"હેપ્પી, હું બધું કરીશ તારા માટે પણ એક વસ્તુ નહિ કરી શકું?"
"શું?"
"હું તને ઊંચકી નહિ શકું." પરમે થોડું મોઢું રડમસ બનાવ્યું.
"હા, તો કઈ નહિ, હું તને ઊંચકી લઈશ." એમ કહી હેપ્પીએ જ પરમને ઊંચકી લીધો.
"એવું ક્યાં લખ્યું છે કે છોકરો જ છોકરીને પોતાની બાંહોમાં ઊંચકે એમ હે? છોકરી મારી જેવી ખમતીધર હોય તો એ પણ ઊંચકી લે."
આ જોઈ ફરી બધાએ ચિચિયારી પાડી. હેપ્પીએ પરમને નીચે ઉતાર્યો. પરમે હેપ્પીનો હાથ પકડ્યો અને જે લોકોએ હેપ્પીની મજાક કરી હતી તેમની તરફ જોઈ બોલ્યો, "પ્રેમ કોઈના શરીર સાથે નહિ, મન સાથે થતો હોય છે. હેપ્પીનું મન સુંદર છે. શરીર ભલે ગમે તેવું હોય એનાથી શું ફેર પડે? શરીર તો વૃદ્ધ થતાં એનું આકર્ષણ ખતમ થઈ જાય પણ મન તો હમેશા એવું ને એવું જ રહેશે. ક્યારેય પણ કોઈની બાહ્ય રચના પર સાચી ખોટી ટિપ્પણી ન કરવી. હેપ્પીની તો જરાય નહિ. બાકી આજ પછી મારાથી ખરાબ કોઈ નહિ હોય."
મજાક કરનાર બધાની નજર શરમથી ઝુકી ગઈ અને બધાએ હેપ્પીને દિલથી સોરી કહ્યું. હેપ્પી, પરમ, મિશા, વિકી અને રેના ત્યાં રહ્યાં બાકીના લોકો જતાં રહ્યાં. રેના તો હેપ્પીને ભેટી જ પડી, "ઓહ, મારી બેસ્ટ ફ્રેન્ડ હવે મારી ભાભી બનશે એમ ને!!" આટલું સાંભળતા તો હેપ્પી શરમાઈ ગઈ. આ જોઈ મિશા બોલી, "ઓહ! હેપ્પી તને શરમાતા પણ આવડે છે એ તો આજે ખબર પડી હો."
"કેટલું ક્યૂટ પ્રપોઝલ હતું પરમ તારું. કાશ! મને પણ કોઈક આટલું જ મસ્ત પ્રપોઝ કરે." આમ કહી મિશાએ એક ત્રાંસી નજર વિકી પર નાંખી લીધી.
હેપ્પી બોલી, "મિશા, જો તું કોઈને પ્રેમ કરતી હોયને તો એના પ્રપોઝ કરવાની રાહ ન જોતી. એવું જરૂરી થોડું છે કે એ જ પ્રપોઝ કરે? તું પણ કરી શકે છે ને?"
આ સાંભળી મિશાની આંખમાં એક ચમક આવી ગઈ અને તેણે મનોમન જ વિચાર્યું કે હું જ સમય જોઈને વિકીને પ્રપોઝ કરી દઈશ.
આ બાજુ વિકી વિચારી રહ્યો હતો કે હું કદાચ રેનાને પ્રપોઝ કરું અને તેણે ના પાડી તો??
રેના વિચારી રહી હતી કે કદાચ પોતે વિકીને પસંદ પણ કરી લે તો શું પપ્પા વિકી માટે ક્યારેય હા પાડશે? હજુ પોતે વિકીને ઓળખે જ કેટલો છે. ન તો એનો ભૂતકાળ ખબર છે કે ન આવનારા ભવિષ્ય વિશે કોઈ અનુમાન છે. પોતે તો એના પરિવારને પણ નથી ઓળખતી. હેપ્પી અને પરમ તો કોલેજ ચાલુ થઈ ત્યારથી એકબીજાને સારી રીતે ઓળખે છે. પોતે હજુ પણ સમય લેવો જોઈએ. કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી કરવી એમ વિચારો રેના ફરી હેપ્પી અને પરમને ચીડવવા લાગી અને ખુશ થવા લાગી.
સમય તો જાણે નદીની જેમ વહી રહ્યો છે. આ સમય દરમ્યાન વિકીની ચાહત વધતી ગઈ તો મિશા કોઈ સુંદર મોકાની શોધમાં તરસતી રહી. રેનાની મૂંઝવણ વધતી ચાલી. લાસ્ટ સેમની પરીક્ષા આવીને ઉભી રહી. એ પહેલા કોલેજમાં લાસ્ટ યરના સ્ટુડન્ટ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન થયું. ફેરવેલ પાર્ટી એટલે કોલેજના મિત્રો સાથે છેલ્લી વાર મોજ મસ્તી કરી લેવાની, યાદો સમેટી લેવાની. પછી તો સૌ પોતપોતાના રસ્તે આગળ વધી જવાના. કોઈ આગળ ભણશે તો કોઈ નોકરી કે ધંધો કરશે તો કોઈ પરણીને સેટલ થઈ જશે. પછી ફરી મળાય કે ન મળાય એટલે એક સાથે જેટલું જીવાય સાથે એટલું જીવી લો.
વિકીએ નક્કી કર્યું કે તે રેનાને ફેરવેલ પાર્ટીના દિવસે જ પ્રપોઝ કરી દેશે. જો હવે વધુ રાહ જોશે તો કદાચ મોડું થઈ જશે. આ બાજુ મિશાએ પણ એવું જ વિચારેલું કે તે વિકીને પોતાની લાગણીઓ જણાવી દેશે.
આ બાજુ રેના એક વાર ફરી પોતાના પપ્પા સાથે વાત કરવા માંગતી હતી. એક દિવસ મોકો જોઈ તે કિશોરભાઈ પાસે ગઈ. સિધી વાત કરતાં ડર લાગ્યો એટલે તેણે પહેલા હેપ્પી અને પરમ વિષે વાત કરવાનું વિચાર્યું.
"પપ્પા..."
"હા, બોલ બેટા. કઈ કામ હતું?" લેપટોપમાંથી માથું ઊંચું કરી કિશોરભાઈએ પૂછ્યું.
"પપ્પા, પરમ હેપ્પીને પસંદ કરે છે અને હેપ્પી પણ."
"અરે વાહ, સરસ. હેપ્પી ખરેખર સારી છોકરી છે અને સાચું કહું તો પરમ જેવો છોકરો દીવો લઈને શોધવા નીકળો તો પણ હેપ્પીના પપ્પાને ન મળ્યો હોત. વિશાખા એ પણ કોઈ આવો છોકરો શોધ્યો હોત તો..." આટલું બોલતા કિશોરભાઈની આંખ ભીની થઇ ગઈ.
"પપ્પા, તમે ને મોટા પપ્પા દીદીને માફ કેમ નથી કરી દેતાં? ત્રણ વર્ષ થઈ ગયાં એ વાતને."
"બેટા, અમુક ઘા ખૂબ ઊંડા હોય છે. જો આટલી સહેલાઈથી ભૂલી શકાતા હોય તો શું જોઈએ. વિશાખા એ જે કર્યું તે, પણ હું તારા માટે એક ખૂબ સરસ ઘર પરિવાર શોધીશ. અરે, હમણાં જ તારા માટે એક ખૂબ સારું માંગુ આવ્યું છે. બસ, તારી પરીક્ષા પતે તો આપણે એમને મળવાનું ગોઠવી લઈએ."
"પપ્પા, હજુ મારે એમબીએ કરવું છે. આટલી શું ઉતાવળ છે મને પરણાવી દેવાની?આમ પણ હું કોઈ અજાણ્યા માણસ સાથે કેમ લગ્ન કરી લઉં?" રેના થોડી અકળાઈને બોલી.
