Take English as Language. in Gujarati Motivational Stories by Dr Hiral Brahmkshatriya books and stories PDF | અંગ્રેજીને ભાષા રહેવા દો!

Featured Books
Categories
Share

અંગ્રેજીને ભાષા રહેવા દો!

કદાચ શીર્ષક થોડું અલગ લાગશે અને આજની વાત પણ થોડી અલગ જ છે. બની શકે કે આ બહુ નાના સમૂહને આ વાત લાગુ પડે અથવા તો બહુ નાનો હિસ્સો આનાથી સહમત હોય પણ, વાત મને શેર કરવા જેવી લાગી એટલે કરું છું અને હા, હરહંમેશની જેમ તમારા સૂચનો અને પ્રતિભાવો શિરોમાન્ય રહેશે.
વાત છે એક સામાન્ય ઘરમાં જન્મેલી એક છોકરીની. જે અન્ય ઉગતા બાળકોની જેમ જીવનમાં ગોઠવાતી હતી અને મથતી હતી કંઇક બનવા/સાબિત કરવા માટે. ત્યારે અંગ્રેજી ભાષા એની સામે એક ઓપ્શન નહિ પણ એક કમપ્લસન બનીને આવી. આઠમા ધોરણની એ વિદ્યાર્થીની સમજી ન્હોતી શકતી કે શા માટે એ અંગ્રેજી ભાષાને એ પચાવી નથી શકતી, એની સાથે મિત્રતા નથી કરી શકતી કે નથી એની નજીક જઈ શકતી. કેમ કે આ સિવાયની દરેક ભાષા એને બહુ રસપ્રદ લાગતી, હંમેશા એ બાજુ ખેંચાતી અને નવીનતમ માહિતીઓ અને એનું વ્યાકરણ સમજવા જાતે પ્રયત્નો કરતી અને વળી જરૂર લાગે તો શિક્ષકો અને વડીલોને પણ પ્રશ્ન પૂછતી. પણ એ ઉગતી યુવતીના મનમાં હંમેશા અવઢવ રહેતી કે હું English માટે આવું કેમ નથી feel કરતી? આ વાત ક્યાંક દબાઈ ગઈ કેમકે જેમતેમ કરીને પાસિંગ માર્ક લઈ આવીને અંગ્રેજી ભાષાનાં સિલેબસને અલવિદા કહેતા એને આવડી ગયું હતું. પરંતુ ફરીથી ભાષા પ્રત્યેની એ લાગણી બહાર આવી જ્યારે ગ્રેજ્યુએશન પાસ કરતી વખતે મુખ્ય વિષય મનોવિજ્ઞાન પર અંગ્રેજી ભાષા હાવી થઈ ગઈ અને એક dilemma ઉભો થયો કે જો અંગ્રેજી ભાષા નથી આવડતી તો જીવનમાં કોઈ પ્રગતિના દ્વાર નહિ ખુલ્લે. અને ક્યાંકને ક્યાંક એ યુવતીએ વાતને સાચી પણ માની લીધી. આજુબાજુનો માહોલ એવો મળ્યો કે જે વારંવાર કહેતા અને સમજાવતા કે, "અંગ્રેજી આવડી જાય તો સારી નોકરી મળે" અને "અંગ્રેજી ભાષા પર પકડ હોય તો આપણે મોટું માણસ બની શકીએ." પણ કોઈ ક્યારેય પણ એક પથદર્શક બનીને આવ્યું જ નહિ કે આંગળી પકડીને એવું કહેતું ન્હોતું કે આટલા રસ્તાઓ છે ભાષા શીખવા માટેનાં, કોઈ પણ સમયે, કોઈ પણ ઉંમરે શીખી શકાય. અને ક્યાંક એ યુવતી પણ કૂવામાંના દેડકાની જેમ ખાલી.  ' કૂવાને ' દુનિયા સમજીને જીવતી રહી. પછી એક દિવસ બહાર નીકળવાનું થયું અને એક મોટા દરિયાની અંદર પોતાની જાતને જોઈને પહેલાં તો એ યુવતી ખૂબ ડરી ગઈ અને ગભરાઈ ગઈ પરંતુ કેટલાક મિત્રો, સંબંધીઓ અને અંગ્રેજી ભાષાના શિક્ષકો મળ્યા જેણે સાચી રીતો અને પદ્ધતિઓ બતાવી. શીખવ્યું કે ભાષા શીખવી હોય તો ચાર પાંસાઓ પર એકસરખો ભાર આપવો જરૂરી છે. ભાષાને સાંભળો, બોલો, વાંચો, અને લખો. ધીરે ધીરે સાચી દિશામાં ડગ માંડવાથી કોઈ પણ ભાષા આવડી શકે, ભાષા એ માધ્યમ છે અને અલબત્ત અંગ્રેજી ભાષા આજના સમય માટે અનિવાર્ય છે. પરંતુ યાદ રાખો કે ભાષા કોઈ ગૂઢ રહસ્યોથી ભરેલો ખજાનો નથી કે અમુક લોકોને મળે અને અમુક લોકોને નહીં અને ના તો ભાષા લોટરીની ટિકિટ છે જે એક દિવસ જેકપોટની જેમ લાગી જશે અને તમારી જિંદગી બદલી નાખશે. તમારે એના માટે પ્રયત્ન કરવો પડશે તપવું પડશે અને પછી સડસડાટ અંગ્રેજી બોલી શકશો. અને ભરોસો રાખો આ વાત 100% સાચી છે, કેમકે, આ યુવતી બીજું કોઈ નહિ પણ હું (હિરલ) જ છું. અને આખી વાત કહેવા પાછળનો મર્મ એટલો જ છે કે જો બની શકે તો આપણો અંગ્રેજી ભાષા પ્રત્યેનો અભિગમ બદલીએ.ખાસ કરીને ગુજરાત રાજ્યમાં વસતા લોકો માટે આ એક સંદેશ છે કે ચાલો  આપણે જાણીએ અને સમજીએ કે જાણતા કે અજાણતા આપણે બાળકોની અંદર એવું વાવીએ છીએ, રોપીએ છીએ કે જેનાથી બાળકને ભાષા પ્રત્યે હાઉં(ડર) ઉભો થાય છે, એ ભાષાની નજીક જતાં ડરે છે અને જે ભાવ અને આવેગો આજીવન ઘર કરીને એના મનમાં વસી જાય છે. મૂળભૂત વિચારવા જેવી વાતો અને કેટલાક દૃષ્ટિકોણ જેમાં થોડા બદલાવને અવકાશ છે.


1. ભાષા અને શીખવા પાછળની સાઈકી:
ભાષા શીખવી એ આનંદ, ગર્વ અને ઉત્સાહની વાત છે, આપણા બાળકોને ભાષા આ રૂપે અને સ્વરૂપે જ શીખવીએ, અલબત્ત દરેક વિષય/વસ્તુ/કલા આવા વિચારથી જ શીખવી જોઈએ પણ આપણે ભાષા સુધી અત્યારે વાતને સીમિત રાખીએ. ભૂલ અને ચૂક ક્યાં થાય છે ? આપણે સૌ પ્રથમ આનંદ અને ઉલ્લાસ ભરવાને બદલે પહેલો ડર ભરીએ છીએ, "જો અંગ્રેજી નહિ આવડે તો તને કશું નહિ આવડે અને તું કંઈ નહિ બની શકે." બીજું એબીસીડી અને કાળના પ્રકારો ગોખાવ્યા પછી આપણે ક્યારેય પણ બાળકને પ્રેકટિકલ એક્સપ્લોસર આપવું જોઈએ આ વિશે વિચાર્યું નથી અને વર્ત્યું પણ નથી.


2. અંગ્રેજી ન આવડવું એ અશોભનીય નથી :
આપણને ક્યારેય નથી માઠું લાગ્યું કે મને જર્મન નથી આવડતું કે ક્યારેય પણ આપણે તારક મહેતા પાસે જેઠાલાલ બનીને ફેંચ ભાષામાં લખેલા કાગળો વચાવવા નથી જવા પડ્યા. કેમ કે આપણે સ્વીકારેલું છે કે જર્મન અને ફ્રેન્ચ આપણને નથી આવડતું તો એ જ રીતે જો આપણને અંગ્રેજી નથી આવડતું તો સ્વીકારી લઈએ. કેમકે સમસ્યાનું સમાધાન કરવાનું પહેલું પગથિયું સ્વીકાર છે. આ વાતથી નીચું જોવાની કે લઘુતા ભાવ અનુભવવાની કોઈ જ જરૂર નથી કેમ કે આપણે સ્વીકારીશું કે આપણને નથી આવડતું તો આપણે જરૂર અંગ્રેજી શીખવા તરફ આગળ વધી શકીશું. કેમ કે ભરેલો ગ્લાસ ફરી ભરી ના ભરાય.


