"તું ક્યારેય લવ મેરેજ નહિ કરે, પ્રોમિસ આપ." કિશોરભાઈની વાત સાંભળી રેના ઘડીભર સ્તબ્ધ થઈ ગઈ. પોતાના પિતાની આંખોમાં પોતાના માટે અપાર પ્રેમની સાથે ચિંતા પણ છલકી રહી હતી. વિશાખાદીદીએ જે પણ કર્યું એના જ આ પડઘા છે એ રેના સમજી રહી હતી.
તેણે પ્રેમથી કિશોરભાઈનો હાથ પોતાના હાથમાં લીધો. "પપ્પા, હું સમજુ છું કે દીદીએ જે કર્યું એ જોઈ તમે મારી ચિંતા કરો છો પણ વિશ્વાસ રાખો પપ્પા કે હું આવું પગલું ક્યારેય નહી ભરું. હું પ્રોમિસ કરું છું કે કે તમે જેની પસંદગી મારા માટે કરશો, હું એની જ સાથે લગ્ન કરીશ. મા બાપથી વધુ દીકરીની ભલાઈ કોણ ઇચ્છી શકે? તમે ચિંતા મુક્ત થઈને સૂઈ જાવ."
રેનાની વાત સાંભળી કિશોરભાઈની આંખમાં ખુશીનાં આંસુ આવી ગયાં. "બેટા, મને તારી પાસે આ જ અપેક્ષા હતી. હું તારા માટે સારામાં સારું ઘર અને વર શોધીશ કે દુઃખની લહેર તને સ્પર્શી પણ ન શકે. રાણીની જેમ રાજ કરીશ તું." રેનાનું માથું ચૂમી કિશોરભાઈ અને કંચનબેન સૂવા જતાં રહ્યાં.
એમના જતાં જ હેપ્પી રેના પાસે આવી અને બોલી, "રેના, હું એમ નથી કહેતી કે તે પ્રોમિસ કરીને ખોટું કર્યું છે પણ જો ભવિષ્યમાં તને પણ કોઈ પસંદ આવી ગયું તો?"
"હેપ્પી, તને ખબર છે કે હું આવી બધી બાબતોથી દૂર જ રહું છું. મારું ધ્યાન ફક્ત મારા ભણવા પર હોય છે. પપ્પાને આપેલું પ્રોમિસ તો હું મારો જીવ દઈને પણ નીભાવિશ. તું જાણે છે મમ્મી પપ્પાને હું કેટલો પ્રેમ કરું છું."
"જાણું છું રેના, પણ..."
"હેપ્પી, કીધું ને મે કે હું મારું પ્રોમિસ પાળીશ જ."
*****************************
પરમ અને હેપ્પી બન્ને આ ઘટનાને યાદ કરી રહ્યાં હતાં. એ ઘટના બાદ હેપ્પીએ કોઈ પણ છોકરાને રેનાની આજુબાજુ ફરકવા પણ દીધો ન હતો. રેના હતી જ એટલી સુંદર કે એની સાથે દોસ્તી કરવા બધા છોકરા પ્રયત્ન કરતાં પણ હેપ્પી કોઈને ચાન્સ ન લેવા દેતી. આ લાસ્ટ યરમાં વિકી પરમના લીધે ગ્રુપમાં ઘૂસી ગયો અને રેના સાથે દોસ્તી પણ કરી લીધી. હેપ્પીને એટલે જ પરમ પર ક્યારેક ગુસ્સો આવતો કે એ પણ બધી વાત જાણે છે છતાંય કેમ આવું કરે છે.
રેના રસોડામાં ગઈ અને હેપ્પીએ પરમને પૂછી જ લીધું, "પરમ, તું બધું જ જાણે છે છતાંય કેમ રેનાને એ તરફ ધકેલે છે?"
"હેપ્પી, વિશાખાદીદીએ જે કર્યું એની સજા રેના શું કામ ભોગવે? વિકી સારો છોકરો છે તો ફઈ અને ફુવા શું કામ ના પાડે? પ્રયત્ન કરી લેવામાં શું જાય છે? જરૂર પડશે તો આપણે રેનાની મદદ કરશું ને."
"પરમ, હું નથી ઈચ્છતી કે અંકલનો વિશ્વાસ તૂટે."
"હેપ્પી, આપણે રેનાને ભાગવામાં થોડી મદદ કરવાની છે યાર, તો તું વિશ્વાસ તૂટવાની વાત કરે છે."
"પરમ, રેનાના કેસમાં તો પ્રેમ કરવો એટલે જ વિશ્વાસ તુટવો ગણાય એમ છે. જો તું..." હેપ્પીનું વાક્ય પૂરું થાય એ પહેલા રેના આવી ગઈ એટલે હેપ્પી ચૂપ થઈ ગઈ.
હેપ્પીને ચૂપ જોઈ રેના બોલી, "શું થયું? તું આમ ચૂપચાપ કેમ બેઠી છે?"
"રેના, હેપ્પી વિચારે છે કે જમવામાં શું મંગાવવું?" પરમ બોલ્યો.
"એક કામ કરીએ તો. આપણે આજે ' દાસ આતિથ્ય ' માંથી જમવાનું પાર્સલ મંગાવી લઈએ." આ સાંભળીને હેપ્પી તો ઝૂમી ઊઠી. ગુજરાતી થાળી માટે ભાવનગરનું ' દાસ આતિથ્ય ' ખૂબ જ પ્રસિદ્ધ છે.
રેનાએ તરત જ હોટેલમાં ફોન કરીને જમવાનું મંગાવી લીધું. લગભગ અડધી કલાકમાં તો પાર્સલ આવી પણ ગયું.
"ઓહ રેના, શું સુગંધ આવે છે યાર. જલ્દી ખોલ. બાકી હું આ એલ્યુમિનિયમ ફોઇલ અને ડબ્બા પણ ખાઈ જઈશ." હેપ્પી મોઢામાં પાણી લાવતાં બોલી.
જમવામાં મસ્ત ચાર શાક હતા. એક કઠોળ, ઊંધિયું, બટાકાનું શાક અને ઢોકળીનું શાક. સાથે પૂરી અને રોટલી, દાળ અને કઢી બન્ને અને ભાત, સલાડ, મરચાં, છાસ , પાપડ અને સ્વીટમાં ગુલાબજાંબુ અને અંગુર રબડી. ફરસાણમાં સમોસા અને ખમણ. મોજ પડી ગઈ બધાને જમવાની. જમીને બધા મૂવી જોવા બેઠાં. હેપ્પી તો એટલું પેટ ભરીને જમી હતી કે મૂવી જોતાં જોતાં જ સોફા પર જ ઊંઘી ગઈ. ધમાલ મસ્તી કરતાં કરતાં દિવસ પૂરો થઈ ગયો.
બીજે દિવસે સવારે રેના અને હેપ્પી કોલેજ પહોંચ્યા તો સૌથી પહેલા તેને વિકી જ મળ્યો. વિકીને જોઈ રેનાના ચહેરા પર સ્મિત આવી ગયું જે વિકીથી છાનું ન રહ્યું. સૌ લેક્ચરમાં બેઠાં. એક પછી એક પ્રોફેસર આવીને ભણાવી રહ્યાં હતાં પણ રેનાનું દિમાગ તો વિકી સાથે શું વાત કરવી એમાં જ પડ્યું હતું. બ્રેક પછીના બધા લેક્ચર ફ્રી હતાં. વિકી, પરમ, મિશા, હેપ્પી અને રેના સાથે બીજા થોડાક છોકરા અને છોકરીઓ કોલેજના કોમન ગાર્ડનમાં બેઠાં હતાં.
અચાનક જ ક્લાસની એક છોકરી આવી અને બોલી, "ફ્રેન્ડ્સ, કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા થવાની છે જેમાં ત્રણ સબજેક્ટ આપ્યા છે. (૧) લગ્ન : લવ કે એરેંજ (૨) ધર્મ અને વિજ્ઞાન: એક સિક્કાની બે બાજુ (૩) ટેકનોલોજી : અભિશાપ કે વરદાન? આ ત્રણ ટોપિકમાંથી કોઈ એક ટોપિક પર બોલવાનું છે. જેને પણ ભાગ લેવો હોય એ લોકો કાલ સુધીમાં પ્રોફેસર શર્માને નામ લખાવી દે." આમ કહી તે જતી રહી.
પરમે રેના સામે એકવાર જોયું અને પછી બાકી બધા સામે જોઈ બોલ્યો, "મને તો આ લવ અને એરેંજ મેરેજવાળો ટોપિક રસપ્રદ લાગે છે. શું કહેવું છે બધાનું?"
સૌ પોતપોતાની રીતે પોતાના અભિપ્રાય આપવા લાગ્યા. થોડીવાર પછી પરમે વિકીને પૂછ્યું, "વિકી, તું લવ મેરેજ કરીશ કે અરેન્જ઼?"
વિકીએ એક નજર રેના તરફ નાંખી અને બોલ્યો, "હું તો લવ મેરેજ કરીશ. જેને હું પ્રેમ કરી શકું એને જ હું મારી જિંદગીમાં સ્થાન આપી શકું. જેના વિશે હું બધું જ જાણતો હોવ. એ જેવી પણ હોય પણ મને પસંદ હોય. એના શોખ, પસંદ , નાપસંદ મને સ્વીકાર્ય હોય. જેના ગુણની સાથે અવગુણને પણ હું સ્વીકારી શકું. લગ્ન પછી ક્યારેય કોઈ અફસોસ ન રહે કે મે પહેલા આ બધું જાણી લીધું હોત તો સારું હતું એમ."
રેનાને ક્યાંક ને ક્યાંક વિકીના વિચારો સાચા લાગ્યા.
મિશા પણ બોલી, "હું પણ લવ મેરેજ જ કરીશ. જીવનમાં ક્યારેય પતિ સાથે ન બન્યું તો દોષનો ટોપલો માતા પિતા પર ઢોળી ન શકાય. પસંદ મારી હતી અને નિર્ણય પણ મારો હતો તો ભવિષ્યમાં સારું ખરાબ જે કઈ પણ થશે એ હું જ ભોગવીશ." આમ કહી એક નજર તેણે વિકી તરફ કરી લીધી.
પરમે હવે રેનાને પૂછ્યું, "રેના, તું શું માને છે? લવ મેરેજ સારા કે પછી અરેન્જ?" પરમ ઈચ્છતો હતો કે આ બહાને વિકી અને રેના બંનેને એકબીજાના વિચારો જાણવા મળે.
રેના થોડું વિચારીને બોલી, "અમમ, આમ તો બંનેના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે. જે લવ મેરેજ કરે છે એને એ જ સારું લાગે છે અને એરેન્જ મેરેજ કરે એને એ સારું લાગે. મારા મત મુજબ લગ્ન મહત્વના છે."
આ સાંભળી વિકી વચ્ચે જ બોલી પડ્યો, "કેવી રીતે?"
( ક્રમશઃ)
શું વિકીને રેનાના વિચારો ગમશે?
શું રેના લવ મેરેજ કરવા માટે પોતાના પરિવારને મનાવી શકશે?
મિશાના હદયમાં વિકી માટેની લાગણી શું નવો વળાંક લેશે?
જાણવા માટે જોડાયેલા રહેજો વાર્તા સાથે.