રેનાના લગ્ન માટેના વિચારો જાણવા માટે વિકી ઉતાવળો થઈ ગયો એટલે તે વચ્ચે જ બોલી પડ્યો. રેનાએ સામે એક સ્મિત આપ્યું અને બોલવાનું શરુ કર્યું.
"જે લોકો લવ મેરેજ કરે છે એ લોકો એવું વિચારે છે કે ભવિષ્યમાં કઈ પણ તકલીફ પડે તો એના માટે જવાબદાર પોતે જ રહેશે પોતાના મા બાપ નહિ. આવું હમણાં મિશાએ જ કહ્યું. એક રીતે સાચું પણ છે. જો કે ભવિષ્યમાં કઈ પણ તકલીફ થઈ અને ત્યારે મા બાપની જરૂર પડી તો મા બાપ મદદ જરૂર કરશે પણ એકવાર કહેશે પણ ખરા કે આ તો તારી પસંદ હતી, હવે તારે ભોગવ્યે જ છૂટકો."
બધા રસપૂર્વક સાંભળી રહ્યાં હતાં. વિકીને પણ રેનાની વાતમાં રસ પડ્યો. રેના આગળ બોલી.
"બીજી રીતે એવું પણ વિચારી શકાય કે લવ મેરેજમાં વ્યક્તિ પોતાની પસંદની હશે, પોતે એને પ્રેમ કરતાં હશે તો જીંદગી સરળતાથી કપાઈ જશે. જો કે ઘણીવાર એવું પણ બને છે કે લગ્ન પછી એ જ પ્રેમ હવા થઈ જતો હોય છે અને ઝગડો એનું સ્થાન લઈ લેતો હોય છે કેમકે એ ખરેખર પ્રેમ હોતો જ નથી ફક્ત એક આકર્ષણ હોય છે."
મિશા બોલી, "રેના, પ્રેમ અને આકર્ષણ વચ્ચે શું ફેર વળી? પ્રેમ તો પ્રેમ હોય. જ્યાં પ્રેમ હોય ત્યાં આકર્ષણ ચોક્કસ થવાનું જ છે."
"મિશા, પ્રેમમાં અપેક્ષા ન હોય. ફક્ત સમર્પણ હોય. જેને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિને તમે પામી લો એ જરૂરી નથી. જેને તમે પ્રેમ કરો છો એ ફક્ત ખુશ રે બસ એટલું જ જરૂરી હોય છે. બાકી, પ્રેમ જો પામી લેવાનું નામ હોય તો આજે આખા જગતમાં રાધા કૃષ્ણ થોડા પૂજાતા હોત!!"
"એરેન્જ મેરેજના શું ફાયદા છે તો?" વિકી પૂછી બેઠો.
"એરેન્જ મરેજમાં પસંદગી માતા પિતાની હોય એટલે ભવિષ્યમાં પણ જરૂર પડે એ લોકો આપણી મદદે આવીને ઊભા જરૂર રે. બીજું કે વ્યક્તિને આપણે પહેલેથી ઓળખતા નથી એટલે લગ્ન પછી આપણે વધુ ને વધુ એને જાણવાના પ્રયત્નો કરીએ છીએ જેનાથી પ્રેમ વધે છે. લવ મેરેજમાં તો બધી વાતો પહેલા જ કરી લીધી હોય છે તો લગ્ન પછી વધુ કશું બચતું નથી. એરેન્જ મેરેજમા તો રોજ પોતાના પાર્ટનર વિશે કઈક નવું જાણવા મળે છે. જો કે ક્યારેક ગેરફાયદો એ પણ રહે છે કે વ્યક્તિ જેવી વિચારી હોય એવી નીકળતી નથી. પરિવારો દુઃખી પણ થાય છે પણ આવું ઓછા કેસમાં બને છે. વડીલોનો અનુભવ ત્યાં જરૂર કામ કરે છે. આપણા પેરેન્ટસ્ કે દાદા દાદી આમ જ લગ્ન કરતાં અને આખી જિંદગી નિભાવી પણ જાણતા. પ્રેમ ખોટો નથી પણ આંધળો પ્રેમ જરૂર ખોટો છે. જે પ્રેમ તમારા સિવાય બધાને દુઃખી કરે એ પ્રેમ થોડો કહેવાય."
"રેના, તારા વિચારો સાચા છે. તો તું શું કરીશ, લવ મેરેજ કે એરેન્જ?" વિકીએ આખરે પૂછી જ લીધું.
"હું લવ વિથ એરેન્જ મેરેજ કરીશ. જો મને પ્રેમ થઈ ગયો કોઈ સાથે તો મારા પરિવારની મંજૂરી લઈને જ લગ્ન કરીશ."
"જો પરિવાર ન માન્યો તો?" પરમ બોલ્યો.
"જો મારો પ્રેમ અને મારી પસંદ સાચી હશે ને પરમ, તો મારો પરિવાર જરૂર માનશે. કેમકે મારા પરિવારને પણ મારા પર એટલો વિશ્વાસ તો હશે જ કે એની દીકરી કોઈ ખોટી વ્યક્તિ પસંદ નહિ કરે. જો એ લોકોને એવો વિશ્વાસ ન હોય ને તો હું એ વિશ્વાસ કેળવિશ અને પછી જ લગ્ન કરીશ."
રેનાના આ નિર્ણય પર ગ્રુપમાં તાળીઓ પડી ગઈ પણ વિકીના ચહેરા પર ચિંતાની લકીર ખેંચાઈ ગઈ. વિકીના મનમાં વિચાર આવ્યો કે જો રેનાની ફેમિલી ન માની તો કદાચ રેના પોતાને પ્રેમ કરતી હોય તો પણ ના પાડી દે એમ પણ બને.
બધા ઊભા થઈને કોલેજની કેન્ટિનમાં ગયાં. વડા પાવ, સેન્ડવીચ અને દાબેલી ઓર્ડર કરી. ફરી એ જ ચર્ચા ચાલી. નાસ્તો કરતાં કરતાં હેપ્પી બોલી, "મારે પણ લવ મેરેજ કરવા છે. એક રોમેન્ટિક ડેટ પર જવું છે. કોઈ એવું હોવું જોઈએ જે લાઈફમાં તમને સ્પેશિયલ ફીલ કરાવે."
આ સાંભળી ગ્રુપની અમુક છોકરીઓ હસવા લાગી, "હેપ્પી, તને કોણ પ્રેમ કરવાનું વળી? પોતાની જાતને અરીસામાં જોઈ છે ક્યારેય?"
એક છોકરો વળી બોલ્યો, "તારા સાથે લગ્ન કરશે ને એનું તો દેવાળું ફૂંકાઈ જશે. કેટલું ખાય છે તું હાથીની જેમ."
વળી એક છોકરો બોલ્યો, "સુંદરતા નામનું પણ પોતાનામાં કઈક હોવું જોઈએ હેપ્પી, તો કોઈક તમારા પ્રત્યે આકર્ષિત થાય. તું તો... વજન જો તારું." આમ કહી ફરી બધા હસવા લાગ્યાં. રેનાને એટલો ગુસ્સો આવ્યો પણ તેણે હેપ્પી સામે જોયુ તો આજે પહેલી વાર તેની આંખમાં આંસું હતાં. આ બધાને પછી જવાબ આપીશ પહેલા હેપ્પીને સંભાળી લઉં એમ વિચારી તે ઊભી થવા જતી હતી કે હેપ્પી ઊભી થઈ અને ચાલવા લાગી.
રેનાના આશ્ચર્ય વચ્ચે પરમે હેપ્પીનો હાથ પકડી તેને રોકી લીધી. પરમ ઊભો થયો અને હેપ્પી પાસે જઈ પોતાના હાથથી તેના આંસુ લૂછ્યા.
"બીજાને રડાવી દેનારી ખુદ ક્યારથી રડવા લાગી હે?"
હેપ્પીએ ભીની આંખે પરમ સામે જોયુ. "હું પણ માણસ છું. મને પણ તકલીફ થાય પરમ ક્યારેક. શું હું જાડી છું એ મારો વાંક છે? હા, મને ખાવાનો ખૂબ શોખ છે પણ મારી મેદસ્વિતા વારસાગત છે. ઘટાડવા ઇચ્છુ તો પણ અમુક કિલોથી ઘટતી જ નથી. મારા વજનના લીધે કદાચ મને પણ કોઈ ક્યારેય પ્રેમ કરવાવાળું નહિ મળે." આમ કહી તે ફરી ત્યાંથી જવા લાગી. ફરી પરમે તેને રોકી લીધી.
પરમ નાસ્તાના ટેબલ પાસે આવ્યો અને તેણે એક વડા પાવની ડીશ ઉપાડી અને પાવમાંથી વડું કાઢી લીધું અને હેપ્પી પાસે ગયો અને પોતાના ઘૂંટણ પર બેસીને ડીશ હેપ્પી તરફ લંબાવીને બોલ્યો, "હેપ્પી, આ પાવ વડા વગર અધૂરું છે એમજ મારી લાઈફ પણ અધૂરી છે. શું તું મારી લાઈફનું આ વડું બનીશ?"
આ સાંભળી હેપ્પીની સાથે રેના , મિશા, વિકી અને બાકીના બધા જ આશ્ચર્યથી ઊભા થઈ ગયાં. બધા માટે આ અનપેક્ષિત હતું. હેપ્પી તો જડની જેમ જ ઊભી રહી ગઈ. તેને તો વિશ્વાસ જ આવતો ન હતો. જે પરમ સતત તેની સાથે ઝગડતો એ પરમ પોતાને અત્યારે પ્રપોઝ કરે છે!!
હેપ્પીને આમ જ ઊભેલી જોઈ પરમ ફરી બોલ્યો, "તું મારી વડું ને હું તારું પાવ , શું આપણે મળીને બની શકીએ વડાપાંવ?"
હેપ્પીની આંખમાંથી આંસુ અનરાધાર વહી રહ્યાં હતાં છતાંય તેણે પરમના હાથમાંથી વડું લીધું અને ફટાક કરતી ખાઈ ગઈ. પરમ બિચારો મૂંઝવણમાં મુકાઇ ગયો કે હેપ્પી આ શું કરે છે?
"વડું તો પાવની બે બાંહોની વચ્ચે હોયને?" આટલું સાંભળતા તો પરમે ઊભા થઈ હેપ્પીને પોતાની બાહોમાં સમાવી લીધી અને પ્રેમથી તેના કપાળે ચુંબન કરી લીધું. બધાએ આ જોઈ ચિચિયારી પાડી અને તાળીઓ પણ વગાડી.
રેનાની આંખમાં ખુશીનાં આંસુ ઝળકી ગયાં. ખરેખર પ્રેમ આવો હોય એની તો કલ્પના પણ તેણે કરી ન હતી.
પરમે હેપ્પીને પોતાનાથી અળગી કરી અને બોલ્યો, "હું તને આખી જીંદગી પ્રેમ કરીશ, તારી ફેવરિટ ડીશ જમાડિશ, રોમેન્ટિક ડેટ પર પણ લઈ જઈશ અને તને સ્પેશિયલ ફીલ પણ કરાવીશ, બસ એક વસ્તુ નહિ કરી શકું."
"શું??" હેપ્પીથી પૂછાઇ ગયું.
( ક્રમશઃ)
એવું શું છે જે પરમ નહિ કરી શકે?
પરમ હેપ્પીની લવ સ્ટોરી જોઈ રેના પ્રેમ કરવાનું સાહસ કરી શકશે?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.