Deadpool and Wolverine in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ડેડપૂલ એન્ડ વૂલ્વરિન

Featured Books
Categories
Share

ડેડપૂલ એન્ડ વૂલ્વરિન

ડેડપૂલ એન્ડ વૂલ્વરિન
- રાકેશ ઠક્કર


         હોલિવૂડની નવી ફિલ્મ ‘ડેડપૂલ એન્ડ વૂલ્વરિન’ વિશે જાણ્યા અને જોયા પછી ખ્યાલ આવશે કે બોલિવૂડ હજુ એની સામે બાળક છે. એને ફિલ્મ નહીં ફેસ્ટિવલ કહી શકાય. વિશ્વભરમાં માર્વલના અને એક્સ-મેનના ચાહકોને એનો ઇંતજાર હતો. એનું કારણ એ છે કે 24 વર્ષ પહેલાં ફિલ્મ ‘એક્સ-મેન’ આવી હતી. એમાં જેકમેન પહેલી વખત ‘વૂલ્વરિન’ ની ભૂમિકામાં દેખાયો હતો. તેનું કામ એટલું જબરદસ્ત રહ્યું કે વર્ષોથી તે આ ભૂમિકામાં દેખાતો રહ્યો છે. આ ફિલ્મ જોયા પછી ભારતીય દર્શકો પણ કહેશે કે એના સિવાય કોઈ ‘વૂલ્વરિન’ ને નિભાવી શકે નહીં.


         હોલિવૂડની ફિલ્મોમાં ‘ડેડપૂલ એન્ડ વૂલ્વરિન’ જેવો કમાલ ક્યારેક જ થાય છે. જેમાં બે મહાન અભિનેતાઓ એકસાથે અને એ પણ પ્રતિષ્ઠિત નિર્દેશકની ફિલ્મમાં હોય. બંનેની દોસ્તી- દુશ્મની જોઈને અમિતાભ અને વિનોદ ખન્નાની સહિયારી ફિલ્મો જરૂર યાદ આવી જશે.


         ફિલ્મની વાર્તા ટૂંકમાં સમજીએ તો ‘વિડ વિલ્સન’ એટલે કે ‘ડેડપૂલ’ને બીજા યુનિવર્સમાં જઈને વૂલ્વરિનને લાવવો હોય છે. જેથી યુનિવર્સને એ બચાવી શકે. 2017 માં આવેલી ‘લોગન’ માં બતાવવામાં આવ્યું હતું કે વૂલ્વરિનનું મોત થઈ ગયું છે. ડેડપૂલ હવે બીજા વૂલ્વરિનની શોધ કરે છે. એ બંને મળીને દુનિયાને કેવી રીતે બચાવે છે એ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

 
         ‘ડેડપૂલ’ અને ‘વૂલ્વરિન’ ની કેમેસ્ટ્રી કમાલની છે. બંનેએ ફિલ્મનું નામ સાર્થક કર્યું છે. નિર્દેશક શૉન લેવીએ લાલ સૂટમાં રયાન રેનોલ્ડસ અને પીળા સૂટમાં હ્યુ જેકમેનને ભેગા કરી અડધી બાજી જીતી લીધી હતી. એમણે બંને પાત્રોને પૂરો ન્યાય આપ્યો છે. બીજો કમાલ એ કર્યો કે MCU ની આ ફિલ્મ જોવા આગળની એની ફિલ્મો જોવાની જરૂરત રહેતી નથી. ફિલ્મમાં જ આગળની વાત આપી દીધી છે. માત્ર મલ્ટિવર્સ અને ટાઈમ વેરીએન્સ ઓથોરીટીની જાણકારી જ કાફી છે.


        આ કોઈ મહાન ફિલ્મ નથી પણ દર્શકોને એમના ચહીતા પાત્રો પાસે જે અપેક્ષા હતી એ પૂરી કરે છે. સમીક્ષકોએ કહ્યું છે કે ફિલ્મને એના જબરદસ્ત હિન્દી ડબિંગને કારણે અંગ્રેજી કરતાં હિન્દીમાં જોવાની વધારે મજા આવે એમ છે. કેમકે આટલું હાસ્ય તો હિન્દી કોમેડી ફિલ્મોમાં હોતું નથી. એમાં અશ્લીલ સંવાદો નથી પણ ગાળો સાથે ઘણી છૂટ લેવામાં આવી છે. સંવાદો બહુ જ મજાકીયા છે.


         ફિલ્મની શરૂઆતમાં એમ લાગશે કે હિંસાત્મક દ્રશ્યો બાબતે બોલિવૂડની ‘કિલ’ એની સામે કંઇ જ નથી. જેકમેનના એક્શન દ્રશ્યો સાથે રાયનની કોમેડી દર્શકને સીટ સાથે જકડી રાખે છે. કેટલાક ફિલ્ટર વગરના જોક્સ તો હસી હસીને બેવડ કરી દે એવા છે. અને ‘માર્વલ સ્ટુડિયો’ ની આ ફિલ્મનો અંત જબરદસ્ત છે. અંતમાં આવતા પોસ્ટ ક્રેડિટ દ્રશ્યો કોઈ ઈશારો કરી જાય છે. હોલિવૂડના ચાહકો માટે આ ફિલ્મ રોલરકોસ્ટર રાઈડથી જરા પણ ઓછી નથી.


         દરેક ફિલ્મમાં ખામીઓ રહેવાની જ છે. જેમકે બધું જ બહુ ઝડપથી બતાવી દેવામાં આવે છે. વાર્તાને વિસ્તાર અપાયો નથી. કેમકે વાર્તા એટલી દમદાર નથી. અડધી ફિલ્મ પૂર્ણ થયા પછી દર્શક એમ વિચારે છે કે બંને પોતાની દુનિયામાં જઈને તોડફોડ અને ધમાલ શરૂ કરશે. એ બધું ઘણું મોડું થાય છે. ઈમોશનલ દ્રશ્યો આપવાનું ટાળવામાં આવ્યું છે. વિલનનો હેતુ મજબૂત નથી. અને બે જબરદસ્ત હીરો સામે એ ભયંકર લાગતો નથી. પણ માર્વલના અને એક્સ-મેનના કટ્ટર ફેનને આ ફિલ્મ બહુ પસંદ આવશે.


         હોલિવૂડના ચાહકોને ખુશ કરવા એમાં અનેક કેમિયો છે. દર્શકો જેને સુપરહીરોના રૂપમાં જોવા માગે છે એ બધા MCU સ્ટાર્સને મહેમાન કલાકાર તરીકે રજૂ કર્યા છે. એક વાત છે કે માર્વલની ફિલ્મોમાં VFX બહુ જોરદાર હોય છે. એમાં કોઈ ખામી કાઢી શકે એમ નથી. એક્શન દ્રશ્યો સાથે સંગીત પણ તોડફોડ પ્રકારનું છે. જેમને પડદા પર અતિ લોહીયાળ હિંસા જોવાની આદત નથી એમણે ‘ડેડપૂલ એન્ડ વૂલ્વરિન’ થી દૂર રહેવું જ યોગ્ય રહેશે.