ભાગવત રહસ્ય-૧૪૧
તે પછી રાજા રહૂગણ પૂછે છે-આ વ્યવહારને મિથ્યા (અસત્ય) કેમ કહી શકાય ?જો કોઈ પણ વસ્તુ અસત્ય હોય –મિથ્યા હોય તો-કોઈ પણ ક્રિયા (કર્મ) થઇ શકે જ નહિ. જેમ કે જો ઘડો (મિથ્યા) અસત્ય હોય-તો તે ઘડાથી જળ લાવી શકાય નહિ.હકીકતમાં ઘડો હોય તો જ જળ લાવી શકાય. આંખે દેખાતી વ્યવહારની ક્રિયાઓમાં બધું હકીકતથી ભરેલું છે-તે મિથ્યા કેવી રીતે?
આપે કહ્યું-કે શરીરને દુઃખ થાય છે-આત્માને થતું નથી.પરંતુ હું માનુ છું-કે શરીરને કષ્ટ થાય તો તે આત્માને થાય છે.કારણ -કે-શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે-ઇન્દ્રિયોનો મન સાથે-મનનો બુદ્ધિ સાથે-અને બુદ્ધિનો આત્મા સાથે છે.એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ ને ? જેમ,ચુલા પર તપેલી હોય-તપેલીમાં દૂધ હોય-દૂધમાં ચોખા હોય-તો અગ્નિના સંબંધને કારણે ચોખા પાકી જાય છે-
તેમ શરીર ને જે દુઃખ થાય તે આત્મા ને થવું જ જોઈએ ને ?
જડભરતજી એ કહ્યું-આ કથન તદ્દન ખોટું જ છે.આત્મા નિર્લેપ છે.દૂધમાં ચોખા નાખ્યા એટલે પાક્યા પણ પથ્થર નાખ્યા હોય તો ? તે પથ્થર પાકતા નથી-કારણ તે નિર્લેપ છે.
સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. મન જ સંસાર ઉભો કરે છે.
સ્વપ્નનું જગત જેમ મન ઉભું કરે છે-તેમ –જાગૃત અવસ્થાનું જગત પણ મન ઉત્પન્ન કરે છે.
રાજા, મન બગડે એટલે જીવન બગડે છે-મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે.
પોતાના છોકરાનું મા ને વજન નથી લાગતું,કારણ કે મનની મમતા છે, પોતાનો છોકરો મા ને હલકો ફૂલ જેવો લાગે-પછી ભલે ને કીકો અઢી મણનો હોય. બીજાનો છોકરો ભલે હલકો ફૂલ હોય તો પણ તે જ મા ને તે પહાડ જેવો ભારે લાગે છે.કારણ મન કહે છે-કે એ પારકો છે. મન માને તો વજન , નહી તો કાંઇ વજન નથી.
જડભરતજી કહે છે-રાજા આ બધા મનના ધર્મો છે, મનના ખેલો છે. આના જ કારણે મારે ગયા જન્મમાં હરણ થવું પડેલું,હવે હું સાવધ થઇને ફરું છું.
રાજા તું તો ખાલી કશ્યપ દેશનો રાજા છે-હું તો ભરતખંડનો રાજા હતો,છતાં મારી આ દશા મનને કારણે જ થઇ.મન જ જીવને સંસાર-બંધનના કારણ રૂપ છે. અને તે જ મન મોક્ષના કારણરૂપ છે.
મનુષ્યનું મન જો વિષયોમાં આસક્ત થાય તો-સંસારમાં દુઃખ આપનાર થાય છે, અને તે જ મન જો વિષયમાં આસક્ત ના થાય અને ઈશ્વરના ભજનમાં લીન થાય તો-તે મોક્ષ આપનાર થાય છે.
વિષયનું ચિંતન કરતા મન તેમાં ફસાય છે, મનની લુચ્ચાઈ ઘણી છે-માટે મનને પરમાત્મામાં સ્થિર કરો.
જડભરતજી કહે છે-રાજા –તું મને પૂછે છે કે-હું કોણ છું ? પણ તું તારી જાતને પુછ “હું કોણ છું?”
તું શુદ્ધ આત્મા છે-જાગ્રત,સુષુપ્તિ અને સ્વપ્ન –એ ત્રણે અવસ્થાનો સાક્ષી આત્મા છે.
જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી-પણ સંસારને –કલ્પિત –માને છે.
જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં –જેમ ખોટું સ્વપ્નું જીવને રડાવે છે-તેમ ખોટું જગત પણ જીવને રડાવે છે.
દાખલા તરીકે-એક મનુષ્ય સૂતેલો હોય અને સ્વપ્નમાં વાઘ તેના પર હુમલો કરે અને તે રડવા માંડે પણ જો તરત જ જાગી જાય તો તેણે સમજાય છે –કે ડરવાની જરૂર નહોતી.
આ સ્વપ્નું ખોટું છે-તે સમજાય ક્યારે ? જયારે જાગી જઈએ ત્યારે.
સર્વ વિષયો માંથી જેનું મન ઉઠી ગયું છે-તે જાગેલો છે.
રાજા,સત્સંગ વગર જ્ઞાન મળતું નથી, સ્વ-રૂપનું (આત્મા)નું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય છે. એક બ્રહ્મ (પરમાત્મા) જ સત્ય છે.આ બ્રહ્મ સત્યસ્વરૂપ,ભેદથી રહિત પરિપૂર્ણ,આત્મસ્વરૂપ છે.
પંડિતો તેને-ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણ –જેવા નામથી ઓળખે છે- બાકી જગત મિથ્યા છે.