૨૫
ઘોડાનો સોદાગર
ભીમદેવના શંકાશીલ આગ્રહી મનને ચાંપલદેની રાજનીતિએ વિચાર કરતું કરી મૂક્યું હતું. એને પણ હવે લાગવા માંડ્યું કે શ્રેષ્ઠીનું ઘર એ તો પાટણનું નાક કહેવાય. એને ટાળવા જતાં, પાટણની આબરૂ ટળી જાય. પછી વિદેશમાં દોઢ દ્રમ્મની પણ એની કિંમત ન રહે. ચાંપલદે જેવી દ્રઢ રાજભક્તિ જાળવનાર પાટણની પુત્રી બેઠી હોય પછી ભલેને શ્રેષ્ઠીના હાથ ગમે તેટલા લાંબા હોય, એની કમાન ચાંપલદે પાસે હતી. ભીમદેવના મનને આ પ્રમાણે સમાધાનને પંથે વળેલું જોઇને નાયિકાદેવીને પણ શાંતિ થઇ. એને લાગ્યું કે આંતરવિગ્રહની અરધી જ્વાલા તો હવે શમી ગઈ હતી અને તે ચાંપલદેની દ્રઢ રાજનિષ્ઠાના પ્રતાપે.
એને ચાંપલદે માટે માન હતું. પણ હવે તો એને લાગ્યું કે એ છોકરીની બુદ્ધિ ખરે ટાણે રંગ રાખે તેવી છે. એણે એને માત્ર સૂચના કરી હતી. પણ જરાક તક મળી જતાં એણે દ્રઢતાથી આખી વાત પાર પાડી હતી અને પાટણ બચી ગયું હતું!
પાટણ જીવંત છે. પાટણ જીવવાનું છે. ભીમદેવ પાટણની મહત્તાને ટકાવી રાખશે એવી એની શ્રદ્ધાને ફરીને પાંખ આવી. એનો પણ ઉત્સાહ વધ્યો એ યુદ્ધની તૈયારીમાં પડી ગઈ.
ભીમદેવ યુદ્ધ કરવા માટે તૈયાર થવા લાગ્યો. હજી કુમારદેવનો કાંઈ સંદેશો ન હતો. વિંધ્યવર્માની ખબર ન હતી. ત્યાં સુધી બિલ્હણને કાવ્યવિનોદમાં રસ લેતો રાખવાનો હતો.
શ્રેષ્ઠીનો આવાસ હવે શંકાથી પર હતો. ગંગ ડાભીના સમાચારની કાગને ડોળે રાહ જોવાતી હતી.
મહારાણી નાયિકાદેવીનો આદેશ સૌએ માથે ચડાવ્યો હતો. તુરુક આવીને પાટણના દરવાજા ઠોકે એ વાત કોઈ થવા દેવા માગતા ન હતા એટલે યુદ્ધની તૈયારી પૂર ઝડપે આગળ વધતી રહી, પછી યુદ્ધ આવે કે ન આવે!
નાયિકાદેવીને આ પ્રોત્સાહનભર્યું વાતાવરણ જોઈતું હતું. એણે હરપળે જુદ્ધને વધારે ને વધારે પાસે આવતું જોયું હતું. એટલે રણઘેલા રજપૂતની પેઠે ભીમદેવ ઘૂમી રહ્યો એ એને ગમ્યું. યોદ્ધાઓ આવી રહ્યા હતા. હથિયારો સજાતાં હતાં. ગજસેના ગોઠવાતી હતી. અશ્વસેનાને અત્યુત્તમ બનાવવાની જરૂરિયાત સમજાઈ ગઈ હતી. તાર્તારો, મકરાણીઓ, સિંધીઓ, ઈરાનીઓ, ઉત્તમોત્તમ ઘોડાઓ પાટણની બજારમાં લાવી રહ્યા હતા. ખરીદીઓ ચાલી રહી હતી.
પણ ગંગ ડાભીના સમાચાર હજી આવ્યા ન હતા. ડાભી વિશે મોટી ચિંતા સેવાતી હતી.
ગંગ ડાભી મહારાણીબાની વિદાય લઈને વઢિયારપંથે રવાના થયો હતો.
પહેલો મુકામ એણે થારાપદ્ર કર્યો. ભિન્નમાલ, ઝાલોરગઢ એ બધાં એના હવે પછીના રસ્તામાં આવતાં હતાં. ડાભીએ થારાપદ્રથી જ દિશા બદલી. એને લાગ્યું કે તુરુક આં પંથે વખતે ન આવે. એ જરાક પશ્ચિમ તરફ સિંધના રતીથરને પંથે પડ્યો. તુરુકનું નિશાન જો પાટણ ઉપર હોય તો એ આ જ રસ્તો લેવાનો. ભિન્નમાલને એ ડાબે હાથે રાખીને જ આવે. એમ ન કરે તો એને બેચાર મજબૂત દુર્ગોનો સામનો કરવો પડે. ડાભીને લાગ્યું કે સિંધમાં જેટલા આથમણા વધુ જશે, તેમ તુરુકની વધારે ખબર મળશે.
ડાભીની અટકળ સાચી નીકળી. એ રસ્તે પહેલાં બે દિવસ તો એણે રેતી, રેતી ને રેતી જ જોઈ. રેતીના મેદાન, રેતીના ડુંગરા, રેતીની જ ખીણો, જ્યાં નજર કરો ત્યાં રેતી જ રેતી! એણે પોતાની સાથે પાણીની સગવડ રાખી ન હોત તો એ આ રેતીસાગરમાંથી બહાર જ ન નીકળત!
રેતી અને રેતીમાં જાણે કાંઈની કાંઈ વનરાજી ઊગી નીકળી હોય એવો ગર્વ કરતા રામબાવળિયા! લીલાં ને કડવાં પાણી ને સૂરજનો તડકો! આખા મેદાનમાં – મેદાન ઉપર નજર ફેરવો, પણ કોઈ પશુ-પંખી કે નાનકડું જીવજંતુ પણ નજરે પડે નહિ.
રાજસ્થાનના આ રણસમંદરમાં જ્યારે ગંગ ડાભીને સારંગદેવ સોઢો પોતાની સાંઢણીઓ નાખીને પડ્યા અને એની પાછળ પાંચદસ માણસોનો કાફલો ચડ્યો ત્યારે છેટેથી જોનારને લાગે કે કોઈ લૂંટારાઓ ક્યાંક મારણ ઉપર જાણે ઊપડ્યા છે! ચારેકોર લૂ વરસતી ભોંમાં આ સાંઢણીસવારો હમણાં આકાશને વીંધી જાશે એવી ઝડપી ગતિએ એ જઈ રહ્યા હતા. આવી ભોં કેટલી અને ક્યાં સુધી છે એનો તો એમને પણ પરિચય ન હતો.
એક બે દિવસ તો ગંગ ડાભીને કોઈ નજરે જ ચડ્યું નહિ. પણ ત્રીજા દિવસનું પ્રભાત થયું અને એમણે આઘે આઘે બે-ત્રણ તંબુ ઠોકેલા જોયા. થોડાંક આવળબાવળ જેવાં ઝાડવાંના આશ્રયે મુસાફરો જાણે ત્યાં રાત રહ્યા હોય તેમ જણાયું.
સોઢો ને ડાભી સાવધ થઇ ગયા. આ ઠેકાણે જુદે-જુદે મિષે તુરુકનાં માણસો રસ્તાની માહિતી માટે પણ ફરતાં હોય, એટલે એમણે બુકાનીઓ બરાબર બાંધી લીધી. ઓળખાણ પડે નહિ એવી રીતે મોં પણ ઠીક-ઠીક જાપ્તામાં લીધાં. હથિયાર તૈયાર રાખ્યાં, પાણીની મશકો બરાબર મજબૂત કરી લીધી. સાથેનાં માણસોને ચેતવી દીધાં. જરા-જરા આઘાપાછા ચાલવા માંડ્યા. એ તંબુના રસ્તા પાસે જ એમની સાંઢણીઓ નીકળવાની હતી.
તંબુ પાસે આવતાં એમણે ત્યાં એક-બે સાંઢણીઓ જોઈ. દસબાર જાતવાન ઘોડા પણ ત્યાં હતા. કોઈ ઘોડાના સોદાગર આહીં આશ્રય લઇ રહ્યા હોય એવું જણાતું હતું.
ગંગ ડાભીની ને સોઢાની સાંઢણીઓ નીકળી કે તરત એમાંનો કોઈ મુખ્ય જેવો માણસ હતો તે મોટેથી બૂમ પાડતો બહાર નીકળ્યો, ‘એ ભાઈઓ! એ ભાઈઓ! અમને રસ્તો બતાવો. અમે રસ્તો ભૂલ્યા છીએ! અમારું મરણ થાશે. રસ્તો બતાવો.’
ડાભીએ સોઢાને આંખ મારી, ‘સોઢાજી! મારા બેટા જાદુગર છે હોં, સંભાળજો!’
એમણે સાંઢણીઓ થોભાવી. ‘તમે કોણ છો? ક્યાંથી આવો છો?’ ગંગ ડાભીએ પૂછ્યું.
‘અમે તો ભાઈ મકરાણની પેલી મેરના છીએ. આ તરફ પહેલી વારના નીકળ્યા છીએ. આવું ક્યાં સુધી છે?’ તેણે ચારે તરફ પથરાયેલી રેતીનો સાગર બતાવતાં નવાઈ પામતો હોય તેમ કહ્યું.
‘આમ જાવું છે ક્યાં?’
‘અમે નીકળ્યા છીએ તો રાય પિથોરાને ગામ, અજમેર જાવા!’
‘રાય પિથોરાને ગામ?’
