Mara Anubhavo - 5 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 5

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 5

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 5

શિર્ષક:- તમારે ગુરુની જરૂર નથી

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



મારા અનુભવો…

પ્રકરણઃ…5 "તમારે ગુરુની જરૂર નથી."

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.



ડાહ્યાભાઈ પીછો છોડે તેવા ન હતા. પાછા સવારે આવી પહોંચ્યા વૃદ્ધ શરીરમાં તેમનો ઉત્સાહ અપાર હતો. મને કહે કે “એક દિવસથી વધુ ન રોકાવાનો તમારો નિયમ છે તો ભલે, પણ આજ તમારે અહીં નજીકના ગામ વાલોડ આવવું પડશે.' મેં કહ્યું કે કેમ ?” તો કહે કે એ બ્રાહ્મણોનું ગામ છે. આર્યસમાજી છે. ભલભલાને છક્કા છોડાવી દે છે. મારે તમને ત્યાં લઈ જવા છે અને બતાવી આપવું છે કે શેર ઉપર સવા શેર છે.' મને તેમની વાતનો થોડો આભાસ આવી ગયો હતો. રાત્રે જેમ ચિંતા થઈ હતી તેમ ફરી ચિંતા તથા ભયની અસર થઈ. મનમાં થયું કે આ ડોસો મને પેલા ગામના વિદ્વાનો સાથે લડાવવા માગે છે.અને મારું શું ગજું ? ક્યાં એ વિદ્વાનો અને કયાં હું અજ્ઞાની ?' મેં ડાહ્યાભાઈને ના કહી : “મારે વાલોડ નથી આવવું. હું તો આ રેલે રેલે જઈશ.' પણ માને તો ડાહ્યાભાઈ શાના ! મારા સ્વભાવની એક દુર્બળતા છે કે કોઈના દૃઢ આગ્રહ આગળ હું દૃઢ નથી રહી શકતો; ઝૂકી જાઉં છું. અંતે જમીને વાલોડ જવાની મેં સ્વીકૃતિ આપી. હું વાહનમાં બેસતો નહિ એટલે મારે પગપાળા જવું અને ડાહ્યાભાઈને બસમાં જવું એવું નક્કી થયું.



જમીને સૌની ભાવપૂર્ણ વિદાય લઈને હું એકલો જ વાલોડ જવા નીકળ્યો. આખા માર્ગે ઈશ્વરસ્મરણ કરતો રહ્યો. હે પ્રભો, ગઈ રાત્રે તેં જેમ લાજ રાખી હતી, તેમ આજે પણ રાખજે. વાલોડમાં વિદ્વાન બ્રાહ્મણો રહે છે, તેમાં પાછા આર્યસમાજી તાર્કિકો. આ ડાહ્યાભાઈ કોઈ ધૂની માણસ છે. સિંહોની સાથે બકરાને બાથ ભિડાવવા લઈ જઈ રહ્યા છે. કાલ તો સૌ શ્રદ્ધાળુ શ્રોતાઓ હતા એટલે મારી કાલીઘેલી વાતોને પણ અહોભાવથી સાંભળતા હતા, પણ આજે તો કર્કશ તાર્કિકો છે. તે તર્કો કરશે. પ્રશ્નો પૂછશે. મને શું આવડે છે કે હું જવાબ આપી શકીશ ? પ્રભો, તું જ લાજ રાખજે.'



આખી વાટ પ્રાર્થના કરતો રહ્યો. ચિંતા અને ભય પ્રાર્થનાનાં પ્રેરક બળો છે. સાંજ પડવાની તૈયારી હતી. અને હું વાલોડ પહોંચ્યો. નદીકિનારે ગણપતિનું મંદિર. હું જ્યારે મંદિરમાં પહોંચ્યો ત્યારે વીસ-પચીસ બ્રાહ્મણ વિદ્વાનો બેઠેલા. ગામોમાં સાંજે સૌ નવરા હોય એટલે મંદિરના ઓટલે આવીને બેસે. આરતી કરીને ઘેર જાય. યુરોપમાં કોઈ નવરું નહિ, એટલે આવું શાંતિથી બેઠેલું કોઈ ટોળું ભાગ્યે જ જોવા મળે.



મને હતું કે ડાહ્યાભાઈ પહોંચી ગયા હશે અને મારી વ્યવસ્થા કરી દીધી હશે. પણ હજી ડાહ્યાભાઈ આવ્યા ન હતા. મને આવેલો જોઈને પેલા વિદ્વાનોએ કશી નોંધ લીધી નહિ. એક ખૂણામાં થેલો મૂકીને નાહવાનાં કપડાં કાઢીને હું ચુપચાપ પેલી મઢીવાળી નદી જે અહીં પણ આવતી હતી ત્યાં નહાવા ગયો. સ્નાન-સંધ્યા કરીને પાછો આવ્યો. પણ હજી ડાહ્યાભાઈ આવ્યા ન હતા. આરતી કરીને સૌ વીખરાવા લાગ્યા. અહીં મંદિરમાં જ રહેનાર કોઈ પૂજારી ન હતો. મંદિર ખુલ્લા જેવું જ હતું એટલે ઇધર રહનેકા નહીં હૈ' નો ડર ન હતો. સારું થયું કે મારે સાંજે જમવાનું ન હતું. નહીં તોપણ અહીં કોને પડી હતી કે મારે જમવાનું છે કે નહિ એમ પૂછે ? બે-પાંચ માણસો સિવાય બધાય ધીરેધીરે વીખરાઈ ગયા. અંતે તો મારા સમાજે (સાધુસમાજે) જે પ્રતિષ્ઠા-અપ્રતિષ્ઠા સ્થાપિત કરી છે તેનાં જ ફળ મારે વીણવાનાં હતાં.કોઈએ મારો ભાવ ન પૂછ્યો તેમાં સાધુસમાજનું સમગ્ર રૂપ જવાબદાર હતું.



મંદિરના એક ખૂણામાં બેઠો બેઠો ડાહ્યાભાઈના ધૂનીપણાને હું આક્રોશી હ્યો હતો. “મને અહીં ધકેલી દીધો અને પોતે તો હજી આવ્યા જ નથી." ત્યાં તો જેમ વાદળામાં વીજળી ચમકે તેમ ભાઈસાહેબ ચમક્યા. મોડા આવવાનું કારણ બતાવી, જે બે-પાંચ માણસો બેઠા હતા તેમને ધમકાવવા લાગ્યા. “ઓળખો છો આ કોણ છે ? શુકદેવ છે શુકદેવ !" ગામ સાથે તેમનો આત્મીયતાનો સંબંધ હતો એટલે તથા તેમની નિખાલસતા તથા ભાવુકતાથી સૌ પરિચિત હોવાથી, સૌ હસતા ચહેરે તેમની ઝાટકણીને સહન કરતા રહ્યા. ગઈ કાલની મઢીની વાત રંગોળી પૂરીને કરી. સૌ ગામમાં ગયા, અને જોતજોતામાં તો લોકો આવવા લાગ્યા. મંદિરનો હૉલ ચિક્કાર ભરાઈ ગયો હતો. મારી ચિંતાનો પાર ન હતો. ‘આ ડાહ્યાભાઈની ધૂનમાંથી ક્યારે છૂટું આવતી કાલે પાછા ત્રીજા ગામ લઈ જશે તો ? ના... ના... હવે તો નહિ જ જાઉં." હું વિચારના ચકડોળે ચકરીઓ ખાઈ રહ્યો હતો.



આજે અહીં કાલની માફક વ્યાસપીઠ ગોઠવાઈ ન હતી. શ્રોતાઓમાં મોટો ભાગ પુરુષો અને તેમાં પણ બ્રાહ્મણોનો હતો. ડાહ્યાભાઈએ પ્રવચન માટે મને આગ્રહ કર્યો. હું ઊભો થયો અને કાંઈક અગડંબગડં બોલવા લાગ્યો.સવા-દોઢ કલાક બોલ્યો અને પોતાની જગ્યાએ બેસી ગયો. એક પ્રખર આર્યસમાજી વિદ્વાન ઊભા થયા અને પ્રવચન કરવા લાગ્યા. તેનો સાર હતો કે “તમારે ગુરુ કરવાની જરૂર નથી. તમે પોતે ગુરુ જ છો."



પ્રવચન પછી સૌનું વલણ બદલાઈ ગયું હતું, સૌને મારામાં, મારી યાત્રામાં, મારા ધ્યેયમાં રસ જાગ્યો હતો. ડાહ્યાભાઈના ચહેરા ઉપર વિજયસ્મિત ફરકી રહ્યું હતું. તે જે બતાવવા માગતા હતા તે બતાવી દીધું હોય તેમ તેમને લાગતું હતું.



આગળ મહારાષ્ટ્ર શરૂ થશે અને તમને તક્લીફ પડશે. અમે તમને પ્રયાગરાજ સુધીની ટિકિટ કરાવી આપીએ, બીજી ચીજવસ્તુઓ લઈ આપીએ, તેવો ઘણાનો આગ્રહ હોવા છતાં મેં કશું સ્વીકાર્યું નહિ. બીજા દિવસે પેલા વિદ્વાનને ત્યાં જ્મીને હું પાછો મંદિરે આવ્યો. જોઉ તો સફેદ ખાદીની સાડીઓમાં પ્રભાવશાળી ચાર-પાંચ ભદ્ર બહેનો મારી રાહ જોઈ રહી હતી. મારું નામ સાંભળીને નજીકના કોઈ સર્વોદય આશ્રમમાંથી તે ચર્ચા કરવા આવી હતી.



સંન્યાસ ના લેવો જોઈએ તેવો તેમનો આગ્રહ તથા સલાહ હતાં. ત્યારે હું ખાદી કે ગ્રામઉદ્યોગ સંબંધી કાંઈ જાણતો નહિ. મારા નિર્ધારમાં મને દંઢ જોઈને તે બહેનો આશીર્વાદ આપીને વિદાય થઈ. હું પણ સૌની ભાવપૂર્ણ વિદાય લઈને પાછો રેલવેના પાટા તરફના માર્ગે ચાલી નીકળ્યો.



આભાર.

સ્નેહલ જાની