Bhitarman - 2 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 2

Featured Books
Categories
Share

ભીતરમન - 2

હું મારા વિચારોમાં મગ્ન બારીની બહાર જોઈ રહ્યો હતો. ગામની હદ પુરી થવા આવી હતી, એ સાથે જ જાણે ઝુમરી સાથેનો સંબંધ પણ.. મારુ મન તો ઝુમરીનો જ જીવનભરનો સંગાથ ઇચ્છતું હતું. મન મારીને કેમ હું બીજાને મારા જીવનમાં આવકાર આપું?


અમારી ગાડી હજુ પાકા રસ્તા પર ચડી નહોતી, આથી આગળનો સ્વચ્છ રસ્તો ઝડપભેર ચાલતી ગાડીના લીધે, ગાડી પસાર થયા બાદ સર્વત્ર ધૂળિયું વાતાવરણ બનતું જતું હતું, જેથી સાઈડ ગ્લાસની સપાટી પર ધૂળની છારી બાજી ગઈ હતી, અને એ જ ગ્લાસ માંથી ઝાંખી પ્રતિભા ઉપજાવતો એક ગોવાળીયો ગાયોને સીમમાં લઈ જતો દેખાયો અને એ દ્રશ્ય મને ઝુમરીની યાદમાં ખેંચી ગયું હતું.


એક વર્ષ પહેલાની આ વાત આજ પણ એકદમ તાજી જ લાગી રહી હતી. હું બાપુ સંગાથે ખેતરે ગયો હતો. કપાસનો સારો મબલખ પાક થયો હોય, મજૂરો પર દેખરેખ રાખવા બાપુ મને ખેતરે લઈ ગયા હતા. બાપુને અચાનક એક કામ માટે નજીકના ગામ જવાનું થયું હતું. મેં અને બાપુએ મા એ બાંધી આપેલ ભાતું ખાધું અને બાપુ મને ખેતરે કામની દેખરેખ માટે મૂકી નજીકના ગામ જામનગર ગયા હતા.


હું એક ઝાડના ટેકે બેઠો હતો. આસપાસનું સુંદર વાતાવરણ મને ખુબ આનંદ આપી રહ્યું હતું. મજૂરો ખેતરમાં કામ કરતા હતા, પંખીઓનો કલરવ નીરવ શાંતિમાં સુમધુર સંગીત ફેલાવી રહ્યું હતું. બપોરનો સમય હોય આસપાસ કોઈ અવરજવર નહોતી. હું થોડી થોડી વારે ખેતરે ચક્કર મારી રહ્યો હતો. ચક્કર મારતાં હું અમારી ખેતરની સાઈડમાં બનાવેલ એ કાચી એવી ઝૂંપડી પર આરામ ફરમાવાના આશ્રયથી ચડ્યો હતો. આ ઝૂંપડી આખું ખેતર દેખાય શકે એમ થોડી ઉંચાઈએ બાંધી હતી.. વાંસની નિસરણી પર ચડી હું ઝૂંપડીમાં પ્રવેશ્યો હતો. ઝૂંપડીમાંથી આખા ખેતરમાં મેં નઝર ફેરવી, એક સરખું ખેતર ખુબ જ આકર્ષિત લાગતું હતું. હું આમતેમ બીજી તરફ પણ નજર ફેરવવા લાગ્યો ત્યાં જ મારી નજર બાજુના ખેતર પર પડી હતી. એ દ્રશ્ય અત્યારે પણ મને યાદ આવતા મનને રોમાંચિત કરી રહ્યું હતું. એક સુંદર છોરી ઝાડની નીચે વિસામો ખાઈ રહી હતી. વાન ખુબ ગોરો હતો. ઘેરાં મરૂન રંગના ચણિયાચોળીમાં એ વધુ આકર્ષિત લાગી રહી હતી. એના પગની પાયલમાં એના હાથની આંગળીઓ રમત રમી રહી હતી. દુપટ્ટામાં ઢંકાયેલ એના દેહના મરોડ અસ્પષ્ટ દેખાતા વધુ મોહિત લાગી રહ્યા હતા. ગળામાં ત્રણ છૂંદણાં કરેલા હતા જે એના ગોરા વાનમાં તરત જ ડોકિયાં કરી દેખાય રહ્યા હતા. એના નરમ દેખાતા હોઠ પાસે એને થયેલ જીણી ફોલ્લી એણે સ્પર્શી અને જે દર્દની સહેજ સિસ્કારી ભરી એ મારા રોમે રોમમાં ઝણઝણાટી મચાવી ગઈ હતી. આજ સુધી ક્યારેય આવી લાગણી મને નહોતી થઈ, મને એને નીરખવું ગમતું હતું. મેં હવે એના ચહેરા તરફ નજર કરી હતી. એકદમ સુંદર અને લાવણ્ય છલકાવતો નાજુક ચહેરો મને ખુબ જ ગમી ગયો હતો. એની કામણગારી આંખ આંજણથી આંજેલી હતી. એના કાળા અને વાંકડિયા વાળ એના ગાલ ને સ્પર્શીને એની સુંદરતા વધારી રહ્યા હતા. ત્યાં જ એક બૂમ ઝુમરીના નામની પડી અને એ ઝડપી ઉભી થઈ અને બોલી, આવું છું ભૈલું.. નખરાળી ચાલે ચાલતી એ જ્યાંથી બૂમ સંભળાઈ એ દિશામાં ચાલવા લાગી હતી. હું એના મોહિતરૂપને નીખરતો ઉભો જ રહી ગયો હતો.


અમારી ગાડીને થડકો આવતા હું મારા ભૂતકાળમાંથી હયાતીમાં આવી ગયો હતો. મા થોડી થોડી વારે મને જ જોઈ રહી હતી. એ કદાચ મારા અકથ્ય શબ્દ સમજી જતી હોય એવું હું અનુભવી રહ્યો હતો. હું મા માટે જ મારા આવનાર અપ્રિય જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો હતો એ વસવસો કદાચ મા ને પણ હતો. મા હંમેશા ભાગ્યે જ બાપુની હાજરીમાં કાંઈ બોલતી, પણ આજ એ ઘડી ઘડી કારણ શોધી વાત કર્યા કરતી હતી. માનું આજનું આવું વર્તન એમનો હરખ અને મારા પ્રત્યેની અતિશય લાગણીથી ઉઠતું મને દર્દ એના સમોવડી ભાવથી સર્જાઈ રહ્યું હતું. બાપુ ને કઈ કહી શકે એમ નહોતી અને મારા ચહેરા પર છવાયેલ ભીતર ની પીડા મા સહન કરી શકતી નહોતી એ હું સમજી જ ગયો હતો. બાપુ તો દ્વારકા સમયસર પહોંચવાની તાલાવેલીમાં ઘડી ઘડી સમય જોયા કરતા હતા. મા એ પાણી પીવાની ઈચ્છા જાહેર કરી અને થોડીવાર પગ છુટા કરવા ગાડી ઉભી રાખવાનું બાપુને વિનંતીના સૂરમાં કહ્યું હતું. મા પોતાની વાત મનાવવામાં આજ ફાવી ગયા હતા.


બાપુએ નાની એક ચાની દુકાન પાસે ગાડી ઉભી રાખી હતી. બધા ગાડીમાંથી ઉતર્યા હતા. હું સીટ પર જ સહેજ બે હાથને સીટની ઉપર તરફ ટેકવી જાતને આરામ આપવા લાગ્યો. મા પાણીનો ગ્લાસ લઈને મારી પાસે આવી અને બોલી,

"દીકરા! પાણી પી લે. તારી ચિંતા જોઈ તારી સાથે વાત કરવા જ મેં ગાડી ઉભી રખાવી છે."


મેં પાણીનો ગ્લાસ લીધો અને પાણી પીતા હું બોલ્યો, "શું વાત કરવી છે?"


"જો દીકરા! તું મનમાં ભાર ન રાખ કે તારા જીવનનો ફેંસલો તારી ઈચ્છાથી નહીં પણ તારા બાપુની ઈચ્છાથી થાય છે. તે ક્યારેય તુલસીને જોય જ નથી આથી તને જાજુ દુઃખ થાય છે. રૂપમાં જ નહીં પણ બોલે ચાલે પાંચમા પુછાય એવી છે તુલસી! તુલસીને માટે તો હજુ પણ ઘણા સગપણ એના ઘરે આવે છે પણ તુલસીના બાપુ તારા બાપુના વેણ ખાતર કોઈને પોતાની તુલસી માટે હા પાડતા નથી."


"મા બસ કર ને! હું આવું છું અને તમારી ઈચ્છાને માન આપી હું આગળ વધુ જ છું ને! તમે બસ એ જ ધ્યાનમાં રાખો. મારાથી હવે તુલસીના વધુ વખાણ સહન થતા નથી. મા તને હાથ જોડું મને મારા હાલ પર છોડી દે!" મેં માની વાત વચ્ચેથી જ કાપી મારી વાત એમને જણાવી દીધી હતી.


માએ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને એ ફરી પોતાની જગ્યાએ બેસી ગયા હતા.


બાપુ થોડે દૂર ઉભા બીડીનો કસ મારી રહ્યા હતા. બીડીના ધુવાંડા જેમ ઉપર જતા ઓઝલ થઈ જતા હતા એમ મારુ ઝુમરી સાથેનું સ્વપ્ન પણ ઓઝલ થઈ રહ્યું હતું. જેમ જેમ તુલસીના ઘર તરફ અમે વધી રહ્યા હતા એમ એમ ઝુમરી મારા મનમાં વધુ કબજો જમાવી રહી હતી.


*******************************


ઝુમરીને જતા હું જોઈ જ રહ્યો હતો. મનમાં મેં એનું નામ ગણગણ્યું.. 'ઝુમરી'. મને શું થઈ રહ્યું હતું એ મને સમજાતું નહોતું, પણ મને ખુબ જ આનંદ આવી રહ્યો હતો. ઝુમરીની એકએક અદા મને ઘડી ઘડી યાદ આવી રહી હતી. હું એમ જ એના વિચારમાં ઝૂંપડી પર જ બેસી રહ્યો હતો. સાંજ થવાને હવે થોડી જ વાર બાકી હોય એ આથમતા સૂરજને જોઈ સમજાઈ રહ્યું હતું, છતાં હજુ મને ઝુપડીએથી હટવાનું મન જ થતું નહોતું. હળવા પવનની લહેરખીનાં સ્પર્શથી હું આનંદિત થઈ રહ્યો હતો. મજૂરો હવે ખેતરનું આજના દિવસનું કામ સમેટી રહ્યા હતા અને હું મારા જ એકાંતમાં એ અજાણી છોરીની યાદમાં ગુંચવાઇ રહ્યો હતો. જાણે અચાનક એ મારા ચિત્તને ચોરી ગઈ હોય એમ મારુ મન ક્યાંય લાગતું નહોતું. મારી આજના દિવસની આ પળો મેં ક્યારેય અનુભવી ન હોય એવી એક અલગ જ ભાત મારા મનમાં છવાઈ ગઈ હતી. અચાનક બધું જ ખુશનુમા લાગવા લાગ્યું હતું. હું ભીતરે ઉઠતી લાગણી પરથી વિચારવા લાગ્યો કે, જો ફક્ત એ છોરીને એક વખત જોવાથી જ હું આટલો આનંદ અનુભવું છું તો એ છોરી મારા જીવનમાં આવી જાય તો? આ પ્રશ્ન ભીતરમનમાં ગુંજવા લાગ્યો અને એના પડઘા મારા રોમ રોમમાં આનંદની હેલી ફેલાવી રહ્યા હતા.


ઝુમરીને ક્યારે અને કેમ મળશે વિવેક?

શું ઝુમરી સમજશે વિવેકની લાગણી?


વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏.