Nayika Devi - 15 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 15

Featured Books
Categories
Share

નાયિકાદેવી - ભાગ 15

૧૫

વિંધ્યવર્માનો સંદેશો

પાટણના રાજમહાલયને જોતાં રાજકવિ બિલ્હણને અનેક વાતો સાંભરી આવી. આ એ જ રાજમહાલય હતો, જ્યાં એક દિવસ માલવાના મહાસેનાપતિ કુલચંદ્રે અભિમાનભરી સિંહગર્જના કરી હતી. પાટણના મહાઅમાત્યને ખુદ પાટણમાં નીચું જોવરાવ્યું હતું અને આજ એ જ રાજમહાલય પાસે, પાટણના માલવ મંડલેશ્વરના એક પ્રતિનિધિ તરીકે પોતે આવી રહ્યો હતો! સમય કેટલો નિષ્ઠુર અને દયાહીન છે! ક્યાં રાજા ભોજ! ક્યાં નરવર્મ દેવ! ક્યાં કુલચંદ્ર! વિંધ્યવર્મા અને ક્યાં પોતે!

માલવના અભ્યુદયના મહાન સ્વપ્નના સ્વપ્નદ્રષ્ટા લેખે, એ પોતાના સ્વપ્નને મૂર્તિમંત બનતું જોવા ઘણો ઉત્સુક હતો. પણ મહાકાલ ભગવાનની કૃપાદ્રષ્ટિ એને જણાતી ન હતી. 

નર્મદાતીર પ્રદેશના માલવ વિભાગમાં વિજ્જ્લદેવ દંડનાયક હતો. વિંધ્યવર્મા સાથે એણે થોડી પ્રીતિ જોડી હતી. લાટનો સિંહ ચૌહાણ એ પ્રીતિમાં રસ લઇ રહ્યો હતો. અજયપાલની રાજનીતિનો લાભ ઉઠાવી વિજ્જ્લદેવ ઘા મારી આવે, ત્યારે એ અવ્યસ્વ્સ્થાનો લાભ લેવાની એ ત્રિપુટીની યોજના હતી. એ પ્રમાણે ઘા થઇ ગયો હતો. પણ એનો લાભ ઉઠાવી શકાય કે નહિ એ પહેલાં માપવાનું હતું. કવિ બિલ્હણને જેટલો રસ માલવઅભ્યુદયમાં હતો, તેટલો જ રસ પાટણને છિન્નભિન્ન કરવામાં પણ હતો. કારણકે પાટણનું રાજતંત્ર છિન્નભિન્ન હોય તો જ માલવા ફરીને ડોક ઉંચી કરી શકે.

પણ આહીં એણે જોયું કે વિજ્જ્લદેવ ઘા કરી ગયો હતો. છતાં એ ઘા અવ્યવસ્થા જન્માવવામાં અફળ ગયો હતો – જાણે કે એનો ઘા કોઈએ ગણકાર્યો જ ન હતો.

એ શી રીતે બન્યું એ બિલ્હણને મન કોયડા જેવું હતું. કોઈકે તાત્કાલિક પગલું લઈને ઘાની કાતિલ અસર નિષ્ફળ કરી નાંખી હતી. બિલ્હણને એની બુદ્ધિ માટે માન હતું. 

થોડા દિવસ પોતે પાટણમાં રહી જાય, તો એ કોયડાનો  ભેદ પણ પામે ને આ બુદ્ધિ કોની છે એ સમજવામાં આવે. 

એટલે પાટણમાં વખત ગાળવા માટે કાંઈક જુક્તિ પણ એ મનમાં શોધી રહ્યો હતો.

આંહીંથી જતાં પહેલાં એને આભડ શ્રેષ્ઠી વિશેની ભૂમિકા મજબૂત બનાવી લેતી હતી. પાટણના વગદાર જૈનો જો વિજ્જ્લને એમનો તારણહાર ગણે તો બહુ થોડા વખતમાં પાટણમાં ઉગ્ર વર્ગવિગ્રહ થઇ જાય. 

બિલ્હણ આ બધી વાતનો વિચાર કરી રહ્યો હતો. એને એક બીજી અગત્યની વાત યાદ આવી ગઈ: વિંધ્યવર્મા ક્યાંક ઉતાવળ કરીને બાજી બગાડી બેસે નહીં. એણે ગોગસ્થાન મજબૂત બનાવ્યું હતું અને ધારાગઢ ઝડપી લેવા માટે એ તલપાપડ થઇ ગયો હતો. નર્મદપ્રદેશમાંથી વિજ્જ્લ પાટણ તરફ પ્રયાણ કરે એની રાહ જોવાની હતી!

પણ બિલ્હણને હવે જણાયું કે વિજ્જ્લનો ઘા પાટણમાં અવ્યવસ્થા આણી શક્યો નથી અને પાટણમાં આંતરવિગ્રહ પણ જાગ્યો નથી. એનું કારણ હજી અકળ હતું. એણે પહેલાં તો વિંધ્યવર્માને તાત્કાલિક ચેતવી દેવાનો નિર્ણય કરી લીધો. આજે જ એક કાસદને એના તરફ મોકલી દેવો જોઈએ. એ ઉતાવળ ન કરી બેસે.

પોતાની પાસે વિંધ્યવર્માનો સંદેશો હતો, એનો પ્રત્યુત્તર એ સ્પષ્ટ વાંચી શક્યો. તુરુકનો ભય બતાવીને ધારાગઢ  હાથમાં લેવાની વાતમાં કાંઈ માલ ન હતો. એવા સાતનો એકદમ હકારમાં જવાબ મળે તે વાત અશક્ય હતી.

છતાં વિંધ્યવર્માનો સંદેશો આપીને, ઉઠાવાય તેટલો લાભ ઉઠાવવાની એણે મનમાં ગાંઠ વાળી લીધી.

આભડ શ્રેષ્ઠીનો વધુ દાણો દાબવાની પણ બિલ્હણને ઈચ્છા હતી. જો પ્રથમ ગ્રાસે જ મક્ષિકા થઇ હતી, છતાં એણે આભડ શ્રેષ્ઠી વિશે હજી આશા છોડી ન હતી.

રાજકવિ અને વિશ્વંભર મહારાણીબાના ખંડમાં આવ્યા. એ વખતે રાજકવિના દિલમાં આવી અનેક વાતો ઘોળાઈ રહી હતી. આ રાજકવિ, વિંધ્યવર્માનો સંધિવિગ્રહિક છે, ને એના જેવો વિનમ્ર છતાં હઠાગ્રહી માણસ દુનિયાભરમાં મળવો મુશ્કેલ છે એ વાત કુમારદેવે મહારાણીબાને ક્યારની પહોંચાડી દીધી હતી. પોતાનું કામ સિદ્ધ કરવા માટે વર્ષો સુધી રાહ જોવાની એનામાં તાકાત હતી. લીધું કામ પાર ઊતરે તો જ એને નિંદ્રા આવે. કુમાર દેવે મહારાણીબાને આ બધી હકીકત કહીને ચેતવણી આપી હતી કે આ વિદ્વાન ભયંકર હતો. એ માલવાને સજીવન કરીને જ જંપવાનો. એની સાથે લેશ પણ નમતું જોખ્યું તો આંગળી આપતાં પોંચો કરડે એવી મૂર્તિ છે. ખરી રીતે તો એને પોતાને જ આંહીં હમણાં રોકી લેવાની જરૂર હતી. એટલે સેનાપતિ કુમારદેવ જો આંહીં ન હોય તો એ આવ્યા પછી વાત ચલાવાય, એવો જવાબ મહારાણીબા આપી શકે. ધારાગઢ જેવા ધારાગઢના ભાવિની વાત સેનાપતિને પૂછ્યા વિના તો ન જ થાય. એટલે કુમારદેવને મહારાણીબાએ પહેલાં જ સંતલસ કરી લીધી હતી. કુમારદેવ આંહીં હતો જ નહીં. એ ભૃગુકચ્છ ગયો હતો. મહારાણીબાએ એની વાત ચલાવવાની હતી. 

રાજકવિ આવ્યો ત્યારે મહારાણીબા, ખંડના મધ્યમાં એક વિશાળ આસન ઉપર એની પ્રતીક્ષા કરતાં જ બેઠાં હતાં. 

બિલ્હણે પ્રવેશ કર્યો. બે હાથ જોડીને એણે મહારાણીબાને નમન કર્યું.

મહારાણી નાયિકાદેવીએ તેના રૂપાળા, તેજસ્વી, આકરા, ચહેરા તરફ દ્રષ્ટિ કરી. કાશ્મીરી પંડિતની પરંપરા જાળવનારી એની સીધી નાની નાસિકા એની બળની કસોટી આપવા માટે પૂરતી હતી. નાયિકાદેવી સમજી ગઈ. કુમાર કહેતો હતો તે વાત એને સાચી લાગી. ભોંમાં ભંડારી દીધો હોય તોપણ ફરી-ફરીને ત્યાંથી બેઠો થઇ જાય એવો આ અપરાજિત માનવી હતો. તેણે તેને પાસે આવવા માટે નિશાની કરી. બિલ્હણે ત્યાં ઊભા રહીને ફરીને નમન કર્યું અને મહારાજ અજયપાલના મૃત્યુ પર હ્રદય ડોલાવી દે એવી બે-ચાર કરુણ પંક્તિ એ બોલ્યો, સૌ સાંભળી રહ્યા.

મહારાણીબાએ એને પાસેનું આસન બતાવવા માટે હાથ લંબાવ્યો.

બિલ્હણ આગળ સર્યો, શાંતિથી અદબ વાળીને ત્યાં બેઠો. શોકઘેરા અવાજે તેણે કહ્યું, ‘મહારાણીબા! પાટણ ઉપર આ જેવોતેવો કોપ નથી થયો. આવી વિપત્તિની વેળાએ મહારાજ પોતે જ આંહીં આવવાના હતા... પણ...’

નાયિકાદેવી એના એ એક શબ્દે જ સચેત થઇ ગઈ. કુમારદેવે કહ્યું હતું તેમ જ પંડિત પોંચો કરડે એવો હતો. તેણે જરાક તીખાશથી કહ્યું, ‘બિલ્હણજી! શું કહ્યું તમે? કોણ આવવાનું હતું? મહારાજ? એ કોણ?’

બિલ્હણ સમજી ગયો. પોતે વિંધ્યવર્મા માટે વાપરેલ અધિકાર પરત્વેની આ વાત હતી. આંહીં રાણીમાં જ સતત જાગૃતિ આવવા લાગી. જાણે ન સમજતો હોય તેમ બોલ્યો, ‘હા, મહારાણીબા! મહારાજ વિંધ્યવર્મા પોતે...’

‘હં હં, મંડલેશ્વર વિંધ્યવર્માજી!’ નાયિકાદેવીએ તુરત પ્રત્યુત્તર વાળ્યો. ‘એ તો અમારા પરમહિતેચ્છુ માંડલિક છે. એ આવે પ્રસંગે ન આવે તો નવાઈ લાગે. ધારાવર્ષદેવજી આવ્યા છે, કેલ્હણજી આંહીં છે. વિંધ્યવર્મા આવ્યા હોય તો મૂલરાજ મહારાજ પોતાના બધા મુખ્ય માંડલિકોનો પરિચય મેળવત. હવે ક્યારે આવવાના છે પોતે?’

બિલ્હણે બે હાથ જોડ્યા, ‘મહારાણીબ! હમણાં તો દરેકેદરેક પળ તુરુકની હિલચાલના સમાચાર મેળવવામાં પોતે ગાળે છે. તુરુકનો ભય આપણ સૌને માથે છે. પોતે એટલા માટે પણ આવવાના હતા. પછી મને મોકલ્યો.’

‘શા માટે આવવાના હતા – તુરુક માટે? એનું શું છે?’

‘એવું છે મહારાણીબ! આ તુરુક આવવાનો છે એ ચોક્કસ, અમારું એમ માનવું છે, બા, કે જો આ વખતે માલવા મજબૂત હશે! તો પાટણ ટકશે, નહિતર પછી સોમનાથવાળી થશે.’

‘વિશ્વંભર!’ મહારાણીબાએ ડોકું પાછું ફેરવ્યું. ત્યાં પાછળ વિશ્વંભર ઊભો હતો.

‘વિશ્વંભર! કુમારદેવજીએ શું અવંતી તરફ વધુ બળવાન સૈન્ય રવાના કર્યું નથી? બિલ્હણજી કહે છે તે બરાબર છે. તુરુકના ભયે આપણા માંડલિકોએ અસહીસલામતી લાગે એ ઠીક નહીં. એ તો આપણાં જ અંગ કહેવાય.’

‘બા, કુમારદેવજી હમણાં ભૃગુકચ્છ ગયા છે, તે કદાચ એટલા માટે જ  હશે!’

‘બા! સુરત્રાણ આવવાનો છે – વહેલો આવે કે પછી  મોડો આવે.’ પંડિતે ચેતવણી ચાલુ રાખી. ‘ એ વખતે જો ધારાગઢમાં વિંધ્યવર્માજી હોય તો પાટણ માટે એક મોટી રક્ષણહરોળ ત્યાં ઊભી થઇ જાય. એ વિચાર પણ મને આવ્યો છે.’

‘હા... વિશ્વંભર! બિલ્હણજીની આ વાત પણ નાખી દેવા જેવી નથી. એમ કરોને, બિલ્હણજી! તમે હમણાં રોકાઓ. વિંધ્યવર્માજી આવી શકશે?’

બિલ્હણને મહારાણીબાના ફરેલા અવાજે આશ્ચર્યમાં નાખી દીધો.

‘આવવામાં કોઈ વાંધો નથી. પણ બા! હરેક પળે હમીર આગળ આવવાના સમાચાર મળી રહ્યા છે.’

‘તો એમ કરો. કુમારદેવ આવે એટલે એને મળીને તમે જાઓ. એને કાલે રાત્રે જ અચાનક ભૃગુકચ્છ જવું પડ્યું. તમે બે-ચાર દી રોકાઈ જાવ. વિચાર કરીએ. રક્ષણહરોળમાં ધારાગઢનું અગત્યનું સ્થાન છે. તમારી એ વાત બરાબર લાગે છે, કુમારદેવને પૂછી જોઈએ!’

બિલ્હણે વધુ રાજભક્તિ દર્શાવી, તે બોલ્યો: ‘મહાકુમાર વિંધ્યવર્માજી જેવા બેઠા હોય, તો પાટણને એ દિશાની નિરાંત જ થઇ જાય! બિલ્હણે વિંધ્યવર્માનું બિરુદ ‘મહારાજ’માંથી ‘મહાકુમાર’ કરીને સમાધાનની તૈયારી  બનાવી લીધી હતી. એને તો કોઈ રીતે ધારાગઢ હાથમાં લેવો હતો. 

પંડિતના શબ્દ-ફેરફારને નાયિકાદેવી મનમાં ને મનમાં હસી રહી. તેણે એને રોકાઈ જવાની વધુ લાલચ બતાવી: ‘મહારાજ મૂલરાજદેવની પણ ઈચ્છા છે કે તુરુકનો ભય છે, એટલે આપણે નવી રક્ષણહરોળ ચારે તરફ ગોઠવી દઈએ. સોમનાથથી પણ સોરઠી માંડલિકો આવવાના છે. તમે રોકાઈ જાવ બિલ્હણજી!’

‘તો રોકાઈ જાઉં બા!’ બિલ્હણને જે જોઈતું હતું તે મળી રહ્યું હતું.

‘અને વિશ્વંભર! બિલ્હણજીના આતિથ્યમાં કહેવાપણું ન રહે, હોં!’

પણ રાજકવિ મનમાં ઊંડી શંકા અનુભવી રહ્યો હતો. મહારાણીબાની આ ખરેખરી રાજનીતિ હશે કે દેખાવ હશે? એને લાગ્યું કે ગમે તે હોય, એને પાટણમાં વધારે દિવસ ગાળવા મળશે, એટલો લાભ.

પણ ત્યાં તો નાયિકાદેવીએ કહ્યું, ‘અને જો વિશ્વંભર! રાજકવિને એક પણ પળ રેઢા  મૂકતો  નહિ. ઓછામાં ઓછા ચાર રાજસેવકો આપણા અંગત હોય, તેમની સાથે ને સાથે ફરે. આહીંનું વાતાવરણ ડોળાયેલું કહેવાય. કોને ખબર છે? સમજ્યો કે?’

રાજકવિ સાંભળીને સમસમી ગયો. પોતે એક રીતે નજરકેદમાં જ પડ્યો હતો. અને હવે જવાની ઉતાવળ થાય તેમ પણ રહ્યું ન હતું. છતાં એણે જરાક આશા જેવું પણ લાગ્યું. પાટણની અત્યારની સ્થિતિમાં કદાચ મહારાણીબા રાજનીતિ ફેરવી ન રહ્યાં હોય? એમ કેમ ન હોય એક વધુ પાસો ફેંકવો સારો એમ ધારીને એ બોલ્યો, ‘મહારાણીબા! પાટણ, માલવા ઉપર શંકા ન લાવે એટલી મારે ખાસ વિજ્ઞપ્તિ કરવાની છે. ધારાગઢની સોંપણી થશે, તો એમાં પાટણને જ લાભ છે. તુરુક સામેની રક્ષણહરોળ માટે જ આ સોંપણી છે.’

‘ધારાગઢની સોંપણી-બોપણી તો ઠીક બિલ્હણજી! પણ વિંધ્યવર્માજી અમારા છે. ને અમારા રહે એટલે બસ. તો એને અને અમને સૌને લાભ છે! બાકી તો મહારાજ નક્કી કરી શકે. તમે હમણાં થોભો. મહારાજ પાસે કુમારદેવ વાત મૂકી જોશો. પણ આ મહારાજ આવ્યા... લ્યો!’

સામેથી મૂળરાજ આવી રહ્યો હતો. એનો રૂપાળો તેજસ્વી ચહેરો માણસનું મન હરી લે તેવો નિર્મળ હતો. એને જોતાં જ માણસને બે હાથ જોડવાનું મન થાય. તેની સાથે ધારાવર્ષદેવ, કેલ્હણજી અને બીજા પણ બે-ચાર સામંત સરદારો આવી રહ્યા હતા. એની વયનું કુમળાપણું આકર્ષક હતું, તો આ વયે એણે બતાવેલી દ્રઢતા પણ એટલી જ આકર્ષક હતી. 

એને આવતો દેખીને રાજમહાલયના ખૂણે ખૂણે બે હાથ જોડીને મસ્તક નમાવતા પરિચારકો ઊભા રહી ગયા. તેણે આવતાવેંત બે હાથ જોડીને નાયિકાદેવીને પ્રણામ કર્યા. પછી તે એની પાસે જરાક આગળ બેસતાં જ બોલ્યો, ‘મા! આ શું સમાચાર આજે એક ઓઢી લાવ્યો છે?’

‘કોણ છે મૂલરાજ! કોણ આવ્યું છે?’

‘કેલ્હણજી કહે છે ગંગ ડાભી અને સારંગદેવ સોઢો સોરઠથી આવવાના છે.’

‘હેં? વાત સાંભળતાં કોઈ ચમત્કાર થયો હોય તેમ રાણી નાયિકાદેવી પણ ચમકી ગઈ. આ બે એકલવીર એ સોરઠની ભૂમિનાં વીરરત્નો હતાં. અજયદેવ તો એમને સોમનાથના દ્વારપાલ કહેતો. એ બંને વીરનરની એક પ્રતિજ્ઞા હતી. જેમ મહારાજ ભીમદેવના સમયમાં સુરત્રાણ સોમનાથ ઉપર ઘા મારી ગયો હતો, એમ  હવે આ ભીમદેવ, મૂલરાજ મહારાજના સમયમાં કોઈ ઘા મારી ન જાય, એ માટે બંને સોમનાથના રક્ષણ-દ્વારપાલ બન્યા હતા. એમણે પ્રતિજ્ઞા લીધી હતી. ભગવાન સોમનાથના ચરણે એમનાં અને એમનાં કુટુંબ કબીલા સ્વજનો સગાંવહાલાં તમામનાં થઈને, એક હજાર શીર્ષનો અભિષેક કરવાનો હતો. એ અભિષેક થાય પછી જ જે કોઈ આગળ વધવું હોય તે વધી શકે. સંકટવેળા સોમનાથની મંદિરમૂર્તિના દ્વાર પાસે આ સહસ્ત્ર શીર્ષો ડૂલ કરવાની એમની પ્રતિજ્ઞાએ એમને સારા સૌરાષ્ટ્રમાં અનોખા પ્રકારના માનના આધિકારી બનાવ્યા હતા. ગંગ ડાભી અને સારંગ દેવ સોઢો, સોરઠમાં તો એ ઘેર-ઘેર ભગવાન ધૂર્જટિના ગણ ગણાતા હતા.

એ બંને ત્યાંથી આંહી આવે, એનો અર્થ સ્પષ્ટ હતો. તુરુક આગળ વધી રહેલો હોવો જોઈએ. એમની પાસે ચોક્કસ સમાચાર હોવા જોઈએ. 

રાણીએ વિશ્વંભર સામે જોયું, પણ એના પેટનું પાણી હજી હાલતું ન હતું. ગંગ ડાભી અને સારંગદેવ સોઢો કેમ આવે છે છે એ જાણતો હતો. પણ એણે મહારાણીબાને વાત કરી ન હતી. રાણીને થયું કે આ શું? ક્યાંક વિશ્વંભર ગફલતમાં રહેતો હોય નહિ. પણ વિશ્વંભરે એક શાંત સ્વસ્થ જેવી જરાક નિશાની કરી. મહારાણીબા સમજી ગયા. તુરુક ક્યાં હતો અને શું કરતો હતો એ વિશ્વંભરની આંગળીના ટેરવા ઉપર રમતું હતું. મહારાણીએ સ્વસ્થતાથી કેલ્હણજીને જ પૂછ્યું.

‘શું છે કેલ્હણજી? ગંગ ડાભી કેમ આવે છે?’

‘તુરુક આવવાનો છે બા! એ ચોક્કસ.’ કેલ્હણજી બોલ્યો.

‘એ તો આવવાનો લાગે છે. વિંધ્યવર્માજીના રાજકવિ બિલ્હણજી પણ એ જ સમાચાર લાવ્યા છે. બિલ્હણજીને તમે મળ્યા નહિ હોં?’ કેલ્હણજીએ બિલ્હણજી સામે જોયું. એને માણસ ઘણો સમર્થ લાગ્યો. વિંધ્યવર્માના વજ્જરને કોણ ઘડી રહ્યું હતું તે કેલ્હણ સમજી ગયો. વિંધ્યવર્માએ એને આ સમા પર મોકલ્યો હતો, તે પણ અર્થવાળું હતું. તેણે તેના પ્રત્યે બે હાથ જોડ્યા.

‘ના, મળ્યો નથી, પણ નામ સાંભળ્યું છે. કવિરાજ બિલ્હણજી કહેવાય છે તે જ પોતે?’

‘હાં એ જ: પણ મહાકુમારના સંધિવિગ્રહિક પણ છે. મંડલેશ્વર આવ્યા હોત, તો મેં કહ્યું, આંહીં સૌ ભેગા થાત.’

‘હા, એ ખરું, બિલ્હણજી! હજી બોલાવો...’ ને  ધારાવર્ષદેવ બોલ્યો, આ બધામાં એને એકને આબુ જુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા.

‘હા હા... કવિરાજ!’ કેલ્હણે ટેકો પૂર્યો.

‘હું એટલા માટે જ આવ્યો છું પરમારરાજ! તમારા ઉપર તો ઘણો ભાર છે. પરંતુ અમે પણ એક રક્ષણહરોળ સાચવી રહ્યા છીએ. મહારાજ જો ધારાગઢને ફરીને તૈયાર કરે, અને મહાકુમારના હાથમાં સોંપે, તો તુરુકના ભાર નથી કે એ દેશમાંથી પછી પગ માંડે! એટલે આપણે એણે રોકવાનું સુગમ થઇ પડે.’

સૌ સાંભળી રહ્યા, આને વળી વગર લડ્યે જ ધારાગઢ લઇ લેવો હતો.

પણ બિલ્હણ આગળ બોલતો અટકી ગયો. મહારાજ મૂલરાજકુમારનો આખો ચહેરો તામ્ર વર્ણ ધારણ કરી રહ્યો હતો. સૌને લાગ્યું કે હમણાં બિલ્હણનું અપમાન થઇ જશે. પણ કુમારે દ્રઢ છતાં રોષથી ધ્રૂજતા અવાજે કહ્યું, ‘કોઈએ તમને મશ્કરીમાં વાત કરી લાગે છે બિલ્હણજી! કે હમણાં પાટણમાંથી કિલ્લાના દાન દેવાય છે! કિલ્લાના દાન ક્યાંય સાંભળ્યાં છે ખરાં?’

બિલ્હણે ગભરાટ વિના જ પ્રત્યુત્તર વાળ્યો: ‘મહારાજ! સમ્રાટો, મંડલેશ્વરોને સમર્થ  બનાવવા માટે એવાં દાન પરાપૂર્વથી દેતા આવ્યા છે. મહારાજ! મહાકુમારે મને આહીં મોકલ્યો છે જ એટલા માટે. પાટણ પ્રત્યે પોતાની અડગ ભક્તિ પ્રદર્શિત કરવા, અને આ વાત કરવા. ધારાવર્ષદેવજીને અર્બુદનું બેસણું છે, કેલ્હણજી રેતસમદરમાં બેઠા છે. માલવા તદ્દન અરક્ષિત છે. અમારા ઉપર ઘા થશે, એ પાટણ ઉપર પહેલો હશે!’

‘પણ તમારા ઉપર ઘા શેનો થશે? શું પાટણ મરી ગયું છે તે તમારા ઉપર ઘા થશે? કુમારદેવ પહેલાં તમારે ત્યાં આવશે. પછી જે કાંઈ?’

બિલ્હણને એ રુચ્યું નહિ.

પણ બિલ્હણને તો હવ ચટપટી થઇ રહી હતી. આ બધી વાતની જાણ વિંધ્યવર્માને વહેલામાં વહેલી તકે કરી દેવી જોઈએ, નહિતર એ ઉતાવળ કરશે, માર ખાશે.

મહારાણીબા એની વાત કળી ગયાં, એણે તરત કહ્યું, ‘મૂલરાજદેવ! રાજકવિને તુરુકના સમાચારે અશાંત કર્યા છે, એટલે એ આવી વાત કરે છે. એ તરફ સૌનથી પહેલું ધ્યાન દેવું એટલો જ એનો અર્થ છે. કેમ બિલ્હણજી! એમ જ છે નાં?’

‘હા મહારાણીબા! એમ જ છે.’ બિલ્હણે ટૂંકો ઉત્તર વાળ્યો.

‘હવે તમારી વાત કરો, કેલ્હણજી! બિલ્હણજી તો હમણાં આંહીં રોકાવાના છે.’

‘રોકાવાના છે? તો-તો ભારે થાય. આપણે આંહીં મહારાજ પાસે બેસીને જ વાત ગોઠવી લઈએ.’ ધારાવર્ષદેવ બોલ્યો.

પણ બિલ્હણને હવે આંહીંથી કેમ છૂટવું એની મનમાં ગડભાંજ થઇ રહી હતી. હવે એ વાત વધુ ઉપયોગી હતી. 

ત્યાં કેલ્હણજી બોલ્યો, ‘જુઓ, રાજકવિરાજ! મારે સોમનાથ જાવું’તું સોમૈયાનું સોનાનું તોરણ લઈને, ત્યાં આહીં મહારાજે ગામતરું કર્યું. હવે વળી હમીરનું ઊપડ્યું છે, તમે રહ્યા છો, તો બે દી વધુ રોકાઓ. આપણે સુરત્રાણને ક્યાં રોકવો એ નક્કી કરી લઈએ.’

‘હું એ જ કહું છું. કુમારદેવ ભૃગુકચ્છથી આવે, પછી વાત નક્કી કરીને ઉપડો.’

‘નાયિકાદેવીના વાક્યે સૌને ચમકાવી દીધા. કુમારદેવ શું આહીં ન હતો? કે મહારાણીબા કોઈ નવી જ વાત કરી રહ્યાં હતાં?

કોઈ કાંઈ સમજ્યું નહિ. પણ મહારાણીબાએ પોતે જ કહ્યું, ‘અરે! વિશ્વંભર! હું તને કહેતાં જ ભૂલી જતી હતી. આ  કવિરાજને કવિરાજનો મેળાપ કરાવજે!’

‘કવિરાજનો?’

‘પૂછને ધારાવર્ષદેવજીને! એમના ભાઈ પ્રહલાદનદેવજી મહાકવિ છે. હમણાં પોતે આહીં છે. એટલે બિલ્હણજીને એમનો પરિચય થશે. એમને બંનેને આનંદ પડશે.’

‘હા, હા. વિશ્વંભરજી! પ્રહલાદનને પણ ઠીક પડશે. આજે જ કહેવરાવી દ્યો.’ ધારાવર્ષે કહ્યું.

‘પ્રહલાદનજી પરમાર આહીં છે? એ તો મહાકવિ છે.’ બિલ્હણે પણ હવે વાતનો દોર પકડી લેવામાં કાંઈક સાર જોયો: ‘તો-તો મારે એમને મળવું જ પડશે. ક્યાં છે પોતે?’

‘આભડ શ્રેષ્ઠીને ત્યાં.’ ધારાવર્ષે કહ્યું.

‘આભડ શ્રેષ્ઠીને ત્યાં?’

રાજકવિનો અંતરાત્મા જરાક પ્રસન્ન થતો જણાયો. એને કંઈક વસ્તુ મળી જવાની શક્યતા લાગી. તેણે બે હાથ જોડ્યા, ‘તો તો મહારાણીબા! હું એમને મળવા માંગુ છું. પ્રહલાદનદેવે મહારાજ મુંજનું કાવ્ય લખ્યું છે, એ કાવ્ય વાંચીને આખું અવંતી રડ્યું હતું! મારે એમને  મળવું જ છે બા!’

‘હા મળો ને, વિશ્વંભર! કવિરાજનો  મેળાપ કરાવી દેજો. પણ જોજે હોં, એ આપણા અતિથી છે.’

બિલ્હણ સાંભળી રહ્યો. પોતાના ઉપર જાપ્તો બરાબર રહેવાનો હતો. પણ એ પોતાની યોજના મનમાં ઘડી રહ્યો હતો. ગમે તેટલો જાપ્તો હોય ને ગમે તે થાય. શ્રેષ્ઠીને ડગાવવો જોઈએ ને વિંધ્યવર્માનો સંદેશો જવો જ જોઈએ. ને તે આવતી કાલ પહેલાં. બિલ્હણ નિશ્ચય કરીને ઊઠ્યો. તેણે બે હાથ જોડ્યા. મહારાણીબાની રજા લીધી, ‘તો તો બા! હું હવે રજા લઉં. આંહીં ત્યાં મને કવિરાજનો સંસર્ગ મળી ગયો એ મારું મહાભાગ્ય.’

એને જતો સૌ જોઈ રહ્યા. વિશ્વંભરના મોકલેલા અંગરક્ષકો એની સાથે જઈ રહ્યા હતા.