A - Purnata - 30 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 30

Featured Books
Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 30

પરમની વાતોએ રેનાને એક હૂંફ આપી દીધી અને કોઈ પણ નિર્ણય લેવા માટે તેણે પોતાની જાતને તૈયાર કરી લીધી. બીજે દિવસે કોલેજ જઈ તેણે વિકીના મનમાં શું છે અને તેના વિચારો કેવા છે એ જાણવાનું નક્કી કર્યું.
પરમ રેનાના ચહેરા પર આવેલી ચમક જોઈ રહ્યો. સાથે સાથે બે વર્ષ પહેલા બનેલી ઘટના પણ તેના દિમાગ પર છવાઈ ગઈ.
બે વર્ષ પહેલા રેનાની જ્યારે કોલેજ હજુ ચાલુ જ થઈ હતી ત્યારની વાત છે. એક દિવસ રેના અને હેપ્પી કૉલેજથી ઘરે આવ્યા તો ઘરનું વાતાવરણ એકદમ ગંભીર હતું. રોજ મસ્તી મજાક કરતી હેપ્પી પણ ઘરનું વાતાવરણ જોઈ ચૂપ જ રહી. રેનાના પપ્પા કિશોરભાઈ માથા પર હાથ દઈને બેસેલા હતાં. કંચનબેન પણ એકાદ વાર રડ્યા હોય એવું લાગી રહ્યું હતું.
રેનાએ પોતાની બેગ સાઇડમાં મૂકી અને તેના પપ્પા પાસે જઈને બેઠી. રેના અને કિશોરભાઈ વચ્ચે બાપ દીકરી કરતાં મિત્રોના સંબંધો વધુ હતાં. રેનાએ ધીમેકથી પોતાનો હાથ કિશોરભાઈના હાથ પર મૂક્યો અને પૂછ્યું, "શું થયું પપ્પા? કેમ આમ બેઠાં છો? ધંધામાં કોઈ નુકશાન થયું છે?"
કિશોરભાઈએ એક નિઃસાસો નાંખી કહ્યું, "બેટા, ધંધાનું નુકશાન તો ભરપાઈ પણ થઈ જાય પણ વ્યક્તિનું, આબરૂનું નુકશાન ક્યારેય ભરપાઈ ન થાય." આટલું કહેતા તેમની આંખમાંથી એક આંસુ સારી ગયું. તો બીજી બાજુ કંચનબેનથી પણ એક ડૂસકું મુકાઈ ગયું. હેપ્પી તરત જ બધા માટે પાણી લઈ આવી.
કિશોરભાઈએ પાણી પીધું અને પછી બોલ્યા, "વિશાખા એક આંતરજ્ઞાતિય છોકરા સાથે ભાગી ગઈ."
આ સાંભળતા જ રેનાની આંખો પહોળી થઇ ગઈ.
વિશાખા, રેનાની મોટા પપ્પાની દીકરી હતી. કિશોરભાઈના મોટા ભાઈ શંકરભાઈને એક જ દીકરી હતી વિશાખા. જે સી.એ. થયેલી હતી. તેની મા તો વિશાખા નાની હતી ત્યારે જ ગુજરી ગયેલા. કંચનબેનના હાથમાં જ એ મોટી થઈ હતી. ખૂબ લાડકોડમાં ઉછરી હતી. આવતા અઠવાડિયે તેના લગ્ન હતાં એ પણ એક કરોડપતિ કુટુંબમાં. લગ્નને એક અઠવાડિયું બાકી હતું અને વિશાખા ભાગી ગઈ એટલે શંકરભાઈની આબરૂના લીરા ઉડી ગયા. શંકરભાઈની સમાજમાં એક શાખ હતી. લોકો તેમને માનની નજરે જોતાં. આજે એ જ માન અપમાન બનીને તેમની સામે નાચી રહ્યું હતું.
રેનાના મોઢામાંથી માંડ અવાજ નીકળ્યો, "પપ્પા, આ કેવી રીતે શક્ય બને? વિશાખા દીદી તો ખુશ હતા એમની સગાઈથી. જો એવું કઈ હોત તો એ મોટા પપ્પાને પહેલા પણ જણાવી શક્યા હોત ને? મોટા પપ્પા તો પોતાની દીકરીની ખુશી જ ઈચ્છતા હોય ને. એ થોડા ના પાડવાના હતાં?"
કિશોરભાઈ હજુ કઈ બોલે એ પહેલા જ પાછળથી શંકર ભાઈનો અવાજ આવ્યો, "બેટા, એ જ તો ન ખબર પડી અમને. દીવો લઈને શોધવા જઈએ તો પણ આટલું સુખી કુટુંબ ન મળે એવા પરિવારમાં મે એનો સંબંધ કરાવ્યો હતો અને એ પણ એને પૂછી ને." આટલું કહેતા શંકરભાઈ સોફા પર ફસડાઈ પડ્યાં.
રેના તરત જ તેમની પાસે ગઈ અને તેમને આશ્વાસન આપ્યું, "ચિંતા ન કરો મોટા પપ્પા, આપણે દીદીને શોધી લઈશું ને."
"તને ખબર છે એ એની સાથે કોલેજમાં ભણતા એક સાવ મવાલી જેવા વ્યક્તિ સાથે ભાગી છે. એ છોકરો પોતે વ્યસની છે, કેટલીય છોકરીઓને ફેરવી લીધી હશે અને કમાતો કઈ પણ નથી. જો વિશાખા કોઈ સારો છોકરો શોધીને ગઈ હોત તો મને તકલીફ જ ન હતી પણ સાવ આવું પાત્ર..." આટલું કહેતા શંકરભાઈ પોક મૂકીને રડી પડ્યાં. હેપ્પી અને રેનાની આંખમાં પણ આંસુ આવી ગયાં.
"અંકલ, ચાલોને,પોલીસમાં ફરિયાદ કરીએ. એ લોકો તો શોધી જ આપશે." હેપ્પી શંકરભાઈ પાસે બેસતાં બોલી.
"બેટા, એ ચીઠ્ઠી છોડીને ગઈ છે કે મને શોધવાની કોશિષ કરશો તો મારું મરેલું મોં ભાળશો. શોધીને પણ શું કરું? એને જો એના બાપની આબરૂની પડી હોત તો આ પગલું લેતાં પહેલાં એક વાર તો વિચાર કર્યો હોતને? શું મોં બતાવવું મારે એની સાસરી વાળાને?"
કંચનબેન આંસુ લૂછતાં બોલ્યા,"પ્રેમ આંધળો હોય છે એ સાંભળ્યું હતું પણ આજે જોઈ પણ લીધું."
"અરે, એવો કેવો પ્રેમ જે મા બાપના પચીસ વર્ષના પ્રેમથી પણ વધી જાય?" કિશોરભાઈ અકળાઈ ગયા.
"રેના, તું તો એની સખી પણ હતી ને? તો તને જરાક પણ અંદાજો ન હતો આ વાતનો?" શંકરભાઈ આંખોમાં આંસુ સાથે બોલ્યા.
"કેવી વાત કરો છો મોટા પપ્પા તમે? જો મને ખબર હોત તો હું દીદીને આવા કૂવામાં થોડી પડવા દઉ? એ બધી વાત મને કરતાં પણ આ બાબતે ક્યારેય કશું જ નથી કહ્યું. મમ્મીના સમ ખાઈને કહું છું." રેના ગળગળી થઈ ગઈ.
"મોટા ભાઈ, હશે હવે, આપણા નસીબ જ ખરાબ હોય તો કોઈ શું કરે. એના કર્યા એ ભોગવશે બીજું તો શું." કિશોરભાઈ શંકરભાઈને આશ્વાસન આપી રહ્યા.
"કિશોર, આપણી વર્ષોની બનાવેલી ઈજ્જત એક જ પળમાં એ ધૂળધાણી કરીને જતી રહી. કોઈને મોં દેખાડવા લાયક નથી છોડ્યો. પાત્ર સારું શોધીને ગઈ હોત તો બે ચાર મહિને એ પાછી આવત તો હું સ્વીકારી પણ લેત એને, પણ હવે નહિ. વિશાખા આજથી જ મારા માટે મરી ગઈ છે. હવેથી મહેતા ખાનદાનની એક જ દીકરી છે, રેના." આમ કહી શંકર ભાઈએ રેનાના માથે પોતાનો હાથ મૂકી દીધો.
"એવું ન કહો મોટા પપ્પા, વિશાખા દીદી મારી અને આપણા ખાનદાનની મોટી દીકરી છે. ભૂલ તો બધાથી થાય ને. એ જ્યાં પણ હોય ખુશ હોય બસ એવા આશીર્વાદ આપો એને દિલથી. છોરું કછોરું થાય પણ માવતર થોડા ક્યારેય કમાવતર થાય?" રેના શંકરભાઈને સમજાવતા બોલી.
કંચનબહેન પણ રેના પાસે આવી ઊભા રહ્યા અને બોલ્યા, "મોટા ભાઈ, રેના સાચું કહે છે. કદાચ આ આપણા કોઈ કર્મોનું ફળ હશે એમ સમજી ભૂલી જાવ હવે બધું."
બધાની સમજાવટથી શંકર ભાઈએ પણ હાલ પૂરતું પોતાનું મન મનાવી લીધું. આજે તે કિશોરભાઈના ઘરે જ રોકાઈ ગયાં. સૌ જમીને આરામ કરવા લાગ્યા.
આ બધી જ બાબતની કિશોરભાઈના મન પર ખૂબ જ ઊંડી અસર પડી હતી. આખરે એ પણ એક દીકરીના બાપ હતા ને!!
કિશોરભાઈ કંચનબેનને લઈને રેનાના રૂમમાં ગયાં. હેપ્પી અને રેના કોલેજનું વર્ક કરી રહ્યા હતાં. હેપ્પી આજે રેના પાસે જ રોકાઈ ગઈ હતી જેથી રેનાનો મૂડ થોડો ઠીક રાખી શકે.
કિશોરભાઈને રૂમમાં આવેલા જોઈ રેના બોલી, "અરે પપ્પા, કઈ કામ હતું?"
"હા બેટા, બેસ અહી મારી પાસે." રેના કિશોરભાઈ પાસે બેઠી.
"બેટા, આજે હું કઈક માંગુ તો તું મને આપીશ?"
"પપ્પા, એ કઈ પૂછવાની વાત છે. બોલોને શું જોઈએ તમારે. આમ તો હું જ કઈક ને કઈક માંગતી રહેતી હોવ છું તો આજે તમારો વારો. તમે જે માંગશો તે આપીશ."
રેનાનો હાથ પોતાના હાથમાં લઈ કિશોરભાઈ બોલ્યા, "એક પ્રોમિસ કર બેટા કે તું ક્યારેય લવ મેરેજ નહિ કરે. તું ફક્ત અને ફક્ત મારી પસંદની વ્યક્તિ સાથે જ લગ્ન કરીશ. તું ફક્ત અરેંજ મેરેજ જ કરીશ. પ્રોમિસ આપ મને."
આ સાંભળી રેના સ્તબ્ધ થઈ ગઈ. ઘડીભર શું બોલવું એ ન સમજાયું.
"પપ્પા, આ કેવું પ્રોમિસ છે?"
"કેમ બેટા, તને તારા બાપ પર આટલો વિશ્વાસ નથી કે એ તારું ક્યારેક ખરાબ નહિ વિચારે?" એક બાપ તરીકે પોતાની દીકરીની ચિંતા સો ટકા વ્યાજબી હતી. વિશાખાએ કદાચ ઉંમરના આવેગમાં જે કર્યું એ રેના ક્યારેય ન કરે એટલું જ કિશોરભાઈ ઈચ્છતા હતાં.
( ક્રમશઃ)
શું રેના કિશોરભાઈને પ્રોમિસ આપશે?
પ્રોમિસ આપીને પણ એ પ્રોમિસ નિભાવી શકશે?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો આગળનો ભાગ.