Nayika Devi - 9 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 9

Featured Books
Categories
Share

નાયિકાદેવી - ભાગ 9

પાટણની રાજરાણી

ધારાવર્ષદેવ અને ચાંપલદે રાજભવનમાં આવી પહોંચ્યા. ત્યાંની નિ:સ્તબ્ધતા ભેદી નાખે તેવી હતી. ભારે શોક ઠેકાણે-ઠેકાણે પથરાયેલો જણાતો હતો. દરેક-દરેક વસ્તુમાં, ક્રિયામાં, દેખાવમાં ઠેર-ઠેર પ્રતિહારો ને દ્વારપાલો દેખાતા હતા. પણ એમનાં મોં શોકથી પડી ગયાં હતાં. મહારાણીબાના મુખ્ય ખંડ પાસે આવીને બંને અટકી ગયાં. દ્વાર ઉપર, બંને બાજુથી, સ્ત્રીસૈનિકોએ એક હાથ ઊંચો કરીને એમને રોકાઈ જવાની મૂંગી આજ્ઞા આપી દીધી. ચાંપલદે સ્ત્રીસૈનિકો પાસે સરી: ‘શોભનને મહારાણીબાએ બોલાવેલ છે તે આવ્યો છે. ચંદ્રાવતીથી પરમારરાજ આવ્યા છે.’ તેણે બહુ જ ધીમેથી કહ્યું.

થોડી વારમાં જ અંદર ગયેલી દ્વારપાલિકા પાછી આવતી જણાઈ. 

ચાંપલદે અને ધારાવર્ષદેવ ખંડમાં પેઠાં. શોભન ધીમે-ધીમે એમની પાછળ ચાલી રહ્યો હતો. 

અંદરના વિશાળ ખંડમાં એક જગ્યાએ કાંઈક ઊંચા કદની જણાતી સાંગામાચી ઉપર એક પ્રતાપી સ્ત્રી બેઠી હતી. અત્યારે એના ચહેરા પર ઘેરી છાયા પથરાયેલી હતી. તે શૂન્ય દ્રષ્ટિએ એક તરફ જોઈ રહી હતી. પણ આટલો શોક છતાં એનો પ્રતાપ એમાંથી પણ પ્રગટતો હતો. વાદળઘેર્યા સૂર્યકિરણ સમી એ જણાતી હતી. કોઈક નિશ્ચયાત્મક પગલા માટેનું મનોમંથન એના હ્રદયમાં ચાલી રહેલું હોય એમ લાગતું હતું. 

એને જોતાં જ લાગે કે અત્યારે તે શોકમાં ડૂબી ગઈ છે, પણ મહારાજ્યો ચલાવવાની તેજસ્વિતા તેનામાં વસી રહી છે. એની શોકઘેરી આંખમાં તેજ જુદા જ પ્રકારનું હતું.

પરમાર ધારાવર્ષદેવે એને જોતાં જ, તરત બે હાથ જોડીને પ્રણામ કર્યા. પછી એની દ્રષ્ટિ ખંડને જોતી ફરી વાળી. મહારાણીબાની પાછળ જ એક તરફ એક   જુવાન માણસને ઊભેલો એણે દીઠો. તે તદ્દન શાંત ઊભો હતો. કોઈને ખબર ન પડે કે એ આંહીં ઊભો છે. આરસની કોઈ કોતરાયેલી પ્રતિમા જેવો એ સ્થિર હતો. ધારાવર્ષદેવને એનો ચહેરો અપરિચિત જણાયો. મહારાણીબાના સાંનિધ્યમાં, પણ સહેજ આગળ, એણે મહારાજકુમાર મૂલરાજદેવને એક આસન ઉપર બેઠેલો દીઠો. તેણે તેના તરફ બે હાથ જોડી, ફરીને વિનમ્રતાથી માથું નમાવ્યું. કુમારે એનું નમન ઝીલ્યું. પણ એની આંખમાં આંસુ આવી ગયાં હતાં. મહારાણીબાએ એને પાસે આવવા માટે હાથની સહેજ નિશાની કરી. ધારાવર્ષ આગળ ગયો.

‘ક્યારે આવ્યા છો, પરમારરાજ? ચંદ્રાવતીથી આવ્યા?’ મહારાણીબાએ શોકઘેરા ધીમાં અવાજે પૂછ્યું. 

‘બા! આજે જ હમણાં આવ્યો. આ સાંભળ્યું ને આંહીં દોડતો આવ્યો છું. આ તો આભ તૂટી પડ્યું બા!’ 

મહારાણીએ એક ઊંડો નિઃશ્વાસ લીધો, પરમારને પાસે બેસવાની નિશાની કરી, જરાક ડોક પાછી ફેરવીને પેલા સ્થિર ઊભેલા જુવાનને કહ્યું, ‘વિશ્વંભર, ભીમદેવને બોલાવી લાવતો, કહેજે ચંદ્રાવતીથી પરમારરાજ આવ્યા છે.’

વિશ્વંભર નમન કરીને ગયો. મહારાણીબાએ ચાંપલદે તરફ જોયું, ‘ચાંપલદે! શોભન આવ્યો છે?’

ચાંપલદેની પાછળ જ હાથ જોડીને ઊભેલો શોભન દ્રષ્ટિએ પડ્યો, ‘હા, બા, હું આવ્યો છું.’

‘ચાંપલદે! આ પાસેના ખંડમાં એને લઇ જા, તું પણ ત્યાં રહેજે. ભીમદેવ આવે એટલે એને હું બોલાવીશ. એને બધી વાત કરવાની છે.’

ખંડમાં મા-દીકરો ને પરમાર ત્રણ જ રહ્યાં. ધારાવર્ષદેવ સમજી ગયો. મહારાણીબા પાસે અત્યંત ગુપ્ત એવા કોઈ સમાચાર હતા. 

‘પરમારરાજ! તમે આવ્યા એ સારું થયું. સાંઢણી તમને બોલાવવા માટે હમણાં જ ઊપડવાની હતી. રાજભવનની બહાર તમે જોયું હશે નાં? આખી નગરી સળગી ઊઠી છે અને એમાં ભીમદેવ હઠ લઈને બેઠો છે. આ તો સમજી ગયો છે.’ મહારાણીબાએ પ્રેમથી મૂલરાજના માથાં ઉપર હાથ મૂક્યો. એની આંખમાં અદ્રશ્ય આંસુ આવી ગયું હતું. શોક્ઘેરો અવાજ ફરીને સંભળાયો:

‘મહારાજ, આંહીં નીચે ભોંયરામાં ચિરકાળની શાંતિમાં સૂતા છે. રાજહત્યારો ત્યાં ક્યાંથી આવ્યો, મહારાજ ત્યાં શા માટે ગયા હતા. એ બધી વાતની ચર્ચાનો અત્યારે વખત નથી. એનું પછીથી થઇ રહેશે. કુમારદેવ કહે છે કે આ વાત લંબાશે તો હાથોહાથની અંદરઅંદરની લડાઈ થઇ જાશે. બે પક્ષ પોતપોતાનો કક્કો સાચો કરવા મથે છે. પછીથી ઘીના ઠામમાં ઘી પડી રહેશે. ભીમદેવે હઠ પકડી છે. એ કહે છે રાજહત્યારો અત્યારે પાટણમાં જ છે. એણે હું શોધી કાઢું! કાં તમે કુમારદેવને આજ્ઞા આપો, કાં મને ઘરે-ઘરે જવા દો. હત્યારો આંહીં જ છે. આમાં વિગ્રહ જાગી જાય છે. ભીમ સમજતો નથી. એ આવે એટલે એને તમે સમજાવી જુઓ. એનો આગ્રહ દેશને સળગાવી દેશે.’

‘પણ મા! નિર્માલ્યમાં નિર્માલ્ય પણ બાપનું વેર લે છે તેનું શું? અમે બેઠા રહીએ? તમે એમ કહો છો? મૂલરાજદેવના રૂપાળા ચહેરામાં શોકની અને ક્રોધની બંનેની ઘેરી છાયા ફરી વળી. એનો અવાજ શોકથી ધ્રૂજતો હતો. પરમાર એ ચહેરા પર જોઈ રહ્યો. મહારાણીબાએ એના માથા પર પ્રેમથી હાથ મૂક્યો, ‘મૂલદેવ! દીકરા! હું જનેતા ઊઠીને તને નિર્માલ્યનું ઝેર આપીશ, એમ? હું તો કહું છું કે વેર લો, પણ એટલું જ નહીં, રાજહત્યારાના કટકેકટકા કરી નાખો, પણ હું જેમ પાટણની રાજમાતા છું, તેમ તું અત્યારે પાટણનો રાજા છે, તેનું શું? મહારાજે આમ ગામતરું કર્યું છે એ શું મને ગમતું હશે? પણ અત્યારે મને રોવા કોણ દે છે? મારે રોઈને મન મોકળું કરવું છે. મારાથી આ સહન થતું નથી. તને ખબર છે દીકરા! આપણે ક્યાં ઊભાં છીએ? આપણે ખડક ઉપર ઊભાં છીએ. નીચે સમુદ્ર ખળભળે છે. જો... આ શેનો અવાજ આવ્યો?’

આકાશ વીંધતી એક જબરદસ્ત લોકઘોષણા મહારાણીને કને આવી, ‘મહારાજ મૂલરાજદેવનો જય!’

‘સાંભળ્યું? આપણી પાસે નિર્ણય લેવા માટે પણ પળ-બેપળ છે. સર્વદેવ પંડિત ત્યાં ગીતાપાઠ કરે છે એ પૂરા થાય કે તરત સ્મશાનયાત્રા નીકળવી જોઈએ, તૈયારી થઇ રહી છે.

મહારાણીબાનો અવાજ વધારે શોકઘેરો થયો: ‘દીકરા, ગરીબમાં ગરીબ પણ પોતાના સ્વજન પાછળ રડી શકે છે. પણ તું કહે, તું અત્યારે રડી શકે તેમ છે? હું રડી શકું તેમ છું? ભગવાન રામચંદ્ર જેવા સીતાને ખોઈને એની પાછળ રડી શક્ય હતા? આખું સોલંકી રાજ હતું ન હતું થઇ જશે. અત્યારે જો તમે એક શબ્દ આમ એક તેમ બોલી જશો તો રાજહત્યારો કોણ છે એ શું મારાથી અજાણ્યું છે?’

‘કોણ છે,મા?’ મૂલરાજદેવે પૂછ્યું.

મહારાણીએ ધીમેથી કહ્યું, ‘તું ડાહ્યો છે દીકરા! તું વાત સમજે છે. ભીમદેવ ઉતાવળો છે. તને કહેવામાં વાંધો નથી. તું પણ જાણશે કે કેવાં-કેવાં ઝેર કોઈક વખત પી જવાં પડે છે? આ ઘા વિજ્જ્લદેવ મારી ગયો છે! મારાથી એ અજાણ્યું નથી. એ આંહીં જ હતો. પણ ઘા મારીને એનો લાભ ઊઠાવે એ થવા દેવું નથી! આ ઘા અત્યારે ભલે એકાકી રહી જાય!  

ધારાવર્ષદેવ ચમકી ગયો. તેને મહારાણીબાનો સંયમ ગજબનો લાગ્યો. તે વિચાર કરી રહ્યો. વિજ્જ્લદેવને એણે આજે જ ભાગતાં જોયો હતો. મહારાણીબાના ધ્યાનમાં પણ એ વાત હતી. ત્યારે કોઈને એણે પાછળ કેમ મોકલ્યો નહિ? પોતે એકલાંએ જ વાત ઘોળી પીધી એ શું? મહારાજ અજયપાલ પ્રત્યેનો અણગમો? ના.

ત્યારે?

ધારાવર્ષદેવ વિચારમાં પડી ગયો. મહારાણીબાની રાજનીતિનું આ ઊંડાણ એને સમજાયું નહિ. એટલામાં કુમાર મૂલરાજદેવે કહ્યું, ‘તો-તો મા! હું ને ભીમ બંને ઊપડીએ, હમણાં એને પકડી લાવીએ!’

‘એ વિચારમેં કરી જોયો છે, દીકરા! આપણે એમ નથી કરવું. આપણે એમ કરી શકીએ નહીં.’

‘કેમ?’

‘વિજ્જ્લદેવે જે પગલું ભર્યું છે. એનો એ લાભ ના લઇ શકે ને લાંબે ગાળે કેવળ ભયંકર દંડ ભોગવે, એવું કરવું હોય તો આપણે અત્યારે આ ઝેર પી જઈએ દીકરા!’

‘ધારાવર્ષને સમજણ પડી, એ છક્ક થઇ ગયો. આવડા મહાન આઘાત સમયે પણ આટલો ઝડપી અને દ્રઢ નિર્ણય લેનારી શક્તિને એ અંતરમાં ને અંતરમાં પ્રણમી રહ્યો. એ સમજી ગયો: મહારાણીએ આ નિશ્ચય લેવામાં જેવી તેવી કુનેહ બતાવી ન હતી. 

અજયપાલ મહારાજના કેટલાંક પગલાંમાંથી પોતપોતાનો લાભ ઉઠાવી લેવા માટે સામંતો તૈયાર હોવા જોઈએ. આ વિજ્જલદેવ પણ એમાંનો જ એક હતો. એ સૌથી વધારે પ્રબળ હતો. કારણ કે એ પાટણમાં પણ પક્ષ પડાવી શકે. કુમારપાલના વખતમાં એ નડૂલ જેવા દંડનાયકપદ ભોગવી ચૂક્યો હતો. આંહીં એના ઘણા મિત્રો હતા. આંહીં એ ઘા મારી ગયો એ ઘટના એકલી રહી શકે નહીં. માલવાનો વિંધ્યવર્મા, અજમેરનો સોમેશ્વર, લાટનો સિંહ ચૌહાણ, કાવીકાંઠાનો નાગાર્જુન એક કે બીજી રીતે આનો લાભ ઉઠાવે જ ઉઠાવે, એટલે વિજ્જલને અત્યારે પડકારવા જતાં, કાં એ પોતે જ પાટણ ઉપર આવે કાં બીજા બધા પાટણને ઘેર. વિજ્જલદેવનો ઘા એ બીજાઓ માટે નિશાની પણ હોય. 

મહારાણીબાના આ સંયમી નિર્ણયની પાછળ રહેલી અદ્ભુત ધીરતા ધારાવર્ષદેવને સ્પર્શી ગઈ. તેણે બે હાથ જોડ્યા: ‘મહારાજ! રાજમાતાનો નિર્ણય બરાબર છે. વિજ્જલના આ પગલાને એકલું જ પડી જવા દો.’

‘ધારાવર્ષદેવ! પ્રતિહાર વિજ્જલ, આ વિજ્જલદેવનો હાથો બન્યો છે. બીજા પણ હશે. પ્રતિહારને તો એના ભાઈ શોભને જ હણી નાખ્યો છે. શોભનને મેં બોલાવ્યો છે જ એટલા માટે. પાટણ છિન્નભિન્ન થતું આવે છે. એ તાગ લેવા માટે વિજ્જલદેવ આવ્યો હોવો જોઈએ. એને ખબર હતી પણ એને ઝડપી લેવાની તૈયારીઓ હતી, ન હતી એમ નહિ. પણ એણે ઝડપ કરી અત્યંત વિશ્વાસુ મહાપ્રતિહારને જ સાધ્યો. એ ખબર ન રહી. ઘા મારવાની એની રીત ભયંકર નીવડી. એટલે ધ્યાનમાં રહ્યું નહીં. ને એ ઘા મારી ગયો...’ મહારાણીબાને વિજ્જલના આ પગલાથી મર્મનો ઘા વાગી ગયો હતો. તેના અવાજમાં શોકની ઘેરી છાયા હતી. ધારાવર્ષને વિજ્જલની વાત હવે દિવા જેવી સ્પષ્ટ થઇ ગઈ. પાટણના એક પક્ષમાં ભળી જઈને એ સત્તા હાથ કરી લે, કે ચારેતરફના સામંતોને ઉશ્કેરીને બંને બાળકુમારોને હંફાવી દે. ગમે તેમ પણ એનું આ પગલું એકલું ન હતું.

એ ઊંડા વિચારમાં પડી ગયો. મહારાણીબાએ લીધેલો નિણર્ય કેવળ એમનાથી જ લેવાય તેવો હતો. 

અત્યારે અશાંતિ ને ઉશ્કેરાટ છતાં, વાત હજી હાથમાં હતી – એ આ નિર્ણયને પરિણામે હતું. 

કોઈ પક્ષને વિજ્જલને નામે પગલું મૂકવાની ભૂમિકા હજી આંહીં સાંપડી જ ન હતી. 

જેમ-જેમ મહારાણીબાની આ ધીરતા ધારાવર્ષદેવને સમજાતી ગઈ, તેમ-તેમ એ વધારે ને વધારે આશ્ચર્ય અનુભવી રહ્યો. એના કરતાં લેશ પણ ઓછી ધીરતા ધરાવનાર કોઈ રાજરાણી આંહીં હોત, તો એણે ક્યારના ઘોડેસવારોને સાંઢણીસવારો વિજ્જલદેવની પાછળ દોડાવી મૂક્યા હોત, દેશમાં ખબર ફેલાઈ જાત કે વિજ્જલદેવ ઊઠ્યો છે અને પછી? પછી વિજ્જલદેવનું પડખું સેવનારા પાટણમાં હોત તે આંતરવિગ્રહ જગાડી જાત. 

અને વિજ્જલ પાટણ ઉપર આવત, વધુ બળવાન થઇ જાત. સામંતો ઠેર-ઠેર ઊભા થાત. પરિણામે દેશ ખેદાનમેદાન થઇ જાત.

મહારાણી નાયિકાદેવીએ એક દ્રઢ નિર્ણયાત્મક અદ્ભુત પગલું ભરીને વિજ્જલની વાતને તદ્દન ઉપેક્ષિત બનાવી દીધી હતી. એ ઘા મારી ગયો એટલું જ. આના પરિણામે એ કાંઈ જ નહિ મેળવી શકે.

મહારાણીબા નાયિકાદેવી શોકના સાગર ઉપર બેસીને પોતાની નૌકા ચલાવવા મથી રહી હતી, આખી વાતને સમજવા પ્રયત્ન કરી રહી હતી. 

આઘાત ભયંકર હતો. પણ એણે બતાવેલી પ્રત્યુત્પન્ન મતિ અતિશય ભવ્ય હતી.

ધારાવર્ષદેવને આ રાજરાણી શક્તિની પ્રતિમા સમી ભાસી.

તુરુકનાં પગલાં સામે ટકનારી અડગ વજ્જરતા આંહીં હતી. 

પોતાનું અત્યારે અક્સ્માત આવવું તેને ઈશ્વરપ્રેરિત લાગ્યું. 

ધારાવર્ષદેવ મહારાણીની મુખમુદ્રા જોઈ રહ્યો. ત્યાં શોક હતો, વ્યથા હતી, અપાર વેદના હતી. પણ રાણીની એકે રેખા વ્યગ્રતા બતાવતી ન હતી. મહાન શોકના સાગર ઉપર એણે પોતાની નૌકાને લીધી હતી. મોટા પુત્ર મૂલરાજદેવને એણે એમાં બેસાર્યો હતો. નાનાને એમાં જ લાવવા એ મથી રહી હતી. શોભનની હાજરી એને અંગે જરૂરી હતી. 

આ તરફ વિજ્જલદેવનું નામ પડતાં, મૂલરાજ હજી પણ ઉતાવળો થઇ રહ્યો હતો. મહારાજને હણનાર પ્રતિહારનું નામ પણ વિજ્જલદેવ હતું. પણ અત્યારે માએ સ્પષ્ટ એકરાર કર્યો હતો. માતાથી વાત અજાણી ન હતી. મહારાણીબા એને સમજાવવા મથી રહ્યાં હતાં.

‘એને હણવા તને જ ન મોકલું, દીકરા?’ મહારાણીએ કહ્યું, ‘હું પણ રજપૂતાણી છું. વેર તો મારે લેવાનું છે, અને તે લેવાશે જ. પણ અત્યારે વાત ભોંમાં ભંડારવાની છે. એટલે હું દબાવીને બેસી ગઈ છું.

