Nayika Devi - 19 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 19

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 19

૧૯

ગંગ ડાભી

બોલનાર કોણ હતું એ તરફ મહારાણી નાયિકાદેવીનું ધ્યાન ખેંચાયું.

એનો ભોળિયો ભીમદેવ જ બોલી રહ્યો હતો. એનો અવાજ ઉત્સાહભર્યો પણ આવેશવાળો ને ઉતાવળો હતો: ‘પાટણના જોદ્ધાઓ!’ તે બોલ્યો, ‘આજ આપણે સૌ એક કામ માટે  ભેગા થયા છીએ. મહારાજનું મૃત્યુ આપણને એક જીવલેણ ઘા મારી ગયું છે. એ ઘા મારનારો કોણ હતો? કોઈ જાણો છો?’

‘વૈજાક! (વિજ્જલદેવ) એ કામો વૈજાકનો છે. બધા જાણે છે.’ ઠેકાણે-ઠેકાણેથી મોટેથી અવાજ આવ્યા.

‘એ કામો વૈજાકનો નથી, ખરી રીતે તો આભડ શ્રેષ્ઠીનો છે. વિચાર કરો.’ બીજા કોઈએ બૂમ મારી. ‘ત્યારે તો એ કામો આભડ શ્રેષ્ઠીનો પણ નથી, જૈનોનો જ છે. એમને મહારાજ સાથે હાડોહાડ વેર બંધાયું છે. એનું આ પરિણામ છે. આ કામો જૈનોનો છે!’ ત્રીજો સૂર નીકળ્યો.

‘આ કામો આ  બધાનો છે!’ કોઈક મોટેથી બોલી ઉઠ્યું.

‘હું પણ એમ માનું છું.’ ભીમદેવે જવાબ વાળ્યો, ‘કામો આ બધાનો છે અને બધાનો એક પછી એક આપણે હિસાબ પણ પતાવવાનો છે.’

‘એ તો પતાવવો જ પડે નાં ભા! પાટણના ગાદીવારસો રાજપિતાનું પણ વેર નહિ લ્યે તો પછી રાજ કરી રહ્યા!’ કોઈક આખાબોલા રજપૂત જોદ્ધાનો અવાજ હતો.

ભીમદેવ આગળ વધ્યો: ‘પણ એ સાથે જ આપણે બીજી વાતનો પણ વિચાર કરવાનો છે. રાજ મહારાજ મૂલદેવનું છે. આપણે સૌ તો એનાં સેવક છીએ. આંહીં પાટણમાં અત્યારે કેલ્હણજી છે, રાઉલજોગી છે, બીજા પણ સામંતો છે. પણ મહારાજની આજ્ઞા વિના વૈજાકનું નામ ન લઇ શકે. જાણે સૌ પણ બોલે કોઈ નહિ એટલે આપણે પણ આ કામ મહારાજની જાણ બહાર કરવું રહ્યું, કારણકે વૈજાક મહા ધૂર્ત છે. મહારાજ તો ન્યાયની દેવડીમાં વૈજાકને જોખી જુએ, એમાં એ એક રતી પણ નિર્દોષ ઠરે તો મહારાજે એને છોડી મૂકવો પડે. આ વાત છે અને વૈજાક ક્યાં ઓછો છે? એ પોતાનું નામનિશાન શેનું રહેવા દે? કામો એણે કર્યો છે. પણ એનો કોણ સાક્ષી? કોઈ નહિ! આવી એની ઠગરમત છે!’

‘એટલે મહારાજ પાટણપતિ આ વાતને ન્યાયની પાસે મૂક્યા વિના એને અડી ન શકે. એને ન અડે એમાં જ એની શોભા.’

‘વળી તુરુકના ઘોડા અધીરાં થઇ રહ્યાં છે, એ વાત પણ આમાં આડે આવે છે.’

‘પણ તેથી કાંઈ વૈજાકને કોરો જવા ન દેવાય. આપણે રસ્તો કાઢવો રહ્યો.’

‘એટલે આપણે વૈજાકને ભાલાની અણીએ ઉપાડી લેવો છે એ ચોક્કસ અને રાજપિતાની હત્યાનો બદલો આપી દેવાનો છે. બોલો, તમારામાંથી કોણ આ કામ માટે તૈયાર થાય છે?’

‘હું! અમે! અમે બધા! આપણું નામ નોંધજો ભા! અરે! સૌથી પહેલાં અમે!’ આવા-આવા અનેક પ્રકારના અવાજથી વાતાવરણ ઘડીભર ખળભળી ઊઠયું.

ભીમદેવે હાથ લાંબો કર્યો, ‘તમે સૌ તૈયાર જ હશો, એ તો હું જાણતો હતો. સૌના દિલમાં મહારાજની મૂર્તિ બેઠી છે. પણ આ વાત આંખમાંથી કણું કાઢે એ રીતે કરવાની છે. જેમ એ ઘા મારી ગયો ને સૌ આંખ ચોળતા રહી ગયા. બરાબર એ જ પ્રમાણે ઘા કરી આવવો જોઈએ, ઘા કરનાર કોણ છે એનો પત્તો લાગવા ન દેવો જોઈએ.’

‘પત્તો લાગે તો?’ એક જણો બોલ્યો.

‘પત્તો લાગે તો મહારાજના ન્યાયે ન્યાય. એમાં કોઈ હાથ આડો દઈ શકે નહિ. જેને પોતાની સાંઢણીમાં વિશ્વાસ હોય એ આગળ આવે. ઘા મારીને પકડાશે તો કોઈ એને બચાવી નહિ શકે!’

પળભર મૌન ભરેલી શાંતિ છવાઈ ગઈ. એટલામાં ભીમદેવના સામે ગંગ ડાભી આગળ આવ્યો. એની ભરપટ ઊંચાઈ અને કાદાવર શરીર સૌ જોઈ જ રહ્યા. એની પડખે તરત સારંગ સોઢો પણ આવીને ઊભો રહ્યો!

એમણે બંનેએ મહારાજ ભીમદેવને બે હાથ જોડ્યા: ‘મહારાજ! અમે સોરઠથી સાંઢણિયું લઈને આવ્યા છીએ જ, આટલા સારુ. મહારાજ ઉપર ઘા કરનારો આજ દી જીવતો રહ્યો એની જ અમને તો નવાઈ લાગી છે. અમે બેય જણા તૈયાર છીએ!’ 

પણ ગંગ ડાભીનો આ બોલ સંભળાયો ન સંભળાયો, ને સાત-આઠ જોદ્ધાઓ સભામાં જુદે-જુદે ઠેકાણે ઊભા થઇ ગયા.

‘પણ ભા! આંહીં પાટણમાં સૌ શું મરી પરવાર્યા છે તે છેક સોરઠાથી તમને તસ્દી આપવી પડે? હજી તો રાજનું તેજ તપે છે. આંહીંથી પણ ઊભા, એ બધાંય તૈયાર છે?’

ભીમદેવે ચારેતરફ દ્રષ્ટિ કરી. એક કરતાં એક ચડે એવા દસબાર રણટેકીલા જોદ્ધા ઊભા થઇ ગયા હતા. ખડગને આધારે અડગ ઊભેલી એમની ઊંચી કાદાવર દેહ જાણે પાટણના વીરભદ્રોની પંક્તિ હોય તેવી શોભી રહી હતી.

‘અમારી પાસે પણ સાંઢણિયું છે મહારાજ! મહારાજ અજયપાલને નામે અમે પણ તૈયાર છીએ. આંહીં હજી પાધર નથી થયું કે ઠેઠ સોમનાથથી ગંગ ડાભીને ત્યાં જોવું પડે!’

આ રસાકસીનો મામલો નાયિકાદેવી સાંભળી રહી. પાટણમાં વીરપુરુષોની ખોટ ન હતી. પણ એ સૌને એક તંતુએ પરોવી લેનાર હવે કોઈ રહ્યું નથી એ લાગી આવ્યું.

એટલામાં અર્ણોરાજ બેઠો થયો. તેણે આ ઊભેલા રણજોદ્ધાઓને નિહાળ્યા. ગંગ ડાભી સામે જોયું, સારંગદેવ સોઢાને નીરખ્યો, પછી મહારાજને હાથ જોડ્યા: ‘મહારાજ! આમાંથી એકથી બીજાને તારવી શકાય તેમ નથી. એકથી બીજા ચડે તેવાં ઊભા છે. પણ બોલો ભા! કોની સાંઢણી કેટલા જોજનપંથી છે એ વાત હવે કરો.’

‘અમારી ‘રૂપમઢી’ની તોલે કોઈ ન આવે ભા! એણે હવાની હારે એકથી વધુ વાર હોડ રાખી છે. અને હવા એમાં હારી ગઈ છે!’ ગંગ ડાભી બોલી ઊઠ્યો.

‘એમ?’ પાટણના જોદ્ધાઓમાંથી એક જણે વાત ઉપાડી લીધી, ‘તમે ‘જોગમાયા’નું નામ સાંભળ્યું છે?’

‘તમે કોણ ભા? તમારું નામ આપો જોઈ, તો ખબર પડે.’

‘મારું નામ રાણંગ વાઘેલો!”

‘હા હા, રાણંગ વાઘેલા! તારું નામ બાપ, અમારે ત્યાં નોંધ્યું પડ્યું છે. તમારી પાસે ‘જોગમાયા’ છે. ઈ કાંઈ અમારું અજાણ્યું હોય ભા? કઈ સાંઢણી ક્યાં છે એનું લેખું તો અમારા નખમાં બેઠું હોય! એમ નો’ય તો-તો ગમે ઈ ઘા મારીને હાલ્યો જાય. તમારી ‘જોગમાયા’ સાચી, પણ રાણંગ વાઘેલા! ધોડ તો જાણે સૌ કરે. એ ધોડ ટકે ખરી?’

‘ત્યારે નહિ?’ રાણંગ વાઘેલાએ તેજભર્યો જવાબ વાળ્યો, ‘મા’રાજ મેર બેસે પણ ‘જોગમાયા’ થાકે નહિ, પછી ભલે ભળકડે નીકળી હોય!’

‘એમ?’ ગંગ ડાભીએ કરડાકીભર્યો કતરાતો પ્રશ્ન કર્યો: ‘પણ ભા! આ અમારી રણબંકી ને રૂપમઢી બે બેનું છે ના, ઈ તો બાપ! આજ મા’રાજની ટશર ફૂટ્યે નીકળે, ને કાલ મા’રાજની ટશર દેખે તઈ રયે! અમથું ‘રૂપમઢી’ નામ પડ્યું હશે? આ ઈ તાકાત છે કોઈનામાં? હોય તો હજી બોલી દ્યો! ધોડ તો સૌ કરે, ટકે કો’ક!’

ગંગ ડાભીનો આહ્વાન દેતો અવાજ સૌને ભારે પડી ગયો લાગ્યો. વાતાવરણ એકદમ શાંત થઇ ગયું હતું, પણ ગંભીર બનતું જતું હતું. જાણે કોઈ નાક કાપી જતું હોય, તેવું કેટલાકને લાગવા માંડ્યું હતું. 

અર્ણોરાજ સમજી ગયો. તેણે તરત જ વાત ફેરવી તોળી: ‘એ તો બરાબર છે. આમાં ઉતાવળ ને ટકી રહેવાની તાલીમ હોય તો આપણું કામ એટલું વધારે સફળ થાય. આપણે તો કામ સાથે કામ છે. અત્યારે હોસાતોંસી નો’ય.’

‘એમ કરો ને વાઘેલા!’ ગંગ ડાભીને પાનો ચડ્યો હતો. તેને પોતાની સાંઢણી વિશે ગર્વ હતો: ‘જુઓ ભા! જાણે જાત-કજાતની પરીક્ષા આવે ટાણે થાય, તમારી ‘જોગમાયા’ છે એની જાત કઈ?’

‘કેમ જાત કઈ?’

‘અરે બાપ! એનો વહીવંચો હશે નાં! અમારે ત્યાં તો આનાય વહીવંચા પડ્યા છે! નકર જાત-કજાતની ખબર શું પડે? અમારી કઈ જાત છે, જાણવું છે?’

‘કઈ જાત છે?’

‘અજમેરના રાજા અજયદેવ થઇ ગયા. એની રાણી સોમલદેવી માલવાના સેનાપતિ સલ્હણને, આ રાજા રાતોરાત સાંઢણી ઉપર બાંધીને ઉપાડી લાવેલ. એ સાંઢણી હતી નાં, રણભદરી – આ એનો વંશવેલો હાલ્યો આવે છે. આ અમારી ‘રૂપમઢી’ એની અમારે ત્યાં ત્રણ-ત્રણ પેઢીથી વાતું નોંધતી આવે છે. તમારે ત્યાંય નોંધ હશે નાં? તમારી સાંઢણીનો શો વંશવેલો છે, ભા? બોલો જંઈ? કાંક તો હશે નાં? કે પછી આડાઅવળા બોતડામાંથી રૂપે મઢી છે?’

વાઘેલો ડઘાઈ ગયો, સાંઢણીના આવા વંશવેલાની એણે ખબર હતી પણ ગંગ ડાભીએ તો હદ કરી હતી! ત્રણ-ત્રણ પેઢીનો ઈતિહાસ ઉખેળ્યો હતો.

અર્ણોરાજે જોયું, રાણંગ વાઘેલાની સિવાઈ ગયેલી જીભમાં કેટલાકને પાટણનો પરાજય દેખાતો હતો, બે સોરઠી જોદ્ધાઓ મેદાન મારી જાતા હોય એવી હવા થઇ જવા લાગી. નવી જ હવા ઊભી થઇ જતો એણે જોઈ.

મહારાણીએ જોયું. તેને ત્વરાથી વિશ્વંભરને કાનમાં કાંઈક કહી નાખ્યું. વિશ્વંભર આશ્ચર્યચકિત થઇ ગયો પણ મહારાણીને એ કાંઈ વધુ પૂછે તે પહેલાં તો એણે જોયું તો રાણી આગળ નીકળી ગઈ હતી.

મહારાણીને લાગ્યું કે આ બરાબરનો સમય હતો. જ્યારે આ રણજોદ્ધાઓ જરાક ક્ષોભ પામી ગયા હતા અને સોરઠી ગુજરાતીનો ભેદ પ્રગટ થઇ રહ્યો હતો! 

તે ત્વરાથી આગળ વધી. એ પ્રકાશમાં આવતાં ને એને પોતાને આંહીં જોતાં જ બધા એકદમ આભા થઇ ગયા.

અર્ણોરાજ પોતાના ધ્યાનમાં બોલવા જતો હતો, ‘ગંગ ડાભી! તમારી સાંઢણી તો ઠીક, પણ આંહીં પણ આંહીં તો માથા સાટે...’ પણ એનો શબ્દ મોંમાં જ રહી ગયો. તે ફાટી આંખે સામે જોઈ રહ્યો: મહારાણીબા પોતે આવી રહ્યાં હતાં!

મહારાણીબાને આવતાં જો જોદ્ધાઓ ટપોટપ ઊભા થવા માંડ્યા. કેટલાકને મહારાણીબાનું અત્યારનું આગમન એમના કામની ચોકી કરનારું લાગ્યું. કેટલાકને એ અગાઉથી યોજેલું જણાયું. રહેવું કે જવું એ સમજણ કેટલાકને પડી નહિ. 

મહારાણીબાએ પોતે તો મહારાજના ઘાત વિશે તે દિવસે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી હતી. આ વાત એમની વાત વિરુદ્ધ હતી. 

એટલે આંહીં રહેવું તે મહારાણીબાનું અપમાન કરવા જેવું હતું. જવું કે રહેવું એ દ્વિધાવૃત્તિમાં પડેલાં ઘણા આડાઅવળા થઇ ગયા ને પ્રકાશને બદલે અંધારું શોધી રહ્યા. પણ એટલામાં તો મહારાણીબા નાયિકાદેવી ગૌરવથી આગળ આવી. પોતે એમના કામમાં ડખલ કરવા આવી છે એવો દેખાવ થઇ ન જાય એની સાવચેતી રાખીને, એ તમામ પરિચિત ચહેરાઓને માથું હલાવીને ઓળખતી હોય, તે ઉત્તેજન આપતી હોય તેમ, આગળ વધી રહી હતી.

મહારાણીબા અત્યારે કેમ આવ્યાં હશે એ અર્ણોરાજ પણ સમજી શક્યો ન હતો. જ્યારે ભીમદેવ તો પોતાની માને અત્યારે – આંહીં જોઇને ક્ષોભ પામી ગયો હતો. કુમારદેવને વિદાય આપવાના કામમાં અત્યારે એ મશગૂલ હોવાં જોઈએ એમ એણે ધાર્યું હતું. 

નાયિકાદેવી બધાંની મનોવૃત્તિ વિશે સજાગ હતી. કોઈ જોદ્ધાના ગૌરવનો જરાક પણ ભંગ ન થાય એ ઈચ્છવા જેવું ન હતું. એટલે તે તત્કાલ ભીમદેવ પાસે જ પહોંચી ગઈ.

એ ત્વરાથી ત્યાં આવી. ભીમદેવના માથા ઉપર પ્રેમથી હાથ મૂક્યો. પોતે જાણે હમણાં જ જાણ્યું હોય ને પોતે ઉતાવળથી એ કહેવા માટે દોડી આવી હોય, એવી વ્યગ્રતાથી બોલી ગઈ:

‘ભીમદેવ બેટા! ગંગ ડાભી! અર્ણોરાજ! મને હમણાં જ સમાચાર મળ્યા.’

‘શું? શું? શું?... છે મહારાણીબા? ચારે તરફ એકદમ ઉત્સુકતા વધી ગઈ. કેટલાક આશ્ચર્યમાં ઊભા થઇ ગયા. કેટલાકની નજર મહારાણીના ઉપર મંડાઈ ગઈ. શા સમાચાર હશે?

મહારાણીએ ચારે તરફ જોયું. એક પળમાં વાતાવરણ ફેરવાઈ ગયું હતું. એને એ જ જોઈતું હતું. તે સ્થિર દ્રષ્ટિથી સભાની પાર જોઈ રહી. 

હવે કોણ આવે છે એ જોવાની કૂતુહલતા પ્રગટી. ગંગ ડાભીના મનમાં સૌના કરતાં મોટું મનોમંથન જાગી ગયેલું જણાયું.

તેણે બે હાથ જોડ્યા: પોતાની અસલી ભાષા એની જીભમાં આવી ગઈ: ‘બોલો દેવીબા, બોલો શી વાત છે? કોણ આવે છે? કોણ આવે છે? કોણ આવવાનું છે? શા સમાચાર છે?’

‘ગંગ ડાભી!’ બધાથી સંભળાય તેવાં સ્પષ્ટ અવાજે રાણી બોલી, ‘સોઢલજી! તમે ને ડાભી ભલે આવ્યા. તમને ભગવાન સોમનાથે જ આંહીં મોકલ્યા છે તેમ સમજો. તુરુક નીકળી ચૂક્યો છે. સમાચાર હમણાં જ આવ્યા.’

‘હું? શું? નીકળી ચૂક્યો છે. સમાચાર આવ્યા છે? કોણે આપ્યા છે?’ એ જ વખતે સભાને બીજે છેડેથી વિશ્વંભર આવતો દેખાયો.

‘જાતમાહિતી દેનારો આ આવે, લ્યો!’ મહારાણીએ વિશ્વંભરને જોતાં જ કહ્યું, ‘એ તમને માંડીને વાત કહેશે.’

તમામની દ્રષ્ટિ હવે વિશ્વંભર તરફ વળી. વિશ્વંભર ધીમે પણ સૂચક પગલે સભા તરફ આવી રહ્યો હતો. એના દરેક પગલામાં ગંભીરતા હતી. એનો ચહેરો પણ ગંભીર બની ગયો હતો.