Nayika Devi - 26 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 26

Featured Books
  • ખજાનો - 34

    " જ...જ...જો.. જોની... મારા પગ પાસે કંઈક છે." જોની અને લિઝાન...

  • ચતુરાઈ

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ફરે તે ફરફરે - 19

    ફરે તે ફરફરે - ૧૯   ફરીથી વિ. શાંતારામ યાદ આવી ગયા . એમ...

  • નાયિકાદેવી - ભાગ 26

    ૨૬ રાતના આવનારા ગંગ ડાભીના કહેવા પ્રમાણે કાફલો પાછો ફર્યો. ગ...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૨

    SCENE 2[ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલાના હાથમાં ફોન છે વિડીયો કોલ...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 26

૨૬

રાતના આવનારા

ગંગ ડાભીના કહેવા પ્રમાણે કાફલો પાછો ફર્યો. ગડા ગામની ધર્મશાળામાં સાંજ તો રસોઈ પકવવામાં વીતી ગઈ, પણ રળીયામણી રાત્રિ આવી ત્યારે દિવસે ખાવા ધાતા રેતસાગરની રાત્રિની શોભા નિહાળીને સૌ છક્ક થઇ ગયા! ઉપર આકાશમાં તારા નથી, પણ જાણે સાચા હીરા જડ્યા છે, એની પ્રતીતિ આંહીં રેતસાગરમાં થતી હતી!

ડાભીએ ઉપરટપકે જોયું તો તેને લાગ્યું કે મીરાનની ટોળીમાં કંઈ ખાસ માણસ ન હતા – ત્રણચાર નોકર જ હતા. એને નવાઈ લાગી. મીરાન એમને વારંવાર દેવપંખાળાની સંભાળ લેવાનું કહેતો હતો.

ગંગ ડાભીને દેવપંખાળો જોવાનું મન થયું. એને લાગ્યું કે આ સોદાગર દેવપંખાળાની વારંવાર વાત કરે છે, એમાં કોઈક રહસ્ય હોવું જોઈએ.

વખતે એ ખરેખર સોદાગર હોય, એ રાય પિથોરાનું નામ સાંભળીને આ જાત બતાવવા નીકળ્યો હોય, તો એવો ઘોડો ત્યાં જવા દેવો ઠીક નથી. એણે દેવપંખાળાને જોવાની ઈચ્છા મીરાન પાસે વ્યક્ત કરી. 

મીરાનને એ ગમ્યું હોય તેવું લાગ્યું નહિ. પછી એણે માંડ-માંડ હા પડી.

‘એવું છે જનાબ! દેખનેમેં કુછ હરજ નહીં. મગર સબ લોગ સરખી તાસીર કે નહીં હોતે. યહ ઘોડા પાણીપંથક હય. કોઈ લે ચલે તો, હમેરા કલેજા નિકાલ લે. ઇસકા પીછા તો હોતા હિ નહીં!’

‘બરાબર!’

મીરાનની સાથે ગંગ ડાભી પાછળના ભાગમાં ગયો. ત્યાં એક લીલાંછમ પાંદડાંની નાનકડી ઝૂંપડી હતી. ઝૂંપડીની આગળ દીવો બળતો હતો. મીરાનને ઘોડો બતાવવાની ઈચ્છા ન હતી એ તો ડાભીને સ્પષ્ટ સમજાયું હતું અને છતાં એણે બતાવવાની બહુ આનાકાની ન કરી એમાં એને કંઈક ભેદ લાગ્યો. 

તે ઝૂંપડીમાં ગયો. બહુ હવા ન લાગે કે રેતી ઊડી-ઊડીને હેરાન ન કરે માટે આ ઝૂંપડી બનાવી હતી. એમાં એકદમ ઠંડક હતી. દીવો આવતાં ગંગ ડાભીની નજરે દેવપંખાળો પડ્યો. ને ડાભી ચમકી ગયો! ખરેખર કોઈ ઇન્દ્રસેન પાસે શોભે એવો જાતવંત ઘોડો પતો પણ એની ખૂબી જેટલી જાતમાં નહિ એટલી એના રૂપમાં હતી! એટલું રૂપ ત્યાં બેઠું હતું કે માણસ ભ્રમણામાં પડે કે વખતે આ ઘોડો જ નહિ હોય, કોઈ કિન્નર આ રૂપે આવ્યો હશે!

ડાભી તો જોઈ જ રહ્યો. સોઢો એની પાછળ આવી ચડ્યો હતો. એ પણ દેવપંખાળાને જોઈને છક્ક થઇ ગયો. 

‘દેવપંખાળો, વાહ ભા! દેવપંખાળો સાચો! ઘડિયાં જોજન સાંઢણી આને ન પહોંચે ભા! આ તો ઊપડે એટલે જાણે પાંખો ઊગી! રાય પિથોરાનો ગઢ કેમ નોંધ્યો, ભા? ફતનગઢ શું ખોટો છે?’

‘પહિલે ફતન જાનેકા મનસૂબા થા, મગર વો રેતસમંદર! ઇસકા ક્યા ભરોસા એમ તો સાંઢણી છ રાખી છે, મુકામે-મુકામે એક-એક સાંઢણી વધેરાતી આવે ને એનું પાણી ચોખ્ખું કરીને દેવપંખાળાને અપાય તો નહરવાલા પહોંચે. પણ કોને ખબર છે કે છ મુકામે નહરવાલા દેખાય કે નહિ? રેતમાં રખડતા રહીએ તો?’

ડાભી સાંભળીને ચમકી ઊઠ્યો. પાટણનો રસ્તો જાણવા નીકળ્યો હોય તો ના નહિ. એને લાગ્યું કે સાળું દાળમાં કંઈક કાળું તો છે. પણ આ ઘોડો એ ઘોડો નથી. દેવરાજનું પંખી છે. ને જો આ સાચો સોદાગર હોય ને એ પિથોરાગઢ જાય તો થઇ રહ્યું. આનું મહત્વ એક કિલ્લા જેટલું. તે વિચારમાં પડી ગયો. ‘પણ આ સોદાગર આ ઘોડાના બહાને છે પાટણ સુધીનો મારગ જોઈ લે તો એનું શું? એને સૂતો રાખીને ઘોડો ઉપાડી લેવો એ એક જ માર્ગ હતો. એણે આસપાસ દ્રષ્ટિ કરી. ઝૂંપડીની ચારે કોર હથિયારબંધ માણસ ઊભાં હતાં. બહાર પણ એક બે જણાનો ચોકીપહેરો હતો. સાચો સોદાગર હોય તો ભારે જુક્તિવાળો ને ઘણો અનુભવી માણસ હોવો જોઈએ. બહારથી જોનારને લાગે કે સોદાગર સાથે બહુ માણસ નથી! એને પોતાને પણ એમ જ જણાયું હતું, પણ આંહીં આવીને ડાભીએ જોયું તો કાફલો ઠીક-ઠીક મોટો હતો. બહારથી દેખાવમાં બહુ ઓછો જણાતો હતો. એને શંકા પડી કે ગડા ગામે ધર્મશાળામાં એનાં થોડાંક માણસ આંહીં પાછળ રહેલ હોવાં જોઈએ.’

એ ગમે તેમ હોય. ગંગ ડાભીની નજરમાંથી હવે દેવપંખાળો ખસતો ન હતો. એને લાગ્યું કે આ ઘોડો પાટણગઢમાં દાખલ થઇ જવો જોઈએ અને મીરાનને ક્યાંક રેતમાં રખડતો રાખવો જોઈએ.

એણે સોઢાને આંખ મારી: ‘સોઢાજી! તમે કહ્યું એ બરાબર છે હોં? મીરાનમિયાં માને નહિ તો!’

મીરાન હસી પડ્યો: ‘વાહ ખૂબ કહી આપને, જનાબ! આપ હમ જૈસે ગરીબ સૌદાગર કી અચ્છી હસી ઉડાતે હો! નહરવાલા મેં હમેરે કાશ્મીરી અગરુ અત્તરવાલે ગયે થે. ક્યા બાત કહું જનાબ! વો કહેતે થે, શહર તો નહરવાલા, બાકી સબ બાતે. ક્યા કોટિધ્વજ સાવકાર નગર મેં રહેતે હૈ! ઈસ ઘોડે કા દામ નહરવાલે સે, એક કરોડ મેં એક કોડી કમ, મેં લેને વાલા નહીં! મગર નહરવાલા તો રેતસમંદર કી પાર હૈ. ઔર યે દેવપંછી કિસ તરહ સે મૈ ઉધર લે જાઉં? કોઈ રાસ્તા માલૂમ નહિ! મેં તો તૈયાર હૂં, તુમ સાથ મેં ચલો! નહરવાલા રાય કે લાયક કી ચીજ હૈ! મેરે લિયે તો પિથોરા ઔર નહરવાલા દોનૂં એક! જો દામ નીકાલે વો હમારા શાહાનશાહ!’

‘તુરુકરાજ મુહમ્મદ શાબ કો નહિ બતાયા?’

‘અરે જનાબ! તુરુક કી પાસ દામ કિધર હૈ?’

‘તબ કોઈ દૂસરા રસ્તા ઢૂંઢો. નહરવાલા પહોંચો. ઉધર દામ મિલેગા!’ ડાભીએ કહ્યું.

‘વો તો મૈ જનતા હૂં મગર દૂસરા રસ્તા ઢૂંઢને મેં, હજાર બાત ક જોખમ હૈ, દૂસરા રાસ્તા ઢૂંઢને મેં, કિરાડૂગઢ રસ્તે મેં આયેગા, ઝાલોર આયેગા, દોનોં રાય ઘોડેસવારી કે ભારે શોખીન ઔર ઘોડે કે જાણકાર. દેવપંછી કા પતા લગને પર વો જીવસટોસટ કા સોદા કર લે, તો દેવપંછીકુ અપની રિયાસત સે બહાર નહિ જાને દે, તો ઇસમેં હમેરી જાનકા બી ખતરા. દૂસરા કોઈ રસ્તા તુમારી જાનમેં હો તો બતાઓ. મૈ તૈયાર હૂં!’

‘તું તો તૈયાર જ હો નાં બેટમજી! પણ રૂપમઢીના કાંઠા ઉપર આજ રાત ગાળવાની છે. આજ રાતે જોઈ લેજે. સોરઠીના ઘા તેં દીઠા લાગતા નથી!’ ગંગ ડાભીના મનમાં આ વાણી આવી ગઈ. એ મોટેથી બોલ્યો:

‘ઠીક છે ભા! તમે નક્કી કરો ને કે નહરવાલા જાવું છે, પછી રસ્તાનું તો થઇ રહેશે. પણ એક ઘોડો અમને આપવો પડે!’

‘દેવપંછી કી જાત કા? દૂસરા, જનાબ! યે ધરતી પર નહિ. યે તો આસમાન કા ચાંદ હય! હાં દૂસરી કોઈ ભી જાત કા, બડા અચ્છા જાનવર  હમારી પાસ હૈ, વો આપકુ જરૂર મિલેગા, ઇસમેં ક્યા?’

‘અચ્છા, અચ્છા, કલ સુબહ મેં બાત!’

રાત્રિ આગળ વધતી જોઈ સૌ સૂવા ગયા. પણ દરેક પોતપોતાના વિચારમાં હતા. કોઈને નિંદ્રા આવતી ન હતી. પણ થોડી વાર પછી મીરાન મીઠી નિંદ્રામાં ઘેરાતો લાગ્યો. હજી પણ એ ઊંઘમાં દેવપંછીની વાત ઉતાવળે કરી લેતો હતો. પણ રાતની ઠંડી જામી ને એની ઊંઘ પણ જામી ગઈ લાગી.

મધરાત વીત્યાને થોડી વાર થઇ. ગંગ ડાભીને લાગ્યું કે પોતાને કોઈ જગાડે છે. તે ચમકીને જાગી ઊઠ્યો. પહેલાં તો એને થયું કે મીરાનનો માણસ દગો દેવા આવ્યો છે. પણ તરત જ એ સમજી ગયો. કોઈ નવી સાંઢણી આવી હતી. તેની ઉપરનાં માણસો એને કાંઈ પૂછવા માટે જગાડી રહ્યાં હતાં. પહેલાં એમની વાત એકદમ સમજ્યો નહિ.

‘મીરાન મિયાં! એ મીરાન મિયાં!’ આવનાર બોલી રહ્યાં હતાં. 

ગંગ ડાભીને કાંઈ ન બોલવામાં ડહાપણ લાગ્યું. તે માથે ઓઢીને પડી રહ્યો.

જરાક વધુ ધીમેથી બોલતો અવાજ આવ્યો: ‘મીરાન મિયાં! જાગો છો કે નહિ? અમે તો પરબારા જતા હતા. ત્યાં ખબર પડી કે તમે આંહીં છો. રૂઠીરાણીજીનો સંદેશો સુરત્રાણને પોતાને આપી દીધો? કેમ બોલ્યા નહિ?’

ડાભીને સાંભર્યું. રૂઠીરાણી તો વારાણસીના રાય જયંતચંદ્રની પણ કહેવાતી. બીજી અજમેરના પૃથ્વીરાજ બીજાની. એમાંથી જે જોય તે ખરી. પણ એને કાંઈક મનદખ સાંભળ્યું હતું ખરું.

એ જ રાણીએ સોનાનાં સો કમળ ભગવાન સોમનાથને ચરણે ધરવા મોકલ્યાં હતાં. પણ ભીમદેવ મહારાજે જેમ ચૌલાદેવીના સંતાનને ગાદી ઉપર હક્ક ગણ્યો હતો. તેમ આ રૂઠીરાણી-સુહવદે-વારાંગના હતી ને અજમેરના જયંતરાજે એના સંતાનના હક્કને નકાર્યો હતો! રાણી સુહવદેવીને ભારે મનદુઃખ લાગ્યું હતું. એણે આ સુરત્રાણને કાંઈક સંદેશો મોકલ્યો હોવો જોઈએ. તો સંદેશો આની પાસેથી પકડાય. સુરત્રાણની હિલચાલ એમાંથી જાણી લેવાય.

પડખેથી સોઢો સળવળતો હોય તેવું ડાભીને લાગ્યું. ડાભીએ લૂગડામાં ને લૂગડાંમાં હાથ લાંબો કર્યો ને એને ચેતવી દીધો. ડાભી મુડદા જેવો થઇ ગયો.

મીરાનને ઓળખનારા જ આ કોઈ હતા. સુરત્રાણને સંદેશો આપીને પાછા વળતા હોય તેમ લાગ્યું. રૂઠીરાણીનો સંદેશો સુરત્રાણને પહોંચાડ્યો હતો. આ રૂઠીરાણી તો વારાણસીની રાણી હશે!

એનો શો સંદેશો હશે? ગંગ ડાભીને લાગ્યું કે જે કામે પોતે જઈ રહ્યા છે તે કામ આ આગંતુકો પાસેથી મેળવાય તેવું છે. આ મીરાન નથી, એને ખબર આમને હમણાં પડી જશે. પછી તો ખેલ બગડી જવાનો છે! 

‘શું કરવું જોઈએ?’ તે વિચાર કરી રહ્યો. એટલામાં તો પેલા બોલ્યા: ‘મીરાનમિયાં! તમારા નાચણિયાંની વાત પણ ત્યાં જાણી હોં!’

નાચણિયો? ગંગ ડાભીના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. પણ આ બધી શી વાત હતી? એટલામાં એને અચાનક સાંભર્યું, ‘નાચણિયા’ની વાત દેવપંછી ઘોડા વિશેની જ હોઈ શકે. ચોક્કસ ઘોડામાં કાંઈક દગોફટકો છે!

પણ હવે વખત જવા દેતાં બધી બાજી બગડવાનો ભય હતો. તેણે લૂગડાંમાં ને લૂગડાંમાં હાથ લાંબો કરી, સોઢાજીને નિશાની કરી. સોઢાજી એ સમજવા લાગ્યા. આગંતુક ત્રણ જણા. કાંઈક ભૂલ થઇ ગઈ કે શું, એવી દ્વિધાવૃત્તિમાં જરાક પાછા હઠવા જતા હતા, તેટલામાં જેમ સિંહ કૂદે તેમ, સોઢાજી ને ડાભી બંને એકીસાથે ઝડપથી એમના ઉપર કૂદી જ પડ્યા અને એની રીતે લૂગડાના ડૂચામાં એમને ગૂંગળાવી દીધા કે એનો એક ઉંહકારો પણ બહાર નીકળ્યો નહીં. ડાભીએ કંઈક ત્રીજાને પણ પોતાની પડખે આવી ગયેલો જોઇને કોણી મારીને એને ફગાવી દેવાનું કર્યું, પણ ત્યાં તો ‘હું છું ગંગ ડાભી! માન!’

‘ઓહો મકવાણોજી? જાળ હેઠે...’

થોડેક છેટે જાળ  હેઠે સાંઢણીઓ હતી. આજે રાત વખતે કાંઈક નવાજૂની થાશે જ, એ હિસાબે ડાભીએ જ તૈયાર રખાવી હતી.

ઝડપબંધ ત્રણે જણા આવ્યા. મીરાન માટે તૈયાર રખાવેલા દોરડાં ખપમાં આવી ગયા. મોઢે ડૂચો એક પળ પણ ઢીલો પડવા દીધો ન હતો.

‘અમે ખંખેરી મૂકીએ, માન! તમે હમણાં ને હમણાં પાછળ ઊપડો! જો જો ઝડપ કરજો નહિતર ઝપાઝપી થશે!’

માનને ત્યાં મૂકીને ડાભી ને સોઢો ઝપાટાબંધ ઊપડવા તૈયાર થઇ ગયા.

ડાભીને જતાં-જતાં લાગ્યું કે માન ને બીજાઓને મરવા માટે જ વખતે પાછળ રહી જશે. મીરાનના કેટલાંક માણસો પાછળ બીજે મુકામે હોવા જોઈએ. આ ધર્મશાળામાં હતાં તે પ્રમાણે તેણે ઉતાવળે માનને કહ્યું:

‘મકવાણા, હવે કોઈ જાણવા થોભતા નહીં. આમાં બધું આવી ગયું છે.’

‘પણ આ છે કોણ?’

ડાભીએ હાથની નિશાની કરી: ‘બધું પછી. અમે આ ઊપડ્યા. તમે ઝડપભેર આવી પહોંચો.

ગંગ ડાભી ને સોઢો ઊપડી ગયા.