Kanta the Cleaner - 32 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 32

Featured Books
Categories
Share

કાંતા ધ ક્લીનર - 32

32.

કાંતા કોર્ટ રૂમની બહાર એક બાંકડે બેઠી કોર્ટની ગિરદી,  દરેક જાતના લોકોની ચહલપહલ નિહાળી રહી હતી. તેણે નાઈટ ડ્રેસના શર્ટ પજામા સતત બત્રીસ કલાકથી પહેરી રાખ્યાં  હતાં. તે નહાઈ પણ ન હતી એટલે તેને ઠીક લાગતું ન હતું.  પોતાનો જ પરસેવો તેને ગંધાતો હતો. 

તેની જામીન અરજી પેશ કરી તેની કાર્યવાહી માટે એક સાવ યુવાન વકીલ આવ્યો હતો. તેણે કાંતાની બાજુમાં બેસી ફરીથી પૂછીને તેનું નામ અને  આરોપોની ખાતરી કરી.

"લગભગ બે કલાક પછી વારો આવશે એટલે અંદર જશું. એટલી વાર મારી ઓફિસના મેઈલ જોઈ લઉં." કહેતો તે  થોડે દૂર જઈ તેના મોબાઈલમાં ખોવાઈ ગયો.

"આટલી ગંદી પરસેવાવાળી છું તો ઘેર જઈને ડ્રેસ બદલી આવું?" કાંતાએ પૂછ્યું.

"મઝાક કરો છો?  જવાતું હશે અહીં થી? આ તો નશીબદાર છો કે બીજે જ દિવસે જામીન અરજીનું હિયરિંગ છે."

"એક વાત પૂછું. ક્યારેય જેલમાં ગયાં છો?" વકીલ થોડો તેને ઓળખતો હોય?

"ગઈકાલે. એ પહેલાં ક્યારેય અંદરથી જોઈ ન હતી." કાંતાએ કહ્યું.

"એ જેલ ન હતી, પોલીસ કસ્ટડી હતી. જેલ તો ક્યાંય ભયંકર હોય. ઠીક, અગાઉ કોઈ ક્રિમીનલ રેકોર્ડ?"

"ના. સાવ કોરી પાટી. હું ભલી અને મારું કામ ભલું. મારા પિતા એક એક્સિડન્ટમાં ગુજરી ગયા જ્યારે હું બારમા માં હતી.."

વકીલે તેને અટકાવી. તેને આ બધું સાંભળવાનો રસ પણ ન હતો અને સમય પણ ન હતો.

"દેશ છોડી ક્યાંય જવા વિચાર્યું છે ખરું?"

"હા. આ બધું પતે એટલે બીજે ક્યાંય નહીં તો  એટલીસ્ટ નેપાળ, ભૂતાન કે શ્રીલંકા."

"અરે, અરે! એમ  ભૂલથી પણ નહીં કહેવાનું.  એમ જ કહેજો કે ક્યાંય જઈશ નહીં.

હવે હું બચાવ કરીશ કે તમે ખૂન કર્યું જ નથી અને તમારી માંદી વૃદ્ધ મા એકલી છે અને તેની સંભાળ માટે તમારે સાથે રહેવું જરૂરી છે. "

"મમ્મી તો હમણાં જ ગુજરી ગઈ "

"હું શીખવું છું એમ જ બોલવાનું." વકીલે તાકીદ કરી.

ત્યાં તેનો ફોન રણક્યો.

" ચાલો, આપણો વારો આવ્યો." કહેતો તે કાંતાને કોર્ટ રૂમમાં દોરી ગયો.

એક મોટા ઓરડામાં બેય બાજુ લાકડાની બેંચો ખીચોખીચ ભરેલી હતી. વચ્ચે ખુલ્લો પેસેજ જેમાં થઈ વકીલ તેને દોરી જતો હતો. કાંતાને વિચાર આવ્યો કે જાણે પોતે કન્યા છે, હાથમાં વરમાળા લઈને લગ્નના હોલમાં જઈ રહી છે  સામે?  વિકાસ તો નહિ, હવે તો રાઘવ પણ નહીં. જે રૂડો  રૂપાળો નહીં હોય તો ચાલશે, અગ્રવાલ જેવો હલકો માણસ ન હોવો જોઈએ.  એને લાગ્યું કે પોતે કન્યાના વેશમાં લગ્નની વેદી તરફ જઈ રહી છે અને આ 'મામો' પોતાને ચોરીમાં પધરાવવા જઈ રહ્યો છે.

તેની વિચારધારા તૂટી.  જજની સામેની હરોળમાં એક ખુરશીમાં  તેને બેસાડી. જજશ્રી આવવાનું એલાન થયું. બધાને ઊભા થવા આદેશ થયો. વકીલે કાંતાને હાથ પકડી ઊભી કરી. 

જજ સાહેબ આવ્યા અને હવે પહેલો કેસ કાંતાનો લીધો.

કાંતાને જજ સામે પેશ કરાઈ. 

"બેસી જાઓ." જજે કહ્યું અને તેને ધારીને જોઈ રહ્યા. કાંતાની ખોળામાં રાખેલી હથેળીઓ ધ્રુજવા લાગી. પગ કાંપવા લાગ્યા.

