Vishwas ane Shraddha - 19 in Gujarati Fiction Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 19

Featured Books
Categories
Share

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 19


{{{Previously :: અહીં પણ શ્રદ્ધા મલકાય છે. નળસરોવર પોંહચી જતાં, એ નળસરોવરનાં પાર્કિંગને જોતાજ વિચારે છે, " વિશ્વાસ, હું તને બહુ જ મિસ કરું છું. "

વિશ્વાસ પણ મનમાં ને મનમાં હસે છે. એ પણ પહોંચવાની તૈયારીમાં જ હોય છે અને રસ્તાં પરનાં માઈલસ્ટોનને જુએ છે, " નળસરોવર 5 કિલોમીટર. " અને વિચારે છે, " શ્રદ્ધા, તું બહુ જ યાદ આવે છે. બસ થોડીવાર, હું પણ ત્યાં પોંહચી જઈશ. " }}}

તેઓ બન્ને એકબીજાને યાદ કરી રહ્યા હતા, જૂની યાદોને તાજી કરી રહ્યા હતા. તેમને નળસરોવર પર તેમની પહેલી મુલાકાત યાદ આવી – પ્રેમનો ઇજહાર અને હંમેશા સાથે રહેવાનાં વચનની યાદો વાગોળવાં લાગી. વિશ્વાસ તેનાં મનમાં અત્યારે ઘર કરી ગયો હતો, પરંતુ સિદ્ધાર્થના અવાજે તેને વર્તમાનમાં પાછી લાવી દીધી.

સિદ્ધાર્થ : ચાલ, સરોવર પાસે જઈએ. 

શ્રદ્ધા વર્તમાનમાં આવી, અને કંઈ બોલ્યા વગર, સિદ્ધાર્થના કહેવાથી કારમાંથી બહાર આવી, અને સિદ્ધાર્થની સાથે સરોવર તરફ ચાલવાં લાગી.

નળસરોવરના પરિચિત વાતાવરણમાં શ્રદ્ધાએ તેની પ્રિય યાદોને ફરી જીવંત કરી. શ્રદ્ધાને આ સ્થળ ખૂબ ગમતું હતું અને તે પ્રકૃતિની સુંદરતા, પક્ષીઓ અને શુદ્ધ હવા માણવા માટે અવારનવાર અહીં આવતી હતી. તે ચારેકોર જોઈ રહી હતી, જ્યાં તેને વિચાર આવ્યો કે, " વિશ્વાસ ક્યાં હશે? " તેણે કહ્યું હતું કે, જ્યારે તે મેસેજ કરશે ત્યારે તે આવશે, પરંતુ તેને આસપાસ ક્યાંય દેખાતો નહોતો. શ્રદ્ધાની આંખો એ પરિચિત ચેહરાને શોધી રહી હતી.

એટલામાં, તેઓ સરોવર પર પહોંચી ગયા, સરોવરનાં  કિનારે એક શાંત સ્થળ શોધી બંને બેઠા. અન્ય પ્રવાસીઓ અને સુંદર દૃશ્ય નળસરોવરનાં વાતાવરણને વધારે સુંદર બનાવી રહ્યું હતું. બીજી તરફ, એ જ સમયે વિશ્વાસ પણ નળસરોવર પર પહોંચી ગયો. કારમાંથી ઉતરીને એ પણ સરોવર તરફ ચાલવાં લાગ્યો. આ સુંદર સ્થળને વર્ષો પછી ફરી જોઈને તે મંત્રમુગ્ધ થઈ ગયો. તે ફરીથી શ્રદ્ધાની છબી અને તેના પ્રત્યેની ઊંડી લાગણીઓને યાદ કરવા લાગ્યો. 

ચાલતાં ચાલતાં એ સરોવર પહોંચી ગયો, ત્યાં એણે શ્રદ્ધાને જોયી, એની સાથે સિદ્ધાર્થને પણ બેઠેલો જોયો. 

તેને સમજાયું કે, તે શ્રદ્ધા સાથેનો અવસર ગુમાવી ચૂક્યો છે, આજે એ શ્રદ્ધાની પાસે બેઠો હોત, પણ...એ નહોતો, સિદ્ધાર્થ હતો. વિચારોમાંથી બહાર નીકળી, એ સરોવરની બીજી તરફ ચાલી નીકળ્યો. જ્યાંથી એ શ્રદ્ધાને જોઈ શકે અને સિદ્ધાર્થને તેની હાજરી વિશે ખબર ન પડે. કોઈ ખલેલ ન પડે તે રીતે દૂર રહીને તેને જોતો રહ્યો. શ્રદ્ધા પણ તેની આસપાસ વિશ્વાસને શોધી રહી હતી. આખરે, તેમની આંખો મળી, વિશ્વાસ અને શ્રદ્ધા એકબીજાને જોઈ જાણે મનથી તૃપ્ત થયાં એમ લાગ્યું, શ્રદ્ધાએ વિશ્વાસ સામે જોઈને મીઠું સ્મિત કર્યું, અને વિશ્વાસ રોમાંચિત્ત થઈ ગયો. શ્રદ્ધા અને સિદ્ધાર્થ, ત્યાં થોડો સમય બેસી રહ્યા, પછી શ્રદ્ધાએ સિદ્ધાર્થને કહ્યું, "બોટિંગ કરવાં જઈએ, સિદ્ધાર્થ?" 

સિદ્ધાર્થ પણ એનાં વિચારોમાં ઊંડો ખોવાયેલો હતો કે પછી અહીંની સુંદરતાએ આજે એને પણ મંત્રમુગ્ધ કરી દીધો હતો. શ્રદ્ધાનાં બોટિંગ કરવાંનાં સુજાવથી એ પણ તૈયાર થયો. બોટિંગ કરવાં માટે ઉત્તમ સમય હતો. બંને સરોવરથી આગળ જઈ, ટિકિટ લઈને બોટિંગ માટે ગયા. 

શ્રદ્ધા અને સિદ્ધાર્થને બોટિંગ તરફ જતાં જોઈ, વિશ્વાસ પણ એમની પાછળ ગયો. અને બીજી બોટમાં બેઠો. આ રીતે, ફરીથી શ્રદ્ધા અને વિશ્વાસ બંને બોટિંગ માટે ગયા – સાથે નહીં, પરંતુ એકબીજાના વિચારોમાં અને હૃદયમાં. સરોવરનાં પાણીમાં શ્રદ્ધા હાથ નાખી, ઠંડા પાણીની મઝા લેતી હતી. એટલામાં જ સિદ્ધાર્થને ઓફિસથી ફોન આવ્યો, અને તે વાતચીતમાં વ્યસ્ત થઈ ગયો. શ્રદ્ધાનું મન શાંત હતું, તે ઘણાં સમય પછી આવી શાંતિ અનુભવી રહી હતી અને ફરીથી પ્રેમથી ઉભરાઈ ગયી હોય એમ – જ્યારે પણ વિશ્વાસ સાથે આંખો મળતી, તે તેને પ્રેમભર્યું નિર્દોષ સ્મિત આપતી.

સરોવરમાં ઘણાં પક્ષીઓ હતાં, આસપાસ પણ પક્ષીઓ ઉડતાં હતાં. બીજાં પ્રવાસીઓ પક્ષીઓ સાથે કુદરતી સૌંદર્યના ફોટો લેતાં હતાં. શ્રદ્ધાએ પણ આ અદ્દભુત સૌંદર્યોનો ફોટો લીધો. સિદ્ધાર્થનો ફોન પત્યો ત્યારે પણ શ્રદ્ધા પક્ષીઓને જોઈ રહી હતી, ભાતભાતનાં રંગબેરંગી અસંખ્ય પક્ષીઓ સરોવરમાં તથા આસપાસ ઉડી રહ્યાં હતા, પ્રેમ કરી રહ્યા હતા, પાણીમાં ઘૂમી રહ્યા હતા. સિદ્ધાર્થ પણ શ્રદ્ધાને જોઈ રહ્યો. 

લગભગ દોઢેક કલાક સુધી બોટિંગ કર્યું,  બીજા કિનારે પહોંચ્યાં અને બોટિંગ પૂરી કરી અને તેણે શ્રદ્ધાને કહ્યું, 

" મારે ઓફિસના કામથી અત્યારે જ જવું પડશે, તો હું તને રિસોર્ટ પર ઉતારીને જઈ આવું. મિટિંગ પતાવીને પાછો આવી જઈશ. "

શ્રદ્ધા ( કોઈ જ લાગણી વગર ): સારું. જેમ તને ઠીક લાગે એમ. 

આમ બંને કાર તરફ નીકળ્યા, થોડી વારમાં કાર પાસે પોંહચી ગયાં અને રિસોર્ટ તરફ જવા નીકળ્યા. 

બંનને નીકળતા જોઈ, વિશ્વાસ પણ તેમની પાછળ પાછળ કાર પાસે પહોંચ્યો અને તેમને જાણ ન પડે તેમ રિસોર્ટ સુધી પાછળ ગયો. 

લગભગ 45 મિનિટમાં તેઓ રિસોર્ટ પોંહચી ગયાં. નળસરોવરથી થોડાં જ અંતરે આવેલું " વિસામો નળસરોવર રિસોર્ટ " એનાં નામ પ્રમાણે જ ભીડથી દૂર, ચોવીસ કલાક વ્યસ્ત જીવનથી થોડો સમય પ્રકૃતિમાં રહી વિસામો લેવાં માટે જાણીતું થયું છે, જે સિદ્ધાર્થને પસંદ હતો અને એનાં કોઈ મિત્રનાં સગાંનો હતો એટલે એના મમ્મીએ આ જ રિસોર્ટમાં "પ્રીમિયમ વુડેન સુઈટ" બુક કરાવ્યું હતું. 

ત્યાં પોંહચીને શ્રદ્ધા ગાડીમાંથી બહાર આવી અને સિદ્ધાર્થને "બાય" કહીને અંદર ગયી. ગેટ આગળ જોતાં જ શ્રદ્ધાને પણ આ જગ્યા ગમી ગયી, એ પેહલી જ વખત અહીંયા આવી હતી. સિદ્ધાર્થ પણ શ્રદ્ધાને અંદર જતાં જોઈને, ડ્રાઈવરને ઓફિસ તરફ જવા માટે કહ્યું અને મિટિંગ માટે નીકળી ગયો.

શ્રદ્ધાને જાણ નહોતી કે વિશ્વાસ ક્યાં છે? એટલે એણે તરત જ વિશ્વાસને ફોન લગાવ્યો, પણ એનો ફોન વ્યસ્ત હતો. એ જાણીને શ્રદ્ધાને લાગ્યું કે એ ઘરે જવા માટે નીકળી ગયો હશે, એને સાંજે કોઈ મિટિંગ હતી એમ એ કેહતો તો હતો! 

શ્રદ્ધા આસપાસનું વાતાવરણ જોઈ રહી હતી, અહીંયા શાંતિ હતી. ઘણાં લોકો ચાલતાં દેખાઈ રહ્યા હતા. કપલ્સ, કિડ્સ અને બીજા ઘણા ફેમિલિ પણ હતા. ઘણાં વૃક્ષો અને હરિયાળી હતી. અલગ અલગ પ્રકારનાં સુઈટ અને રૂમ્સ હતાં. ફરતાં ફરતાં શ્રદ્ધા રજીસ્ટર પાસે ગયી. 

શ્રદ્ધા : હેલ્લો, મારું નામ શ્રદ્ધા છે. અમારો રૂમ બુક છે અહીંયા. શ્રદ્ધા કે સિદ્ધાર્થનાં નામ પર હશે. Can you check, please ? 

રિસેપ્શનિસ્ટ લૅડી : હેલ્લો, મેમ! Welcome to visamo! Give me just a moment, હું ચેક કરીને તમને જણાવું. 

શ્રદ્ધા : ઓકે, નો પ્રોબ્લેમ. 

થોડી જ વારમાં, રિસેપ્શનિસ્ટ લૅડી : સિદ્ધાર્થ રાયનાં નામ પર "પ્રીમિયમ વુડેન સુઈટ " બુક છે. મને તમારું ID બતાવશો, please.

એણે ID બતાવ્યું અને રિસેપ્શનિસ્ટે એને સુઈટની keys આપી. શ્રદ્ધાએ સુઈટ તરફ જવાનો રસ્તો પૂછ્યો, એટલે રિસેપ્શનિસ્ટ લેડીએ એને રસ્તો બતાવ્યો. શ્રદ્ધા સુઈટ તરફ જઈ રહી હતી કે એનાં ફોનમાં રિંગ વાગી. એણે જોયું તો સ્ક્રીન પર વિશ્વાસનું નામ હતું એટલે તરત જ ફોન ઉઠાવ્યો. 

શ્રદ્ધા : તું પોંહચી ગયો મિટિંગમાં ? 

વિશ્વાસ : હા, એક બહુ જ ઈમ્પોર્ટન્ટ મિટિંગમાં આવ્યો છું. 

શ્રદ્ધા : આવ્યો છે કે ગયો છે ? 

વિશ્વાસ : તું જ્યાં ઉભી છે ત્યાં આજુબાજુ નજર કરીને એક વખત જોઈ લે એટલે તને ખબર પડી જશે, કે ગયો છું કે આવ્યો છું! 

શ્રદ્ધાની હાર્ટબીટ વધી જાય છે અને એ આજુબાજુ જોવાં લાગે છે, તો ગેટની ઑપોઝિટ સાઈડમાં વિશ્વાસને જુએ છે. 

બંને એકબીજા સામે જોઈ મલકાય છે અને અચાનકથી જ શ્રદ્ધા ઇમોશનલ થઇ જાય છે અને ભાગતી વિશ્વાસ પાસે પોંહચી જાય છે અને એને ગળે લાગી જાય છે. વિશ્વાસને પણ આશ્ચર્ય લાગે છે કે આવી રીતે શ્રદ્ધા કેમ મને ગળે લાગી ગયી એ પણ આમ અચાનકથી જ? ...એ પણ શ્રદ્ધાને એકદમ જોરથી ભેટી જાય છે! જાણે આજે પહેલી વખત જ એકબીજાને મળ્યા હોય એમ! થોડાં સમય સુધી બંને એમ જ ભેટી રહે છે, પછી બંને એક રિસોર્ટમાં છે અને પબ્લિકની સામે જ ઊભાં છે એમ યાદ આવતાં અલગ થયાં, અને જોયું તો બધા એમને જ જોઈ રહ્યાં હતાં. લોકોને નજરઅંદાજ કરી બંને એકબીજા સાથે નોર્મલી વાત કરવાં લાગ્યાં.

વિશ્વાસ : એક મિનિટ, હું મારાં રૂમની કીઝ લઈ આવું. આપણે મારાં રૂમમાં જ જઈએ! 

શ્રદ્ધા : ઓકે..પણ સિદ્ધાર્થ હમણાં આવશે! 

વિશ્વાસ : અત્યારે તો નથી આવવાંનો ને? હજુ વાર છે ને? અને એ તને ફોન કરશે ને આવતાં પહેલા!

શ્રદ્ધા : ના, ફોનનું તો ખબર નહિ, પણ એને આવતાં મોડું થશે, અત્યારે તો નહિ જ આવી જાય. 

( બંને હસ્યાં અને વિશ્વાસ કાઉન્ટર પાસે કીઝ લેવાં ગયો. ) 

વિશ્વાસ રિસેપ્શનિસ્ટ લેડી પાસે જઈને ફોનમા રૂમ બુકિંગની ડિટેઈલ્સ બતાવીને રૂમની કી લે છે, રૂમ ક્યાં છે એમ જાણકારી મેળવીને એ પાછો શ્રદ્ધા પાસે આવે છે. 

શ્રદ્ધા : તને ખબર હતી કે હું અહીંયા જ છું! અને તેં રૂમ પણ બુક કરી દીધો? 

વિશ્વાસ : હું તમારી પાછળ જ હતો, દીપકને રસ્તો ખબર હતો અને ઈન્ટરનેટ પર જોયું તો આ જ રિસોર્ટ નજીકમાં દેખાયો અને મને લાગ્યું કે તમે અહીં જ રોકાશો એટલે મેં અહીં જ રૂમ બુક કરી દીધો. 

શ્રદ્ધા : વાહ,I am impressed! 

વિશ્વાસ ( હસીને ) : સાચ્ચે! મને તો હતું કે તું તો મારાંથી પેહલેથી જ impressed હતી. 

શ્રદ્ધા પણ હસે છે અને બંને હવે ચાલતાં વિશ્વાસનાં રૂમ તરફ જાય છે. વિશ્વાસે "પ્રીમિયમ ટ્રી હાઉસ" બુક કર્યું હતું.