Nayika Devi - 22 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 22

Featured Books
Categories
Share

નાયિકાદેવી - ભાગ 22

૨૨

જેમાં કવિઓ થોડી વાર

રાજપ્રકરણ ભૂલી જાય છે!

બિલ્હણને કાવ્યવિનોદ માટે આભડ શ્રેષ્ઠીને ત્યાં લઇ જવાનો ભાર વિશ્વંભર ઉપર હતો. એમાં મહારાણીબાનો હેતુ હતો. પ્રહલાદનદેવે જૈનોને દૂભવ્યા હતા. આંહીં લોકમાં એ બહુ હરેફરે એ અત્યારે ઠીક ન હતું. એટલે આભડ શ્રેષ્ઠીને ત્યાં કાવ્યમૃતનો સ્વાદ લેવા કવિજનોને માટે મળવાનું નક્કી થયું. શ્રેષ્ઠીએ એ સમયને અનુરૂપ મંડપ તરત બે ઘડીમાં રચાવી કાઢ્યો, એને શણગારી દીધો. પુષ્પમાલાઓની હદબેહદની સુગંધથી આખા મંડપને સુવાસિત બનાવી દીધો! 

વિશ્વંભર ત્યાં બિલ્હણને લઈને આવ્યો ત્યારે એના મનમાં અનેક ગડભાંજ ચાલી રહી હતી. જેની પડખે એ બેઠો હતો તે બિલ્હણ કવિ તો હતો જ, છતાં આંહીં એ રાજપ્રકરણ કેટલે અંશે ભૂલી શકશે, એ એક પ્રશ્ન હતો. આભડ શ્રેષ્ઠીનો ઉપયોગ એ નહિ કરી લે એ ચોક્કસપણે કહેવાય તેવું ન હતું. આભડ શ્રેષ્ઠી કેટલે અંશે વિશ્વાસપાત્ર હતો, એ વિચારવા જેવું હતું. આશાધર જૈન સંપ્રદાયનો માલવામાં સ્તંભ હતો અને સંભવિત છે કે એવા જ સ્તંભ આંહીં બની જવાનું આભડ શ્રેષ્ઠીના મનમાં બેઠું હોય!

થારાપદ્રની જે સભામાં મહારાજ અજયપાલના ઘાતનો નિર્ણય લેવાયો એ સભામાં આભડ શ્રેષ્ઠી હાજર હતો.

તે વખતે એણે એમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

મહાપ્રતિહાર વિજ્જલ મરાયો, મહારાજનો ઘાત થયો, મહાપ્રચંડ દંડનાયક વિજ્જલ તે દિવસે જ ભાગ્યો. એ બધી વાત  હજી થાળે પડી ન હતી.

એટલે વિશ્વંભરે એક નિર્ણય કર્યો હતો: એક પળ આ કવિરાજને રેઢો ન મૂકવો. વિંધ્યવર્મા સારું કોઈ ને કોઈ સંદેશો એને આંહીંથી મોકલવાનો હોવો જ જોઈએ. એવા સંદેશા માટે શ્રેષ્ઠીજીનું સ્થળ ને આ કાવ્યવિનોદ બંને અનુકૂળ હતા. 

વિશ્વંભર શ્રેષ્ઠીને ત્યાં આવ્યો ત્યારે ત્યાં એણે એક નાની સરખી કવિસભા થઇ ગયેલી જોઈ. કવિ નરપતિ ત્યાં આવ્યો હતો. પ્રહલાદનદેવ પોતે હતા. વિદ્યાધર પંડિત હતો.ગણેશ હતો. રાજકવિ સિદ્ધપાલ પણ આવ્યો હોય તેમ લાગ્યું.

એક ખૂણે સેનાપતિ કુમારના નાનકડા પુત્રને એણે બેઠેલો જોયો.

વિશ્વંભરે એની તરફ જોયું ને મોં મલકાવ્યું: ‘અરે! સોમેશ્વર! તું પણ આવ્યો છે? કેમ ન આવે ભૈ! તું તો અમારો ભાવિ મહાકવિ છે! ઓળખ્યો આને?’ એણે પડખે ચલાયા આવતા બિલ્હણને પૂછ્યું.

બિલ્હણ ચારે તરફ દ્રષ્ટિ ફેરવતો હતો. તે જરાય ગભરાયા જેવો થઇ ગયો.

‘કોણ છે એ?’

સેનાપતિ કુમારનો ચિરંજીવી, એનું નામ સોમેશ્વર. આજથી કવિતા કરે છે!’

‘એમ? ઓહો! ત્યારે તમારે પાટણમાં હવે સરસ્વતી પોતાનો વાસ કરી રહ્યાં છે!’

‘માલવરાજે અમને માન આપ્યું. પછી સરસ્વતી તો એમની જ. એ પણ માન આપે નાં?’

‘હા હા, બરાબર!’ બિલ્હણ બોલ્યો, એટલામાં મંડપ આવી ગયો.

બિલ્હણને આવતો જોઇને બધા કવિઓ એના માનમાં ઊભા થઇ ગયા. પ્રહલાદનદેવ તો છેક એની પાસે આવ્યો. આવીને એને માનથી નમ્યો. બિલ્હણે એને ખભે હાથ મૂક્યો. આનંદ-સમાચાર પૂછી લઈને સૌ બેઠા. દરેકનાં મોં ઉપર આવી કવિસભા થવાથી એક પ્રકારનો આનંદ છવાઈ ગયો હતો. મહારાજ અજયપાલના રાજ દરમિયાન એમને આ પ્રમાણે મળવાનો ભાગ્યે જ પ્રસંગ સાંપડ્યો હતો.

પણ દરેકના દિલમાં અત્યારે રામચંદ્રની મૂર્તિ ખડી થઇ ગઈ હતી. એ આંહીં હોય તો આ સભાની રંગછટા જુદી જ હોય. રામચંદ્ર શતપ્રબંધોનો કર્તા, મહાકવિ અને નિર્ભયતાથી બોલનારો એના વિના કવિસભા જાણે જીવ વિનાની જણાતી હતી.

કવિરાજ બિલ્હણે ચારે તરફ દ્રષ્ટિ કરી: ‘શું શ્રેષ્ઠીજી આપણા યજમાન જ નથી આવ્યા? એમ કેમ?’

‘બાપુજી! હમણાં આવતા હશે કવિરાજ! જરા વ્યવસાયમાં છે.’ અંદરના ખંડમાંથી બહાર આવીને ચાંપલદેએ કવિરાજને નમસ્કાર કરતાં કહ્યું, ‘હમણાં આવ્યા બતાવું.’

એટલામાં તો એક પાલખી આવીને બહાર ચોકમાં થોભી. એમાંથી શ્રેષ્ઠીજી આભડ પોતે બહાર આવતો દેખાયો.

‘સરસ્વતીપુત્રો! તમારી ક્ષમાયાચના માગું છું. હું જરાક મોડો પડ્યો છું. પણ મને એક સાધુમહારાજે જરા બોલાવ્યો હતો.’ શ્રેષ્ઠીએ આવતાંવેંત સભાને હાથ જોડીને કહ્યું. બીજા જાણીતા-અજાણ્યા કાવ્યરસિકો ત્યાં આવ્યા હતા. એમને પણ એણે નમન કર્યું.

સૌ શાંત બેઠા. કવિરાજ બિલ્હણ થોડી વાર પછી બોલ્યો: ‘શ્રેષ્ઠીજી! આવી સભા જ્યારે મળે, ત્યારે કવિઓને ધારાપતિની યાદ આવે છે.’

कविषु कामिषु योगीषु भोगीषु, द्रविणदेषु सतामुपकारिषु ।

धनीषु धन्विषु धर्मधनेषु च क्षतितले नहि भोजसमो नृप ।।

‘એ ધારાપતિને યાદ કરીને આપણે કાવ્યમૃત ચાખીએ. રાજકવિજી શરુ કરશે.’ બિલ્હણે વૃદ્ધ રાજકવિ સિદ્ધપાલ સામે જોયું. સિદ્ધપાલ કાંક સંભારી રહ્યો. બિલ્હણજી! મહારાજ સિદ્ધરાજ જ્યારે સવારી ઉપાડતા ત્યારે,

जाते यस्य प्रयाणे तुरगखु पुटोत्खातरेणुप्रपंचे

तीव्रं ध्वान्तायमाने प्रसरित बहले सर्वतो दिग्विविभागे ।

भास्वच्चन्द्रार्क बिम्बग्रहणणरहितं व्योम वीक्ष्य प्रमुग्धा:

सान्ध्यं कर्मारभन्ते शिशुमुनिबटव: जातसंध्याभिशंका: ।।

‘વાહ વાહ કવિરાજ! વાહ! સુંદર વસ્તુ આપી.’

‘કવિરાજ! હવે તમારું કોઈ કાવ્ય સંભળાવો!’

બિલ્હણે કોને કવિરાજ કહ્યા એ જોવા સૌએ દ્રષ્ટિ ફેરવી.

બિલ્હણે સોમેશ્વર તરફ જોઇને વાત કરી હતી.

એના જવાબમાં છેક છેડેથી બાર-પંદર વર્ષનો તેજસ્વી સોમેશ્વર ઊભો થયો. પોતાની પાસે બેઠેલા વિશ્વંભરને પ્રહલાદને પૂછ્યું, ‘એ કોણ છે, વિશ્વંભરજી? તમારે પાટણમાં તો કવિ જન્મતા લાગે છે. આની ઉંમર તો બહુ નાની છે.’

‘આ છે સેનાપતિજીનો પુત્ર. એને કાવ્યમાં રસ છે.’

‘એમ?’

‘શું નામ?’

‘સોમેશ્વર દેવ.’

એટલામાં સોમેશ્વર બોલતો સંભળાયો: ‘કવિજનો! મને એક રંક કલ્પના આવી છે. જ્યારે ભગવાન હેમચંદ્રાચાર્ય સ્વર્ગે સિધાવ્યા ત્યારે ગુજરાતની સરસ્વતી નિરાધાર બની ગઈ. પોતાનો આશ્રય મેળવવા એ અહીંતહીં ભટકી. પણ એની નજર ક્યાંય ઠરી નહિ. છેવટે નિરાશ થઈને એ અર્બુદમંડલમાં ગઈ ત્યાં એને એક પુરુષનો આધાર મળ્યો. પણ એણે એક નવી નવાઈની વાત દેખી. એના જેવી જ બે શક્તિઓને પણ આ પુરુષનો આધાર મળી ગયો હતો! દાનેશ્વરી અને સિદ્ધેશ્વરી. વાગેશ્વરી ત્યાં થોભી. એવી ત્રણ શક્તિઓ એક જ નરવ્યાઘ્રને આધારે ટકી રહી છે.

वैदुष्यं विगताश्रये श्रितवति श्रीहेमचन्द्रे दिवं ।

श्रीप्रह्लादनमन्तरेण विरंति विश्वोपकारव्रतम् ।।

નાનકડા સોમેશ્વરદેવ તરફ બિલ્હણ જોઈ રહ્યા. પ્રહલાદનદેવ ઊભો થઈને એની પાસે ગયો. ડોકમાંથી સોનાની એક માળા કાઢી સોમેશ્વરની ડોકમાં એ નાખી:

‘સોમેશ્વરજી તમે! દાદાનો વારસો જાળવવાના લાગો છો.’

સોમેશ્વર ઉત્સાહમાં આવી ગયો: ‘મહારાજ...!’

પ્રહલાદનદેવે તરત એણે અટકાવ્યો: ‘હું મહારાજ? ના, ના, કવિ, તમે ભીંત ભૂલ્યા!’

‘યુવરાજજી!’

‘કવિસભામાં આ બિરુદ શોભે કે સોમેશ્વરજી?’

‘કવિરાજ!’ સોમેશ્વરે ફરીને કહ્યું, ‘મને મહારાજ ધારાવર્ષદેવ વિશે એક કાવ્ય સ્ફૂર્યું છે. કહી નાખું?’

‘શું છે બોલો તો ખરા!’ બિલ્હણે કહ્યું.

यस्याध्यापी यश: शिलीमुखमुखोत्कीर्णप्रशस्त्यक्षर:

स्वस्त्रीणां दिवि नक्नायकसभास्तम्मेण संस्मार्यते ।

सेहे सोङपि ण सौप्तिकं विनिप्तदूद्रौणैस्तदत्यजुन

धारावर्ष! तवाध्य पौरुषमभृत्तिर्णोपमान भुवि।।

બિલ્હણ સોમેશ્વરને અભિનંદન આપતાં બોલ્યો!

जयन्ति ते सत्कवयो यदु कत्या बाला अपि स्यु: कविताप्रवीणा:।

श्रीखण्डवासेन कृताधिवासा: श्रीखण्डतां यान्त्यपरेङपि वृक्षा: ।।

કવિ નરપતિને શાંત જોઇને શ્રેષ્ઠીએ કહ્યું:

‘નરપતિજી, તમે પણ કાંઈક કહો!’

નરપતિજી એની સામે જોઈ રહ્યો: ‘કહું? ફાવશે?’ તે કાંઈક રહસ્યમય બોલ્યો.

શ્રેષ્ઠીના મનમાં ફાળ પડી કે ક્યાંક આ કાંઈક બાફી નાખશે.

પણ હવે ના કહેવી ઠીક નહિ એમ ધારીને કહ્યું, ‘હા હા, કહોને, એમાં શું?’

નરપતિ બોલ્યો:

वरं भट्टेर्भाच्यं वरमपि च खड्गैद्धर्नकृते

वरं वैश्याचर्ये३.र्वमपि महाकूटनिपुणै:।।

दिचं याते देवदुदयणसुते दानजलधी

न विद्वदभिभार्ग्यं कथमपि बुद्धैर्ममिवलये।।

એનો અર્થ સમજતાં બિલ્હણ આનંદી ઉઠ્યો. આમ્રભટ્ટનો ઘા હજી કોઈ ભૂલ્યું નથી. તેણે શ્રેષ્ઠી સામે જોયું. પણ પોતે પ્રગટ થઇ જાય એટલે અંશે નરપતિને ગયેલો જોઈ, એ નીચે જોઈ ગયો હતો. પ્રહલાદનદેવ ચમકી ગયો. પણ કવિરાજનો કાવ્યરસમાં નિમગ્ન હોય એ ઘટના જ મુખ્ય રાખવી હોય તેમ બિલ્હણ તરફ બોલ્યો: ‘શ્રેષ્ઠીજી! આપ જેવાને ઉદ્દેશીને એક કવિજને કહ્યું છે તે સાંભળવા જેવું છે!’

‘શું વાક્ય છે કવિરાજ?’

कोशं विकाशय कुशेशय संश्रितालौ

प्रीतिं कुरुष्व यदयं दिवसस्तवास्ते

दोषोदये निबिड़राजकरप्रतापे 

ध्वान्तोदये नव समेष्यती क: समीपम्।।

બિલ્હણની અન્યોક્તિનો ભાવાર્થ સમજતાં હવે વિશ્વંભર ચમકી ગયો, તે જરાક શંકાથી આભડ શ્રેષ્ઠી તરફ જોઈ રહ્યો. પણ એટલામાં જ વાતાવરણને તરત બદલી નાખતો, ચાંપલદેનો મદુર અવાજ ખંડમાંથી આવતો સાંભળ્યો: ‘શોભન! પહેલાં આંહીં આવો, આંહીં આવો, આંહીં કવિરાજ પાસે!’

ચાંપલદે આગળ આવી. તેની પાછળ સોનેરી થાળમાં અતિ મૂલ્યવાન વસ્ત્રોની ભેટ લઈને શોભન આવી રહ્યો હતો. ચાંપલદેએ બે હાથ જોડીને કવિરાજ બિલ્હણને નમન કર્યું. તેને અનુપમ વસ્ત્રોની ભેટ આપી, નમસ્કાર કર્યા, આગળ ચાલી, એક પછી એક કવિરાજને ભેટસોગાદો આપતી એ આગળ વધી. ચાંપલદેએ આવી તૈયારી રાખી હતી, એ આભડ શ્રેષ્ઠીના પણ ધ્યાનમાં ન હોય તેમ લાગ્યું. એ પણ આશ્ચર્યથી પોતાની પુત્રીની હિલચાલ નિહાળી રહ્યા હતા.

આભડ શ્રેષ્ઠી હવે વિચારમાં પડ્યા હોય તેમ લાગ્યું. બિલ્હણની અન્યોક્તિએ એક રીતે એને જાગ્રત કરી દીધા હતા. એની અઢળક સંપત્તિની લીલા કેવળ ભોળિયા ભીમદેવને અવલંબીને રહી હતી, એ વાત તો સાચી જ હતી.

એને પાટણની પડતીના પડઘા સંભળાતા હતા, મહાપ્રચંડ દંડનાયક વૈજ્જલ આવે કે બીજો આવે તો ભલે, નહિતર થઇ રહ્યું! સુશાસન, જૈનોની પ્રતિષ્ઠા અને સંપત્તિસાધન અચળતા, હવે એ પાટણમાંથી વિદાય લેવાનાં.

થારાપદ્રની સભામાં કરેલાં નિર્ણય પ્રમાણે અજયપાલની હત્યા થઇ હતી, આમ્રભટ્ટનું વૈર લેવાયું હતું. રામચંદ્રના આત્માને શાંતિ થાય તેવું કામ થઇ ગયું હતું. કપર્દીમંત્રીના ઘાતનો બદલો વાળ્યો હતો. પણ અત્યારે તે હવે જૈનોને દોરનાર કોણ? કોઈ જ નહિ અને એના વિના આ અત્યારનું રાજતંત્ર ક્યારે શું કરશે એ કોણ જાણતું હતું? રાણી હતી પણ કુમારોની પ્રચંડ શક્તિ જ્યારે જાગ્રત થાય ત્યારે એ શું કરવાની? એણે વાતને હજી નિયમમાં રાખી હતી, ખરું. અને તેનાથી સામસામે ઊઘાડી લડાઈ કોઈ કરતા ન હતા, પણ મનમાં સૌ સમસમી રહ્યા હતા. પાટણમાં અગ્નિ પ્રગટ્યો ન હતો. પણ ભારેલો અગ્નિ આંહીં હતો. એ વધુ ભયંકર હતો, એ ક્યારે પ્રગટ થાય તે કોણ કહી શકે?ને તે વખતે સૌથી પહેલો ઘા પોતાના ઉપર જ આવે!

આ ઘા ન પડે એની ચિંતામાં આભડ શ્રેષ્ઠી હતો. ધારાવર્ષદેવ, કેલ્હણજી, પ્રહલાદનદેવ બધા એના મહેમાન થઇ પડ્યા હતા. આ બધા રાજભક્ત હતા. પોતાની ઢાલ આ પ્રમાણે એ રચી રહ્યો હતો. પ્રહલાદનના જૈનદ્વેષી કાર્યનો પડઘો આખા પાટણમાં પડ્યો હતો. એ અત્યારે એના મહાલયમાં હતો. એને બહુ બહાર નીકળવાનું નથી એ વાત રાજભવનમાંથી કહેવરાવવામાં આવી હતી. પોતાની ઢાલને વધુ બળવાન બનાવવામાં પ્રહલાદનનો ઠીક ઉપયોગ હતો. આ કવિસભા આવી એ પણ એના લાભની વાત હતી. બિલ્હણની વાત રાજદરબારમાં સૌ પહેલી પોતે જ પહોંચાડી હતી, એટલે એના ઉપરથી રાજની દ્રષ્ટિ થોડી ખસે! પણ અત્યારે બિલ્હણે આ અન્યોક્તિ કરી ત્યારે આભડ શ્રેષ્ઠીને પોતાની ખરી સ્થિતિનું ભાન પાછું જાગ્રત થયું. એને લાગ્યું કે વાત તદ્દન સાચી હતી. અવ અસ્થિર રાજતંત્રમાં એવી અઢળક સંપત્તિ ક્યારે લૂંટાઈ જશે એ વાત કોણ જાણતું હતું? જેના આધારે સ્થિરતા જેવું લાગે એવો કોઈ બળવાન આંહીં ન હતો. કુમાર હતો પણ એ તો બ્રાહ્મણ! એનો શો ભરોસો? 

આભડ શ્રેષ્ઠીના મનમાં સૂતેલી ધર્મકાંક્ષા સળવળી ઊઠી. નરપતિ કવિની ઉક્તિએ એમાં ઉત્તેજના પૂરી.