ઇન્સ્પેકટર ગીતા જાડેજાએ વિસ્તારથી કાંતા સામેના ચાર્જ વાંચ્યા અને કહ્યું કે આનો ડ્રગની હેરાફેરી, હથિયાર ધરાવવું બધામાં હાથ છે. ખૂનમાં પણ દેખીતી રીતે સંડોવાયેલી છે. તે ભોળી દેખાય છે પણ અંદરથી ખતરનાક  ગુનેગાર છે. એ કામ કરે છે તે હોટેલની જેમ, ઉપરથી બધું સારું સારું લાગે, ઊંડાં ઉતરીએ તો ઘણી ધૂળ ઉડે.

"ઇન્સ્પેકટર જાડેજા, અત્યારે કેસ હોટેલ પર નથી,  હોટેલને ખૂનની આરોપી  ગણી કેસ ન ચલાવી શકાય. કેસ કાંતા સોલંકી પર છે. મુદ્દાસર વાત કરો." જજે કડકાઇથી કહ્યું.

"અમે મરહૂમ અગ્રવાલના  ડ્રગના ગેરકાયદે ધંધા  સાથે આ ભોળી દેખાતી  છોકરીનું કનેક્શન પકડ્યું છે. એને જામીન મળે તો ફરીથી કાયદો તોડશે, તે દેશ છોડી ભાગી પણ જઈ શકે છે.  અમે જામીન  આપવાનો વિરોધ કરીએ છીએ." ગીતાબાએ રજૂઆત કરી.

કાંતાના વકીલે તેનો ક્લીન રેકોર્ડ, નોકરીમાં A+ ગ્રેડ વગેરેની વાત કરી. તે દેશ છોડી ભાગી શકે એમ નથી. એ ક્યારેય ફ્લાઇટમાં બેઠી નથી અને તેણે પાસપોર્ટ કઢાવ્યો  જ નથી તે રજૂઆત ભારપૂર્વક કરી.  તેણે કહ્યું "મી લોર્ડ, આનો પ્રોફાઈલ જુઓ. એ કોઈ રીતે ખતરનાક ગુનેગાર કે ભાગેડુ સાબિત થતી નથી. સાવ ગરીબ સ્થિતિની છે અને હોટેલમાં ક્લીનરની નોકરી સિવાય તેણે કશું કર્યું નથી અને કરી પણ શકે તેમ નથી."

"તારા જામીન કોણ થાય છે?" જજે પૂછ્યું.

વકીલે ભાર્ગવ એસોસીએટની વકીલ ચારુ બંસલ એમ કહ્યું.

"ઘણી સારી ઓળખાણો રાખી છે તેં!  તારે શું કહેવું છે?" જજે પૂછ્યું.

"મી લોર્ડ, પહેલાં તો મને માફ કરો કોર્ટની સામે આવા લઘરવઘર વેશમાં બે દિવસથી નહાયા વગર  ઊભવા બદલ." કાંતા હવે ઓચિંતી હિંમતમાં આવી બોલી રહી.

"અમે કપડાં કે દેખાવ પરથી કોઈને મૂલવતા નથી. તે વ્યક્તિ કાયદાની મર્યાદામાં રહે અને કોર્ટની સૂચનાનો અમલ કરે એ જ જોઈએ છીએ." જજે કહ્યું .

"હું તો સદાયે કાયદાનું પાલન કરનારી છું.  કરતી આવી છું અને કરતી રહીશ." તેણે કહ્યું.

"સર, મારી ઓળખાણો સારી છે એ આપે કહ્યું પણ હું તો માત્ર એક ક્લીનર છું. હવે હોટેલ નોકરીએ રાખે તો કામ પર જવું અને ત્યાંથી ઘેર એ બે સિવાય મે કશું કર્યું નથી અને કરીશ નહીં."  કાંતા તેની સફાઈમાં બોલી.

"અમે તને જામીન પર છોડીએ છીએ અને આશા રાખીએ છીએ કે તું  ઘેર, હોટેલ પર નોકરીએ અને  જીવવા માટે જરૂરી કામે  જ જઈશ. અને તું આ શહેર નહીં છોડે." જજે જામીન ઓર્ડર પર સહી કરતાં કહ્યું.

"સર, મારે ખાવાના પણ સાંસા છે. નોકરીએથી આવી થાક ઉતારવા થોડું એક જૂનું ટીવી  જોવા સિવાય મને કોઈ શોખ પણ નથી. મને દુનિયાની ઝાઝી ગતાગમ પણ નથી. ક્યાંય જાઉં તો મજાકનું પાત્ર બનું એમ છું. આ મેડમ મારી પર સતત કટાક્ષો અને મઝાક કરતાં હતાં એમ." કાંતા બોલી તો ગઈ, ગીતાબા સામે જોઈ ન શકી.

જજે ગીતાબાનો ઉધડો લીધો. તે આંખ ઊંચી કરી જોઈ શક્યાં નહીં.

"તું હવે મુક્ત છો  જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે." જજે કહ્યું.

વકીલ તેને ક્લાર્ક ઓફિસમાં દોરી ગયો. તેને મુક્ત કરવામાં આવી. બહાર  આવતાં જોયું કે વ્રજલાલ અને ચારુ તેને લેવા ઊભાં હતાં. તે વ્રજકાકાને ભેટીને ચોધાર આંસુએ રડી પડી. વ્રજલાલ તેને માથે હાથ ફેરવી રહ્યા.

ક્રમશ: