A - Purnata - 36 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 36

Featured Books
Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 36

વિકી અને રેના હોલમાં પહોંચ્યા તો પાર્ટી પૂરી થવામાં હતી. સમય ક્યાં પસાર થઈ ગયો બેમાંથી એકેયને ખબર ન રહી. રેનાના આવતાં જ હેપ્પી ખિજાઈ ગઈ. 
         "આટલી સરસ પાર્ટી છોડી ક્યાં ભાગી ગઈ હતી? એક તો મિશા પણ જતી રહી, આ નમૂનો પણ ક્યાંક ગાયબ હતો." વિકી તરફ જોઇ એ બોલી.
         હેપ્પીના પ્રશ્નને અવગણી રેનાએ પૂછ્યું, "કેમ મિશાને શું થયું તો એ જતી રહી?"
         "હવે એ નથી ખબર મને. તું એ છોડ, મને એ કે તું ક્યાં ગઈ હતી?" હેપ્પી જાણે લડી લેવાના મૂડમાં હતી.
         "અરે, શાંત થઈ જા મારી મા. આ સાડી નીકળી ગઈ હતી તો સરખી કરવા વોશરૂમ ગઈ હતી અને દરવાજો ખબર નહિ જામ થઈ ગયો તો ખૂલતો ન હતો. એ તો મે વિકીને કૉલ કર્યો તો એ આવીને ખોલી ગયો ને હું બહાર નીકળી. જો કે અમે ન હતાં એ સારું જ થયું ને તને પરમ સાથે થોડો વધુ ટાઈમ મળ્યો." આમ કહી રેનાએ પોતાના બંને નેણ નચાવ્યા.
        પરમ થોડો ખિજાઈ ગયો. "તારાથી મને કૉલ ન હોતો થતો?" 
        રેનાને જૂઠું બોલવાનું દુઃખ થયું. રેના કઈ બોલે એ પહેલા જ વિકી બોલ્યો, "પરમ, હોલમાં નેટવર્ક નથી આવતું ને. તને કૉલ કર્યો પણ લાગ્યો નહિ. હું પણ બહાર હતો એટલે મને કૉલ લાગી ગયો." વિકીએ આંખોથી જ રેનાને ચૂપ રહેવા કીધુ.
         અત્યારે તો વાત અહી પતી ગઈ પણ રેનાએ નક્કી કર્યું કે તે હેપ્પી અને પરમને સાચી વાત જણાવી તો દેશે જ. 
        બધા પરફોર્મન્સ પૂરા થઈ ગયાં હતાં. છેલ્લે ફરી એકવાર વિકીના સોંગ માટે ફરમાઈશ ઉઠી અને વિકીએ તે પ્રેમથી વધાવી લીધી. તે સ્ટેજ પર પહોચ્યો. 
        વિકીએ માઇક હાથમાં લીધું અને બોલ્યો, "મિત્રો, હું તો કોલેજમાં આ વર્ષથી જ આવ્યો છું પણ મને મિત્રોના નામે પરમ, હેપ્પી, રેના અને મિશા મળ્યાં. જેમણે મને તેમના ગ્રુપમાં પ્રેમથી વધાવી લીધો. એક સોંગ મારા એ મિત્રો અને સાથે જ કોલેજના બધા જ મિત્રો માટે." આમ કહી તેણે ગાવાનું શરૂ કર્યું એટલે હોલમાં ડિમ લાઈટ થઈ ગઈ અને એક સ્પોટ લાઈટ સ્ટેજ પર વિકી પર પડી રહી.
         यारों दोस्ती बड़ी ही हसीन है 
        ये ना हो तो क्या फिर बोलो ये ज़िन्दगी है 
          कोई तो हो राजदार 
           बेगरज तेरा हो यार 
         कोई तो हो राजदार
        यारों मोहब्बत ही तो बंदगी है 
        ये ना हो तो क्या फिर बोलो ये ज़िन्दगी है 
         कोई तो दिलबर हो यार 
         जिसको तुझसे हो प्यार 
         कोई तो दिलबर हो यार 
બધા વિકિના સોંગ પર હાથ ઉપર કરીને ઝૂમી રહ્યાં હતાં. જાણે આ પળો બસ છેલ્લી વાર જ જીવી લેવાની છે. ગીત સાંભળી કોઈકની આંખોમાં તો ખરેખર આંસુ આવી ગયા હતાં. 
       तेरी हर एक बुराई पे डांटे वो दोस्त 
        ग़म की हो धुप तो साया बने तेरा वो दोस्त 
        नाचे भी वो तेरी ख़ुशी में 
         अरे यारों दोस्ती बड़ी ही हसीन है..... 
       तन मन कर तुझपे फ़िदा महबूब वो 
         पलकों पे जो रखे तुझे महबूब वो 
       जिसकी वफ़ा तेरे लिए हो 
        अरे यारों दोस्ती बड़ी ही हसीन है.....
       દોસ્તી પરનું આ ખૂબ જ મશહૂર સોંગ અને એ પણ વિકીના અવાજમાં સાંભળી બધા ઝૂમી ઉઠ્યા. છેલ્લે તો બધાએ વિકીને સાથ આપ્યો અને આખો હોલ ગુંજી ઉઠ્યો.
        યારો દોસ્તી બડી હિ હસિન હે....
        આ સાથે જ વિકીએ સોંગ પુરું કર્યું. તાલીઓના ગડગડાટથી બધાએ વિકીને વધાવી લીધો. 
        જેવો વિકી નીચે આવ્યો કે હેપ્પી બોલી,"તું મને પણ ફ્રેન્ડ માને છે હે? મને તો આજે જ ખબર પડી હો."
        "હવે તળાવમાં રહેવું હોય તો મગરમચ્છ સાથે વેર કરવું થોડું પોસાય." વિકી બોલ્યો.
        "વાહ, તું ક્યારથી સુધરી ગયો હે!!" એમ કહી હેપ્પીએ એક ધબ્બો વિકીને મારી લીધો.
         "આઆ....પરમ, તું કેમ સહન કરીશ આને આખી જિંદગી?" વિકી વાગેલા ધબ્બા પર હાથ પસવારતા બોલ્યો.
          "પ્રેમ થશે પછી તને ખબર પડશે કે કોઈને કેમ સહન કરી શકાય." પરમ બોલ્યો,એ સાથે જ વિકીની નજર રેના પર ગઈ અને રેના નીચું જોઈ ગઈ. પાર્ટી ખતમ થઈ અને બધા જમીને ઘરે ગયાં.
          એક્ઝામ પણ પતી જવા આવી. આ દરમિયાન રેનાને આગળ કઈ વિચારવાનો સમય જ ન મળ્યો. એક્ઝામનું છેલ્લું પેપર હતું. પેપર પૂરું કરી બધા નાસ્તા હાઉસમાં ભેગા થયા. હેપ્પીએ બધા માટે નાસ્તો મંગાવ્યો પણ મિશા ઊભી થઈ ગઈ.
         "ફ્રેન્ડઝ, તમને છેલ્લી વાર મળવું હતું એટલે અહી બેઠી. મારે નાસ્તો નથી કરવો. મારે કામ છે એટલે હું જાવ છું."
        રેનાએ મિશાનો હાથ પકડી લીધો, "કેમ છેલ્લી વાર એટલે?"
       "મારું ફેમિલી બોમ્બે શિફ્ટ થાય છે તો હું આગળનું સ્ટડી ત્યાં જ કરીશ." આમ કહી પરાણે ચહેરા પર સ્મિત લાવી મિશા ત્યાંથી કોઈનું કંઈ પણ સાંભળ્યા વિના નીકળી ગઈ.
       "આ મિશાને શું થયું યાર??આજે એનું વર્તન કઈક અજીબ ન લાગ્યું?" રેના મિશાને જતાં જોઈ બોલી.
        "રેના, આજે નહિ, પાર્ટીના દિવસથી જ એનું વર્તન અજીબ છે. કામ પૂરતું જ બોલતી, બધા પર ગુસ્સે થઈ જતી અને આજે અચાનક આવો ધડાકો કર્યો. કદાચ કોઈ પ્રોબ્લેમ હોય ઘરમાં એવું પણ બને." પરમ બોલ્યો.
         "અરે, એવું કંઈ નહિ હોય, એ તો આમ પણ કરોડપતિ છે. એના પપ્પાને બિઝનેસ મોટો કરવો હોય તો શિફ્ટ થતાં હોય. આપણે વિના કારણ ઝાઝું વિચારીએ છીએ." હેપ્પી બોલી.
         "ભવિષ્યનો શું વિચાર છે બધાનો? હેપ્પી, તું ને પરમ ક્યારે લગ્ન કરો છે?" વિકી વાત ફેરવતા બોલ્યો.
          આ સાંભળી હેપ્પીને ઉધરસ આવી ગઈ. "લગ્ન? શું ઉતાવળ છે આટલી લગ્નની?" હેપ્પી પાણી પીતા બોલી.
          પરમે પણ એવું જ કહ્યું, "હા ભાઈ વિકી, મને થોડી આઝાદીની જિંદગી જીવી લેવા દે ને. શું કામ મને શહીદ કરવા ઉતાવળો બન્યો છે."
          આટલું સાંભળતા જ હેપ્પી ઉકળી ગઈ. "શહીદ એમ? મારી સાથે લગ્ન કરીને તું શહીદ થઈ જવાનો છે? તો રહેવા જ દે ને. મારે તો લગ્ન જ નહિ કરવા તારી સાથે જા." આમ કહી હેપ્પી મોં ફુલાવીને બેસી ગઈ.
         પરમને લાગ્યું કે વિના કારણ આ તો કાચું કપાઈ ગયું. "અરે હેપ્પી, લગ્ન કરતાં બધા છોકરાઓ આવું જ કહેતા હોય. હું તો મજાક કરતો હતો. મારે તો તારી સાથે જેમ બને એમ જલ્દી લગ્ન કરી લેવા છે પણ પહેલા કઈક કમાતો તો થઈ જાવ પછી લગ્ન કરાય ને?"
        "હા હેપ્પી, પરમ સાચું કે છે. બાકી તારા આ નાસ્તા ને ભોજન માટે એને લોન લેવી પડશે." આમ કહી વિકી હસવા લાગ્યો. આ જોઈ હેપ્પી ગુસ્સે થઈ ગઈ.
        "એ સુકલકડી, તું તો ચૂપ જ બેસ. પહેલા તારું કર. તું પણ નોકરી કરી કઈક કમાવાનું વિચાર, બાકી કોઈ છોકરી હા નહિ પાડે તને."
         "મારે તો બિઝનેસ કરવો છે. નોકરી તો કરવી જ નથી." વિકી બોલ્યો.
         આ સાંભળી હેપ્પી હસવા લાગી. "બિઝનેસ અને તું?? તું એક જ બિઝનેસ કરી શકે એમ છે,ગાવાનો. રસ્તે ચાલતાં લોકો થોડાક પૈસા તો આપતાં જ જશે." આમ કહી તે પોતાનું ભારે શરીર ડોલાવી હસવા લાગી.
        આ વખતે વિકીને પણ ગુસ્સો આવ્યો. "હેપ્પી, મને હલકામાં તો જરાય ન લેતી. હું તને એક સારો બિઝનેસ કરીને બતાવીશ. પાંચ વર્ષ પછી મળજે મને એટલે તને ખબર પડશે કે આ વિકી જે કહે છે એ કરીને પણ બતાવે છે. હા, ગાવું એ મારો શોખ છે અને એને હું પ્રોફેશન બનાવવા માંગતો પણ નથી."
          વાત આગળ વધે એ પહેલા જ વિકીને ઘરેથી કૉલ આવ્યો એટલે તે નીકળી ગયો. એના જતાં જ રેના બોલી, "હેપ્પી, કોઈની આવી મજાક ન કરાય. બિચારાને ક્યારેક દુઃખ પણ લાગે કે નહિ?"
          હેપ્પી પોતાના ચશ્મા આંખો પર સરખા ચડાવતાં બોલી, "તને આજકાલ બઉ પેટમાં બળે છે એનું એવું નથી લાગતું?"
           "હા, બળે છે કેમકે આઈ લાઈક હિમ. તેણે મને પ્રપોઝ પણ કરેલું છે અને...." રેના એક શ્વાસે બોલી ગઈ પણ વચ્ચે જ હેપ્પી અને પરમ બંનેના મોઢામાંથી એક જ સરખો ઉદ્દગાર નીકળ્યો,
           "વોટ? પ્રપોઝ? પણ ક્યારે?"
                                ( ક્રમશઃ)
શું રેના પોતાનું જૂઠ કબૂલી લેશે?
પરમ અને હેપ્પી સામે તે પોતાના પ્રેમનો એકરાર કરી લેશે?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.