Talash 3 - 1 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 1

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 1

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.


આજથી બરાબર 3 વર્ષ પહેલા આજનીજ તારીખે 30-07-2021ના તલાશનું પહેલું પ્રકરણ માતૃભારતી પર પ્રગટ થયું હતું. તલાશ 2 પૂર્ણ થયા પછી લગભગ 1 વર્ષ પછી આપની માંગને ધ્યાનમાં તલાશ 3 લઈને ફરીથી હાજર થયો છું. મેં ટૂંક સમયમાં ફરીથી મળવાનો વાયદો કરેલો પણ વધારે સમય લાગી ગયો છે. કેટલાક અંગત કારણોને લીધે લખવામાં નિયમિતતા ન હતી અને તલાશ, અને તલાશ 2, ની જેમ જ વાચકો જેની રાહ જોતા હોય એવું લખાતું પણ ન હતું, તલાશ 3 ક્યાંથી શરૂ કરવી એની પણ મૂંઝવણ હતી. પણ છેવટે મારા રેગ્યુલર વાચકોને મેં અલગ અલગ શરૂઆત માટે જે પ્રસંગો કહ્યા એમાથી સહુથી વધુ જેની સરાહના થઈ એ પ્રસંગથી જ તલાશ 3ની શરૂઆત કરી છે. આશા રાખું છું કે પહેલાની જેમજ વાચકોનો અપાર સ્નેહ મારી આ નવલકથા તલાશ-3ને પણ મળશે જ.

તદ્દન નવા જ વાચકોતલાશ અને તલાશ 2 વાંચશે તો આમાં આવતા અમુક પાત્રોને સમજવા માટે સરળતા રહેશે. છતાં આ 3ણે વાર્તાના આવતા મુખ્ય પાત્રોનો પરિચય આપી દઉં છું  તેથી માત્ર આ વાર્તામાં નવા જોડાયેલા વાચકોને સરળતા રહે.

શેઠ અનોપચંદ : 70 વર્ષ :મહારાષ્ટ્રના મુખ્યમંત્રી થી લઈને ભારતના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એમના મેનેજરના એક ફોન થી તરત મુલાકાત માટે સમય આપે એવી પહોંચ ધરાવનાર ભારતના ટોપ ટેન ઉદ્યોગપતિ માંથી એક. અબજોપતિ.જે પોતાના સ્ટાફનો એક ખાસ ઉદ્દેશ માટે ઉપયોગ કરે છે. કોઈને પણ મરાવી નાખવા એ એને મન રમત વાત છે.
જીતુભા : (કથા નાયક) 26 વર્ષ ભૂતપૂર્વ મિલિટરમેન, અને  મુંબઇનો ખ્યાતનામ પ્રાઇવેટ ડિટેક્ટિવ હાલમાં અનોપચંદની બધી કંપનીનો સિક્યુરિટી ઇન્ચાર્જ  (વાંચો તલાશ)
મોહિની : 22 વર્ષ  જીતુભાની પ્રેમિકા થનારી પત્ની, સોનલની ખાસ બહેનપણી
પૃથ્વી.: 26 વર્ષ, જીતુભાનો મિલીટરીનો સાથી ખાસ મિત્ર અને સોનલનો થનારો પતિ કે જે શેઠ અનોપચંદનો ખાસ માણસ છે.
સોનલ : 21 વર્ષ જીતુભાની બહેન (મામાની દીકરી) અલ્લડ મસ્તીખોર હેપ્પી ગો લક્કી છોકરી. મોહિનીની ખાસ બહેનપણી.
સુરેન્દ્રસિંહ : 52 વર્ષ, જીતુભાનાં મામા કે જેના ઘરમાં જીતુભા પોતાની માં સાથે રહે છે. રિટાયર્ડ પોલીસ ઓફિસર,  જીતુભા સાથે પોતાની એક પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી ચલાવતા હતા. હવે અનોપચંદના આગ્રહ થી એમની કંપનીના ચીફ સિક્યુરિટી એડવાઈઝર તરીકે કામ કરે છે.
મોહનલાલ: 55 વર્ષ, શેઠ અનોપચંદનો મેનેજર.
સુમિત : 38 વર્ષ અનોપચંદ નો મોટો દીકરો.સ્નેહા :  36 વર્ષ સુમિતની પત્ની અનોપચંદની અનેક કંપનીમાં અનેક પદ પર કાર્યરતઅને અનોપચંદના ખાસ મિત્રની દીકરી. 

નિનાદ : 34 વર્ષ અનોપચંદ નો નાનો દીકરો

નીતા :  32  વર્ષ, નિનાદની પત્ની અને સ્નેહાની કઝીન 
સરલાબહેન : 33 વર્ષ, પૃથ્વીની માનેલી બહેન અને શેઠ અનોપચંદની ખાસ કર્મચારી.
હની  - ઈરાની " પાકિસ્તાની ખુંખાર જાસુસો, 
નાઝનીન : 23 વર્ષ પાકિસ્તાની ખૂબસૂરત ખતરનાક જાસૂસ,  ઇરાનીની ભત્રીજી અને હનીની ભાણેજ.
માઈકલ : નાસા (નિનાદ અગ્રવાલ સિક્યુરિટી એજન્સી ) નો યુરોપનો ઇન્ચાર્જ.
સિન્થિયા : માઈકલની પત્ની, અને નાસા ની એક સૌથી કાબેલ એજન્ટ.
આ ઉપરાંત મોહિત, સલમા, અબ્દુલ, ચતુરસિંહ, ગુલાબચંદ ગુપ્તા, ગિરધારી ભીમસિંહ પ્રદીપભાઈ હેમા બહેન, માર્શા, ક્રિસ્ટોફર વિગેરે અગત્યના પાત્રો.  

તલાશ અને તાલાશ – 2 વાંચી હશે તો ચોક્કસ તમને મજા આવશે ન વાંચી હોય તો માતૃભારતી પર અવેલેબલ છે. તો ચાલો શરૂ કરીએ તલાશ - 3 દર મંગળવારે.  

 તલાશ 3 પ્રકરણ 1

...

...
"લગ્ન સમારંભ મુલતવી રાખેલ છે."
અનિવાર્ય સંજોગોને કારણે અમારી સુપુત્રી સોનલબા સુરેન્દ્રસિંહ ઝાલા કે જેના લગ્ન ફ્લોદીના પૃથ્વી સિંહ ખડક સિંહ પરમાર સાથે, તેમજ અમારા ભાણેજ જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજાના લગ્ન મોહિની પ્રદીપ ભાઈ શર્મા સાથે તારીખ 30-05-1999ના નિર્ધાર્યા હતા એ અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રાખેલ છે.
લી. સુરેન્દ્રસિંહ મંગલસિંહ ઝાલા વતી, એડવોકેટ મુકેશચંદ્ર કાંતિલાલ શાહ
મુંબઈના લગભગ દરેક ન્યુઝ પેપરમાં છપાયેલી જાહેરાત જીતુભા ખિન્ન મનથી જોઈ રહ્યો હતો. એ જ વખતે એના મોબાઈલમાં ઘંટડી વાગી. જીતુભાએ મોબાઈલ ઉપાડ્યો.સામે એના થનારા સસરા પ્રદીપ શર્મા  હતા.
"જીતુભા, જાહેરાત જોઈ?"
"હા અંકલ થેન્ક યુ."
"બેટા, તારા કહેવાથી મેં જાહેરાત તો મારા વકીલ દ્વારા છપાવી દીધી. પણ હવે?"
"એ તમે મોટું કામ કરી દીધું એનો હિસાબ..."
"હવે હિસાબ છોડ. પણ હવે આગળ? મને બહુ ચિંતા થાય છે"
"ચિંતા ન કરો અંકલ સહુ સારા વાના થશે." કહીને જીતુભા એ ફોન કટ કર્યો. એજ વખતે સુમિતનો ફોન આવ્યો.
"જીતુભા શું છે આ બધું?"
"કોની વાત કરો છો સુમિત ભાઈ."
"આ જાહેરાત, ગઈ કાલેતો સુરેન્દ્ર ભાઈ સાથે મારી સાંજે 5 વાગ્યે વાત થઇ હતી. તેઓ ઉદયપુરની ટ્રીપ પતાવીને 2 દિવસ માં અહીં આવવાના છે એમ કહ્યું. લાંબી વાત કરી પણ ત્યારે તો એમણે આ કોઈ વાત.."
"સુમિત ભાઈ હું પછી વાત કરું છું. હમણાં એક બે અગત્યના કોલ કરવા છે." કહેતા સુમિત બીજું કઈ પૂછે એ પહેલા જીતુભાએ ફોન કટ કરી નાખ્યો.
xxx


10 મિનિટ પછી જીતુભાએ ઘડિયાળમાં જોયું. લગભગ સવા આઠ વાગ્યા હતા. જીતુભા એ સ્લીપર પહેર્યા અને બહાર જવા પગ ઉપાડ્યો. એની માંએ એની સામે પ્રશ્નસૂચક નજરે જોયું. જીતુભાએ બેડરૂમ તરફ નજર નાખી બારણું બંધ હતું. 'નક્કી સોનલ અંદર રડતી હશે.' જીતુભાને થયું કે મોહિનીને કહેકે અહીં આવીને સોનલને સંભાળે, પણ હમણાં ગમે તે સેકન્ડે એને એક અગત્યનો કોલ આવવાનો હતો. માની સામે સહેજ માથું નમાવીને એણે ફ્લેટનું બારણું ખોલ્યું અને બહાર નીકળ્યો.
xxx
એનીજ બિલ્ડિંગમાં નીચે આવેલ પ્રાઇવેટ ડીટેક્ટીવની એની ઓફિસનું શટર ખોલ્યું ત્યા જ એના ફોનમાં ફરીથી રિંગ વાગી. સ્ક્રીન તરફ અછડતી નજર ફેરવી.એના અંદાજ મુજબ જ ફોન પ્રાઇવેટ નંબર પરથી કરવામાં આવ્યો હતો. મન મક્કમ કરીને એણે ફોનમાં આન્સરનું બટન દબાવ્યું.
"શાબાશ, તે મારા કહેવા મુજબ લગ્ન કેન્સલની જાહેરાત કરી દીધી. વેરી ગુડ" એક ભારે ભરખમ અવાજ એના કાને અથડાયો.
"કોણ બોલો છો? મારા મામા ક્યાં છે?
"તારો બાપ જોરાવરસિંહ બોલું છું.સમજ્યો?." ભારે ભરખમ અવાજવાળાએ રાડ નાખતા કહ્યું. "હવે જો તું તારી ઓફિસમાં પહોંચી ગયો હો તો ફટાફટ કમ્પ્યુટર ખોલ.તને એક ઈ મેઈલ મોકલ્યો છે. એ જોઈલે.10 મિનિટ પછી ફોન કરીશ." કહી સામેથી ફોન કટ થઈ ગયો.
જીતુભાએ ફટાફટ કોમ્પ્યુટર ચાલુ કર્યું એ જ વખતે એની ઓફિસની સામે એક કાર આવીને ઉભી રહી. જીતુભા એ કારને ઓળખી ગયો એ પ્રદીપભાઈની કાર હતી. એમાંથી પ્રદીપભાઈ હેમા બહેન અને મોહિની ઉતર્યા. પ્રદીપભાઈએ જીતુભાની ઓફિસમાં પ્રવેશ કર્યો અને મોહિની તથા હેમા બહેન જીતુભાને મળ્યા વગર સીધાજ એના ઘરે જવા બિલ્ડિંગના દાદરા ચડવા મંડ્યા.
"આવો અંકલ. એ હરામખોરનો હમણાં ફોન આવ્યો હતો. મને કહ્યું કે કંઈક ઈ મેઈલ મોકલ્યો છે એ ચેક કરવાનું કહ્યું છે," એટલામાં ઈ મેઈલ ખુલી ગયું. જીતુભાની બાજુમાં એક ખુરસી લઇ ને પ્રદીપભાઈ ગોઠવાયા. જીતુભા એ કોઈ અજાણ્યા નામથી આવેલ ઈ મેઈલ ખોલ્યું. એમાં 2-3 ફોટો એટેચ કરેલા હતા. જીતુભા અને પ્રદીપ ભાઈ એ જોયું કે એક ફોટોમાં સુરેન્દ્રસિંહની કાર સાવ ચકનાચૂર હાલતમાં કોઈ રોડ પર પડી છે. જયારે બીજા ફોટોમાં એ બેહોશ હાલતમાં ખુરસીમાં બંધાયેલ છે. એ જોઈને જીતુભા જેવા કઠણ કાળજાનો માણસ પણ અંદરથી હલી ગયો. પ્રદીપભાઈને ગભરામણ થવા લાગી અને પરસેવે રેબઝેબ થઇ ગયા. ઓફિસમાં સ્તબ્ધતા પથરાયેલી હતી. અચાનક શાંતિનો ભંગ જીતુભાનાં મોબાઈલની રીંગ વાગવાથી થયો.
xxx
"હા બોલો" આ વખતે જીતુભા એ પહેલ કરી.
"જાણે કાંઈજ નથી થયું  એમ ચુપચાપ તારી ઓફિસના કામે વળગી જા. તારી બહેનને પણ સમજાવી દે. અને તને મેં ના પડી હતી. છતાં તે તારા થનારા સસરાને અને એના ફેમિલીને બધું કહ્યું. પણ યાદ રાખજે જો એ લોકો સુરેન્દ્રસિંહ વિષે કઈ બોલશે કે તરત જ તારો મામો આ દુનિયામાંથી વિદાય થઇ જશે."
"પણ તમે કોણ છો? શું જોઈએ છે તમને? અને મારો બનેવી અને એના માં-બાપ લગ્ન મુલતવી શું કામ રાખ્યા છે એ હમણાં જ પૂછશે. હું શું કહીશ એમને?"
"મારી યોજનાઓને ડુબાડતા પહેલા એ બધું વિચારવાની જરૂરત હતી જીતુભા. હવે તે મારી સાથે દુશ્મનાવટ ઉભી કરી છે તો પરિણામ તો ભોગવવું જ પડે ને"
"મેં જીવનમાં ક્યારેય કોઈને દુશ્મન બનાવ્યો જ નથી બધા સાથે પ્રેમથી જ જીવ્યો છું અને મારા મામા પણ. હું તમારો દુશ્મન કેવી રીતે હોઉં? જીતુભાને ધીરે ધીરે આખી વાત સમજાતી હતી.એણે વાત લંબાવવા પૂછ્યું. એને લાગ્યું કે સામે વાળો કૈક વાત કરતા અટક્યો છે અને જાણે કોઈ સાથે મસલત કરી રહ્યો છે."તમે જવાબ ન આપ્યો મારી વાતનો હું તમારો દુશમન..."
"ચઉઉઉઉઉઉઉઉઉપ, ચુપચાપ ઓફિસ જોઈન્ટ કરી લે. અને સાંજે હું તને ફોન કરીશ."
"જો હું તમારી વાત ન માનું તો?
"તો તારા મામાના ટુકડાઓ કરીને પછી રોજ એના શરીરના પાર્ટ તને કુરિયર કરીશ. બોલ તો આજથી જ કરી દઉં શરૂઆત" ભારે અવાજ વાળાએ કહ્યું.
"જો મારા મામાને એક ખરોચ પણ આવશે તો હું તને દુનિયાના કોઈ પણ છેડેથી ગોતીને ખતમ કરી નાખીશ." જીતુભા એ ગુસ્સાથી કહ્યું.
"મને તારા મામાને ખતમ કરવામાં એક મિનિટ પણ નહિ લાગે. પણ ફોનનું લોકેશન શોધવા માટે 3 મિનિટ જોઈએ, પોણા ત્રણ મિનિટ થઈ ગઈ છે. તારી ઓફિસ જવા નીકળ નહીં તો આજથીજ કુરિયર... હાહાહા.." કહેતા સામે વાળાએ ફોન કટ કરી નાખ્યો.
xxx
જીતુભાનાં બિલ્ડીંગની સામે જે પાનની ટપરી હતી એને અડીને નવી ખુલેલી એક રેસ્ટોરાંમાં બેઠેલા એક યુવાને પોતાનું લેપટોપ બંધ કર્યું અને રેસ્ટોરાંની બહાર આવ્યો અને જીતુભાનાં બિલ્ડિગ પર એક નજર કરી. જોયું તો જીતુભા અને પ્રદીપભાઈ જીતુભાની ઓફિસ બહાર ઉભા હતા જીતુભા શટર ખેંચી રહ્યો હતો. "ઓલો છોકરો ક્યાં છે? એણે એક વેઈટરને પૂછ્યું.
"સાહેબ આ બેઠો."
"યુવકે એ છોકરા તરફ જોયું અને એને ઈશારો કર્યો. એ 17-18 વર્ષનો છોકરો ઉભો થયો અને જીતુભાનાં  બિલ્ડિગ તરફ જવા ચાલતો થયો એ જયારે રોડ ક્રોસ કરી રહ્યો હતો  એ વખતે જીતુભા અને પ્રદીપ ભાઈએ બિલ્ડીગનો દાદરો ચડવાનું શરૂ કર્યું. એ જોઈને રેસ્ટોરાંમાં લેપટોપ લઈને બેઠેલા યુવકના ચ્હેરા પર એક મુસ્કુરાહટ આવી ગઈ. રોડ ક્રોસ કરી રહેલા છોકરાએ પોતાના પેન્ટના ખિસ્સામાંથી કંઈક કાઢ્યું અને લગભગ 2-3 ફૂટ સુધી ઉછાળીને ફરી કેચ કરી લીધો એ લગભગ અડધો કિલોનો પથ્થર હતો અને એના પર રબર લપેટેલું હતું અને પથ્થર અને રબર વચ્ચે એક કાગળ હતો.  
xxx
"જીતુભા મારા હિસાબે તો આ ખતરનાક લોકો છે. તમારે ખડક સિંહજી સાથે અને અનોપચંદજી સાથે વાત કરવી જોઈએ. એમનેમ એ લોકો ને કેવી રીતે શોધીશું? ઘરમાં પ્રવેશતાં પ્રદીપભાઈએ વ્યવહારિક સૂચન કર્યું.
"સાચી વાત છે પ્રદીપ અંકલ આપણે એકલા ગોતવા રહીશું તો બહુ સમય જશે પણ મામાનો જીવ જોખમમાં..."
"પ્રદીપભાઈની વાત બરાબર છે જીતુ. વેવાઈને વાત તો કરવી જ પડશે અને આમેય તારી ઓફિસના માલિક મોટા લોકો છે. એ મદદ કરશે." જીતુભાની માં કહ્યું.
"સાચી વાત છે જીતુભા, જ્યોતિબા બરાબર કહે છે." હેમા બહેને કહ્યું એ જ વખતે ભફાંગ કરતો એક મોટો અવાજ થયો અને સોનલને જીતુભાનીમાં વાળા બેડરૂમની બારીનો કાચ તૂટ્યો અને ચારેકોર વેરાવા માંડ્યો.
xxx
"પપ્પા, આ સમાચાર વાંચ્યાને તમે?" સુમિત અનોપચંદને પૂછી રહ્યો હતો રવિવાર હોવાથી અનોપચંદ ઘરે જ હતો.
"હા." કૈક ભારે મને અનોપચંદે જવાબ આપ્યો.અને ઉમેર્યું. "હવે?"
"મેં જીતુભાને લગભગ 20 મિનિટ પહેલા ફોન કરીને પૂછ્યું હતું પણ એણે વાત ઉડાવી દીધી. મને કંઈક અજુગતું લાગ્યું એટલે મેં સુભાષ અંકલને કહીને ત્યા બે જણાને નજર રાખવા મોકલવા કહ્યું છે."
"સુમિત તું ધારે છે એટલો સરળ આ મુદ્દો લાગતો નથી. જીતુભા સાથે વાત કરવી જ પડશે. હમણાં જ એને આપણા ઘરે બોલાવ. પૃથ્વી એનો જીગરજાન ભાઈબંધ છે, વળી સોનલને પણ પૃથ્વી ગમતો હતો. બીજું સુરેન્દ્રસિંહનો ફોન પણ બંધ છે. કંઈક  મોટી ગરબડ છે. ઉભોરે હું ફોન કરું છું. કહેતા અનોપચંદે પોતાના ફોનમાંથી જીતુભાને ફોન લગાવ્યો. સામે રણકતી ઘંટડી આખી પૂરી થઈ પણ કોઈએ ફોન ઉચક્યો નહિ. સ્પીકરમાં આ સાંભળી રહેલા સુમિતને કૈક અંદેશો આવતા એણે પોતાના ફોનમાંથી સુભાસ અંકલને ફોન લગાવવા માંડ્યો
xxx
"સુભાસ શું છે આ બધું?'" ફોન ઉંચકાતાજ અનોપચંદે પૂછ્યું.ફોન સુમિતના હાથમાં હતો પણ સ્પીકર પર હતો. એટલામાં સ્નેહાએ એ હોલમાં પ્રવેશ કર્યો જ્યાં અનોપચંદ અને સુમિત બેઠા હતા. એને જોઈને સુમિતે એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. સ્નેહા સમજી ગઈ કે મામલો કૈક ગંભીર છે. એ ચૂપચાપ સુમિતની બાજુમાં સોફા પર બેસી ગઈ.
"અનોપ, સુમિતનો ફોન આવ્યો કે તરતજ મેં બે જણાને જીતુભાને ત્યાં વોચ રાખવા મોકલ્યા. પણ..."
"પણ શું? જલ્દી બોલ," અનોપચંદે સહેજ ગભરાયેલ અવાજે પૂછ્યું.
"જેવા મારા માણસો ત્યાં પહોંચ્યા કે તરત જ જીતુભાની બારી પર પથ્થર મારીને એક છોકરાને ભાગતો જોયો. એટલે એ લોકોએ એનો પીછો કર્યો. પણ.."
"પણ શું?"
"અચાનક એક કાર પાછળથી આવીને મારા જે 2 માણસ એ છોકરાનો બાઈક પર પીછો કરતા હતા એને ઉડાવીને નીકળી ગઈ."
"ઓહ્હ્હ, પણ તારે કોઈ વ્યવસ્થિત માણસો લગાવવા જોઈએ. કારનો કોઈ નંબર, કઈ માહિતી?"
"સુમિતે મને 20 મિનિટ પહેલા જ કહ્યું. અને લગભગ મહિના પહેલા જીતુભાની સગાઈ પછી, ખાસ તો ઓલી જીગ્નાની સગાઈ પછી પૃથ્વી અહીં મુંબઈમાંથી ગયો એ વખતે જીતુભા અને પૃથ્વી બન્નેના કહેવાથી ત્યાંના આપણા માણસો ને હટાવી લીધા હતા.અને ઓલો પવાર કે જે કામમાં ચોક્કસ હતો એ તો હવે હેડક્વાર્ટરમાં કલાર્ક તરીકે.."
"સુભાસ એ આપણી બધાની ભૂલ હતી. હવે?"
"મેં જે બે જણાને ત્યાં મોકલેલ એમને તો ખૂબ વાગ્યું છે. પણ મેં બીજા 2 જણાને મોકલ્યા છે એ કંઈક માહિતી અડધો કલાકમાં આપશે."
"કઈ પણ જાણવા મળે કે તરત જ મને ફોન કરજે." અનોપચંદે કહ્યું અને સુમિતે ફોન કટ કર્યો.
xxx
રૂમમાં ચારે બાજુ વેરાયેલ કાચની વચ્ચે મોહિનીને હિંમત આપતી સોનલે જીતુભા સામે જોયું. એની આંખો રડી રડીને સૂઝી ગઈ હતી. એણે  કહ્યું "જીતુ." જીતુભાનું ધ્યાન ક્યાંક બીજે જ હતું ઓલો પથ્થર એક બાજુ પડ્યો હતો. જીતુભાએ કાળજીથી એ પથ્થર ઉઠાવ્યો અને એમાં લપેટાયેલા રબરને દૂર કરવા માંડ્યું એ જ વખતે બહાર જોશભેર કોઈ વાહનના ટકરાવાનો અવાજ આવ્યો. બધાએ બારી પાસે આવીને જોયું તો 2 બાઈક સવાર રોડ પર પડ્યા હતા અને એમને ઉડાવીને એક કાર દૂર જતી હતી. જીતુભા એ પથ્થર પર લપેટાયેલા કાગળ અને દૂર જતી કારને તાકતો રહ્યો.બાઇકસવાર પાસે વીંટળાયેલી પબ્લિકને અવગણીને લેપટોપ વાળો યુવાન ત્યાંથી સેન્ચ્યુરી બાઝાર તરફ ચાલતો થયો. એના ચહેરા પર વિજયી સ્મિત હતું..

ક્રમશ:

સુરેન્દ્ર સિંહ ને કોણે કિડનેપ કર્યા છે? એને અત્યારે ક્યાં રાખ્યા છે? લગ્ન મુલતવી રખાતાં પૃથ્વીનું શું રિએક્શન હશે? જીતુભાનો કયો નવો દુશ્મન ઉભો થયો છે જેને લગ્ન મુલતવી રખાવવા છે. શું અનોપચંદ પાસે જીતુભા મદદ માગશે?  આ બધા સવાલોના જવાબ માટે વાંચતા રહો તલાશ 3 ના આગળના પ્રકરણ


ક્રમશ:

આ વાર્તા તમને કેવી લાગી એના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.