Nayika Devi - 20 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 20

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 20

૨૦

વિશ્વંભરે કહેલી વાત

વિશ્વંભર શા સમાચાર લાવ્યો હશે એ સાંભળવાની સૌની ઉત્સુકતા હર ક્ષણે વધતી જતી હતી. 

અર્ણોરાજ પોતાના મનમાં વિચાર કરી રહ્યો. મહારાણીબાએ ફરીને એક વખત વાતાવરણને ફેરવી નાખ્યું હતું એ વાતનો દોર પોતાના જ હાથમાં લઇ લીધો હતો. બિલ્હણ આંહીં હતો. લેશ પણ ઘર્ષણનો અવાજ એને કાને ન આવે એ સંભાળવાનું હતું. પણ અત્યારે જે રીતે પરિસ્થિતિનો લાભ મહારાણીબાએ લઇ લીધો હતો, તે વસ્તુ અર્ણોરાજના ખ્યાલમાં પણ આવી ન હતી. એની સાથે હમણાં જ મહારાણીબાએ વાત કરી હતી. ત્યારે જ આ ત્વરિત નિશ્ચય કરી લીધેલો હોવો જોઈએ. એને લાગ્યું કે પ્રત્યુત્યન્નમતિ જાણે કે મહારાણીબા એ લઈને જ જન્મ્યાં હતાં!

મહારાણીબાની સાથે વાત થઇ ત્યારથી એક વાત તો એ સમજ્યો હતો: વિજ્જ્લ હત્યારો છે, એવો નિર્દેશ કરવામાં  મોટું જોખમ હતું. મહારાણીબાનો એ સ્પષ્ટ આદેશ હતો. એને માટે રાહ જોવી એ એક જ ઉપાય હતો. ભીમદેવનું પિતૃહત્યા માટે બળીઝળી રહેલું હૈયું સાંત્વન લે ને એ નવું કામ પણ એને અપાય, એવો તોડ નીકળવાનો સંભવ જણાતાં જ મહારાણીબા અત્યારે પ્રગટ થયાં હતાં! આ તાત્કાલિક નિર્ણયે અર્ણોરાજને આશ્ચર્યમાં નાખી દીધો હતો. મહારાણીબા પોતાની રીતે કાંઈક પણ રસ્તો કાઢ્યા વિના નહિ રહે એમ તો એ જાણતો જ હતો. 

હવે શો રસ્તો એમણે કાઢ્યો છે, એ જાણવાની એને પણ સૌની જેમ કીડીઓ ચડી!

વિશ્વંભર ત્યાં આવ્યો ને પળ બે પળ સ્થિર ઊભો. 

‘મહારાણીબા! મેં આપને વાત કરી હતી,’ તે બોલ્યો, ‘અત્યારે હું આપને ખોળતો આવી રહ્યો છું.’ 

રાણીએ એની સામે જોયું: ‘શું છે વિશ્વંભર?’

‘મહારાણીબા! હરએક પળ કીમતી છે. છેલ્લા સમાચાર આવ્યા છે. તુરુક રવાના થઇ ચૂક્યો છે!’

‘રવાના થઇ ચૂક્યો છે? હેં? શું વાત કહો છો? કોણે કહ્યું?’ સેંકડો અવાજો એકસાથે આવ્યા. એ બધામાં જુદાં તારી આવતા ગંગ ડાભીના અવાજે રાણીને ચમકાવી દીધી. એણે જોઈ લીધું કે ડાભી એક યોદ્ધો ન હતો, એક સૈન્ય બરાબર હતો, અજિત કિલ્લો હતો, ભીમદેવની પડખે અર્ણોરાજ હોય, ડાભી હોય, સોઢો હોય, પછી એની રણક્ષેત્રની કીર્તિને તો કોઈ પહોંચે નહિ. 

નાયિકાદેવીના મનમાં એક મહાસ્વપ્ન આવી ગયું. પોતાનો પુત્ર ‘અભિનવ સિદ્ધરાજ’ બને, એ વિચારે એનું અંત:કરણ આનંદથી ભરાઈ ગયું. પણ એ સમજતી હતી. અભિનવ સિદ્ધરાજનો ઘડનારો જો કોઈ ન હોય, તો ભોળિયા ભીમનો એકલો આવેગ મારી દે તેવો હતો.

મહારાણીબાએ સૌનીએ સંભળાવવા માટે, એક હાથ ઊંચો કર્યો. તરત શાંતિ ફેલાઈ ગઈ. વિશ્વંભરે પોતે જોઇને આવ્યો હોય એવી છટાથી વાત ઉપાડી: ‘બા! તુરુક આવે છે. પોતાના થાનથી ઊપડી ચૂક્યો છે. એની સાથે અગણિત સેના છે. એનું ઘોડેસવારી દળ ભારે કસાયેલું ને મજબૂત છે. એની એક યોજના હાથ આવી છે. પહેલાં એ આપણા હાથીદળને નકામું કરી દેવા માગે છે.’

એક કાંકરી પડે તો સંભળાય એવી શાંતિથી સૌ વિશ્વંભરને સાંભળી રહ્યા હતા.

નાયિકાદેવીને આ ફેરફાર જ જોઈતો હતો. તેણે બોલ્યા વિના વિશ્વંભરને આગળ બોલવાનું ઉત્તેજન આપ્યું.

વિશ્વંભર આગળ વધ્યો. મહારાણીબાએ તેને તુરુકની વાત લાવવાને એના દળની હિલચાલનું વર્ણન કરી હવા ફેરવી નાખવા માટે જે વાત કાનમાં કહી હતી તેને અનુરૂપ વસ્તુ લાવવા, એ પ્રયત્ન કરી રહ્યો, ‘તુરુક અજમેર ઉપર થઈને આવશે. તેની નોંધ પાટણ ઉપર છે. ફોજની જમણી પાંખે કાળો ઝંડો ફરકે છે. ડાબી પાંખે એણે લાલ ઝંડો ફરકાવ્યો છે. એને આગળ દોરનારો ઝંડો લીલો છે. એના ફરમાન ઉપર ‘નસુમ્ મિનલ્લાહ’નો સંદેશો છે. આગળ વધનાર સૈન્યને આ એણે અચળ સિદ્ધાંત બતાવ્યો છે!’

‘પણ એનો અર્થ શો છે? એનો અર્થ શો છે?’ ઠેકઠેકાણેથી પ્રશ્ન થયો.

‘તુરુક મહા વિચક્ષણ છે. સૈન્યને બળ આપનારું આ સૂત્ર એણે અપનાવ્યું છે, એનો અર્થ છે અલ્લાહ તરફથી સહાય!’

‘જય સોમનાથ!’ ગગનભેદી અવાજમાં વિશ્વંભરને પ્રત્યુત્તર મળ્યો અને અનેકના મોં ઉપર વીરશ્રી ચમકી ગઈ. લડાઈને સામે જોતાં હોય તેમ અરધા ઊભા થઇ ગયા.

વાતાવરણ બદલાઈ ગયું. નાયિકાદેવીએ તરત એનો લાભ લીધો.

‘જુઓ રણવીરો! એક ગર્જનક બૃહદ્ ભીમદેવ મહારાજના સમયમાં આવ્યો હતો, એ ફાવી ગયો. કારણકે એણે પટ્ટણીઓને સૂતા પકડ્યા હતા. એટલે આ આપણને ઊંઘતા ન પકડે, એ આપણે જોવાનું છે. ગંગ ડાભીની સાંઢણીની વાત હમણાં સાંભળીને મને એક શેર લોહી ચડ્યું છે! ગંગ ડાભી! તમારી એ સાંઢણી સાંઢણી નથી, એ તો આપણા દેશની આબરુની ધજા છે! હું તો કહું છું, તમે ને સારંગદેવ સોઢાજી, બે’ય બેનું ઉપર હમણાં ને હમણાં ખંખેરી મૂકો!’

‘ક્યાં મા? એ બેને તમે ક્યાં મોકલો છો!’ ભીમદેવે કહ્યું.

‘આપણે કામે બેટા! તારે જ કામે!’ નાયિકાદેવીએ કહ્યું, ‘આ જે તુરુક આવી રહ્યો છે એ આપણને ઊંઘતા ન પકડે, એ જોવાનું છે. આપણે જાણવું છે, કે એનો રસ્તો કયો છે? મુલતાન, અજમેર અને આબુ પંથક એ રીતે એનો રસ્તો છે કે બીજો? એટલે મુલતાન મૂકીને એ આગળ વધે પછી આપણને પળેપળની એની હિલચાલ મળતી રહે એ જરૂરી છે. એ વાત આ બે વિરલા વિના નહિ બને. ગંગ ડાભી ને સારંગદેવજી સોઢો આપણને જાગતા રાખે તો, ભીમદેવ! આ વખતે આપણે ઊંઘતા ન પકડાઈએ. આ વખતે તુરુક ખો ભૂલી જાય, એવો ઘા આપણે એને મારવો છે. બીજું બધું પછી થઇ રહેશે. પણ પહેલાં આ તુરુકને સંભાળો.’

મહારાણીના ઉત્સાહી શબ્દે વાતાવરણને ફેરવી નાખ્યું. કાને ‘જય સોમનાથ!’ના ગગનભેદી અવાજના પડઘા પડ્યા.

પણ મહારાણીબા ભોળિયા ભીમદેવનો આગ્રહી, ઉતાવળો, જરાક પણ અપમાન સહન ન સહે એવો અટંકી સ્વભાવ જાણતાં હતાં. એના ઉપર ઘા કરીને કોઈ વસ્તુ કરવા જાય તો પાસા ઊંધાં પડે.

એટલે મહારાણીબા ભીમદેવ તરફ ફર્યા, તેની પાસે ગયાં. તેના કાનમાં પ્રેમ-સમજાવટથી કયું, ‘ભીમદેવ!  બેટા! આ બે સોરઠી જોદ્ધાઓ વિના તુરુકની હિલચાલની પળેપળની હકીકત આપણને મળી રહી. પળેપળની છેલ્લામાં છેલ્લી ખબર આવતી રહેશે તો આપણે તુરુકને ભોં ભેગો કરી દેશું. દેશભરમાં આપણું નામ ગવાશે. વિજ્જ્લનું કાસળ પણ કાં તો આમાં જ નીકળી જાય છે. એણે કાં વિંધ્યવર્માને સાધ્યો હશે, કાં તુરુકને. બેમાંથી એકને આપણા ઉપર ઘા કરવા માટે એણે સાધ્યો હશે. એ બધી ખબર પણ આમાં પડી જાશે પણ બધી વાત બહુ ઝીણવટની છે. આ વાત આંહીં કરવા જેવી નથી. આટલી જ વાત બસ છે. આપણે રણયોજના કરીશું ત્યારે બધી વાત. કુમારદેવની ખબર આવશે એટલે  બધી ચોખવટ થઇ જાશે. વિંધ્યવર્માના બળ ઉપર વિજ્જલ કૂદતો હશે, તો-તો કુમાર ત્યાં ગયો છે. એટલે બધી વાત બહાર આવશે જ આવશે.’

નાયિકાદેવી ભીમદેવની વધારે પાસે સરી, હેતથી તેના ખભા ઉપર હાથ મૂક્યો. બહુ જ ધીમેથી બોલી, ‘આભડ શ્રેષ્ઠી પણ કેટલામાં રમે છે, એ હવે કળાઈ જશે ભીમદેવ!’

‘મા, એ તો મેં તમને પહેલેથી જ કહ્યું હતું, કે એ વાણિયો જ બાપુને ઘા મારી ગયો છે!’

‘એનુંય થઇ રહેશે દીકરા! મહારાજને હણનાર કોઈ જીવતો નહિ જાય. આંહીં બિલ્હણ આવ્યો છે. જો આભડ શ્રેષ્ઠીની દાનત ખોરી હશે તો એને ત્યાંથી જ એના સંદેશાવાહકો માળવા જવા ઊપડતા હોય, એટલે એમને પકડવાની ગોઠવણ થઇ ગઈ છે. તું જો તો ખરો, શ્રેષ્ઠી પકડાશે તો પછી એ છે ને હું છું.’

ભીમદેવ કાંઈક વળ્યો, તે કચવાતો બોલ્યો, ‘તો ભલે, તમને ઠીક લાગે તેમ કરો મા!’ 

ભીમદેવના મનનું સમાધાન કરીને રાણી અર્ણોરાજ તરફ ફરી, ‘અર્ણોરાજ, ગંગ ડાભી, સારંગદેવજી! મહારાજ ભીમદેવ તમને કહેશે હવે તમારે શું કરવાનું છે. વાતને હવે આંહીં ચોળવી રહેવા દ્યો. આંહીં કોઈ વિશ્વાસઘાતી હોય તો થઇ રહ્યું. લડાઈ વખતે માણસના હૈયામાં વિશ્વાસઘાત રહેતો નથી. હવામાં રહે છે. એટલામાં બધું સમજવા જેવું છે ભીમદેવ! આ વિશ્વંભર તને વધુ વાત કહેશે. ગોઠવણ કરો. કાલ સવાર પહેલાં તો ગંગ ડાભી ને સારંગદેવજી પંથે પડી જાય એવું કરો. પણ જોજો એમના ભેગા જાય – એ કોઈ નાણ્યા વિનાનાં – નગુરવા ઘૂસી જાય નહિ હોં, નહિતર વાત બધી મારી જશે!’

અર્ણોરાજ સમજી ગયો. તે ઊભો થયો: ‘જોદ્ધાઓ! મહારાજ ભીમદેવ તમને ફરીને આંહીં જ બોલાવશે. મહારાણીબાની વાતે આપણને જાગતા કરી દીધા છે. આપણને કોઈ ઊંઘતા સપડાવી જાય નહિ એ પહેલાં જોવાનું છે. વળી મહારાણીબાએ એક વાતે બે કામ થઇ જાય એવી વસ્તુ આમાં બતાવી દીધી છે. એટલે હવે આપણે આંહીંથી વીખરાઈએ તે પહેલાં ભગવાન સોમનાથના શપથ લઈને આંહીંની વાત આંહીં મૂકી જવાનો સૌ સંકલ્પ કરીએ. બોલો, જય સોમનાથ!

‘જય સોમનાથ!’ ઉત્સાહભર્યો પ્રત્યુત્તર આવ્યો.