Nayika Devi - 21 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 21

Featured Books
Categories
Share

નાયિકાદેવી - ભાગ 21

૨૧

વિદાય આપી

બીજે દિવસે મધરાતે રાજમહાલયના એક ખંડમાં ચાર જણાં બેઠાં હતાં: મૂલરાજ, ભીમદેવ, મહારાણીબા ને વિશ્વંભર! કોઈના આવવાની રાહ જોવાથી હતી. પહેરેગીરો સિવાય કોઈ જાગતું ન હતું. 

ભીમદેવને પોતાની યોજના વેડફાઈ ગઈ, એ બહુ ગમ્યું ન હતું. છતાં મહારાણીબાએ વાળ્યો એટલે એ વળ્યો હતો. સામે પડવાની એની હજી હિંમત ન હતી. છતાં એ અત્યારે મનમાં ને મનમાં તો, હજી એ વાતનો જ વિચાર કરી રહ્યો હતો. મહારાણીથી એ વાત અજાણી ન હતી. એના આવા અત્યંત આગ્રહી સ્વભાવને શી રીતે વીરત્વભરેલી ટેકમાં ફેરફી નાંખવો એ એક કોયડો હતો અને છતાં દેશ ટકે, જીવે, મારે કે ફના થાય એનો આધાર આ બંને કુમારોના સ્વભાવ ઉપર હતો – મુખ્યત્વે ભીમદેવના સ્વભાવ ઉપર – મહારાણીને મન આ એક મોટો પ્રશ્ન હતો.

અત્યારે ગંગ ડાભી ને સારંગદેવ સોઢો વિદાય લેવા માટે આવવાના હતા. તુરુકની સેનાના પળેપળના સમાચાર આંહીં આવતા રહે માટે વિશ્વંભરે કહેવા જેવી બધી વાત એમને કહી હતી. એમના આવવાની રાહ જોવાતી હતી. તુરુકના સમાચાર લેવા એ ઊપડવાના હતા.

‘ભીમદેવ!’ મહારાણીબાએ કહ્યું, ‘દેવરાજને ઈર્ષા આવે એવા તમારી પડખે ભેગા થતા જાય છે હોં! આ ગંગ ડાભી ને સોઢા જેવાતેવા નથી. ગંગ ડાભી અચાનક આંહીં આવી ચડ્યો, તો આપણે એની સાંઢણીની વાત જાણી. એ બંને ભગવાન સોમનાથના પ્રેર્યા જ આહીં આવ્યા છે. હું તો તુરુકને રોળાઈ જતો જોઈ રહી છું.’

‘હા, પણ...મા...!’ ભીમદેવ વધુ  બોલતાં અટકી ગયો. એને કહેવું હતું કે મેં એમને બોલાવ્યા’તા – મહારાજ અજયપાલનું વેર લેવા અને તમે મારી બાજી બગાડી નાખી.

નાયિકાદેવી એ સમજી ગઈ, તે હસી પડી: ‘અરે! ભોળિયો! તારા મનમાં જે વાત આવે, તે પછી ખસે જ નહિ, કાં? આ તે શું કહેવાય, ભીમદેવ?’

‘પણ મા, તમે ઘેર-ઘેર વાત થતી સાંભળી છે?’

‘શું?’

‘કે આ મહારાણીબા તો ઠીક, પણ મહારાજ અજયપાલના દીકરાઓ પણ આવા પાક્યા? બાપનું વેર લેવાનું પણ ભૂલી ગયા? આભડ શ્રેષ્ઠી બેઠો મજા કરે, ને આપણે સૌ એમને  હળીમળીએ? આ તે જમાનો પલટાયો છે કે શું?’

રાણી ગંભીર બની ગઈ. ‘ભીમદેવ! તું તારા મનમાંથી આ વાત કાઢી નહિ નાખે, કાં?’

‘પણ ત્યારે શું કરવું મા?’

‘તું જોજે ને શું થાય છે તે... મેં તને કહ્યું તે પ્રમાણે જ થવાનું છે. પણ જો, આ ગંગ ડાભીને મહારાજ મૂલરાજ આજ્ઞા આપશે, તું વિદાય દેજે, વિશ્વંભર સૂચના આપશે.’

‘એ તો તમે કહો છો તેમ જ થશે મા!’

‘એમ નહીં, હું તને ઓળખું તો દીકરા! તું પાછો એને છાની રીતે વિજ્જલનું માથું વાઢવાનું સોંપતો નહિ...’

‘અરે મા! તમે પણ માણસના પેટમાંથી...’ ભીમદેવે કહ્યું.

નાયિકાદેવી હસી પડી: ‘અરે દીકરા મારા! તારું એટલું, મન હું મા થઈને નહિ જાણું? બોલ, એ જ તારા મનમાં ચાલી રહ્યું છે નાં?’

‘હા મા! ચાલે છે તો એ જ! પણ તમને કેમ ખબર પડી?’

‘મારે આ દેશ સાચવવાનો છે દીકરા! તને પણ સાચવવો છે. આપણા માથે શું ઝઝૂમે છે તે તને હજી ખબર નથી લાગતી. માલવા ને યાદવ કોઈ તમને સુખે રાજ ભોગવવા નહિ દીએ. એવું થાશે ત્યારે આ કેલ્હણજી પણ ફરી જશે અને ધારાવર્ષદેવજી પણ, તમે જાગતા રહેશો તે તમારી પડખે રહેશે. જાગતા હશે તો હવે પાટણ રહે તેવું છે, તું જ વિચાર ને! કોઈ નહિ, ને હું મહારાજની વાત ભૂલી જાઉં? પણ તો ધીરો થા તો ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પણ આ ડાભી આવે છે, એને હસતે મોં એ વિદાય દેજે હોં! નહિતર એ પાછો ડાભી છે!’

ગંગ ડાભી અને સારંગદેવ સોઢો બંને આવી રહ્યા હતા.

એમની જાતભાત જુદી જ હતી. એ પાટણની રાજનીતિ કે રાજઆજ્ઞા જોવા ઊભા રહે એવા નહિ. એ વ્યક્તિગત ઘેલછા ભરી બહાદુરીના ભક્તો હતા. એમને તો ભીમદેવનો આંખઅણસારો એ જ રાજઆજ્ઞા! 

ભીમદેવે ભેગા કરેલા આ વીરોની નાયિકાદેવી પ્રશંસક હતી. પણ તેની સાથે જ નગર ઉપર કોઈક વખત એમાંથી અવિવેકીને હાથે કેવી આફત ઊતરી પડે, એ પણ એ જાણતી હતી. 

એની કલ્પના સમક્ષ કોઈ વખત મધરાતે પાટણના ભવ્ય ખંડેરો ઊભાં થઇ જતાં ને એ ઝબકીને જાગી હતી!

રાણીનો સઘળો પ્રયાસ પોતાના આ વીર પુત્રને ખરેખરી વીરતા આપવા માટેનો હતો. એમ અતે એ આકાશપાતાળ એક કરી રહી હતી. એને પાટણ ટકાવી રાખવું હતું. 

એટલે એ આ વાતને ઘણી શાંતિથી, ઘણી ધીરજથી, ઘણા પ્રેમથી અવનવી રીતે સમજાવવા મથતી હતી.

એને ખબર હતી, ભીમદેવ નહિ મને તો નહિ જ માને. એ અપ્તરંગી ઘેલી રાજપૂતીનો વારસ, જો ગાંડી શૂરવીરતાને પંથે ચડી ગયો તો, પાટણને ખેદાનમેદાન કરનારી આંતરજુદ્ધની જ્વાળા લાવશે. પછી તો એ પાટણને રોળતો જાશે ને માનશે કે હું પરાક્રમ કરી રહ્યો છું!

રાણી પ્રેમભરેલી આંખે પોતાના શૂરવીર, રૂપાળા કુમારને દેખી રહી. અત્યારે તો મનનું સમાધાન થયું હોય તેમ એ શાંત દેખાતો હતો.

ગંગ ડાભી થોડે દૂર આવીને બે હાથ જોડીને અટકી ગયો. એની પાછળ જ સારંગદેવ સોઢો હતો.

‘ડાભી!’ મહારાણીએ એને પાસે બોલાવ્યો. ‘આંહીં મારી પાસે આવો. હવા પણ આપણી દુશ્મન છે. ને તમે એવા કાળે નીકળો છો કે કોઈને ખબર પડે એટલી વાર. બોલો, ‘રૂપમઢી’ને તૈયાર કરી?’

‘હા બા! એમાં કાંઈ કહેવાપણું નથી!’

‘તમે કઈ દશ પકડશો?’

‘અમે તો બા! વઢિયાર પંથકમાંથી જાવાના.’

‘બસ, હું તમને એ જ કહેતી હતી. સુરત્રાણ ત્યાં મુલતાનની આસપાસ સૈન્ય ભેગું કરે છે. એ સૈન્ય કેટલું છે, ક્યાં જાવાનું છે, ને પાટણ એના ધ્યાનમાં છે કે નહીં, એ અત્યારે જાણી લાવવાનું છે. તમે આવી રીતે જ જાશો?’

‘અરે! હોય કાંઈ બા? અમારી ભેગી સાંઢણી હાલશે પચીસ ત્રીસ. ને લૂંટફાટ કરવાનું મળે તો ગમે ત્યાંથી રોટલો રળી લેવો છે, એવી વાત કરતા કરતા અમે ઠેઠ સુરત્રાણની છાવણી સુધી પહોંચવાના!

‘અને જુઓ. જે-જે ઠેકાણેથી જે-જે સમાચાર મોકલો તે બધાંય મોંના મોકલજો. તમારી સાથે કોણ છે?’

‘રામદેવ છે, સારંગ છે, બીજલ છે. માન મકવાણો છે.’

‘એમને તમે નાણી જોયા છે?’

‘એ બધાંય સોમનાથની આડે માથું કરી દેનારા છે. એમાં મીનમેખ ન મળે.’

‘થયું ત્યારે, મહારાજને કાને વાત નાખો વિશ્વંભર!’ વિશ્વંભર મૂલરાજ પાસે ગયો. વાત તો બધી થઇ ગઈ હતી. મૂલરાજે ગંગ ડાભીને પાસે બોલાવ્યો. પોતે પોતાને હાથે તિલક કર્યું. સોનેરી મૂઠવાળી કટાર એને ભેટ આપી. અને ભાવભરી વાણીમાં કહ્યું, ‘ડાભી! તમને અમે મરવા મોકલીએ છીએ. અમને ખબર છે. પણ જ્યાં તમે હશો ત્યાં ભગવાન સોમનાથ તમારી સાથે હશે. તમે સોમનાથ પાટણના દ્વારપાલ છો અને ભગવાન સોમનાથ પોતાના દ્વારપાલને નહિ ભૂલે! જાઓ, અને વિજય કરો! ભીમદેવ! આ ડાભીને વગર હરકતે પસાર થવા દેવાનો લેખ લખી દ્યો.’

ભીમદેવ ઊભો થયો. ડાભીને ભેટ્યો, સારંગદેવને પણ ભેટ્યો. એક રીતે આ બે જણના વિશ્વાસ ઉપર જ અત્યારે પાટણના સેનનો આધાર હતો. મહારાજ અજયપાલના વખતના એ જૂના જોગી હતા. એટલે એમને આવા અગત્યના કામે રોક્યા હતા. એમની પાસે હતી એવી સાંઢણીઓ કોઈ પાસે ન હતી અને કદાચ ક્યાંય ન હતી.

મહારાણીએ ઊભા થઈને બંનેનાં માથા ઉપર આશીર્વાદ દેતો હાથ મૂક્યો.

ગંગ ડાભી ને સારંગદેવ સોઢો બંને હાથ જોડીને રાજકુટુંબને નમ્યા.

અને પછી પોતાના કામે ચાલી નીકળ્યા!

એ પકડાય તો રેતસમદરમાં જીવતા ભંડારાઈ જવા માટે જતા હતા. સોમનાથના પૂજારીનો છોકરો પહેલા હુમલા વખતે એમ જ ભંડારાઈ ગયો હતો.

સૌ એમને જતા જોઈ રહ્યા.

એ અદ્રશ્ય થયા. મહારાણીબાની આંખ ભીની થઇ ગઈ. ‘આ ધરતી! કોણ જાણે કેટલાં નરરત્નો આ અમારે માટે જીવ દેવા નીકળી પડશે!ઓ હો! આ તે કાંઈ ધરતી છે?’ એના મનમાં મંથન ચાલી રહ્યું હતું.