Kanta the Cleaner - 31 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 31

Featured Books
Categories
Share

કાંતા ધ ક્લીનર - 31

31.

ઓચિંતો ગીતાબાએ ફરીથી કાંતાનો મોબાઈલ છીનવી લીધો.

"અરે, મારા અગત્યના કોન્ટેક્ટ છે. ભલે થોડા.  હવે મને આ ક્યારે પાછો મળશે?" કાંતાએ સાવ  ગરીબ ગાય જેવી થઈ ધીમેથી પૂછ્યું.

"ક્યારેક તો મળશે. અત્યારે નહીં." ગીતાબા પોલીસના પાઠ માં આવી ગયાં.

કાંતાની નજર વ્રજલાલ પર પડી. આજે તેઓ યુનિફોર્મ વગર સફેદ શર્ટ અને જીન્સની પેન્ટમાં સ્માર્ટ અને ચુસ્ત દેખાતા હતા. સાથે તેમના જેવો જ ચહેરો ધરાવતી સ્ત્રી ઊભી હતી. ખ્યાલ આવી જ જાય કે તેમની દીકરી હતી. તેણે બ્લેક સુટ પહેરેલો અને હાથમાં લેધરની બેગ હતી.

કાંતા એકદમ ઊભી થઈ. "વ્રજકાકા, તમે આવી ગયા! તમને જોઈ મને એકદમ હાશ થઈ." કહેવા જાય ત્યાં તો ઉત્સાહમાં ઊભી થઈ એટલે તેના સાથળ ટેબલ સાથે અથડાયા. એક ખીલી પણ વાગી. તે ઝીણી ચીસ નાખી બેસી ગઈ.

"તમે તમારી પુત્રીને લાવ્યા એ સારું કર્યું. જુઓને, આ લોકો મને ખુની ઠેરવે છે. મેં મારી જિંદગીમાં કોઈને પથરો પણ માર્યો નથી. મેં ડ્રગ રાખી એમ કહે છે. મેં કફ સીરપ પણ પીધો નથી. અને હથિયાર.." કાંતા ઝડપથી બોલ્યે જતી હતી.

"કાંતા, બસ. હું  વકીલ ચારુ વ્રજલાલ બંસલ. મારી પ્રોફેશનલ સલાહ છે કે અત્યારે તું મૌન જ રહે. તારા વિશે પપ્પાએ રસ્તામાં જ મને ઘણું કહ્યું છે, તું પણ ન જાણતી હોય એવું."

ચારુએ આગળ વધી ટેબલ પર બેગ મૂકી.

"તમે અમારાં સરકાર વતી વકીલ બની શકો? આ ગુના માટે સજ્જડ હોંશિયાર વકીલની અમારે જરૂર છે. અને વ્રજલાલ, તમે તાજના સાક્ષી .." અધિકારી પૂછી રહ્યા. ચારુ નિરુત્તર રહી.

"દીકરી,  હિંમતમાં રહેજે. તેં કાઈં ખોટું કર્યું ન હોય તો અમે તારી સાથે જ છીએ. ભલે આ લોકો .." વ્રજલાલ આશ્વાસન આપવા ગયા.

"પપ્પા.." કહી ચારુએ તેમને ચૂપ કરી દીધા.

"તો કાંતા, તું મને તારી વકીલ રાખે છે ને?" કાંતા ચૂપ રહી જમીન ખોતરવા લાગી.

"કાંતા, તને પૂછું છું. જવાબ આપ." ચારુએ આદેશ આપ્યો.

"પણ.. તમે જ મૌન રહેવા કહ્યું !"  કાંતા બોલી ઉઠી.

"હે ભગવાન! બહુ ભોળી છો.  પપ્પાએ કહેલું જ. અરે, તારા આરોપો અંગે મૌન. તો મને વકીલ રાખે છે? તો આગળ વાત થાય."

"પણ.. મેડમ, તમારી ફી નું? મારું બધું જ લૂંટાઈ ગયું છે. બાકી હતું તો હવે નોકરી પણ નથી." કાંતા કહે તે સાંભળી વ્રજલાલે ખોંખારો ખાધો.

"છોકરી, તને ખબર છે? વકીલ રાખીશ તો ખાલી જામીન પર છોડાવવાના પચાસ સાઠ હજાર થશે. એના કરતાં અત્યારે જ કબૂલ કરી દે .." ગીતાબા બોલે ત્યાં તેમને  ચારુએ વચ્ચેથી કાપ્યાં. 

" બસ,ઇન્સ્પેકટર, હવે તમે ચૂપ રહો. અમે વકીલો બુદ્ધિ વાપરીને, કાયદો સમજીને કમાઈએ છીએ.  સોરી ટુ સે, બિચારી હોટેલ કલીનરને બહુબહુ તો બસો પાંચસોની ટીપ મળે.   પોલીસની જેમ.. મને અહીં ન બોલાવો. તમારા ખુદના દરેક કામના ભાવ મને ખબર છે. "

આમ કહેતાં ચારુ કાંતા તરફ ફરી.

"અત્યારે પૈસાની વાત છોડ. કોઈ વકીલ એડવાન્સ પૈસા લેતા નથી.  તું મને વકીલ રાખે છે?"

કાંતાએ હા કહી કે તરત જ ચારુએ બેગમાંથી વકીલાતનામું કાઢી તેની સહી લઈ લીધી.

"અને હા, ઇન્સ્પેકટર જાડેજા, એનાં જામીનનાં પેપર્સ હું ઓફિસમાં આપીને જ આવી છું. કાંતાની સહી લઈ આ કબુલાતનામું  આપું એટલી જ વાર.

અને કાંતા, જો. કાલે જ તારી જામીનની સુનાવણી ફિક્સ કરાવી લીધી છે. મારે બીજો કેસ છે પણ  મારી કંપની ભાર્ગવ એસોસીએટમાંથી બીજો વકીલ આવી જશે. પપ્પાએ ખુદ તારું સારાં ચારિત્ર્યનું સર્ટિફિકેટ લેખિતમાં આપ્યું છે. જામીનની  ભરવાની રકમની વ્યવસ્થા અત્યારે અમે કરી લેશું."

ઇન્સ્પેકટર ગીતાબા જાડેજા હેબતાઈને જોઈ રહ્યાં.

"પછી તો હું છુટ્ટી ને?"કાંતાએ પૂછ્યું.

"ના. એ એટલું સહેલું નથી. સહેજ પણ કાઈં આડું અવળું થશે તો અમે બે તો મરશું, તારે માટેનું કહીને અત્યારથી તને ડરાવતી નથી.  હા. પછી ખૂબ જાળવીને રહેવું પડશે તારે."  ચારુએ વકીલ તરીકે કડક સૂચના આપી.

"અને કાંતા, તારો ફોન ક્યાં?" ચારુએ પૂછ્યું.

"આ રહ્યો. ઇન્સ્પેકટર મેડમ પાસે." કાંતાએ  આંગળી ચીંધી.

"ઇન્સ્પેકટર, એ ફોન મને આપી દો." ચારુએ કહ્યું અને હાથ લંબાવ્યો. 

"અત્યારે એ શક્ય નથી." ગીતાબા મક્કમ થઈ કહી રહ્યાં.

"ઓકે. તો મારા ક્લાયન્ટ કાંતા સોલંકીની અંગત વસ્તુઓ તરીકે જેલની સેફમાં મૂકી દો. તમે એને ખોલી એવિડન્સ તરીકે વાપરશો નહીં એ લખી આપો "

"આવી ગઈ ન જોઈ હોય તો વકીલ. આ કાઈં મારો પહેલો કેસ નથી, xxx (ગાળ)? એના ઘરની ચાવી પણ મારી પાસે છે. (વધુ ભૂંડી ગાળ)”

"હોલ્ડ યોર ટંગ, ઇન્સ્પેકટર! હું તમારી ફરિયાદ  ગેરવર્તણૂક અને અપશબ્દો બોલી જાહેરમાં અપમાન કરવા બદલ કરી શકું છું. કેસ જઈ રહ્યો લાગતો હોય તો અમારી ઉપર ખીજ ન કાઢો." ચારુએ બરાબરની ચોપડાવી.

"ચાલો, એ ફોન અને એના ઘરની ચાવી મને આપી દો." ચારુ પોલીસ સામે પણ મક્કમ થઈ સત્તાવાહી અવાજ હોય તેમ બોલી.

ગીતાબાએ ગુસ્સે થઈ પર્સમાંથી ચાવી અને પાસે પડેલો મોબાઈલ પછાડીને તેને આપ્યાં.

એક તરાપ મારી ચારુએ તે લઈ લીધાં.

"અમે અત્યારે જ આ બે ચીજો  કાંતાની અંગત વસ્તુઓ  તરીકે જમા કરી  રીસીટ લઈ લેશું.  તમે એને મારા ક્લાયન્ટ સામે પુરાવા તરીકે વાપરશો નહીં એની ખાતરી તમારી પાસેથી લઈને."

"અને કાંતા, જલ્દીથી બહાર નીકળવા માટે બેસ્ટ લક."

તરત ચારુ ઊંધી ફરીને બહાર નીકળી ગઈ.

"હું તારી સુનાવણી થાય ત્યારે હાજર હોઈશ, દીકરી! " કહી  વ્રજલાલ પણ તેની પાછળ નીકળી ગયા.

"હવે શું?" કાંતા ગીતાબાને પૂછી રહી.

"જા આ તારો પ્રાઇવેટ મગ લઈ તારી કોટડીમાં. બહાર ઊભા છે એ જમાદાર તને મૂકવા પણ આવશે. સુનાવણી સુધી તું અમારી મહેમાન. હેવ ગુડ સ્ટે,  એન્ડ સ્વીટ ડ્રીમ્સ." ગીતાબા કટાક્ષમાં કહી બહાર નીકળ્યાં.

ક્રમશ: