતિ આપી રહ્યા હતા. મને મા સાથે કેમ વાત કરવી એ સમજાતું નહોતું, ત્યાં જ માની આંખમાંથી આંસુ સર્યું અને મારા ચહેરા પર પડ્યું.

મેં હિમ્મત કરી ફક્ત એટલું જ કહ્યું,"તારાથી વધુ મારા જીવનમાં બીજા કોઈનું મહત્વ નથી. મા તું દુઃખી ન થા."

મા મન મક્કમ કરી ચૂપ હતી, પણ મારા શબ્દો એને ખૂબ દર્દ આપી રહ્યા હોય એવું મને એના ચહેરાને જોઈને લાગતું હતું. માનો હાથ ખુબ ઠંડો થઈ ગયો હતો, ચહેરે પરસેવો ખુબ વળી આવ્યો હતો, માને કંઈક કહેવું હતું પણ એ કઈ જ બોલી શકતી નહોતી. મારા માથા પરનો હાથ એમણે પોતાના માથા પર લઇ લીધો અને એકાએક શ્વાસ લેવામાં એમને તકલીફ થતી હોય એવું મને લાગ્યું!

વિવેક પોતાના જીવનમાં આવેલ પરિસ્થિતિને કેમ સાચવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