‘સાંભળ્યું છે રાય પિથોરાજી, સાંભરરાજના કુંવર, તુરંગવિદ્યાના ખરા જાણકાર છે. અમારી પાસે આમાં એક ઘોડો છે. જેને દેવપંખાળી જાત કહે એવો એ છે. એ જાત હવે ધરતી પર ક્યાંય નથી. આ અમારી પાસે તમ જેવાનાં પરતાપે એક આવી ગયો છે. એટલે રાય પિથોરાને આ ઘોડો બતાવવા નીકળ્યા છીએ પણ આંહીં તો રેતનો મહાસાગર આડે પડ્યો છે. અમારી ભેગો કોઈ ભોમિયો નથી રસ્તાની અમને જાણ નથી. હવે રાય પિથોરાને ગઢ જાવું ક્યાંથી આ મારગ ક્યાં લઇ જાશે? તમે ક્યાંથી આવો છો?
ગંગ ડાભીએ સોઢા સામે જોયું. ધીમેથી કહ્યું, ‘સોઢાજી! મારા બેટા, આમ ને આમ મારગ જાણવા નીકળ્યા છે હોં! તુરુકના જ માણસ લાગે છે. પણ આપણે એનાં લૂગડાં ઉતારીએ તો સોરઠી સાચા! એનો દેવપંખાળો જ ઉપાડી લઈએ!’
ડાભી વિચાર કરતો થોડી વાર થોભ્યો, પછી બોલ્યો? ‘તમારો મારગ તો ભા! પછવાડે રહી ગયો.’
‘પછવાડે રહી ગયો? ત્યારે આ મારગ ક્યાં નીકળે? આમાં માર્ગ છે કે બધેય આવું જ?’ એણે વળી રેતસાગર બતાવ્યો. રેતી રેતી જોઇને એ મૂંઝાઈ ગયો હોય તેમ લાગ્યું.
‘તમે એમ કરો ભા! પાછા ફરો. કાલ રાતવાસો ક્યાં હતા?’
‘આંહીંથી એક મુકામ છે. ગામનું નામ ગડા!’
‘ત્યાં ધરમશાળા હશે?’
‘હા, ત્યાં ધરમશાળા છે. પાણીનું એક તલાવડું છે.’
‘તો તો તમે એમ કરો. ત્યાં પાછા ફરો. રાય પિથોરાના ગઢનો સીધે રસ્તો ત્યાંથી મળશે. આ રેતસાગર તો અપરંપાર છે.’
‘કેટલોક હશે? એનો બીજો છેડો ક્યાં?’
‘એનો બીજો છેડો તારા માથામાં!’ ગંગ ડાભી મનમાં બોલ્યો.
‘એને-સાગરને તે છેડા હોય, ભા?’ એણે મોટેથી કહ્યું, ‘એનો છેડો સાગરમાં. આ રેતનો સાગર છે. પેલો પાણીનો સાગર, પણ તમારું નામ શું?’
‘જી! ગુલામને મીરાન કહે છે, ઘોડાની સોદાગરી સાત સાત પેઢીની અમારા ઘરમાં ચાલી આવે છે. આ જ વીતી એવી કોઈ દી વીતી નથી. ઠીક થયું, તમે મળી ગયા. પણ આ રસ્તે ‘ફતન’ આવે કે? તો ‘ફતન’ જઈએ.
‘ફતન?’
‘નહરવાલા’
‘હાં હાં, પાટણ.’
‘હાં, વો ફતન. બડા નગર હૈ. ઔર સુના હૈ, રાજા ભી ઘોડેસવારી કા બડા શોખીન હૈ!’
ગંગ ડાભી સમજી ગયો. આ કોઈ સોદાગરના વેશમાં નીકળેલા તુરુકના જ આદમી છે. આ રસ્તે સીધા પાટણ ઉપર જવાય કે નહિ એની તપાસમાં નીકળ્યા હોય તેમ જણાય છે.
ગંગ ડાભીએ મનમાં એક ભીષણ નિશ્ચય કરી લીધો. આને અને એના ઘોડા બંનેને ગેબ કરી દેવા.
‘તમે એમ કરો સૈયદ મીરાન! ગડા ગામ પાછા ફરો. ત્યાંથી તમને રાય પિથોરાના ગઢની ભાળ મળશે. ચાલો, અમે તમારી ભેગા સાથ આપશું.’
મીરાનની માખી તેલમાં ડૂબતી લાગી. પણ તે મહા હોશિયાર હતો. તે ઘણો જ ખુશ થતો જણાયો. છેવટે એણે કાંઈક વિચાર કર્યા પછી હા પાડી.
થોડી વાર પછી એ કાફલો ગડા ગામ તરફ પાછો ફર્યો.
ગંગ ડાભી વિચાર કરી રહ્યો હતો કે રાતમાં આને દબાવીને બધી હકીકત મેળવી લેવી. ને પછી એને જ ગેબ કરી દેવો.
મીરાન વિચારી રહ્યો હતો: આની પાસેથી જ બધી વાત મેળવી લેવી. ને આને પછી સૂતો વેચવો!
રેતસાગર મનમાં ચિંતવી રહ્યો હતો: મારા ક્ષુલ્લક કણો ભેગા થાય છે એટલામાં માનવ કેટલો અપંગ બની જાય છે!
એમ ને એમ કાફલો ગડા ગામ પહોંચ્યો, ત્યારે સાંજ પડવા આવી હતી.