"તું મારી રાજકુમારી છે. કોઈ જેવા તેવા સાથે થોડી તને પરણાવી દઈશ. એટલો તો વિશ્વાસ છે ને તને મારા પર?"
"હા પપ્પા, પણ..."
"તે મને પ્રોમિસ કરેલું યાદ છે ને? તો આ પણ...વચ્ચે ક્યાંથી આવ્યું? તું એકવાર એ છોકરાને મળી તો લે, આપણે ક્યાં આજ ને આજ હા પાડી દેવાની છે. બેટા, તારા માટે અમારા ખૂબ અરમાનો છે. જે સંસ્કાર અમે તને આપ્યા છે તું એનું માન રાખ અને લગ્ન કરીને ખુશ રે બસ." આટલું કહી કિશોરભાઈ પોતાના રૂમમાં જતાં રહ્યા.
રેના હવે બરોબર ફસાઈ. પહેલા પોતાના દિલને સંભાળવું કે પપ્પાને મનાવવા. ઘણો વિચાર કર્યા પછી એને એવું લાગ્યું કે કદાચ પોતે પણ જેને પ્રેમ સમજી બેઠી છે એ પ્રેમ ન પણ હોય એવું પણ બને. કદાચ વિકી પોતાને પ્રપોઝ કરે તો પોતે આ બાબતે તેની સાથે પેટ છૂટી વાત કરી જ લેશે.
આખરે ફેરવેલ પાર્ટીની રાત આવી જ ગઈ. આજે બધાએ કઈક ટ્રેડિશનલ કપડાં પહેરવાનું નક્કી કરેલું. ગર્લ્સ સાડી અને બોયઝ કુર્તો પાયજામો પહેરવાના હતાં. વિકીએ પહેલેથી જ રેનાને પ્રપોઝ કરવાની તૈયારી કરી લીધી હતી. કઈક યુનિક સ્ટાઇલમાં તે રેનાને પ્રપોઝ કરવા ઈચ્છતો હતો જે રેના પૂરી લાઈફ ભૂલી ન શકે. સાથે થોડોક ડર પણ હતો કે જો રેના એ ના પાડી તો? આમ તો ઘણીવાર તેણે રેનાની આંખોમાં પોતાના માટે લાગણી જોઈ હતી છતાંય ખબર નહિ મન માનતું ન હતું, પણ હિંમત કર્યા વિના છૂટકો ન હતો.
આ બાજુ મિશાએ પણ નક્કી કર્યું હતું કે આજે તો મોકો શોધીને વિકીને પ્રપોઝ કરી જ દેવું છે. તેણે આજે બ્લેક કલરની પ્લેન ખુલ્લા પલ્લું વાળી સાડી પહેરી હતી. સાથે રેડ સ્લિવલેસ બ્લાઉઝ, ચહેરા પર આછો મેકઅપ, કાનમાં ડાયમંડના લોગ એરિંગસ, હાથમાં બ્રેસ્લેટ અને ખુલ્લા વાળમાં આજે તે સાચે જ સુંદર લાગી રહી હતી. અરીસામાં પોતાની જાતને જોઈ તે બોલી, "અહા! મિશા, આજે તો કામદેવ પણ પ્રસન્ન થઈ જાય એવી લાગે છે તું. તો બિચારા વિકીની તો શું હિંમત કે મને ના પાડે? બોલ્ડ એન્ડ બ્યુટીફુલ છું, રિચ છું, ટેલેન્ટ પણ છે મારામાં. આથી વધુ શું જોઈએ કોઈ પુરુષને?"
( ક્રમશઃ)
વિકી પ્રપોઝ કરશે તો શું હશે રેનાનો જવાબ?
શું મિશા વિકીને પ્રપોઝ કરી શકશે ?
જાણવા માટે જરૂરથી વાંચજો આગળનો ભાગ.