Nayika Devi - 2 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 2

Featured Books
Categories
Share

નાયિકાદેવી - ભાગ 2

કોણ હતું?

પ્રહલાદનદેવને કાંઈ ખબર ન હતી કે એના મોટા ભાઈ શા માટે આમ વીજળીવેગે પેલાં સવારની પાછળ પડ્યા હતા. એણે તો એક કરતાં બે ભલા એ ન્યાયે જ મોટા ભાઈની પાછળ ઘોડો મારી મૂક્યો હતો. બોલવાનો સમય ન હતો. આંધળી દોટ જ કામ આવે તેમ હતી. આગળ ભાગનારનો ઘોડો વધુ પાણીવાળો જણાયો. જે અંતર હતું એમાં એક દોરવાનો ફેર પણ એણે પડવા દીધો નહિ. રાત અંધારી હતી. રસ્તો અજાણ્યો હતો. આડેધડ દોડ થઇ રહી હતી. ઝાડઝાંખરાંને સંભાળવાના હતાં. જો કોઈ વોકળું વચ્ચે નીકળી પડે તો ઘોડાનું ને જાતનું બંનેનું જોખમ હતું. પણ અત્યારે એવો કોઈ હિસાબ આ સવારોના મનમાં આવે તેમ હતો નહિ. એ તો હરીફાઈ કરી રહ્યા હતા.

આગલો સવાર પણ, પાછળ આવી રહેલા સવારો પાટણના જ હોવા જોઈએ એમ માનીને, કોઈ શિકારનો ભોગ થયેલું પ્રાણી ભાગે તેમ, ભાગી રહેલો જણાયો. એકબીજાને પહોંચવા ન દેવાની રસાકસી જામતી ગઈ, વધુ ને વધુ જામતી ગઈ. સીમ આખી એમણે ખૂંદી નાખી. 

એમ ને એમ એ દોડ એમને ક્યાં લઇ જાત, એ કહેવું મુશ્કેલ હતું. કોઈ કોઈને જવાબ આપવા કે સાદ આપવા થોભે તેમ ન હતા. વગર બોલ્યે પકડ-દાવની રમત જ જાણે ખેલાઈ રહી હતી. 

એટલામાં એક જગ્યાએ બંને બાજુ થોરની મોટી વાડ દેખાણી. એ નેળમાં એમનો પ્રવેશ થયો. હરીફાઈ હવે વધુ તીવ્ર બની. આગલો સવાર આ સપડાયો એવું થઇ ગયું. પણ એ વસ્તુસ્થિતિ સમજી ગયો હતો. પોતાની પાછળ બે સવાર હતા. પોતે એકલો હતો. થોરની વાડનો કિલ્લો એની બાજુની ગતિને રૂંધી રહ્યો હતો. પોતાના જાતવંત ઘોડાને પરિસ્થિતિનું ભાન આપવા એ ઉત્તેજનાના વેણ કહી રહ્યો, ‘હા મારો બાપ! વાહ! હંસલા! વાહ મારો ભાઈ! હવે નાડા વા, બેટા!’

થોડી વારમાં જ મુક્ત મેદાનમાં પહોંચી જવાની એની મુરાદ હતી, જ્યારે પાછળના ઘોડેસવારો એને અહીં જ રોકી દેવાની ઉતાવળ કરી રહ્યા હતા. કોણ જીતી જશે, એ કહેવું મુશ્કેલ હતું. એક નાનું સરખું જુદ્ધ જ એમની વચ્ચે ખેલાઈ જાય, એટલા લગોલગ એ આવી ગયા હતા. જરાક ઝાંખો જણાતો ઉદાસ, નેળનો અંત સૂચવી રહ્યો હતી. આગલા સવારે વીજળીને વેગે ઝડપ વધારી!

પણ બરાબર એ જ વખતે, કોઈ ઓઢી, નેળમાં પ્રવેશ કરતો જરાક થોભતો જણાયો. એની રૂપેરી-સોનેરી ઝંકાર આપતી ઘૂઘરમાળે અંધારામાં પણ કોઈ રાજવંશી આવી રહેલ છે, એની જાહેરાત આપી દીધી એક ક્ષણ મોડું થયું હોત, તો આગલો સવાર, આ ઓઢીની ને પાછળના સવારોની વચ્ચે સપડાઈ જવાનો હતો, પણ એણે જે પળ વીજળીવેગે જાળવી લીધી, એનાથી એ ઓઢીની સાથે અથડાતાં સહેજમાં બચી ગયો, પણ જાણે સાંઢણીના પગ વચ્ચેથી પાંખ કરીને નીકળી ગયો હોય એટલી સિફતથી, એ સડેડાટ કરતો નેળથી બહાર નીકળી ગયો અને પછી તો એના ઘોડાએ અફાટ મેદાનમાં અંધારાને વીંધી નાખતી, વીજળીને પાછળ મૂકે એવી ઝડપ કરી દીધી, ‘એ જાય!’ એમ ઓઢી પણ જોઈ રહ્યો!

એક નાનકડી પળમાં આ બની ગયું. પાછળના સવારો એની લગોલગ હતા, પણ હવે આ એક નાનકડી પળની ઢીલે, એમની સામે ઓઢીને આણી દીધો હતો અને હવે તો સાવધ થઈને પડકાર દેતો ત્યાં ઓઢી ઊભો રહી ગયો હતો. ડોક મરડી નાખે એટલા જોરથી તેણે માંડમાંડ સાંઢણીને રોકી દીધી હતી. બંને સવારો પણ એની સાથે અથડાઈ જતાં માંડ બચ્યા હતા. એમના ઘોડાં હાંફતા ઊભા રહી ગયા. 

‘કોણ છો, ભા? પાટણમાંથી ભાગ્યા છો?’ સાંઢણી ઉપરથી અવાજ આવ્યો.

‘તું કોણ છો? આઘો ખસ. નહિતર હમણાં સાંઢિયું ખોટવાઈ જશે. ભાગનારો પેલો ભાગી ગયો!’ આગલો સવાર ભાગી ગયો હતો તેથી પ્રહલાદનની વાણીમાં ઉગ્રતા આવી ગઈ. 

‘મગજમાં કાંઈ બહુ રાઈ ઊગતી લાગે છે!’ ઓઢીએ આઘા ખસવાને બદલે સાંઢિયાને ઊલટાનો પહોળે પગે વચ્ચે જ થોભાવી દીધો, ‘લ્યો આઘા ખસ્યા, ચાલ્યા જાવ!’

પ્રહલાદનદેવે ઝડપથી તલવાર ખેંચી. સામેથી ઓઢીનો પડકાર આવ્યો: ‘લે હવે આઘું જા, આ તારું ટારડું લઈને, નહિતર પછી સામે હાથ ચૌહાણનો છે!’

‘પ્રહલાદનદેવ! થોભો. કોણ છે એ તો સાંભળ!’

‘કોણ છો તમે?’ પાછળથી મોટો અવાજ આવ્યો.

‘પણ તમે કોણ છો, એ કહો ને ભા?’

‘તમે બોલો ને, તમે કોણ છો?’

‘હું છું ભા! નડૂલનો ચૌહાણ. નડૂલનું નામ સાંભળ્યું છે નાં?’

બંને સવારો આશ્ચર્યચકિત થઇ ગયા. એમનો શિકાર તો હવે છટકી ગયો હતો. આડેથી આ ચૌહાણ ખસે નહિ, ત્યાં સુધી બીજો ઉપાય પણ શો હતો? એ ઉતાવળા થઇ રહ્યા હતા. 

‘નડૂલના ચૌહાણ? એટલે? કેલ્હણ ભા તો નહિ?’

‘હા, એ જ છે! પણ તમે કોણ ભા?’

‘હું ચંદ્રાવતીનો પ્રહલાદનદેવ. મારી સાથે મારા મોટા ભાઈ છે!’

‘કોણ? ધારાવર્ષદેવજી?’

‘હા.’

‘કોણ, કેલ્હણ ભા! ઓહો ભા! તમે ક્યાંથી?’ ધારાવર્ષદેવે નડૂલના કેલ્હણનું નામ સાંભળતાં જ કહ્યું. 

‘હું નીકળ્યો છું સોમનાથની જાત્રાએ, પણ તમે? તમે ક્યાંથી? પાટણથી આવો છો? આ કોણ ભાગ્યો’તો?’

‘એ તો હવે જે હોય તે. રાત એને ગળી ગઈ. એ ભાગી ગયો. પણ આવો, હવે આમ આવો, નેળ બા’રા આવો.’

ધારાવર્ષદેવજીને મનમાં વસવસો રહી ગયો. પેલો જે કોઈ હોય તે ભાગી ગયો. પણ અહીં અત્યારે આ કેલ્હણદેવને જીને એના મનમાં નવી ગડભાંગ જાગી. સોમનાથની જાત્રાએ નીકળ્યો છું, એમ એણે કહ્યું, એ તો જાણે ઠીક, પણ પાટણમાં અત્યારે કાંઈક ખળભળાટ છે એ સનસા ઉપર તો એ આવ્યો ન હોય? એમ હોય તો નવાઈ નહિ! એટલે આ નવી જ વાત નીકળી પડી.

મેવાડનું જુદ્ધ કરવા મહારાજ અજયપાલ ગયા ત્યારે પોતે એની પડખોપડખ લડ્યો હતો. મહારાજ અજયપાલદેવ ઉપર ઘા આ કેલ્હણે જ આડા પડીએ ઝીલી લીધા હતા. એટલે એની મહારાજ અજયપાલ પ્રત્યેની રાજભક્તિ અનુપમ હતી. પણ તેથી જ અત્યારે, જ્યારે મહારાજે પાટણના વાતાવરણને ક્ષુબ્ધ કરી મૂક્યું હતું ત્યારે, કેલ્હણનું આગમન ધારાવર્ષદેવને ઘર્ષણ વધારનારું લાગ્યું. એને આનાથી સાવધ રહેવાની જરૂર જણાઈ. પોતે પણ મહારાજ અજયપાલને જ મળવા આવ્યો હતો. પાટણના વધારે ને વધારે ક્ષુબ્ધ થતાં વાતાવરણને જાળવી લેવાની વાત કરવા માટે તો એણે રાતોરાતની મુસાફરી માથે લીધી હતી. પ્રહલાદનને ચેતવવા એણે એના ખભાને જરાક સ્પર્શ કર્યો, મોટેથી કહ્યું, ‘પ્રહલાદન! રાય કેલ્હણજીનો ભારતભરમાં જોટો નથી, હોં!’

‘એને મા આશાપુરીની આરાધના ફળી છે. એમની સમશેરનો રંગ આપણે મેવાડના યુદ્ધમાં ક્યાં જોયો નથી? ત્યાર છી જાતા આજ મળ્યા!’   

ત્રણે જણા નેળ બહાર આવ્યા. સાંઢ ઝોકારી કેલ્હણ નીચે ઊતર્યો. ધારાવર્ષદેવ ને પ્રહલાદનદેવ સામે ચાલ્યા. ત્રણ જણા પ્રેમથી ભેટી પડ્યા. કેલ્હણે મેદાન ઉપર એક દ્રષ્ટિ ફેરવી. એના મનમાં પેલો ભાગ્યો તે કોણ હતો એ જાણવાની ચટપટી હતી. 

‘પણ એ હતો કોણ, ધારાવર્ષદેવજી? રા’ તો નહિ?’

‘જૂનાગઢનો? ના, ના. એ આમ ન ભાગે. એ તો હાથતાળી દઈને જાય! પણ ચાલો, એ તો ગયો હવે – જે હોય તે.’

કેલ્હણને વિશ્વાસ ન બેઠો. એને લાગ્યું કે કોની પછવાડે પોતે પડ્યા હતા એ ન જાણે એવા કાચાપોચા આ પરમાર ન હોય!

‘મારું પેસવું ને એનું ભાગવું, દોરવા ફેરે એ ભાગી ગયો. ભટકાઈ જતો માંડ રહી ગયો. પડવું છે પાછળ હજી? આ જાંગલી એને જાવા નહિ દ્યે!’ કેલ્હણે દાણો દાબવા જેવું કર્યું, ભાગનારની મહત્તા હજી એને કાંઈ સમજાઈ ન હતી. ને આ દોટ શેની હતી એનો પણ પત્તો લાગ્યો ન હતો. 

‘હવે પત્યું કેલ્હણજી!’ ધારાવર્ષે કાંઈક ઉપેક્ષાથી કહ્યું, ‘આપણે ઘણે દિવસે મળ્યા છીએ: મહારાજ સાથે મેવાડના યુદ્ધમાં મળ્યા હતા, તે પછી આજ. તમે ક્યાંથી આવો છો?’

કેલ્હણ કંઈક સંભારતો હોય તેમ જવાબ આપ્યા વિના ઊભો રહ્યો, પોતાની યાદને એ તાજી કરી રહ્યો હતો. તેણે અચાનક કહ્યું, ‘ભીલમજી!’

સાંઢણી હાંકનારો એની પાસે આવ્યો. તમને પેલો કોના જેવો લાગ્યો? અંધારામાં ખબર તો પડે તેમ ન હતી, પણ કાંઈ ઓસાણે યાદ આવતું હોય તો?’

ભીલમજી પોતાની યાદશક્તિમાં ખાંખાખોળા કરવા લાગ્યા.

થોડી વાર રહીને એ સંભારતો હોય તેમ બોલ્યો, ‘પેલો તો નહિ, મહારાજ? એના જેવો લાગતો’તો!’

‘કોના જેવો?’ 

‘આપણે ત્યાં આવ્યો’તો, મહારાજ કુમારપાળના વખતમાં મોટો દંડનાયક થઈને!’

‘હાં, હાં, વિજ્જલદેવ?’

‘હાં એ, અણસારે એવો લાગ્યો!’

‘મને પણ એના જેવો જણાયો ભીલમજી! વિજ્જલદેવ આંહીં છે. ધારાવર્ષદેવજી?’

‘આંહીં શું છે ને શું નથી એ જ કોને ખબર છે. અમે તો હજી નગરમાં જ ગયા નથી. બહાર દરવાજે ઊભા હતા, ત્યાં આને નીકળીને ભાગતો જોયો. એટલે પાછળ પડ્યા. ઠીક દોડ થઇ. મધરાતની ઊપડી’તી. ત્યાં આંહીં તમે મળી ગયા. પાટણમાં તો હજી હવે જવું છે! વિજ્જલદેવ હોય તો શું કરવા ભાગે?’

‘વખતે કાંઈ કામો કર્યો હોય કે હાથ માર્યો હોય.’

‘એ તો હવે પાટણ ભેગા થઈએ ત્યારે ખબર પડે.’

ત્રણે જણા થોડી વાર પછી પાટણ તરફ જવા નીકળ્યા.

એમનાં મન જુદીજુદી રીતે આ કોયડાના ઉકેલમાં પડી ગયાં લાગ્યાં.