હું નનકા અને તેજાની રાહ જોતો બેઠો હતો. મારી નજર એ શેરી તરફ જતા રસ્તે જ હતી. મનમાં એમ જ થયા કરતુ હતું કે, હમણાં બંને આવશે! પણ મારું એમ વિચારવું ખોટું ઠર્યું જયારે મેં ફક્ત તેજાને જ ત્યાંથી આવતા જોયો! આજે ફરી કંઈક અમંગળ જ થયું હશે એ ડર મને સતાવવા લાગ્યો હતો. હવે શું બીના બની છે એ જાણવા મળે તો મારા મનને શાતા મળે.
તેજો અમારા બધાની સાથે જોડાઈ ગયો હતો. મને આંખના ઈશારે વાત પછી કરવાની સૂચના એણે આપી દીધી હતી. મેં પણ એને મૂક સહમતી આપી દીધી હતી.
આજે અગીયારસની રાત્રી હોય લોકોએ મંદિરે ભજનનું આયોજન કરેલું હતું, ધીરે ધીરે આખો ડાયરો અહીં ચબુતરેથી મંદિર તરફ વળ્યો હતો. છેલ્લે હું અને તેજો સહેજ ધીમી ચાલે બધાની પાછળ ચાલતા એકાંત શોધવામાં ફાવી ગયા હતા. મેં પૂછ્યું, "શું સમાચાર?
"હું નનકાના ઘરે ગયો ત્યારે નનકો, ઝુમરી બંને બહાર ફરીયામાં બેઠા હતા. નનકાની મા બાજુના ખાટલા પર આરામ કરતા હતા. મેં એમની ખબર પૂછી તો જાણવા મળ્યું કે, માને અચાનક આજે સવારે ઉઠતા વેંત કેડમાં દુખાવો ઉપડ્યો હતો. ઉભા નહોતા થઈ શકતા, શાંતામાસીને બોલાવ્યા હતા, એમને તપાસ કરી કહ્યું કે, ટચક્યું પડ્યું છે આથી અસહ્ય વેદનાના લીધે વાંકા વળી શકતા નહોતા. ત્રણ દિવસમાં સારું થઈ જશે! આથી ઝુમરીએ જ ઘરનું બધું કામ સાચવ્યું હોય એવું ત્યાંની પરિસ્થિતિ પરથી લાગ્યું હતું."
"ઝુમરી ઠીક તો હતી ને? એ કઈ બોલતી હતી? કોઈ વાતચીત તું ત્યાં હતો ત્યારે કરી?"
"હા ઠીક તો હતી પણ ચહેરે ઉદાસી છવાયેલ હોય એવું લાગ્યું. અને હા, એ એકમના દહાડે પાછી એના ઘરે જવાની છે. નનકો એને મુકવા જવાનો છે."
"અરે રે! ચાર દહાડા જ રહ્યા!" વિવેકથી એક ઊંડો નિસાસો નીકળી ગયો.
"અરે! તું મન દુઃખી ન કર. મારુ મન કહે છે એ તને મળીને જ જશે!" તેજાએ દિલાસો આપતા કહ્યું હતું."
બધા મંદિરે પહોંચી ગયા હતા. ભજનની રંગત એટલી સરસ જામી હતી કે, ત્યાં હાજર બધા પ્રભુની ભક્તિમાં મગ્ન થઈ ગયા હતા. ગામમાં જયારે ભજન હોય ભજનીશ સવાર સુધી પોતાના ભજનો દ્વારા ભજન પ્રેમીઓને બાંધી રાખતા. મળસકું થાય ત્યાં સુધી ભજનની મોજ બધા ખુબ માણતા. આજે પણ આખી રાત ભજન ચાલ્યા હતા. મંદિરથી છુટા પડી બધા પોતાની દિનચર્યા જ શરૂ કરી દે, એટલી લોકોમાં ભક્તિની ઉર્જા તાજગી લાવી દેતી હતી. રાત ઉજાગરો હોય છતાં દરેકના ચહેરે એક અલગ જ રોનક અને ઉત્સાહ ઝળહળતો હોય!
હું પણ આજ આખીરાત ભજનમાં રહ્યો હતો. આ મારી બીજી રાત હતી કે મેં એક મટકું પણ માર્યું નહોતું! મનના કેન્દ્રમાં એક જ પ્રશ્ન ધબકતો હતો અને એ હતો ઝુમરી ક્યારે જવાબ આપશે? મારી સવાર મંદિરમાં અને સાંજ ગામના ચોકમાં વીતતી હતી. મનમાં એમ થતું કે, ઝુમરી કદાચ કોઈ કામથી બહાર આવે તો મને એની એક ઝલક તો દેખાય! એક ક્ષણભરની ઝલક માટે હું સવારથી બધે ફર્યા કરતો. રાત ઝુમરીની જ યાદમાં અને રાહની આતુરતામાં પડખા ફરવામાં જતી હતી. જેમ જેમ એકમ નજીક આવવા લાગી એમ એમ મન વ્યગ્ર થવા લાગ્યું હતું. આવતીકાલે એકમ હોય, ઝુમરી એના ગામ જતી રહેવાની હતી. આથી આજે સવારે એ દ્રઢ આશાએ હું મંદિર ગયો કે, આજે ઝુમરી મારો પ્રેમ અવશ્ય સ્વીકારશે જ!
હું આજે પણ મંગળા આરતી પહેલા પહોંચી ગયો હતો. મારી આશા આજે પણ ખોટી પડી હતી. અતિશય બેચેની મનમાં વ્યાપી ચુકી હતી. આજે અનેક વિચારો મને કમજોર બનાવી રહ્યા હતા. પૂજારી પણ ભગવાનને ભોગ ધરી ઘરે જતા રહ્યા હતા. હું એક જ મંદિરે બેઠો હતો. હું હવે ઝુમરીની રાહ જોવાની અંતિમ ચરમસીમાએ પહોંચી ગયો હતો. મારો મારા પરનો અંકુશ તૂટી ગયો હતો. મારા ખિસ્સામાં રહેલ બીડી મેં કાઢી અને મારા સહેજ ધ્રુજતા હાથે એને બાક્સથી સળગાવી હતી. ત્યાં અચાનક ઝુમરીનો ચહેરો મને દેખાયો. મને આવા ભ્રમ ઘણીવાર થયા હતા આથી આંખ પર વિશ્વાસ નહોતો આવતો મેં બીડી મારી હથેળી પર સળગતી અડાડી, ચામડી મારી દાઝતી હતી પરંતુ ખરેખર ઝુમરી મારી પાસે આવી રહી હતી એ ટાઢક એટલી જાજી હતી કે, એ બીડીનો ડામ મારા જ હાથે હું મારી રહ્યો હતો પણ દર્દની જગ્યાએ અનોખો જ રાજીપો હું અનુભવી ખુબ જ ખુશ થતો હતો.
ઝુમરીને કદાચ મારી અગનની દાઝ અનુભવાતી હોય એમ એ દોટ મૂકીને આવી અને મારા હાથમાંથી બીડીને દૂર ફગાવી દીધી હતી. એણે ઝડપથી મારા હાથ પર એનો હાથ મૂકી મારા હાથની દાઝની બળતરા ઠાળવા પ્રયત્ન કર્યો હતો હું એને જોઈને ક્યાં ભાનમાં જ હતો? મને તો એની હાજરીથી મળતી ટાઢક જ અપાર આનંદની ક્ષણ આપતી હતી. ઝુમરીએ એનો હાથ હટાવી મારા હાથને ધ્યાનથી જોયો, મારા હાથમાં દાઝેલું નિશાન જોય એણે પોતાની આંખ બંધ કરી દીધી, મારુ દર્દ એનું બની ચૂક્યું હોય એમ એની બંધ આંખમાંથી આંસુનું ટીપું સરકીને મારા એજ હાથ પર પડ્યું, મારી તંદ્રા હવે તૂટી. દાઝેલાનાં દર્દ કરતા ઝુમરીના આંસુ અસહ્ય વેદના આપવા લાગ્યા હતા.
"જો એટલી જ તકલીફ થતી હતી તો કેમ આવવામાં આટલી વાર લગાડી?"
"શું કહું હું તને?" આટલા શબ્દ એ માંડ બોલી શકી. એના ગળામાં બાકીના શબ્દ રૂંધાઇ જ ગયા.
"તું આજ જો અહીંથી મારો જવાબ આપ્યા વગર ગઈ તો હવે જીવ નીકળી જશે!"
"આવા કડવા વેણ ન બોલ.."
"નહીં બોલું પણ હવે તું વધુ ન તડપાવ.. તારા આ વેણ સાંભળવા હું દી-રાત ખુબ તડપ્યો છું. કહી દે ને!"
ઝુમરી એક પછી એક એની બધી જ મનની વાત કહેવા લાગી હતી. પ્રથમ મુલાકાતનો મીઠો અનુભવ અને એના મનમાં ઉદભવ્યા પ્રશ્નો બધું જ એ કહી રહી હતી. એના એક એક શબ્દ મને સ્પર્શી જતા હતા.
મેં એની વાતને વચ્ચે અટકાવતા કહ્યું, "તારા બાપુને સાથે મળીને સમજાવશું ને! તું ચિંતા ન કર. અગિયારસના સવારે મંદિરે તારી ખુબ રાહ જોઈ તું કેમ ત્યારે ન આવી?"
"મેં હમણાં કીધું એમ આપણી પહેલી મુલાકાતે મને મનમાં ઉઠેલ પ્રશ્નોથી મેં મારુ મન મક્કમ કરી લીધું હતું. મારે હવે એ આપણી પહેલી મુલાકાત મીઠી યાદ રૂપે મનના ખૂણે જ એમ ચાંપી દેવી છે કે એ ફરી ક્યારેય સળવળીને મારા મનને વ્યાકુળ ન કરે. હું મંદિર એટલે જ આવી હતી કે, પ્રભુ પાસે તારાથી દૂર રહેવાની મારી ઈચ્છા ને અનુસરી શકું! મારુ મન તને જ ઝખતું હતું અને એમાં તું ફરી મારી નજરે આવ્યો અને હું ફરી વ્યાકુળ થઈ ગઈ, એજ ક્ષણે તે તારા મનની વાત મને જણાવી મને વધુ મુશ્કેલીમાં મૂકી દીધી હતી. મારે હવે ઘરથી નીકળવું મુશ્કેલ બન્યું, કેમ કે ઘરની જવાબદારી મારે સર આવી! હું તને ના જ પાડવા આવવાની હતી પણ મામીની તબિયત સારી નહોતી હું આવી શકી નહીં. મેં મન મક્કમ તો કરી જ લીધું હતું અને એમાં સવારે મામીની તબિયત પણ બગડી! મામીની જે બીના બની એ હું પ્રભુનો સંકેત સમજી કે, મારે તને કોઈ જવાબ દેવા પણ ન જ આવવું! આથી હું ન આવી."
શું હશે ઝુમરીનો આખરી જવાબ?
કેવો હશે ઝુમરી અને વિવેકના જીવનનો આવનાર સમય?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