જો આશાધર શ્રેષ્ઠી જેવો વાત હાથમાં લે, ને મહાપ્રચંડ વિજ્જલ વિજય મેળવે તો એ કુમારપાલદેવનો માનીતો હતો. રાજને સ્થિર કરે, એમાં પાટણને પણ લાભ ને જૈનોને તો જાણે કુમારપાલ મહારાજનો જમાનો ફરી જોવા મળે!

પણ વિજ્જલની આડે કેલ્હણજી, ધારાવર્ષદેવ, આખું સોરઠ, એના પડખામાં લાટનો સિંહ ચૌહાણ, કાવીનો નાગાર્જુન, આ આશાધર! આડકતરી રીતે વિંધ્યવર્મા. પોતે પ્રગટ ન થઇ જાય, પોતાની ઢાલ ખોઈ ન બેસે, એવી રીતે જો કાંઈક પણ વાત ગોઠવાઈ જતી હોય તો આભડ શ્રેષ્ઠીને એમાં સ્થિરતા જણાતી હતી. એ એક જ ઉપાય હતો.

સ્થિર રાજશાસનની ને ધર્મની આકાંક્ષા રાખનાર શ્રેષ્ઠીને રાજભક્તિ કે રાજા પ્રત્યેની ભક્તિ બહુ પ્રશંસાપાત્ર વસ્તુ લાગતી ન હતી. વિજ્જલદેવ રાજ કરે એ રાજા. સોલંકી રાજાઓ માટેનો આગ્રહ શા માટે?

પણ આભડ શ્રેષ્ઠીની પુત્રી ચાંપલદે જુદી માટીની હતી. પિતાની આ ઈચ્છામાં પાટણનો આંતરિક વિગ્રહ એ જોઈ રહી હતી. એ રસ્તો  ભયંકર હતો. એમાં રાજદ્રોહ હતો. નગરી પાટણનો દ્રોહ હતો. આ રાજશાસન દ્વારા જ અભ્યુદયનો મારગ શોધવામાં નાગરિક ધર્મ હતો. રાજપલટો તો આવતો આવે, પણ પહેલાં તો એ દેશને છિન્નભિન્ન કરી મૂકે! ને એમાં જો તુરુક આવી જાય. તો-તો આખો દેશ રોળાઈ જાય. એ માર્ગ જ આપઘાતી હતો. એ માર્ગ જ ન હતો.

પિતાની વાત એને ગમતી ન હતી. પણ પિતાપુત્રીના માનસ અજબ હતા. ચર્ચામાં કોઈ દિવસ એ પડ્યાં ન હતાં. એ સમજી ગયાં હતાં. મૂંગા-મૂંગાં પોતપોતાનું કામ કરતાં. એક જ ઘરમાં રહેવા છતાં આ વિચાર પરત્વે એમને મતભેદ હતો, પણ એ મત બેમાંથી એકેયે કોઈ દિવસ પ્રગટ રીતે વ્યક્ત કર્યો ન હતો. એની વાત પણ ભાગ્યે જ ઉચ્ચારાતી, કેવલ અત્યારે થયું તેમ, તાત્કાલિક ક્રિયા જ ઉત્તર વાળવા માટે આવતી અને એકને બીજાનાં પગલાં વિશે ત્યારે સમજણ પડતી. અત્યરે ચાંપલદેએ કવિરાજને નવાજ્યા, ત્યારે આભડ શ્રેષ્ઠીને જાણ પડી કે બિલ્હણ બહુ વખત આહીં ગાળી જાય, કે કોઈ વાત લઇ જાય એ વસ્તુ ચાંપલદેને થવા દેવી ન હતી!

પિતાને જેટલી વાત ઢાલ માટે ઉપયોગી લગતી તેટલી એ કરતા. ચાંપલદે પાટણનગરીને અખંડ રાખવા માટે જરૂરી વસ્તુ કર્યે જતી. બંનેની રીત ન્યારી હતી!

ચાંપલદેએ કવિરાજોનાં સન્માન કર્યાં.

પછી વિદાયની ઘડી આવી.

એટલામાં આભડ શ્રેષ્ઠી બોલ્યા. ‘ચાંપલદે! હવે તો ભોજનનો સમય થયો. તાંબૂલદાન પછી જ, ભલે સૌ કવિરાજો વિદાય લે! આવો સમો પાછો ક્યારે આવશે?’

ચાંપલદેને એ સ્વીકારવાનું રહ્યું. થોડી વાર થઇ, પછી સૌ ભોજન માટે ગયા. વાર્તાવિનોદ ચાલતાં જ હતાં. ભોજનમંડપમાં જતાં બિલ્હણને એક પળની તક મળી ગઈ. વિશ્વંભર જરાક પાછળ રહી ગયો હતો. એણે તરત એ તક પકડી.

‘શ્રેષ્ઠીજી!’ પાસે ચાલી રહેલા આભડને એણે ધીમેથી કહ્યું, ‘તમારી સંપત્તિ ક્ષણની છે, હોં!’ આંહીં હવે કોઈ નથી. આશાધરજી તમારી રાહ જુએ છે. પણ ઉતાવળ કરતાં બાજી બગડી બેસે તેમ છે. આપણે એક સંદેશો એમને પહોંચાડવાનો છે!’

‘ક્યાં છે?’

એક નાનકડો વસ્ત્રલેખ બિલ્હણે પોતાની મૂઠીમાંથી ચાલતાં-ચાલતાં જ એમના હાથમાં સરકાવી દીધો. કોઈએ એ દીઠું નહિ.

ભોજનમંડપ તરફ જતાં ચોક આવ્યો. બિલ્હણની દ્રષ્ટિ એક ખૂણા તરફ વળી. ત્યાં નીચે પડી જતી પગથિયાંની હાર ડોકાતી હતી. નીચે ભોંયરું લાગ્યું. તેની દ્રષ્ટિ ત્યાં પડી ને એ ચમકી ગયો. આશાધરજીને ત્યાં એક જૈન મુનિરાજને એણે વારંવાર જોયા હતા. એવો જ કોઈક આંહીં નીચે ભોંયરામાં રહેતો લાગ્યો. અત્યારે કુતૂહલનો માર્યો છેક ઉપરને પગથિયે ચડી આવ્યો હોય તેમ જણાયું. એને જોતાં જ આભડ શ્રેષ્ઠીએ પેલો વસ્ત્રલેખ એના તરફ ફેંકી દીધો. ચાલતાં-ચાલતાં જ ફેંકાયેલા એ વસ્ત્રલેખનું શું થયું તે જોવા માટે એક પળ પણ થોભાય તેમ ન હતું – વિશ્વંભર પાછળ જ આવતો હોય, નહિતર એની દ્રષ્ટિ તો આંહીં હોય જ!

વસ્ત્રલેખ ફેંકતા, ‘આશાધરજી!’ એટલું મોટેથી આભડ શ્રેષ્ઠી બોલી ગયા હતા. એનો અર્થ સ્પષ્ટ રીતે પકડી લેવાય તેમ હતો. પણ જૈનમુનિનો હાથ પેલાં વસ્ત્રલેખને ઝડપી લેવા માટે લાંબો થયો હતો, તે કોઈકનાં પગલાં સાંભળતાં એકદમ જરાક પાછો અંદર ગયો.

એક પળ માટે, વસ્ત્રલેખ ત્યાં નીચે પડ્યો રહ્યો.

પણ એ જ પળે, પાછળ આવતી ચાંપલદેના પગમાં એ આવી ગયો. ચાંપલદેએ આડીઅવળી દ્રષ્ટિ કર્યા વિના એને પગનાં અંગૂઠા વચ્ચે ઉપાડી લીધો! ને પોતે બીજે જ રસ્તે વળી ગઈ.

કવિરાજ બિલ્હણે, વિશ્વંભર તરફ જોવા માટે હોય તેમ, પાછળ દ્રષ્ટિ કરી. તો વિશ્વંભર હજી જરાક છેટે હતો. પણ તે ત્વરાથી આવી રહ્યો હતો.

બિલ્હણને લાગ્યું કે વસ્ત્રલેખ મુનિજીએ ઝડપી લીધો છે. તેણે જરાક શ્રેષ્ઠીને એ વિશે નિશાની કરી, પણ વધુ કંઈ બોલે એટલામાં એણે વિશ્વંભરને સાથે થઇ જતો જોયો.

પણ કવિરાજ બિલ્હણના મનથી એણે સંદેશો મોકલી દીધો હતો! અને તેથી તેનું મન આનંદમગ્ન હતું.