3. ભાષા અને ઉંમરનો સંબંધ શું ?
હા, વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યું છે કે અમુક ઉંમરે બાળક બોલતા શીખે પરંતુ એવું કોઈ પણ સંશોધન બહાર નથી પડ્યું કે અમુક ચોક્કસ ઉંમર પછી અંગ્રેજી/કોઈ પણ ભાષા કે વિષય ન આવડે. તો જેટલી પણ મમ્મીઓને/પપ્પાઓને શરમ આવતી હોય કે, "મને અંગ્રેજી નથી આવડતું એટલે હું મારા બાળકના ઉછેરમાં ઓછી પડીશ" તો મારા વ્હાલા વાલીઓ, અદભુત લેખિકા ગૌરી સિંદે દ્વારા લખાયેલી અને શ્રીદેવી અને આદિલ હુસેન જેવા ઉત્તમ કલાકારો દ્વારા ભજવાયેલી English Vinglish (2012) ફિલ્મ એકવાર જોઈ લેજો તમને તમારું પ્રતિબિંબ દેખાશે અને તમારી લાગણી શેર કરતી એક અન્ય સ્ત્રી દેખાશે અને સાથે સમજાશે કે કંઈ રીતે હું ભાષાની આંગળી પકડીને આગળ વધુ, આત્મનિર્ભર બનું અને સ્વાભિમાનથી જીવન જીવું.


4. ભાષા અને બુદ્ધિમતા (IQ)
અત્યાર સુધી આપણે ભાષા શીખવાનો અપ્રોચ અને એની સાઈકોલોજી સમજી પણ હવે અહીં એ પણ સમજવું જરૂરી છે કે ભાષા અને બુદ્ધિમતાને કોઈ ખાસ લેવાદેવા છે નથી. એટલે જો તમને કોઈ કારણોસર અંગ્રેજી નથી આવડી રહ્યું તો તમારો IQ ઓછું છે અથવા તો તમારી અંદર આવડતની ઉણપ છે એવું કોઈ પણ સંજોગોમાં માનવાની જરૂર નથી. ભાષા એક માધ્યમ છે, ફરીથી કહું છું ભાષા એક માધ્યમ છે જે રીતે એક ગામથી બીજા ગામ જવા માટે કોઈ વાહનની જરૂર પડે, એ જ રીતે તમારા વિચારોને બીજા વ્યક્તિ કે સમૂહ સુધી પહોચાડવા માટે એક ભાષાની જરૂર પડે. અને જે લોકો આ ભાષામાં પાવરધા છે અને સાથે સાથે ઘમંડ પણ છે કે એમને અંગ્રેજી બહુ સારું આવડે છે તો એમની જાણ ખાતર અંગ્રેજી અને બુદ્ધિને કોઈ સીધો સંબંધ નથી, પણ બુદ્ધિમાન વ્યક્તિ નર્મ અને સહાયરૂપ હંમેશા બની શકે. એટલે જો તમારી આસપાસ જો કોઈ ભાષા શીખી રહ્યું છે તો એને તમે જરૂર ફીલ કરાવજો કે તમે બુદ્ધિમાન છો, અહંકારી કે ઘમંડી નથી.


છેલ્લો કોળિયો : જ્યારે નાનપણથી જ "જો બાવો આવ્યો, સૂઈ જા નહિ તો તને ભૂત પકડી જશે અને અંગ્રેજી એટલે સર્વસ્વ" એવા કેટલાક ભ્રમોની SIP આપણે બાળમનની અંદર ઇનવેસ્ટ કરીએ છીએ ત્યારે એ જાણવું જરૂરી છે કે આનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણા બાળકોને આજીવન વેઠવું પડશે. તો ચાલો શીખીએ અને શીખવીએ એક ભાષાને ભાષા તરીકે.


ડૉ.હિરલ બ્રહ્મક્ષત્રિય
PhD (Psy.), RCT-C, MA, PGDCP

Sparsh4mhc@gmail.com