‘પણ શું કરવા મા?’

‘તારી સ્થિતિ મારા દીકરા! આ વંશના મૂલપુરુષ મૂલરાજ મહારાજ સમી છે. તારે જ આ બધું હાંકવાનું છે. હવે આ વાત તું સમજ્યો? કે હજી નથી સમજ્યો? વાતને આપણે વાવલીએ એવી આ વાત નથી. આ વાતને ભંડારી દેવાની છે. ભંડારી દેવી પડે તેમ છે. નહિંતર દેશ આખો સળગી ઊઠે. ભાગલા પડી જાય. અંદર-અંદર લડાઈ થાય. હવે સમજ્યો?’

મૂલરાજે હકારમાં ડોકું ધુણાવ્યું.

‘ત્યારે જો. હવે આપણે મહારાજની સ્મશાનયાત્રાની તૈયારી કરો. તારો અભિષેક હમણાં કરવો પડશે. સર્વદેવ પંડિત આવે એટલે આપણે વિધિસર કામ પતાવીએ. ધારાવર્ષદેવજી! આ વાત આંહીંની ભીંતો જ જાણે છે હોં. આ સમજુ છે, એટલે એને મેં કરી છે. ભીમને તો હજી કહી પણ નથી!’

‘મહારાણીબા! આ તો ગજબની વાત છે. આપણાં કાંડા આપણે ન કાપીએ, ન કાપીએ તો એ પરાણે કપાવે, એની આ જુક્તિ તો ગજબની છે!’

‘વિજ્જલ આ ઘા કરી ગયો – આમ્રભટ્ટનું નામ આગળ ધરીને. અરધું પાટણ એના પક્ષમાં રહે એ વાતમાં હતી. આપણે એક સાડા સૈનિકને પણ પાછળ મોકલીને, એની વાતને જો મહત્વ આપ્યું હોત, તો એને એ જ જોઈતું હતું, આંહીં આ કર્યું એટલે ન ભાગે એમ તો ન જ બને. એને આ વાત દેશભરમાં પ્રગટ કરવી હતી. કદાચ અજમેરના સોમેશ્વરને, લાટના સિંહ ચૌહાણને, કાવીકાંઠાના નાગાર્જુનને અને માલવાના વિંધ્યવર્માને પણ, એણે કહી રાખ્યું હોય તો ના નહિ. “હું ઘા મારી આવું છું. છોકરા નાનાં છે, બે પક્ષ પડ્યા તો છે જ. તે વધુ તીવ્ર બનશે. પછી તમે આવો, આપણે પાટણ વહેંચી લઈએ.” આ વાત છે મારા મૂલદેવ! આ પ્રતિહાર વિજલડું તો હાથો બન્યું, એટલું જ. તારી મા અમસ્તી આવો ભયંકર ઘા ગળી ગઈ નથી. મને દીકરા! આ ઘા આંહીં છાતીએ લાગ્યો છે. મને તો એવું થાય છે કે હું પોતે જ જઈને એ વિજ્જલને જનોઈવઢ કાપી નાખું. પણ એ થતાંની સાથે જ આંતરવિગ્રહ ને પછી તો દેશવિગ્રહ ફાટી નીકળે તેમ છે. સૌ ટાંપીને બેઠા છે એક પગલાની રાહ જોવાય છે! આ આંહીં રહ્યા રાઉલજોગી (ધારાવર્ષદેવનું બીજું નામ) એને પૂછી જો – એ સમજાવશે. પરમારરાજ! આપણે...’

નાયિકાદેવીના સ્વરમાં શોકની કંપારી આવી ગઈ: ‘આપણે મહારાજને છેલ્લા છેલ્લા મળી લઈએ... મહારાજ નીચે ભોયરામાં જ, હત્યારાના હાથે હણાયા ત્યાં...’

પરમાર મહાશોકમાં નીચે જોઈ ગયો. નાયિકાદેવીની આંખમાં આંસુ ઊભરાયાં હતાં. એ વધુ બોલી શકી નહિ.