હું અને તેજો અમારા નિર્દોષ મજાકમાં ખુશ હતા ત્યાં જ બીજા મિત્રો પણ આવી ગયા હતા. ધીરે ધીરે રાત્રીએ એનો કબજો સમગ્ર ધરતી પણ પાથરી લીધો હતો. બધે જ હવે સંપૂર્ણ અંધારું છવાઈ ગયું હતું. ગામના ભાભલાઓ એમના ઘર તરફ વળી ચુક્યા હતા. અમે જુવાનિયાઓ બધા હવે અમારી અસલી રંગતમાં આવી ગયા હતા. નનકો પણ અમારી સાથે હાજર જ હતો. કોઈક હૂકો તો કોઈ પાન, બીડી, તંબાકુંની મોજ માણી રહ્યુ હતું. તેજા સિવાય કોઈને ધ્યાન નહોતું કે બીડી ફક્ત મારા હાથમાં જ સળગતી હતી, હું બીડીના દમ એક પણ લગાવતો નહોતો. તેજો એમ તો હોશિયાર આથી નનકાની સામે કાંઈ બોલ્યો નહીં પણ એની આંખનો ઈશારો હું સમજી જ ગયો હતો. ઝુમરીની સાથોસાથ આજ તેજાએ પણ મારુ દિલ જીતી લીધું હતું. રાત્રિનો બીજો પ્રહર શરૂ થવા લાગ્યો, આથી અમે ઘર તરફ પ્રયાણ કર્યું હતું. બધા મિત્રો પોતપોતાના નશાને માણી ઘરે જતા હતા અને હું ઝુમરીની અદાના નશાનો બંધાણી થતો જતો હતો.
ટોર્ચ ના આછા પ્રકાશના સહારે બધા ઘરની શેરીઓ તરફ જવા લાગ્યા હતા. કુતરાઓ પણ અમને પૂંછડી પટપટાવતા ઘરની ડેલી સુધી મૂકી ગયા હતા. હું જેવો ઘરની ડેલીમાં પ્રવેશ્યો કે તરત જ, ગાય ડેલીના ખખડ અવાજથી મારી ભણક પારખી ગઈ હોય એમ આવકારતા ભાંભરવા લાગી હતી. હું ડેલીમાં આવું એટલે રોજ એના ગળાએ હાથ ફેરવી પછી જ અંદર પ્રવેશતો હતો. અને ગાય પણ જાણે મારા સ્પર્શથી ખુશ થઈને શાંતિથી આરામ કરવા લાગતી હતી. મા અને બાપુ મારી રાહ જોઈ જોઈને ઊંઘી જ ગયા હોઈ! મેં વાળું નહોતું કર્યું તેથી માએ મારી થાળી રસોડામાં પીરસીને ઢાંકી રાખી હતી અને બાજુમાં એક મોટી તાંસળી ભરીને દૂધ પણ ભરી રાખ્યું હતું. હું હંમેશા કરતો એમ આજ પણ થાળીને પગે લાગીને ફક્ત દૂધ જે રાખ્યું હતું એ પી ગયો હતો. કાયમ ઉંઘી જતી મા આજ હજુ જાગતી હતી. અવાજ સાંભળી એ મારી પાસે આવી હતી.
માને જોઈ હું આજ ખુશ થઈ ગયો હતો. મા મારી પાસે આવીને બેઠી, હું એમના ખોળામાં માથું રાખીને મારુ મન મા પાસે હળવું કરવાનું વિચારતા આકાશમાં ટમટમતાં તારલિયાને જોવા લાગ્યો હતો. હું કાંઈ જ કહું એ પહેલા જ માએ એમના મનમાં ઉઠતાં પ્રશ્નના જવાબ જાણવાના આશ્રયથી મને પૂછ્યું, "દીકરા આટલી મોડી રાત સુધી તું કેમ બહાર ફર્યા કરે છે? દિવસે તો તું કાયમ બહાર જ રહે છે તો રાત્રે થોડીવાર તો ઘરમાં પરિવાર સાથે સમય વિતાવતો કેમ નથી? હું ઘણા સમયથી તને પૂછવાનું વિચારતી હતી પણ આજ તને પૂછી રહી છું, બોલ ને બેટા? શું વાત તને પરેશાન કરે છે?"
મને ઘડીક તો એમ થયું કે, આજ માને બાપુથી થતી મને તકલીફ જણાવી જ દઉં અને સાથોસાથ ઝુમરી માટે મારા મનમાં ફૂટતી પ્રેમની કૂંપળની જાણ કરું! હું હજુ કહેવા જ જતો હતો ત્યાં ડેલી પાસે બેઠેલા કૂતરાઓ ખુબ ભસવા લાગ્યા અને અચાનક નીરવ શાંતિમાં એટલો ઘોંઘાટ થવા લાગ્યો કે, બાપુએ પણ આજે માને સાદ કર્યો અને કહ્યું કે, બહાર વિવેકને નજર કરવા કહે આપણા ડેલાએ કુતરાઓ કેમ આટલું જોર જોરથી ભસે છે?
બાપુના અવાજ માત્રથી હું ફરી દુઃખી થઈ ગયો અને મને આ વાત કરવાનો યોગ્ય સમય ન લાગતાં હું મૌન જ રહ્યો હતો.
હું ચૂપચાપ આરામ ફરમાવતો ઊંડા વિચારમાં હતો. મા મને ચિંતિત જોઈ ફરી બોલી, "દીકરા! તું ભલે કાંઈ ન કહે પણ મને ખબર જ છે કે, તું તારા બાપુને ખુબ જ પ્રેમ કરે છે. દીકરા! તું તારી લાગણી એમને કહી તો જો, તારા બાપુ ભલે એકદમ કઠણ રહ્યા પણ મન એમનું મીણ જેવું છે." મા બોલતી રહી અને હું એમની વાતોને સાંભળતો રહ્યો હતો. મનમાં થયું આજ માએ પણ મને બોલવાની તક આપી નહીં. માની વાત પતી અને કૂતરાઓનો જે ઝઘડવાનો અવાજ હતો એ પણ ધીરે ધીરે બંધ થઈ ગયો હતો. પણ મારા ભીતરમનમાં ઉઠેલું વેદનાનું બવંડર ખુબ તોફાન મચાવી રહ્યું હતું.
મા ઓરડીમાં ઊંઘવા ગયા અને હું ફાનસને બંધ કરીને આજ મારા ઓરડાને બદલે અગાસીએ ખાટલો લઈને ચડ્યો હતો. મેં અગાસી પર ખાટલો પાથર્યો હતો. ખાટલા પર માનું બનાવેલ ગોદડું પાથરતા ખાટલાની ગુંથણી પર મારુ ધ્યાન ગયું, ગુંથણી ખુબ સરસ ગૂંથેલ હતી. ચંદ્રની ચાંદનીમાં એ ખુબ સરસ દેખાતી હતી. આ ખાટલો માએ જ ભર્યો હતો એ પરિવારને પણ આમ જ જોડી રાખવા પ્રયત્ન કરતી હતી. હું ખાટલા પર આડો પડ્યો અને વિચારોમાં લીન ક્યારે નિદ્રાધીન થઈ ગયો ખબર જ ન પડી.
પ્રભાતિયું થતાની સાથે જ કુકડાનાં અવાજ મને ઉઠાડવાનાં પ્રયાસ કરી રહ્યા હતા. મોર પણ કુકડા સાથે હરીફાઈમાં ઉતર્યાઁ હોય એમ ટહુકા કરી રહ્યા હતા. પારેવાના કલબલાટથી મારા કાન સરવર્યા, મેં મારા ચહેરા પર ઊંઘતી વખતે મુકેલ હાથને હટાવ્યો, અને હળવેકથી આંખ ખોલી ત્યાં રાતનો અંધકાર દૂર કરવા વાદળોની પાછળ ડોકિયાં કરતો સૂરજ સમગ્ર આકાશમાં રંગબેરંગી ભાત ઉપજાવી રહ્યો હતો. મારી આંખો આ દ્રશ્ય નિહાળવામાં મશગુલ હતી ત્યાં જ મંદિરમાં મંગળા આરતીના ઘંટનાદ શરૂ થયા હતા. મારુ મન ખુબ શાંત હતું. હું પથારીમાંથી બેઠો થયો અને આંખ બંધ કરી ગઈકાલની મારી પ્રિય પળને વાગોળવા લાગ્યો હતો. મન ફરી આનંદિત થઈ ગયું હતું. એક મક્કમ વિશ્વાસ સાથે હું ઝડપભેર ઉભો થયો અને ખાટલો લઈને નીચે ઉતર્યો હતો.
માએ કુવામાંથી મારે માટે પાણી સીંચી રાખ્યું હતું અને દાંતણ પણ પાણીમાં પલાળેલું એની પાસે જ એક ગ્લાસમાં રાખ્યું હતું. હું તૈયાર થઈ મા પાસે ગયો હતો. માએ તાંસળી ભરી ચા અને ગરમ રોટલો અને ઘી-ગોળથી ભરેલી વાટકી મારા માટે તૈયાર રાખી હતી. મને જોઈને તરત બોલી, "ચાલ દીકરા! હું તારી રાહ જ જોતી હતી."
"મા તું જલ્દી ઉઠી જાય મારી રાહ તારે જોવાની નહીં. મેં તમને કેટલીવાર રાહ જોવાની ના પાડી છે!"
"દીકરા! એક સવારે જ તો આપણે સાથે અન્નનો કોળિયો ખાઈએ છીએ તારે એ પણ બંધ કરવો છે?" ભાવવિભોર થતા મા બોલી હતી.
"ના મા. એવું ન બોલ. હું વહેલા ઉઠવાનો પ્રયત્ન કરીશ, અને હા મા! આજ બાપુની સાથે મારુ ભાતું પણ ભરી દેજે. હું આજે એમની જોડે ખેતરે જવાનો છું."
મારા શબ્દો માને અનહદ ખુશી આપી ગયા. માને અંદાજ પણ નહોતો કે, હું આજ ખેતરે ફરી જઈશ. મા એટલી ખુશ થઈ ગઈ કે, એ કઈ જ બોલી ન શક્યા પણ આંખમાં છવાયેલ ભીનાશ જોઈ હું ઘણું બધું સમજી ગયો હતો.
બાપુ સાથે હું ખેતરે પહોંચી ગયો હતો. બાપુએ અમુક કામ સોંપ્યા એ હું કરવા ખાતર કરતો હતો, મન તો ઝુમરીને ફરી જોવાની ખેવનામાં જ આતુર હતું. બાપુ એમના એક મિત્ર સાથે સરપંચને મળવા ગયા અને મેં રાહતનો શ્વાસ લીધો હતો. જેવા બાપુ ખેતરેથી નીકળ્યા કે તરત હું ઝૂંપડી તરફ ગયો હતો. મેં ઝૂંપડીએ ચડીને નનકાના ખેતરમાં ડોકિયું એ આશાએ કર્યું કે, આજ ઝુમરી દેખાય તો એની સાથે વાત કરવી જ છે.
મેં નનકાના આખા ખેતરમાં નજર કરી પણ મજુર સિવાય કોઈ દેખાયું નહીં. મન એકદમ વ્યગ્ર થઈ ઉઠ્યું હતું. ચહેરે પરસેવાની બૂંદો વળવા લાગી હતી. મરાથી એક ઊંડો નિસાસો નખાઈ ગયો! ક્ષણભરમાં જ મનની સ્થિતિ બદલાવા લાગી હતી. ત્યાં જ સાયકલની ટંકોળીનો અવાજ આવ્યો હતો. મેં એ દિશા તરફ જોયું નનકો સાયકલ ધીરે ધીરે ચલાવતો હતો અને ઝુમરી બાજુમાં વાતો કરતી પોતાનો ચોટલો હાથમાં ફેરવતી ચાલતી આવતી હતી. ઝુમરીને જોઈને હું ફરી આનંદમાં આવી ગયો હતો. સામાન્ય પહેરવેશમાં પણ કેટલી સુંદર દેખાતી હતી. હું ઝૂંપડી પર બેઠો એ બંનેને જોવામાં એટલો મગ્ન હતો કે એ બંને અમારા ખેતર પાસેથી નીકળી ગયા છતાં હું એમને મળવા એમની પાસે જવાનું જ ભૂલી ગયો. બસ બેઠો બેઠો ઝુમરીનું નિરીક્ષણ જ કરતો રહ્યો!
શું હશે ઝુમરીને પ્રત્યક્ષ જોઈને વિવેકના હાવભાવ?
શું થશે બંને વચ્ચે કોઈ સંવાદ?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏.